Essays Archives

ભગવાન સ્વામિનારાયણના વિરલ વ્યક્તિત્વમાં આકર્ષાઈને યા હોમ કરવા તત્પર થયેલા વિરાટ સમુદાયમાં તે સમયના પ્રસિદ્ધ ધર્માચાર્યો અને મહંતો પણ હતા. ભગવાન સ્વામિનારાયણના પ્રથમ દર્શને જ પોતાના અસ્તિત્વનું ભાન ભૂલી જનાર એ મહંતો કે મઠાધીશો પોતે કોઈ સામાન્ય હસ્તી ન હતા. છતાં ભગવાન સ્વામિનારાયણનાં ચરણમાં રહેવા માટે તેઓ પોતાનું સર્વસ્વ ન્ચોચ્છાવર કરવા ઝૂકી ઝૂકીને પાયે પડતા હતા. સંન્યાસીઓના શિરતાજ ભગવાન સ્વામિનારાયણની એ અલ્પ ગાથા...

સંન્યાસીઓના શિરતાજ

પોતાના પ્રતાપથી અનેકનાં હૃદયોને પ્રકાશ પમાડનાર, અનેકનાં ચિત્તનું આકર્ષણ કરી તેમને 'ગુરુવચને ચૂરેચૂરા' થઈ જાય એવા સ્વવશ કરી મૂકનાર, ...નિરંકુશ અને સ્વચ્છંદી બનેલા ત્યાગાશ્રમને ઉજ્જ્વલ કરનાર, પતિત થયેલા ગુરુઓ અને આચાર્યો માટે સંયમનો આદર્શ બેસાડનાર, ...શુદ્ધ ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગના ચાલક, ભાગવત ધર્મના શિક્ષક તથા વ્યાસસિદ્ધાંતના બોધક એવા સહજાનંદ સ્વામી હતા.
- કિશોરલાલ મશરૂવાળા (પ્રસિદ્ધ ગાંધીવાદી ચિંતક)

'બ્રહ્મચારી! આપ કાં તો મઠમાં આવી જાઓ કાં તો ગામમાં ચાલ્યા જાઓ.' મઠના ઓટલે બેઠેલા વણીને મહંતે કહ્યું.
વણીએ પૂછ્યું : 'કેમ?'
મહંત બોલ્યા : 'આ ઘનઘોર જંગલમાં હિંસક પશુઓનો ઘણો ત્રાસ છે. રાત્રે તેઓ આવશે તો તમને જરૂર ફાડી ખાશે.'
મહંતની આ ચેતવણી સાંભળી વણીએ સ્મિત વેર્યું ને બોલ્યા : 'મહંતજી! શું સંતાઈ જવાથી આવેલું મોત પાછુ _ જતું રહેશે? લોકો લાંબું જીવવા હાથે દોરા બાંધે છે છતાં આયુષ્યની દોરી તૂટે ત્યારે તે દોરા ક્યાં કામમાં આવે છે? રાજાઓ અનેક વૈદ્ય રાખે છે છતાં ઘણા બાળપણમાં જ મરી જાય છે. વહેલું-મોડું મરવાનું છે તે અમે જાણીએ છીએ માટે મૃત્યુનો ભય અમને રહેતો નથી. અમે તો અહીં ઓટલે જ આરામ કરશું.'
હિમાલયની ગોદમાં શ્રીપુર નગરની બહાર આવેલા પ્રસિદ્ધ કમલેશ્વર મઠના મહંત ક્યારેય કોઈનાથીય આટલા બધા આકર્ષાયા નહોતા. આ બાળબ્રહ્મચારીનું આકર્ષણ તેમને કોઈપણ ભોગે આશ્રમની અંદર ખેંચી લેવા આગ્રહ કરતું હતું, પરંતુ બીજી બાજુ વણીની વાણીમાં મહંતને બાળહઠ ને જોગીહઠ બંને એક સાથે જણાઈ આવી. તેથી વધુ વાત કરવાનું મૂકી તે મઠમાં ભરાઈ ગયા. ધીમે-ધીમે રાત્રિના બે પ્રહર વીત્યા ત્યાં કેસરી સિંહની ત્રાડથી જંગલ ધ્રૂજી ઊઠ્યું. મઠમાં સૂતેલા મહંત ને તેના શિષ્યો સફાળા જાગી ગયા ને ભયથી થરથર ધ્રૂજવા લાગ્યા. મહંતને થયું કે પેલો બાળ-બ્રહ્મચારી જરૂર કાળનો કોળિયો થઈ જશે. બહાર શું બને છે તે જોવા તેણે બારીની તિરાડમાંથી જોયું તો આશ્ચર્ય! ગોવાળ પાસે ગાય વર્તે તેવી દશા વણી આગળ સિંહની હતી! રાત આખી આ ઐશ્વર્ય-દર્શનમાં વીતી ને પ્રાગડના દોરા ફૂટતાં સિંહ ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો.
સગી આંખે નિહાળેલું આ કૌતુક મહંતને વણી પાસે લઈ આવ્યું. તે વણીનાં ચરણે ઢળી પડ્યા ને કહેવા લાગ્યા : 'બ્રહ્મચારી ! આપ બહુ પ્રતાપી પુરુષ છો. આપ અહીં રહી જાઓ. આ મઠના મઠાધિપતિ હું તમને બનાવી દઉં. વર્ષે લાખ રૂપિયાની આવક છે. હું પણ આપનો શિષ્ય બની રહીશ...' મહંત બોલ્યે જ જતા હતા.
તેની વાત અટકાવી વણી વચ્ચે જ બોલ્યાઃ 'મહંતજી! જો દ્રવ્યની ઇચ્છા હોત, તો ઘરનો ત્યાગ શું કામ કરત? જે વસ્તુની ઊલટી થઈ જાય તેને ખાવાની ઇચ્છા થતી નથી, તેમ અમે સંસારનો ત્યાગ કરી દીધો છે...'
આટલું કહેતાં વણીએ વિચરણ માટે ચરણ ઉપાડ્યાં ત્યારે મહંત ને તેના શિષ્યો એ મૂર્તિમાન વૈરાગ્યને જતા જોઈ રહ્યા.
સ્વસ્થ સહવાસમાં પણ મોટા મઠાધિપતિઓ-મહંતો-ધર્માચાર્યોને ચરણે ઝૂકી જવાનું મન થઈ આવે તેવી ભગવાન સ્વામિનારાયણની પ્રતિભા હતી.
શ્રીહરિની આવી એક અદકેરી પ્રતિભાનું દર્શન તેઓની નેપાળયાત્રા દરમ્યાન થાય છે.
નેપાળ જતાં તેમને ખાખી વૈરાગીઓની જમાત ભેગી થઈ ગઈ. તેની સાથે વણીરાજ એક શહેરમાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે અહીંના રાજાને પેટનું દર્દ છે. તે દૂર કરવા એ રાજા સાધુ-સંન્યાસીઓને પોતાના મહેલમાં બોલાવે છે અને જો તે સંતો દર્દ ન મટાડી શકે, તો તેમને કેદખાનામાં પૂરી દે છે.
આ વાત સાંભળતાં ખાખી બાવાઓના પગ પાછા પડવા લાગ્યા. તેઓ પરસ્પર વાત કરવા લાગ્યા :

'એવા શહેર વિષે શીદ જૈયે,
મોત શા માટે માંગીને લૈયે.'

તેઓની આ ભયભીત સ્થિતિ જોઈ વણીએ તેઓને કહ્યું :

'જે મોત જાણી ડરી જાય જોગી, જોગી નહીં ભૂતળ તેહ ભોગી;
દુઃખે ડરે તો ઘર શીદ છાંડે, જોગી મરે તો નહિ રાંડ રાંડે;
જેને મરીને હરિધામ જાવું, તેને નહીં મોત થકી મુઝાવું;
જો આપણું ત્યાં અપમાન થાશે, તો આપણું શું જર જોખમાશે;
જો આપણા તે તનને તજાવે, તથાપિ આત્મા નહિ હાથ આવે;
માટે સીધો મારગ શીદ મેલો, ચાલો તહાં ત્રાસ નથી રહેલો.'

(હરિલીલામૃત-૩/૬)

વણીનાં આ વેધક વચનોએ ખાખીઓમાં સાચા આત્મજ્ઞાનની ખુમારી પ્રગટાવી દીધી ને સૌ તેમને અનુસર્યા.
કિશોરવયના ભગવાન સ્વામિનારાયણનાં વચન ને જીવનમાં કેવું બળ હતું તે અહીં દેખાય છે. પાંચસો બાવાઓને દોરતા પંદરેક વર્ષના વણીમાં, સૌને હામ ને હૂંફ દેવાની કેવી અદ્‌ભુત શક્તિ છે તે હરકોઈ તે વખતે નિહાળી શક્યું હશે!
વનવિચરણ દરમ્યાન ગોપાળયોગી પાસે રહીને માત્ર એક વર્ષમાં નીલકંઠે અષ્ટાંગયોગ સિદ્ધ કરી દીધેલો. તેઓની આ સિદ્ધિ તેમના અતિમાનુષી વ્યક્તિત્વની ઝાંખી કરાવનારી છે.
તપ અને યોગના અપૂર્વ ઓજસથી ઓપતા વણીનું વર્તન અનોખી ભાત પાડતું. વિના ઉપદેશે લોકો નીલકંઠ ભણી ખેંચાતા.
સિરપુરના સિદ્ધવલ્લભ રાજાએ ઘણા બાવા-સંન્યાસીઓને પોતાને ત્યાં આશરો આપેલો. કાગ ને બગ જેવા આ બાવાઓની સેવા-પૂજા હંસ માનીને રાજા કરતો પણ વર્ણી જ્યારે તેના રાજ્યમાં પધાર્યા ત્યારે તેને નીલકંઠના વર્તનથી જ ખ્યાલ આવી ગયો કે સાચી સાધુતા નીલકંઠ વણીમાં છે. અત્યાર સુધી તે ભેખમાં ભરમાયેલો હતો. રાજાના વણી પ્રત્યે વધેલા ભાવે બાવાઓના પેટમાં તેલ રેડ્યું. તેઓએ પોતાના અભિચાર પ્રયોગો દ્વારા વણીને જેર કરવાના પ્રયત્નો કર્યા પણ બધા જ નિષ્ફળ ગયા. અંતે તે સૌ નીલકંઠના પગમાં પડી ગયા. પંદર વર્ષના કિશોર વૈરાગીએ બંગાળના બાવાઓની આખી જમાતને સન્માર્ગે વાળી દીધી!
નીલકંઠના આવા ગુણોને લીધે કેટલાય બાવા-વૈરાગીઓને પણ વણીને પોતાનો ચેલો કરી દેવાની ઇચ્છા થઈ જતી. આવી જ ઇચ્છામાંથી જગન્નાથપુરીમાં બાવાઓ વચ્ચે તુમુલ યુદ્ધ જામી ગયેલું. જંગલમાં વાંસ વાંસ સાથે ઘસાઈને દવ પેદા કરે છે ને પોતે પણ તેમાં બળીને ખાખ થઈ જાય છે તેમ હજારો બાવાઓ એ આંતરકલહમાં નાશ પામેલા.
'તમારો પુત્ર શસ્ત્ર ધારણ નહીં કરી શકે ને કરશે તો શત્રુનો નાશ નહીં કરી શકે.' - પિતા ધર્મદેવને અશ્વત્થામાએ આપેલો આ શાપ જાણે પોતે સ્વીકારતા હોય તેમ વણીએ વિના આયુધે પણ પૃથ્વીને પાપીઓના ભારથી મુક્ત કરી દીધી!
બાવાઓની આ લડાઈમાંથી બચીને ભાગી છૂટેલા બે વૈરાગી સાધુઓ શ્રીહરિને ભૂજમાં મળેલા. દ્વારકા જતા આ સાધુઓ ભગવાનજી સુથારના ડેલામાં ચાલતા સદાવ્રતમાં ભિક્ષા લેવા આવ્યા હતા. મહારાજે તે બંનેને શિરા-પૂરી જમાડ્યા. આ સત્કાર જોઈ તેમને મહારાજમાં હેત થયું. શ્રીહરિની વાતો સાંભળી તેઓનું અંતર વધુ ખેંચાયું ને મહારાજની પાસે જ 'અઠે દ્વારકા' રોકાઈ ગયા. મહારાજે તેઓને દીક્ષા આપી અને કૃપાનંદ તથા વીરભદ્રાનંદ નામ પાડ્યા.
આવી જ રીતે સુરતના મુનિબાવા જેવા પ્રખર વિદ્વાન ધર્માચાર્યથી લઈને સ્વયંપ્રકાશાનંદ સ્વામી તથા આનંદાનંદ સ્વામી જેવા મઠધારીઓ તથા અદ્વૈતાનંદ જેવા સિદ્ધ તાંત્રિકો પણ શ્રીહરિની પ્રતિભા જોઈ તેઓના પરમહંસવૃંદમાં સામેલ થઈ ગયેલા. ટૂંકમાં, લોહચુંબક ભણી લોહ ખેંચાય તેમ સાધુ-સંન્યાસીઓ શ્રીહરિ ભણી ખેંચાઈ આવતા ને સર્વસ્વ સમર્પી તેઓના દાસ બની રહી જતા.
આવા સમર્થ છતાં સેવક બનીને શ્રીહરિ વિચરતા. વેંકટાદ્રિથી સેતુબંધ રામેશ્વર જતાં વણીએ સેવકરામની કરેલી સેવામાં તેઓની આ પ્રકૃતિ અદલ જણાઈ આવે છે.
આવી નમ્રતા સાથે વણીની દૃઢતા પણ ગજબની હતી.
દક્ષિણ ભારતના પ્રવાસ દરમ્યાન તેઓ તોતાદ્રી પધારેલા. અહીં રહેતા રામાનુજ સંપ્રદાયના ધર્માચાર્ય જિયર સ્વામી પાસે તેઓ રહ્યા પણ આ ધર્મગુરુ સ્ત્રીઓનો પ્રસંગ રાખતાં તે તેઓને રુચ્યું નહીં. આ બાબતે તેઓએ જિયર સ્વામીનું ધ્યાન ખેંચ્યું. ત્યારે તેઓ અકળાઈ ગયા ને બરાડી ઊઠ્યા : 'આ છોકરાને અહીંથી જલદી કાઢો. તે પછી જ હું અન્નજળ લઈશ.' જિયર સ્વામીના ક્રોધની આગને વણી શાંતિથી ગળી ગયા અને 'ત્યાગીને આટલો ક્રોધ ન શોભે' એમ સદુપદેશ આપી ત્યાંથી ચાલી નીકળ્યા. ભલભલા ધુરંધર ધર્માચાર્યો સમક્ષ પણ સત્યવક્તા અને સ્પષ્ટવક્તા વણીની કેવી વિરલ છબી અહીં ઊપસી રહી છે!
સાધુ-સંન્યાસીઓ સાથેના સાંનિધ્ય દરમ્યાન શ્રીહરિનાં આવાં તો કંઈક નવાં દર્શન આપણને પળેપળે થતાં રહે છે. પિબેક જેવા પ્રસિદ્ધ પાપીને ઉગારનાર શ્રીહરિમાં કરુણાનું જીવંત દર્શન છે.
તુંબડી તોડી નાંખીને મોહનદાસને અનાસક્ત કરતા શ્રીહરિમાં જીવના શ્રેયનું જતન કરનાર જનેતાનાં દર્શન થાય છે.
નવ લાખ યોગીઓને સુખ આપવા હાડમારીઓ વેઠીને પણ પહોંચનાર શ્રીહરિમાં કલ્યાણદાતા મહાપુરુષનાં દર્શનની ઝાંખી મળે છે.
સાધુ-સંન્યાસીઓ સાથેની વણીની આવી તો કંઈક મુલાકાતો છે પણ તે પ્રત્યેક પ્રસંગે શ્રીજીમહારાજ સૌ કરતાં વેંત ઊંચા જ પુરવાર થતા રહ્યા છે.
તેથી જ સદ્‌ગુરુ પ્રેમાનંદ સ્વામી ગાઈ ઊઠ્યા હશે :

'છાયો પ્રબળ પ્રતાપ, કહ્યો નવ જાય રસના જો;
કીધો અધર્મ ઉથાપ, વાગ્યા ડંકા અતિ જશના જો...
મત પંથને માથે મેખ, મારી લીધા જન છોડવી જો;
મુંડ્યા કંઈક ગુરુ ભેખ, પાડ્યા મહંતને ગોડવી જો...
રાજે ગઢપુર મહારાજ, પૂરણ બ્રહ્મ પરમાત્મા જો...'

આપ જાણો છો ?

હિમાલયની ગોદમાં આવેલા જે મઠના અધિપતિ મહંતે, એક લાખ રૂપિયાની આવક સહિત સમગ્ર મઠ ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરવાનો ભક્તિભાવ દર્શાવ્યો હતો એ મઠનું હાલ અસ્તિત્વ ક્યાં છે?
જિજ્ઞાસાભર્યા આવા કેટલાયે સવાલો સાથે, ભગવાન સ્વામિનારાયણે નીલકંઠવણી વેશે જ્યાં જ્યાં વિચરણ કર્યું હતું એ પ્રાસાદિક સ્થળોની શોધ યાત્રાએ સંપ્રદાયના વિદ્વાન સંતો નીકળતા રહ્યા છે. સંપ્રદાયના ગ્રંથોના આધારે સંતોએ નેપાળમાં છેક પુલહાશ્રમથી લઈને કન્યાકુમારી સુધી એકે એક સ્થળની વિગતો મેળવવાનો સઘન પ્રયાસ કર્યો છે. આ પ્રયાસમાં શ્રીનગરના ઉપરોક્ત મઠની પણ શોધ કરવામાં આવી હતી.
સને ૧૯૮૭ની ઉત્તરાખંડની યાત્રા દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજે શ્રીપુરમાં પધારીને સાંપ્રદાયિક ગ્રંથોના વર્ણનના આધારે સ્થાનિક લોકોમાં પૂછપરછ કરીને આ મઠ શોધી કાઢ્યો હતો. નદીના કિનારે આવેલો બસોથી વધુ વર્ષો જૂનો 'કમલેશ્વર મઠ' એ જ આ સ્થળ હતું. અલકનંદા નદીના પ્રવાહથી થોડે જ દૂર આવેલો આ મઠ એક રમણીય સ્થાન છે. મઠના તત્કાલિન મહંત ગોિવદપુરીજીને મળીને સ્વામીશ્રીએ તેનો વિશેષ ઇતિહાસ પ્રાપ્ત કર્યો હતો.
મઠ દ્વારા પ્રકાશિત પુસ્તિકા 'કમલેશ્વર માહાત્મ્ય'માં જણાવેલ પૌરાણિક કથા મુજબ આ સ્થાને રામચંદ્રજીએ ભક્તિભાવપૂર્વક શિવજીની કમળપૂજા કરી હતી. શિવજીને રામચંદ્રજીની પરીક્ષા લેવાનું મન થયું એટલે પૂજામાં એકાગ્ર થયેલા રામચંદ્રજીની છાબમાંથી એક કમળ લઈને તેમણે સંતાડી દીધું. પૂજામાં અંતે એક કમળ ઓછુ _ પડ્યું તેથી રામચંદ્રજીએ પોતાનું નેત્રકમળ પૂજામાં અર્પણ કરી દીધું. શિવજી પ્રસન્ન થઈ ગયા. આથી, આ મઠનું નામ 'કમલેશ્વર મઠ' તરીકે પ્રસિદ્ધ થયું.
આદિ શંકરાચાર્યજીએ બદરિનાથના શ્રીવિગ્રહની સ્થાપના કરી એ જ અરસામાં આ મઠની પણ સ્થાપના તેમણે જ કરી હતી. ગઢવાલ રાજ્યના મહારાજાએ આ મઠની આજીવિકા માટે બાસઠ ગામોની ઉપજ આ મંદિરને અર્પણ કરી હતી. એટલે સહેજે જ લાખો રૂપિયાની આવક તે સમયે હતી. સ્થાનિક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલી આ પુસ્તિકાના ઉલ્લેખ પ્રમાણે મઠની તત્કાલિન આવક ત્રણ લાખ રૂપિયા જેટલી હતી. આજથી બસો વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ આ મઠમાં પધાર્યા ત્યારે સને ૧૭૯૨ની સાલ હતી તે વખતે આ મંદિરના મહંત તરીકે સંન્યાસીઓની ફક્કડ પરંપરામાં નિર્મલપુરી નામના મહંત ગાદી પર હતા. તેમની મહંતાઈનો સમય ઈ.સ. ૧૭૮૭ થી ૧૮૧૨ સુધીનો હતો.
આ કમલેશ્વર મઠ આજેય દર્શનીય છે. ૠષિકેશથી બદરિનાથ જતા રસ્તામાં રુદ્રપ્રયાગ પહેલા આ શ્રીનગર આવેલું છે. (કાશ્મીરના શ્રીનગર કરતાં આ શહેર જુ દું છે.) તેની વસતી ૧૮,૦૦૦ છે.
આવી કંઈ કેટલીય શોધયાત્રાઓ પરથી સૌનો વિશ્વાસ વધુ ને વધુ દૃઢ થતો જાય છે કે સંપ્રદાયના ગ્રંથોમાં લખાયેલી તમામ બાબતોનો સત્ય અને વાસ્તવિક ઇતિહાસ છે.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS