પૂનર્જન્મ અને આધુનિક વિજ્ઞાન
પૂર્વજન્મના વૈજ્ઞાનિક આધારો શોધીને જગત સમક્ષ મૂકનાર અમેરિકન વિજ્ઞાની ડો. ઈઆન સ્ટીવન્સન એક આશ્ચર્યકારક તથ્ય વિશ્વ સમક્ષ રજૂ કરે છે : ગયા જન્મમાં મૃતકના શરીર પર કોઈ મોતકારક ઘા કે કોઈ જખ્મ થયા હોય તેની અસર આ જન્મના શરીર પર પણ દેખાઈ શકે છે.
આ બાયોલોજિકલ પુરાવાઓના કેટલાક અદ્ભુત કિસ્સાઓ ડો. ઈઆન ટાંકે છે.
પૂર્વજન્મની માહિતી આપનારાં બાળકોમાં જ્યાં ગોળી વાગીને મૃત્યુ થયાની માહિતી મળી હતી તેવા કિસ્સાઓમાં સ્ટીવન્સને નોંધ્યું કે પૂર્વજન્મના શરીરમાં ગોળીના ‘એન્ટ્રી’ અને ‘એક્ઝિટ’ના સ્થાને બાળકના આ જન્મમાં પણ યથાતથા ચિહ્નો જોવાં મળ્યાં છે ! સ્ટીવન્સનને બર્મા(મ્યાનમાર) અને નાઇજિરિયામાં એવા કિસ્સાઓ પણ મળ્યા છે જેમાં પૂર્વજન્મની ખોડખાંપણનાં ચિહ્નો આ જન્મે પણ જન્મજાત જોવા મળ્યાં હોય!
ડૉ. પ્રિન્સ્ટન સ્ટીવન્સને સને 1992માં અમેરિકામાં યુનિવર્સિટી ખાતે યોજાયેલ ‘Eleventh Annual Meeting of the society for scientific exploration’માં ખાસ સંશોધન પત્ર પ્રસ્તુત કર્યું હતું. પુનર્જન્મના 210 કિસ્સાઓમાં તેમણે એવાં જન્મજાત ચિહ્નો કે ખોડખાંપણ ચકાસ્યાં હતાં, જે તેના પૂર્વજન્મ સાથે સંબંધિત હોય ! નાના બાળક પાસેથી તેના પૂર્વજન્મના જીવન વિશે એક પણ ભૂલ સિવાય એટલી ચોક્કસાઈ ભરી માહિતી મળે, ત્યારે સંશોધકો દંગ રહી જાય, તેમાં કોઈ શંકા નથી.
માનવવંશ શાસ્ત્ર(એન્થ્રોપોલોજી)ના વિખ્યાત અમેરિકન વિજ્ઞાની એન્ટોનિયા મિલ્સે પણ સંખ્યાબંધ સંશોધનો કરીને, પુનર્જન્મના કિસ્સાઓને શક્ય તમામ દૃષ્ટિકોણથી ચકાસ્યા છે. ઇઆન સ્ટીવન્સનને જ અનુસરીને તેમણે પુનર્જન્મ વિષયક સંશોધનો કર્યાં, તેમાં તેમણે પણ સમાન પરિણામો જ મેળવ્યાં.
એન્ટોનિયા મિલ્સે એવા કિસ્સાઓ નોંધ્યા છે. ભારતનો એક કિસ્સો ટાંકતાં મિલ્સ કહે છે, અમને મળેલા એક કિસ્સામાં, બાળકના લમણા પર કશુંક વાગ્યાનું ગોળ ચિહ્ન જન્મજાત હતું. તેના પરિવારમાં કોઈને તે વિશે સવાલ નહોતો થયો કે આ શું હશે ! પરંતુ ત્રણ વર્ષની ઉંમરે અગમ્ય રીતે બાળકે કહેવા માંડ્યું કે તેના પૂર્વજન્મમાં તેને લમણા પર ગોળી વાગી હતી અને તેના કારણે મૃત્યુ થયું હતું ! બાળકે આપેલી માહિતીના આધારે એન્ટોનિયા મિલ્સ અને સંશોધકોએ તપાસ કરી અને આશ્ચર્યકારક રીતે તે વાત સત્ય નીકળી ! તેટલું જ નહીં, તેના પૂર્વજન્મના મૃત્યુના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેમજ નોંધ્યું હતું. એ મૃત વ્યક્તિનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોતાં એન્ટોનિયા મિલ્સની નજરમાં એ વાત આવી કે એ વ્યક્તિને વાગેલી ગોળી જમણા કાનની પાછળથી ખોપરી વીંધીને બહાર નીકળી ગઈ હતી. મિલ્સે ફરી પાછા એ બાળકના ઘરે જઈને તેના લમણા પરનું ગોળ ઘાનું ચિહ્ન તપાસ્યું, પુનઃ તે નિશ્ચિત કર્યું, પણ તેના મોઢામાંથી એક આહ ત્યારે નીકળી ગઈ, જ્યારે જમણા કાનની બરાબર પાછળ ખોપરીમાં પણ અંદરના દબાણથી બહાર ફૂલી આવેલું એક વિશિષ્ટ ચિહ્ન હતું! (Mills, A. (1992, December). Childhood alternate identities: A comparison of children said to remember previous lives and children with imaginary playmates).
પુનર્જન્મનું પોસ્ટમોર્ટમ
પુનર્જન્મવાદ તરીકે જાણીતો પ્રાચીન હિન્દુ સિદ્ધાંત વિજ્ઞાન દ્વારા સિદ્ધ થઈ શકે? એ વિશે કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રખ્યાત વિજ્ઞાનીઓએ દિલ દઈને કામ કર્યું અને તેમાં આશ્ચર્યકારક પરિણામો મળ્યાં. તેમાંય વળી વિજ્ઞાનીઓને ચોંકાવી દે એવી વાત એ હતી કે, ગત જન્મના કેટલાક શારિરીક જખમો નવા જન્મના શરીરમાં યથાતથા સ્થાને જોવા મળે, અને ગત જન્મના પોસ્ટમોર્ટમના રિપોર્ટ સાથે તેનો અદ્દલ તાલ મળેલો જોવા મળે, એ કેટલું આશ્ચર્યકારક અને નક્કર તથ્ય કહેવાય!
ગતાંકમાં કેટલાંક એવાં વૈજ્ઞાનિક પરિણામો નિહાળ્યાં હતાં. એ દિશામાં મહત્ત્વનું કાર્ય કરનાર યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના વિજ્ઞાની ડૉ. જિમ ટ્યૂકર અને ડો. ઇઆન સ્ટીવન્સન ‘જર્નલ ઓફ સાયન્ટિફિક એક્સપ્લોરેશન’માં લખે છે : ‘પુનર્જન્મના જે કિસ્સાઓમાં પૂર્વે મૃત વ્યક્તિના પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ કે અન્ય નિશ્ચયાત્મક ડૉક્યુમેન્ટ્સ મેળવ્યા, તેમાંથી 88 ટકા બાળકોના આ જન્મના શરીર પર મળેલાં જન્મજાત ચિહ્નો અને પૂર્વ જન્મના શરીર પર વાગેલ ઘા-જખમ વચ્ચે અકલ્પ્ય સુમેળ જોવા મળ્યો. તેના પરિણામે અમે જે નહિવત્ કિસ્સાઓમાં (12%) પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ જેવા ડોક્યુમેન્ટ્સ નથી મેળવી શક્યા, તેમાં પણ અમારો આત્મવિશ્વાસ વધ્યો છે.’ (Stevenson, Ian. (1993)."Birthmarks and Birth Defects Corresponding to Wounds on Deceased Persons", Journal of Scientific Exploration, 7:403-410)
માત્ર સ્ટીવન્સન નહીં, અન્ય વિજ્ઞાનીઓ પણ તેમાં સૂર પુરાવે છે.
બેંગલોરની વિખ્યાત વિજ્ઞાનસંસ્થા ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ’(NIMHANS)ના વિજ્ઞાની ડૉ. સતવંત પશ્રિચાએ આવા સેંકડો કિસ્સાઓ તપાસ્યા છે. ‘જર્નલ ઓફ સાયન્ટિફિક રિસર્ચ’માં પ્રસ્તુત થયેલો તેમનો સંશોધન-નિબંધ વિજ્ઞાન-જગતમાં ખૂબ આદર પામ્યો છે. (Dr. Satwant K. Pasricha, Cases of the Reincarnation Type in South India: Journal of scientific Exploration, Society for Scientific Exploration, Vol. 15, No.2, pp. 211-221, 2001.)
ડૉ. સતવંત પશ્રિચાએ સતત 20 વર્ષ સુધી ઘૂમીને પુનર્જન્મના 500 કરતાંય વધુ કિસ્સાઓ એકત્રિત કર્યા છે. ત્રણ વર્ષની આસપાસની ઉંમરના બાળકો અચાનક જ પોતાના પૂર્વજન્મની વાતો કરવા માંડે અને તેની વૈજ્ઞાનિક અભિગમથી ચોક્સાઈ કરવામાં આવે તો બધું જ સત્ય નીકળે એ કેવું કહેવાય? એવાં અનુભવો વિશે ટાંકતા વિજ્ઞાની ડૉ. સતવંત પશ્રિચા 'The Week' સામયિકને(એપ્રિલ 1999) ઇન્ટરવ્યૂ આપતાં કહે છે : ‘તમે આટલી નાની ઉંમરના શિશુને કેવી રીતે આ બધું શીખવી શકો? અને એમ કરવા પાછળનો આશય પણ શો હોય? પૈસા? મોટાભાગના કિસ્સાઓમાં તો હું જાણું છું તે મુજબ કોઈને પૈસાનો ફાયદો થતો હોય તેવું મેં જોયું નથી. અને પ્રસિદ્ધિ? એ પણ ક્ષણિક છે. અને તેના માટે એક બાળકના શરીર પર જન્મજાત ચિહ્નો ઓછાં પાડી શકાય છે? ખોડખાંપણ થોડી ઊભી કરી શકાય છે?’ વધુ આવતા અંકે...