Essay Archives

મર્મચિંતન

સ્વભાવમુક્તિ દ્વારા પ્રભુ-પ્રસન્નતાનો સંદેશ વચનામૃતમાં સર્વત્ર ગૂંજે છે. ભગવાન સ્વામિનારાયણને વચનામૃત ગઢડા પ્રથમ 58માં આનંદાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે : ‘શો ઉપાય કરે તો મોટાપુરુષ રાજી થાય ?’ ત્યારે શ્રીહરિએ કહ્યું કે ‘પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષ્યા એ સર્વેનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે અને અંતરમાં માનટળે ભાવે રહે, દેહે કરીને સર્વેને નમતો રહે, તો તેની ઉપર મોટા સંત રાજી થાય છે.’ 
વચનામૃત કારિયાણી 6માં પણ મુક્તાનંદ સ્વામી આવો જ પ્રશ્ન પૂછે છે કે ‘હે મહારાજ ! ભગવાન પોતાના ભક્ત ઉપર કયે ગુણે કરીને રાજી થતા હશે ?’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું કે ‘જે ભક્તજન કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષ્યા અને મત્સર એટલાં વાનાંએ રહિત થઈ ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે.’
વચનામૃત ગઢડા મધ્ય 27માં પણ શ્રીજીમહારાજ કહે છે કે ‘જેને કલ્યાણને ઇચ્છવું તેને તો જેમ મોટાપુરુષ રાજી થાય તેમ કરવું. અને તે મોટાપુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે.’
અહીં આંતરિક દોષોના ત્યાગથી ભગવાનનો રાજીપો મેળવી શકાય છે તેમ શ્રીહરિ જણાવે છે.
એક વાર ભૂજના હરિભક્તોનો સંઘ શ્રીહરિનાં દર્શન કરવા ગઢપુર આવેલો. ઉત્સવનો લાભ લઈ હરિભક્તો વિદાય લઈ રહ્યા હતા ત્યારે શ્રીહરિએ તેઓને કહ્યું કે ‘રાજી રહેજો.’ નીકળવાની ઉતાવળમાં સૌ ‘હા, હા’ કહી ઊપડ્યા. પણ થોડેક આગળ ગયા ત્યાં સૌને વિચાર આવ્યો કે ‘આપણે તો વિદાય લેતી વખતે મહારાજને ‘રાજી રહેજો’ એમ કહીએ તે તો બરાબર, પણ મહારાજે આપણને ‘રાજી રહેજો’ કહ્યું તેનું શું કારણ હશે ?’ આ વિચારથી સૌ પાછા ગઢપુર આવ્યા અને મહારાજને તેઓ ‘રાજી રહેજો’ શાથી બોલ્યા તેનું કારણ પૂછ્યું. ત્યારે મહારાજે જણાવ્યું કે ‘તમારા શરીરમાં મૂઠી જેટલું હૃદય છે. તેમાં મારો વાસ છે. તેથી ત્યાં કોઈ ગંદકી રહેવા દેશો નહીં. એટલી દયા અમારા પર કરજો.’ આમ, અંતરને સ્વભાવથી મુક્ત કરીએ તો ભગવાન રાજી થાય છે.        
વચનામૃત ગઢડા પ્રથમ 4માં નારદ અને તુંબરુના પૌરાણિક દૃષ્ટાંત સાથે શ્રીજીમહારાજે ભક્તોને જણાવ્યું કે, નારદજીએ સાત મનવંતર એટલે કે - બે અબજ, સોળ કરોડ વર્ષની સંગીતસાધના કરી પણ તુંબરુ સાથે ઈર્ષા હતી તો ભગવાન રાજી ન થયા. નારદજીએ તુંબરુ સાથે ઈર્ષા મૂકી ત્યારે ભગવાન રાજી થયા. વચનામૃત ગઢડા મધ્ય 52માં પણ શ્રીજીમહારાજ કહે છે, ‘શ્રદ્ઘાએ સહિત ને ઈર્ષ્યાએ રહિત જે ભક્તિ કરે તે અમને અતિશય ગમે છે.’
વચનામૃત ગઢડા અંત્ય 6માં પણ શ્રીજીમહારાજ કહે છે : ‘ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડ્યા સારુ ન કરે તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રિઝાવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભક્તિ ન કરવી, કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી.’
શ્રીજીમહારાજે સ્વયં કહ્યું છે : ‘બાઈઓમાં જીવુબા સમાન કોઈ નહીં. તેઓને કોઈના પર ઈર્ષ્યા-અભાવ નથી. હરિભક્તોના દાસ થઈને વર્તે છે. ...મોટા મુનિઓ તેમનો સ્વભાવ શીખવા પ્રયત્ન કરે છે, પણ એવો સ્વભાવ આવતો નથી. આવી સાધુતા જોઈ જીવુબા અમને વિસરાતાં નથી.’ (શ્રીહરિચરિત્રામૃતસાગર-6/60)
વચનામૃત ગઢડા મધ્ય 41માં શ્રીજીમહારાજે રતનજી અને મિયાંજીની પ્રશંસા કરી છે. આ રાજીપાનું કારણ આ બેય ભક્તોએ માન મૂકયું તે હતું. શ્રીજીમહારાજ કહે છે, ‘માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાંજી જેવા કોઈક જ કરતા હશે.’
