Essays Archives

યોગ એ જ ધર્મ
અધ્યાય - ૨

‘एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु। बद्ध्या युक्तो यया पार्थ कर्मबन्घं प्रहास्यसि॥’

'હે પાર્થ! આ તને મેં સાંખ્યજ્ઞાન (આત્મજ્ઞાન) આપ્યું. હવે હું યોગનું જ્ઞાન (પરમાત્મસ્વરૂપનું જ્ઞાન) પીરસું છુ, તેને તું સાંભળ. જેને પામીને તારાં કર્મબંધનો નાશ પામી જશે.' (ગીતા-૨/૩૯)
આ રીતે યોગના ઉપદેશની પ્રતિજ્ઞા શ્રીકૃષ્ણે કરી. આ પ્રતિજ્ઞા પરમાત્મનિષ્ઠારૂપી યોગના નિરૂપણની હતી. આ પૂર્વેના અંકમાં એ જાણ્યું. હવે આગળ જાણીએ...

યોગ એ જ ધર્મ - स्वल्पमप्यस्य घर्मस्य

શ્રીકૃષ્ણ પાર્થને કહે છે -

'नेहाऽभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते।
स्वल्पमप्यस्य घर्मस्य त्रायते महतो भयात्‌॥'

અર્થાત્‌ આ પરમાત્મ સ્વરૂપનિષ્ઠારૂપ યોગમાં આરંભનો નાશ નથી, કહેતાં તેની પ્રાપ્તિ માટે કરેલો પ્રયત્ન નિષ્ફળ જતો નથી. તેમાં અવળા ફળરૂપી દોષ પણ નથી. વળી, આ સ્વરૂપનિષ્ઠારૂપ ધર્મનું થોડું પણ આચરણ મોટા ભય થકી રક્ષા કરે છે. (ગીતા-૨/૪૦)
अस्य घर्मस्य એટલે આ ધર્મનું. અહીં अस्य શબ્દનો વિચાર કરીએ. સંસ્કૃત ભાષાની દૃષ્ટિએ अस्य શબ્દ સર્વનામ છે. પૂર્વે જેનો ઉલ્લેખ થઈ ગયો હોય તેનો ફરી ઉલ્લેખ કરવા સર્વનામનો ઉપયોગ થાય છે. આ પૂર્વેના શ્લોકમાં પરમાત્મસ્વરૂપની નિષ્ઠારૂપી યોગનો ઉપદેશ કર્યો હતો. તે યોગનો જ અહીં अस्य घर्मस्य કહી પુનઃ પરામર્શ કર્યો છે. આથી આ ધર્મ એટલે યોગ કહેતાં પરમાત્મસ્વરૂપની નિષ્ઠા એમ સ્પષ્ટ થાય છે.
ધર્મ શબ્દની આ વિશિષ્ટ વિભાવના છે. ધર્મ એટલે વર્ણાશ્રમ ધર્મ - આ એક પ્રચલિત અર્થ છે. તેથી આગળ જઈને શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે ધર્મને પરમાત્માની નિષ્ઠારૂપે નિહાળ્યો છે. घारयते इति घर्मः જે સૌને ધારે તે ધર્મ. સૌનો આધાર બને તે ધર્મ. પરમાત્મા સર્વત્ર વ્યાપીને સર્વને ધારણ કરી રહ્યા છે. પરમાત્માના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય આપણા સૌનાં જીવનનો આધાર છે. આપણી મુક્તિનો પણ એ જ આધાર છે. પરમાત્મા જ આપણો આધાર બની આપણાં દુઃખોનું નિરાકરણ કરી આપે છે. એટલે શ્રીકૃષ્ણ ભગવાન ગીતામાં વારંવાર ધર્મ શબ્દનો પ્રયોગ કરીને પરમાત્મસ્વરૂપની નિષ્ઠાનો ઉપદેશ આપે છે. કેટલાક સંદર્ભો દ્વારા આ વાતની વધુ સ્પષ્ટતા કરીએ.

યોગધર્મનું સ્થાપન - घर्मसंस्थापनार्थाय सम्भवामि

ચતુર્થ અધ્યાયનો આરંભ યોગના ઉપદેશથી થયો છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે -

'इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम्‌।
विवस्वान्‌ मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत्‌॥
एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः।
स कालेनेह महता योगो नष्टः परन्तप॥
स एवायं मया तेऽद्य योगः प्रोक्तः सनातनः।
भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम्‌॥'

'હે પરંતપ અર્જુન, આ સ્વરૂપનિષ્ઠારૂપી યોગ મેં પહેલાં વિવસ્વાનને કહ્યો હતો. વિવસ્વાને મનુને કહ્યો. મનુએ ઇક્ષ્વાકુને કહ્યો. એમ પરંપરા ચાલતાં આ યોગને રાજર્ષિઓએ જાણ્યો, પરંતુ પછી વચ્ચે ઘણો સમય વીતી જતાં એ યોગ નાશ પામી ગયો, કહેતાં લોકો તેને ભૂલી ગયા. તેથી તે જ ઉત્તમ રહસ્યમય યોગની વાત આજે મેં તને કરી છે.' (ગીતા-૪/૧, ૨, ૩)
નષ્ટ થયેલા યોગને એટલે કે પરમાત્મસ્વરૂપની નિષ્ઠાને પુનરુજ્જીવિત કરવા હું આવ્યો છુ, એવો અહીં પહેલા, બીજા અને ત્રીજા શ્લોકમાં મર્મ કર્યો છે. હવે આ મર્મને જ સ્પષ્ટ શબ્દોમાં ઉદ્‌ઘાટિત કરતાં સાતમા તથા આઠમા શ્લોકમાં કહે છે -

'यदा यदा हि घर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमघर्मस्य तदात्मानं सृजाम्यहम्‌।
परित्राणाय साघूनां विनाशाय च दुष्कृताम्‌।
घर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे॥'

'જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે. અધર્મ વધી જાય છે. ત્યારે સાધુઓની રક્ષા માટે તથા અધર્મીઓના વિનાશ માટે હું પ્રગટું છુ. હે ભારત, ધર્મની સારી રીતે સ્થાપના કરવા હું યુગે યુગે અવતરું છુ.' (ગીતા-૪/૭, ૮)
ઉપરોક્ત શ્લોકોમાં પ્રયોજાયેલા योगो नष्टः (ગીતા-૪/૩), स एवायं मया तेऽद्य योगः प्रोक्तः (ગીતા-૪/૩) તથા घर्मस्य ग्लानिः (ગીતા-૪/૭), घर्मसंस्थापनार्थाय सम्भवामि (ગીતા-૪/૮) એ શબ્દોનું ધ્યાનપૂર્વક ચિંતન કરવા જેવું છે. પ્રથમ યોગ શબ્દનો પ્રયોગ કર્યો. પછી તેના સ્થાને ધર્મ શબ્દ મૂક્યો. યોગના નાશને ફરી ધર્મની ગ્લાનિ કહી. યોગના પુનરુજ્જીવનને જ ધર્મની સ્થાપના કહી. આથી સ્પષ્ટ થાય છે કે ભગવાનના અવતાર યોગની સ્થાપના માટે થાય છે. એટલે કે પરમાત્મસ્વરૂપની નિષ્ઠાની સ્થાપના માટે થાય છે. આ સ્વરૂપનિષ્ઠાની સ્થાપનાને જ અહીં घर्मसंस्थापनार्थाय એમ ધર્મ શબ્દથી સમજાવી છે.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS