ગુરુ સાથે એકાત્મભાવ :
પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શન અનુસાર સ્વયં અક્ષરબ્રહ્મ જ ગુણાતીત ગુરુરૂપે પ્રત્યક્ષ રહે છે. આવા અક્ષરબ્રહ્મ ગુરુ સાથે એકાત્મભાવ કરવાથી જ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, “જીવને દેહ અને ઇન્દ્રિયો ને વિષય તેનો સંગ ઘણો થયો છે; માટે સંગદોષે કરીને એ જીવ દેહાદિકરૂપ થઈ ગયો છે. તે એના સંગને મૂકીને એ જીવ એમ સમજે જે, ‘મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત અને પર એવું જે બ્રહ્મ તે છે.’ એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિષે આવે.”
આત્માની બ્રહ્મ સાથે એકતા કરવાની આ સાધનાને સ્પષ્ટ કરતાં યોગીજી મહારાજે કહ્યું છે, “પ્રગટ સત્પુરુષને પોતાનો આત્મા માનવો. સત્પુરુષમાં આપોપું કરવું. સબીજ આત્મા છે તે માનવો પણ નિર્બીજ જે આત્મા છે તેનું મનન કર્યે અક્ષરરૂપ નહીં થવાય. સત્સંગ થયો તે શું? સત્પુરુષમાં આત્મબુદ્ધિ. જેને સત્સંગ થયો છે તેને સહેજે સત્પુરુષ પોતાનો આત્મા મનાય છે.”
ભગતજી મહારાજના જીવનમાં ગુરુભક્તિની આ સર્વોચ્ચ સ્થિતિનાં દર્શન થાય છે. એકવાર ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજીને સભામાં બોલાવવા માટે બાલમુકુંદ સ્વામીને મોકલ્યા. ભગતજી મહારાજ એ વખતે ગાઢ નિદ્રામાં હોવાથી તેઓના જગાડવા છતાં જાગ્યા નહીં. જ્યારે બાલમુકુંદ સ્વામીએ આ સમાચાર ગુણાતીતાનંદ સ્વામીને આપ્યા ત્યારે સ્વામીએ તેઓને પૂછ્યું કે તમે શું કહીને એમને જગાડ્યા હતા? બાલમુકુંદ સ્વામીએ કહ્યું કે ‘પ્રાગજી ભગત’ એમ કહીને જગાડ્યા હતા. ત્યારે સ્વામીએ કહ્યું, “હવે એમ કહો કે ‘ગુણાતીત! ઊઠો.”’ ભગતજી પોતાનો ભાવ ભૂલીને ગુણાતીતાનંદ સ્વામીરૂપ બની ગયા હતા. આથી જ્યારે તેમને ‘ગુણાતીત! ઊઠો’ એમ કહેવામાં આવ્યું, ત્યારે તરત જ ઊભા થઈ ગયા.
અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુ સાથેની આવી એકાત્મતાથી જ્યારે બ્રહ્મભાવની સિદ્ધિ થાય છે, ત્યારે પરબ્રહ્મની પ્રાપ્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિને જ આત્યંતિક મુક્તિ માનવામાં આવે છે.
વૈદિક સનાતન ધર્મનાં શાસ્ત્રોએ તથા તેની ધારામાં આધ્યાત્મિક ઊંચાઈને પામેલા મહાપુરુષોએ જીવનની સાર્થકતા માટે સાચા ગુરુનો સંગ અનિવાર્ય ગણાવ્યો છે. જેવું ગુરુનું સામર્થ્ય તેવી શિષ્યને પ્રાપ્તિ થાય છે. અક્ષરબ્રહ્મ ગુરુને જ્યારે પ્રીતિપૂર્વક, આજ્ઞા પાળીને, દિવ્યભાવ સાથે, મહિમા સમજીને સેવવામાં આવે છે, ત્યારે એમની સાથે એકાત્મપણું સિદ્ધ થાય છે અને પરબ્રહ્મની પરાભક્તિના અધિકારી બનાય છે.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સ્વયં એવા આદર્શ ગુણાતીત ગુરુ હતા. અસંખ્ય લોકોએ એમને ગુરુ તરીકે સ્વીકારીને જીવનને સાર્થક બનાવ્યું છે. એમના આશ્રયે અસંખ્ય લોકોએ પરબ્રહ્મની સાક્ષાત્ અનુભૂતિ માણી છે. અને આમ છતાં, તેઓ એક આદર્શ ગુરુભક્ત પણ હતા, જેમણે પોતાના ગુરુને જ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું હતું.
વર્તમાન સમયે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ એવો જ આદર્શ પૂરો પાડી રહ્યા છે. તેઓના જીવનમાંથી આવી ગુરુભક્તિની પ્રેરણા પામી આપણે પણ સાર્થકતાનો અનુભવ કરીએ એ જ અભ્યર્થના.