શ્રીજીમહારાજે વચનામૃત કારિયાણી 9, સારંગપુર 15, લોયા 15 અને 17, ગઢડા અંત્ય 28માં ઉદ્ઘવજીની ભરપૂર પ્રશંસા કરી છે. આ રાજીપાનું કારણ પણ આ જ હતું - માનત્યાગ. ઉદ્ઘવજી નીતિશાસ્ત્રમાં કુશળ હતા. લોકમાં પ્રતિષ્ઠિત હતા. છતાં અભણ, સામાન્ય એવી ગોપીઓનો પણ ગુણ લીધો અને એ ભકતોની ચરણરજ પોતાના મસ્તક પર પડે તે હેતુથી ભગવાન પાસે વૃક્ષ-વેલીનો અવતાર માંગ્યો. તેઓના આ નિર્માનીપણા પર શ્રીજીમહારાજ જાણે ઓવારી ગયા.
શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા પ્રથમ 56માં પણ કહે છે : ‘ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહીં, એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. અને અંતર્દૃષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુએ તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે અને જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દૃષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે.’
વચનામૃત ગઢડા અંત્ય 26માં પણ શ્રીજીમહારાજ કહે છે : ‘અમને અહંકાર ન ગમે. તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગ-પણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાળ્યાનો હોય, એ રીતનો જે જે અહંકાર તે અમને ન ગમે.’
સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામીએ તેઓના પદમાં ભગવાનને રીઝવવાની આ રીતનું વર્ણન કરતાં ગાયું છે કે - 
‘સાંભળ બેની હરિ રીઝ્યાની રીતડી,
મોહનવરને માન સંગાથે વેર જો;
સાધન સર્વે માન બગાડે પળ વિશે,
જેમ ભળિયું પયસાકરમાં અહિ ઝેર જો...’
ઉદ્ઘવજીની જેમ શ્રીજીમહારાજના મુખનું પાન બનેલા મૂળજી બ્રહ્મચારી. વચનામૃત ગઢડા પ્રથમ 73, ગઢડા મધ્ય 33, અમદાવાદ 3, ગઢડા અંત્ય 26 વગેરે વચનામૃતમાં શ્રીજી-મહારાજે તેઓને વખાણ્યા છે, તેઓની નિષ્કામી વર્તમાન -  બ્રહ્મચર્યવ્રતની દૃઢતા માટે. શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા મધ્ય 33માં કહે છે : ‘આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દૃઢ નિષ્કામી છે, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે. અને બીજો કોઈ સેવા-ચાકરી કરે તો તે એવી ગમતી નથી.’
આમ, કામ, ક્રોધ, ઈર્ષ્યા, માન વગેરે સ્વભાવનો ત્યાગ એ ભગવત્પ્રસન્નતાનો ઉપાય છે. જ્યાં સુધી એ સ્વભાવ ન ટળે ત્યાં સુધી પણ એને ટાળવાના પ્રયત્નમાં ખબડદાર રહે તોય ભગવાન રાજી થાય છે. શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા પ્રથમ 70માં કહે છે : ‘...એમ ને એમ લડે છે અને તેમાં જો જીત્યો તો જીત્યો અને જો લડતે લડતે શત્રુનો હઠાવ્યો તો ન હઠ્યો પણ દેહનો આયુષ્ય આવી રહ્યો અને મૃત્યુને પામ્યો તોપણ જે એનો ધણી છે તે શું નહિ જાણે જે, ‘એને આગળ આવાં કરડાં માણસ આવ્યાં હતા તે નહિ જિતાય અને આની આગળ તો વાણિયા આવ્યા હતા તે જિતાય એવા હતા.’ એમ એ બેય ધણીની નજરમાં હોય. તેમ એની ભગવાન સહાય કરે જે, ‘આને આવા સંકલ્પ-વિકલ્પનું બળ છે અને લડાઈ લે છે માટે એને શાબાશ છે.’
ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે, ‘જેણે સ્વભાવ મૂકયો હોય ને મૂકતો હોય ને મૂકવાનો આદર હોય, તે સર્વે ઉપર મોટાની દૃષ્ટિ રહ્યા કરે.’ (2/178)
વચનામૃત ગઢડા પ્રથમ 78માં શ્રીજીમહારાજને વેદાંતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ‘જેણે પ્રથમ કાંઈક ગોબરું વર્તાણું હોય પછી તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાન ને ભગવાનના સંત રાજી થાય ?’ ત્યારે શ્રીજીમહારાજ કહે છે : ‘જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાન ને ભગવાનના સંત કુરાજી થતા હોય તે સ્વભાવ સાથે જ્યારે વૈર કરીએ ત્યારે ભગવાન ને ભગવાનના સંત આપણી ઉપર પૂર્ણ દયા કરે. માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય તે સ્વભાવ સાથે સુધું દૃઢ વૈર બાંધીને તેનું મૂળ ઉખડી જાય એવો ઉપાય કરવો.’ માટે ભગવાનને રાજી કરવા સ્વભાવ ટાળવાના પ્રયત્નમાં વિરામ ન પામવો તે મહારાજનો મત છે.
આમ, સ્વભાવ ન જિતાય ત્યાં સુધી સ્વભાવ સામે શિંગડાં ભરાવતાં રહીએ, એટલે કે સ્વભાવ ટાળવાના પ્રયત્નમાં રત રહીએ તોય ભગવાન અને સંતનો રાજીપો મળે છે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS