Essay Archives

જીવનમાં વધુ જાણવા કરતાં, થોડું પામવામાં પણ વધુ પ્રગતિ છે

સાચા સંત સદ્ગુણોનો મહાસાગર છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતાના આદર્શ શિષ્ય માટે કહેતા કે, યોગીજી મહારાજમાં કેટલા સદ્ગુણો છે? તો વેદવ્યાસજીએ શ્રીમદ્ ભાગવતમાં સંતના તમામ સદ્ગુણો કહ્યા છે. તેમાં કદાચ કોઈ સદ્ગુણ રહી ગયો હોય તો તે પણ યોગીજી મહારાજમાં જોવા મળશે.
એ જ રીતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું જીવન પણ અનંત કલ્યાણકારી ગુણોથી છલકાતું રહ્યું. તેમાંથી આગળના લેખમાં આપણે આપણી શ્રદ્ધા અને સમજ પ્રમાણે ફક્ત નવ બોધપાઠનું વર્ણન કર્યું, પરંતુ વર્ણન એક બાબત છે અને વર્તન બીજી બાબત છે. વર્ણનથી જાણકારી બદલાય, વર્તનથી જીવન બદલાય. નવમાંથી એકાદ ગુણ પણ જો આપણા જીવનમાં ઉતારીશું તો જ જીવનમાં કંઈક પામીશું. વધુ જાણવા કરતાં થોડું પણ પામવામાં પ્રગતિ વધુ છે. તેમાં પ્રયત્ન, પુરુષાર્થ અને પરસેવો પાડવો પડે. પ્રાર્થના પણ સતત કરવી પડે. તે બધું ક્યારે શક્ય બને? પ્રામાણિકતા હોય તો. પુરુષાર્થ અને પ્રાર્થના બંને પ્રામાણિક હોવાં જરૂરી છે.
કોઈપણ પ્રગતિ કે પ્રાપ્તિ માટે પ્રામાણિકતા એ પાયાની બાબત છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનની માનવતા, ભવ્યતા અને દિવ્યતામાં રહેલી દરેક ક્રિયા, કાર્ય, મૂલ્ય, ભાવના અને પ્રાર્થનામાં પારદર્શક પ્રામાણિકતાનાં દર્શન થતાં હતાં. આજે સ્વામીશ્રીએ સિંચેલી પ્રામાણિકતાના આધારે સંતો અને સત્સંગીઓ સમાજમાં સેવા કરી રહ્યા છે. કેવળ ધાર્મિક અને આધ્યાત્મિક જગતમાં નહીં, પણ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રામાણિકતાની અનિવાર્યતા છે. યાદ રહે, વ્યક્તિ ગુણવાન બને, સમાજ ઐશ્વર્યવાન બને, દેશ મહાન બને - તે સર્વે પ્રામાણિકતાથી જ બની શકે અને ટકી શકે છે.
એક સચોટ અને સ્પષ્ટ દૃષ્ટાંતથી સરળતાથી સમજાઈ જશે...
એક અતિ સફળ અને સમૃદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્પોરેશનના CEO હતા. તેનો ધંધો વિશ્વના ખૂણેખૂણે પથરાયેલો હતો. કમનસીબી એ કે તેને કોઈ સંતાન નહોતું. તે CEOએ વિચાર કર્યો કે હવે મારી મિલકત કોને આપવી? કે કોને નવો CEO બનાવવો?
પોતાના વિશાળ તંત્રની અંદર એવી ઘણી વિદ્વાન, કુશળ, અનુભવી અને સક્ષમ વ્યક્તિઓ હતી. તેમાંથી તેણે પસંદગીની દસ વ્યક્તિને બોલાવી અને તેઓને ઉદ્દેશીને કહ્યું કે ‘તમે બધા જ વફાદાર છો, આપણી કંપનીના CEO બનવા માટે લાયક છો, અને મારા માટે સમાન છો. એટલે મારી મૂંઝવણ એ છે કે હું નક્કી નથી કરી શકતો કે, તમારા દસમાંથી કઈ એક વ્યક્તિને મારા વારસદાર તરીકે પસંદ કરું? ભવિષ્યમાં કોણ કંપનીનું સાચી રીતે પાલન અને પોષણ કરશે તેને માટે આજે તમને બધાને એક બીજ આપું છું. છ મહિના પછી હું પાછો આવીશ. તમે બધા તે બીજને વાવજો અને એ બીજનું પાલન, પોષણ અને જતન કરજો - તેના આધારે હું નક્કી કરીશ કે કોને મારી આ મિલકત આપવી?’
આ દસે-દસ બુદ્ધિશાળી, હોશિયાર, ચાલાક, પ્રભાવશાળી હતા. દરેકે પોતપોતાની રીતે અભ્યાસ કરી પાણી, ખાતર, સૂર્યપ્રકાશાદિ અનેક સંશોધનોથી પોતપોતાના બીજને વિકસાવવાનો તનતોડ પ્રયત્ન કર્યો. કોઈને ખબર નહોતી કે કોને કયા છોડનું બીજ આપ્યું હતું.
છ મહિના પછી જ્યારે આ CEO પાછા આવ્યા ત્યારે નવ જણા તો તરત જ કૂંડા લઈને પહોંચી ગયા હતા. જાણે CEO બનવાની સ્પર્ધામાં આવ્યા હોય તેમ ક્રમાનુસાર ગોઠવાઈ ગયા! કોઈના કૂંડામાં બીજ ઊગ્યું હતું, તો કોઈકના છોડમાં કૂંપળ ફૂટી હતી, કોઈને ફૂલ આવ્યાં હતાં, કોઈકને સફેદ, કોઈકને લાલ, કોઈકને પીળા - એમ રંગબેરંગી છોડ હતા. કોઈકનો છોડ સુગંધીદાર, કોઈકનો સીધો, કોઈકનો કાંટાળો હતો. હરખભેર સૌ ઊભા હતા.
તેમાં જે બાકી રહેલો ૧૦મો વ્યક્તિ-સ્પર્ધક હતો તે મૂંઝાતો હતો, કેમ કે તેના કૂંડામાં કંઈ જ ઊગ્યું નહોતું! શરમથી તે આ સ્પર્ધામાં આવવા પણ ઇચ્છતો નહોતો, પરંતુ આ વ્યક્તિને તો તેની ધર્મપત્નીએ પરાણે મોકલ્યો હતો કે ‘તમે જાવ.’ તેણે કહ્યું ‘પણ મારા કૂંડામાં કંઈ ઊગ્યું જ નથી તો હું કેવી રીતે સ્પર્ધામાં જાઉં?’ પત્ની કહે ‘તમે જાવ તો ખરા! ભલે જેવું છે તેવું ખાલી કૂંડું લઈને જાવ!’
જ્યારે બધા છોડ લઈને CEO પાસે ઊભા રહ્યા ત્યારે જેના કૂંડામાં કંઈ ઊગ્યું નહોતું તેની પાસે જઈને CEOએ જરાપણ ખચકાટ વગર, એકપણ શબ્દ બોલ્યા વગર, શાંતિથી તેને ચાવી આપી દીધી. પછી પોતાના મુખ ઉપર સ્મિત રેલાવતાં બધાને કહ્યું, ‘મેં બધાને જે બીજ આપેલું, તે બાફેલું હતું. જે ઊગી જ ન શકે. પણ તમે બધાએ યુક્તિ કરી, બનાવટ કરી છે. કોઈએ કૂંડું બદલ્યું, કોઈએ બીજ બદલ્યું - કપટ કરીને, તમારી બુદ્ધિ વાપરીને કેવળ દેખાવ કર્યો છે. જેના કૂંડામાં કાંઈક ઊગ્યું છે, તેના જીવનમાં કાંઈ ઊગશે નહીં. પણ જેના કૂંડામાં કાંઈ ઊગ્યું નથી, તે જ આપણા ધંધાનો ઉદ્ધાર કરશે. તે એક જ પ્રામાણિક છે, જે મારી મિલકતનો વારસ બનશે.’
આપણે દરેકે આપણને પ્રાપ્ત થયેલાં સમૃદ્ધિ, શક્તિ, શિક્ષણ ને સંસ્કારનું જતન કે પોષણ કરવું હોય તો પ્રામાણિક બનવું જ પડશે. કેવળ વાતો કે વર્ણનથી આધ્યાત્મિક પ્રગતિ થતી નથી. પ્રામાણિકપણે સદ્ગુણોને આત્મસાત્ કરવા પડે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સમાજમાં પોતાના વિચારો, વર્તન અને વિચરણથી આપણા જીવનમાં અનેક બીજ વાવ્યાં છે. પેઢીઓ સુધી ચાલે તેવા સંસ્કાર આપેલા છે. કાળ, કર્મ, માયા આપણું કંઈ જ બગાડી શકે એમ નથી. સ્વામીશ્રીનું જીવન સ્વયં માટે નહીં, પણ પ્રભુને સમર્પિત બની, નિઃસ્વાર્થ સેવા માટે હતું. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો જીવનમંત્ર હતો કે
‘બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમા આપણું સુખ છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.’
આપણે જે બોધપાઠની વાત કરી રહ્યા છીએ, તેમાં પ્રથમ મધ્યવર્તી વિચાર છેઃ Love Others - બીજાને ચાહો, આખી જિંદગી બીજાની સેવા કરો.
બીજો મધ્યવર્તી વિચાર છે, Love Yourself - સ્વયંને સાચી રીતે ચાહો. પ્રામાણિક બનો.
ત્રીજો મધ્યવર્તી વિચાર છે - Love God - ભગવાનને ચાહો. પોતાના પ્રાણ કરતાં પણ ભગવાનને વધારે ચાહો.
પ્રામાણિકપણે ભગવાનની ભક્તિની સાથે, બીજાની નિઃસ્વાર્થપણે જીવન પર્યંત સેવા કરીશું તો જ જીવન બદલાશે, સમાજ બદલાશે અને સમાજનું ભાવિ બદલાશે.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS