Essays Archives

આશાભાઈએ કહ્યું : ‘સ્વામી ! આવે ટાણે તો જે મોજ આપી શકે તેવા સમર્થ હોય તે માગે અને કાં તો મૂરખ હોય તે માગે. આપે તો શ્રીજીમહારાજને અખંડ ધારી રાખ્યા છે અને તે સ્વરૂપ છો. માટે જો આવું ટાણું ચૂકીએ, તો અમને જે મોજ આપવા આપ પધાર્યા છો, તે ટાણું જાય.’ શાસ્ત્રીજી મહારાજ તેમની આ સમજણ જોઈ અત્યંત રાજી થયા.
આશાભાઈ એટલે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના મમત્વ-મૂર્તિ. સંસ્થાનું કાર્ય એટલે ઇષ્ટદેવનું કાર્ય. દેહનું કાર્ય પછી, દેહનાં સગાં-સંબંધીઓનું કાર્ય પછી, પરંતુ સૌથી પહેલાં દેવનું કાર્ય થવું જોઈએ. તેમની આ ઉચ્ચ સમર્પણની ભાવનાનું ઘડતર કર્યું હતું - શાસ્ત્રીજી મહારાજે.
એક વાર શાસ્ત્રીજી મહારાજ પુરુષોત્તમપરા પધાર્યા. પણ પુરુષોત્તમપુરા પહોંચીને તેઓ આશાભાઈને ઘેર ન પધાર્યા, ઘરની બહાર એક ઝાડ નીચે બિરાજ્યા. ‘સ્વામી પધાર્યા છે’ તે સમાચાર મળતાં જ આશાભાઈ તથા ઈશ્વરભાઈ દોડીને બહાર આવ્યા. ઝાડ નીચે ઊતરેલા શાસ્ત્રીજી મહારાજને જોઈ તેમને આશ્ચર્ય થયું ! દંડવત્‌ કરી તેમણે કહ્યું : ‘સ્વામી ! ઘરમાં પધારો.’
શાસ્ત્રીજી મહારાજે કહ્યું : ‘ઘરમાં નહીં આવું.’
આ ચરિત્રથી બંને ભાઈઓ મૂંઝાયા. તેમણે પૂછયું: ‘શાથી આપ અંદર નહીં આવો ?’
શાસ્ત્રીજી મહારાજે રોષ ઠાલવતાં કહ્યું : ‘બોચાસણના મંદિરની ઘાસની ગાંસડીઓ તમારા બીડમાં ખુલ્લામાં પડી છે. વરસાદ થાય તો આ ગાંસડીઓને નુકસાન ન થાય ? એ નુકસાન ઠાકોરજીનું છે. ઠાકોરજીનું બગડે તે કેવી રીતે ચાલે ? માટે તાત્કાલિક ગાડાં જોડાવી તે ગાંસડીઓ બજારમાં રવાના કરો પછી જ તમારા ઘરમાં આવીશ !’
બંને ભાઈઓ વિચારમાં પડ્યા : ‘અત્યારે ખેતીની ખરી મોસમ છે અને બળદ તો હળે જોડેલાં છે. તે છોડીને ગાડાં જોડવાનાં ?’ બંને ભાઈઓએ વિચાર કરી લીધો. પોતાની જમીનમાં ચાલતાં તમામ હળ છોડાવી નાંખ્યાં. તાત્કાલિક સોળ બળદની જોડ તૈયાર કરી સોળ ગાડાં જોડ્યાં અને ઘાસની ગાંસડીઓ તેમાં ભરી ગાડાં રવાનાં કર્યાં. ઘાસનાં ભરેલાં ગાડાં જતાં જોઈને શાસ્ત્રીજી મહારાજ પ્રસન્ન થઈ ગયા.
ઇષ્ટદેવ અને ગુરુહરિનાં ચરણે ધન, ધામ, કુટુંબ અને પરિવાર અર્પણ કરી દેનારા આશાભાઈને જીવનમાં અન્ય કેટલીય તકલીફો આવી. પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેમનું એવું કલેવર ઘડ્યું હતું કે તેઓ તેમાં અવિચલ રહ્યા.
આશાભાઈના મોટા દીકરા દેસાઈભાઈ શ્રીજીપુરાના ઘાસના બીડમાં કામ કરતા હતા અને તેમને સર્પ કરડ્યો. બીડના બધા માણસોમાં હાહાકાર થઈ ગયો ! આશાભાઈને આ ખબર પડી. તેઓ તરત જ ત્યાં આવ્યા અને શાંતિથી સૌને કહ્યું : ‘આપણે તો સ્વામિનારાયણની ધૂન કરો. શ્રીજી મહારાજને સર્પ ઉતારવો હશે તો ઉતારશે, ધામમાં લઈ જવો હશે તો ધામમાં લઈ જશે.’ થોડીવારમાં નવયુવાન દેસાઈભાઈનું પ્રાણપંખેરું ઊડી ગયું. કુટુંબ માટે આ આઘાત અસહ્ય હતો; પરંતુ આશાભાઈ નિશ્ચલ હતા. તેમણે નવયુવાન પુત્રના મૃત્યુ પ્રસંગે કથાવાર્તાથી સૌનો શોક નિવાર્યો ત્યારે સૌને આશાભાઈની ઉચ્ચ સ્થિતિનું દર્શન થયું હતું.
આશાભાઈ અને ઈશ્વરભાઈ પોતાની મહેનતની કમાણી બોચાસણ, સારંગપુર વગેરે મંદિરોની સેવામાં 80 ટકાથી વધારે દાન કરી દેતા. આ ઉપરાંત નાની મોટી અનેક સેવાઓમાં તેમને હંમેશાં ઉત્સાહ. સન 1945માં બોચાસણમાં શાસ્ત્રીજી મહારાજનો અપૂર્વ જન્મજયંતી મહોત્સવ ઊજવાયો તે પ્રસંગે હજારોની સંખ્યામાં આવનારા હરિભક્તોને જમાડવા માટે થનાર તમામ ખર્ચ આશાભાઈ તથા ઈશ્વરભાઈએ માથે લઈ લીધો હતો. તા. 28-11-46ના સારંગપુરમાં ભવ્ય દરવાજાનો શિલાન્યાસવિધિ પણ શાસ્ત્રીજી મહારાજે આશાભાઈ અને ઈશ્વરભાઈ બંનેના મુખ્ય યજમાનપદે જ કરાવ્યો હતો. સમૈયા-ઉત્સવોમાં તેમનું કુટુંબ સેવામાં ખડે પગે હોય. શાસ્ત્રીજી મહારાજની 80મી જન્મ જયંતી તથા સુવર્ણતુલા પ્રસંગે આ કુટુંબ સેવામાં મોખરે હતું.
સન 1947માં ભારતને આઝાદી મળ્યા પછી શાસ્ત્રીજી મહારાજે ગઢપુરમાં ટેકરા ઉપર ભગવાન સ્વામિનારાયણનાં સંકલ્પ અનુસાર ભૂમિ સંપાદિત કરી અને મંદિર-નિર્માણના શ્રીગણેશ કર્યાં ત્યારે સેવા કરવાનો આશાભાઈ અને ઈશ્વરભાઈનો ઉત્સાહ અનન્ય હતો. શાસ્ત્રીજી મહારાજ કહેતા : ‘તમારો આવો ઉત્સાહ જોઈને જ મને આ મંદિર પૂરું થઈ ગયું દેખાય છે.’ ઈશ્વરભાઈ તો ગઢપુરનું સંપૂર્ણ મંદિર આરસનું જ કરવા શાસ્ત્રીજી મહારાજને વિનંતી કરી રહ્યા હતા. જોકે શાસ્ત્રીજી મહારાજનો સ્વતઃ સંકલ્પ હતો કે શ્રીહરિના સંકલ્પનું આ મંદિર સર્વશ્રેષ્ઠ કરવું છે. આથી, આરસનું મંદિર કરવા તેમની અંતરની ઇચ્છા હતી. છતાં તેઓ ઘણી વખત ઈશ્વરભાઈને નિમિત્ત બનાવીને કહેતા : ‘તમારે સંકલ્પે ગઢડામાં આરસનું આ મંદિર થાય છે, માટે બળમાં રહેજો, સેવા કરજો અને દેખરેખ રાખજો.’
એકવાર આશાભાઈ તથા ઈશ્વરભાઈને તેમણે કહ્યું : ‘આ આરસનું મંદિર કરવાની તાણ તો તમારે લીધે જ થઈ. તમો તો મુંબઈના શેઠિયા જેવા છો. ટાણું સમજીને કામ લેવું જોઈએ અને ટાણે મોતી ભરડી નાખવાં જોઈએ.’
પછી બોલ્યા કે ‘શ્રીજીમહારાજે પોતાનું પુરુષોત્તમપણું વાપરીને વરતાલમાં પોતાની મૂર્તિ પધરાવી. તેમ આજે ગઢડાની જમીન લીધી અને દસ્તાવેજ કર્યો તેમાં પણ એવું જ પુરુષોત્તમપણું વાપર્યું છે. નહીં તો આવાં કામ ન થાય. એ તો શ્રીજીમહારાજની ઇચ્છાથી જ થયું.’
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના અક્ષરવાસ પછી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા પ્રત્યેના અનન્ય મમત્વભાવથી આશાભાઈએ હજારો વીઘાં જમીન અને સમૃદ્ધ કુટુંબનો ત્યાગ કરીને યોગીજી મહારાજના હસ્તે સંતદીક્ષા લઈ લીધી. ત્યારથી તેઓ સ્વામી યજ્ઞપ્રિયદાસજીના નામથી સત્સંગમાં ઓળખાવા વાગ્યા. વળી, સત્સંગમાં વય અને જ્ઞાનની દષ્ટિએ મોટા હોવાથી સહુ ‘મોટા સ્વામી’ના નામથી ઓળખતા થયા. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સાથે ગામોગામ વિચરણ કરીને સત્સંગની અભિવૃદ્ધિમાં પણ તેમણે યોગદાન આપ્યું. યોગીજી મહારાજ સાથે આફ્રિકા-વિચરણમાં પણ જોડાઈને તેમણે સૌને ખૂબ પ્રેરણા આપી હતી. હરિભક્તોને આજ્ઞા, ઉપાસના, સદ્‌‌ભાવ અને પક્ષનો ઉપદેશ આપી સાચા સત્સંગી બનાવ્યા હતા. સાધુ જીવનમાં છેલ્લાં વર્ષો તેમણે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના મહંત પદે બિરાજીને અટલાદરાનું મંદિર પૂરું કરવામાં ધન્ય કર્યાં. સેવા અને શ્રદ્ધાનો આ પવિત્ર દીપ 87 વરસ સુધી જલતો રહ્યો અને સૌને ઉજાસ આપતો રહ્યો. સ્વસ્થ શરીર સાથે અંતિમ શ્વાસ સુધી સેવા કરીને તા. 25-6-67ના રોજ અટલાદરામાં જ તેમણે દેહત્યાગ કર્યો.
આશાભાઈની જેમ ઈશ્વરભાઈ પણ સેવા અને અતૂટ આત્મબુદ્ધિથી ખૂબ જ પ્રતિષ્ઠા પામ્યા હતા. તેમની સેવા અપાર હતી. છતાં સાદા, ભલા અને નિખાલસ અંતઃકરણના હતા. સત્સંગમાં તેઓ મોખરે હતા, છતાં પણ ખૂબ જ નિર્માની હતા. મંદિરોના પાયા ગાળવામાં કે અનેક પ્રકારની શારીરિક મહેનત કે સેવા કરવામાં તેમણે કદી નાનપ અનુભવી નહોતી. તેમાં ગૌરવપૂર્વક સેવા કરીને શાસ્ત્રીજી મહારાજને રાજી કરતા. વડોદરાથી સારંગપુરની મૂર્તિઓ ચઢાવી સારંગપુર પહોંચાડવાની હોય કે આરસના 25 ટનના વેગન મકરાણાથી ગઢડા રવાના કરવાના હોય, શાસ્ત્રીજી મહારાજ ઈશ્વરભાઈને વિશ્વાસપૂર્વક એવી સેવાઓ સોંપતા અને ઈશ્વરભાઈ તેને પાર પાડીને રાજીપો કમાઈ લેતા.
‘દાજી’ના વહાલસોયા નામથી ઓળખાતા ઈશ્વરભાઈ ત્યાગાશ્રમને પણ ચઢી જાય તેવી સ્થિતિવાળા હતા. બોચાસણ મંદિરથી માંડી છેલ્લે ગઢડાના આરસના મંદિરની સેવા,  મંદિરોની જમીનને સાચવવી અને તેમાંથી ઊપજ મેળવીને દેવદ્વાર સુધી તે પહોંચાડવાની સેવા, વગેરે સેવાઓમાં તેઓ છેલ્લા શ્વાસ સુધી પ્રવૃત્ત રહ્યા. છેલ્લે છેલ્લે અટલાદરા મંદિરને સંપૂર્ણ કરી ઠાકોરજીનાં સિંહાસનો, જાળીઓ વગેરે  સેવાઓ કરીને તેમણે ને પરિવારે મંદિરની રોનક પરિપૂર્ણ કરી દીધી.
શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા પછી કેટલાકને યોગીજી મહારાજમાં શ્રીજીમહારાજના પ્રગટપણાનો નિશ્ચય થતો ન હતો. ઈશ્વરભાઈ દાજી તેમાંના એક. શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા પછી સંપ્રદાય પ્રત્યે ખાસ લાગણીને કારણે તેઓ મૂંઝાતા. તેમને ઉદ્વેગ રહેતો કે શાસ્ત્રીજી મહારાજના દેહત્યાગ બાદ હવે સત્સંગ વધતો અટકી જશે. હરિભક્તોનાં મન પાછાં પડી જશે.
એ અરસામાં એકવાર યોગીજી મહારાજ અમદાવાદ પધાર્યા હતા. ઈશ્વરભાઈ પણ અહીં આવ્યા હતા. એક ઓરડામાં તેઓ સૂનમૂન બેઠા હતા. યોગીજી મહારાજ તેમના મનની પરિસ્થિતિ સમજી ગયા. એમણે દિવ્ય કૃપાદૃષ્ટિ કરી અને ઈશ્વરભાઈને અલૌકિક અનુભવ થયો. અક્ષરધામમાં શ્રીજીમહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ તથા અનંત મુક્તોનાં દિવ્ય દર્શન થયાં. શાસ્ત્રીજી મહારાજે તેમને સાકરની પ્રસાદી આપીને કહ્યું : ‘દાજી ! ઉદાસ કેમ છો ? શ્રીજીમહારાજ આ જોગી મહારાજ દ્વારા સત્સંગમાં સદાય પ્રગટ છે. અમારામાં અને જોગી મહારાજમાં એક રોમનોય ફેર નથી ! માટે એમનામાં મન, કર્મ, વચને જોડાઈ જાઓ.’
થોડીવારે ઈશ્વરભાઈ આ કૃપાસમાધિમાંથી જાગ્રત થયા, ત્યારે તેમના હાથમાં સાકર હતી. તેમને આ વાત બધાને કરવી હતી, પરંતુ તેમનો કંઠ રૂંધાઈ ગયો ! યોગીજી મહારાજને તેઓ સાષ્ટાંગ દંડવત્‌ કરવા લાગ્યા. ગદ્‌ગદ ભાવે તેમણે કહ્યું : ‘આજ સુધી આપનો મહિમા સમજાયો ન હતો. આપ શાસ્ત્રીજી મહારાજનું જ સ્વરૂપ છો. સમાધિમાં મને આ બધો જ અનુભવ થયો છે.’
અને પછી યોગીજી મહારાજને શ્રીજી-સ્વામીનું પ્રત્યક્ષ સ્વરૂપ અને મોક્ષનું દ્વાર સમજી તેમનામાં પણ અત્યંત હેત અને વિશ્વાસથી તેમણે જીવ જડી દીધો હતો. સન 1959-60ના આફ્રિકાના પ્રવાસમાં પણ તેઓ યોગીજી મહારાજ સાથે ગયા હતા કે જેથી તેમનાં દર્શન-સત્સંગનો લાભ મળે.
સન 1956માં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. યોગીજી મહારાજ ત્યારે અટલાદરા બિરાજતા હતા. તેઓને પ્રાર્થના કરતાં ઈશ્વરભાઈએ કહેલું : ‘અંતકાળે પ્રત્યક્ષ દર્શન દેજો.’ સ્વામીશ્રીએ હાથ ઊંચો કરતાં કૉલ આપ્યો હતો કે ‘કાળ આવશે તો પાછો જશે. જાવ, દસ વર્ષનું આયુષ્ય આપ્યું.’ દસ વર્ષ પછી, સન 1966માં ગુરુપૂર્ણિમાના સમૈયે યોગીજી મહારાજે ખાસ પત્ર લખીને ઈશ્વરભાઈને બોચાસણ બોલાવ્યા. પણ ઈશ્વરભાઈ બીમાર હોવાથી ન આવી શક્યા. આથી યોગીજી મહારાજે ફરી આગ્રહપૂર્વક પત્ર લખ્યો કે ‘આ પત્ર વાંચીને ગમે તેવી દેહની સ્થિતિ હોય, તોપણ આવી જશો.’ અનેે ઈશ્વરભાઈ બોચાસણ પહોંચી ગયા.
બોચાસણમાં અષાઢ વદિ 13નો દિવસ હતો. રાત્રે ઉકાળા-પાણી કરીને સ્વામીશ્રી સભામાં પધાર્યા. સભાની શરૂઆત થઈ. થોડી વારમાં જ ઈશ્વરભાઈ દાજી આવ્યા અને સ્વામીશ્રીની નજીક પહોંચીને છાતીના સખત દુખાવાની ફરિયાદ કરી. સ્વામીશ્રીએ તેમના મસ્તકે હાથ ફેરવ્યો. ધીમેથી આશીર્વાદનો ધબ્બો આપ્યો. ઈશ્વરભાઈ ઉતારે પહોંચ્યા અને તે રાત્રે જ તેમણે છેલ્લા શ્વાસ લીધા. તા. 16-7-66ના રોજ યોગીજી મહારાજ, મોટા સ્વામી, પ્રમુખસ્વામી મહારાજ, અન્ય સંતો તથા મોટેરા હરિભક્તોના સાંનિધ્યમાં ઈશ્વરભાઈ અક્ષરવાસી થયા. સૌને ખ્યાલ આવ્યો કે ઈશ્વરભાઈને આપેલો કૉલ પૂરો કરવા યોગીજી મહારાજે તેમને અહીં બોલાવી લીધા હતા !
આ બંને ભાઈઓની અનન્ય સેવાને બિરદાવતા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અસંખ્ય વખત પુરુષોત્તમપુરા પધાર્યા છે, ‘હરદ્વાર, ઋષિકેશ, બદરી, કેદાર, છપૈયા તુલ્ય આ તીર્થ છે’ એમ કહીને એ તીર્થનું ખૂબ ગૌરવ વધાર્યું છે.
અનન્ય નિષ્ઠા, સમર્પણભાવ અને સત્પુરુષમાં અપાર પ્રીતિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડનાર આ બંધુબેલડી બી.એ.પી.એસ. સંસ્થાના ઇતિહાસમાં સદા અમર રહેશે. સત્સંગી તરીકેની આધ્યાત્મિક સ્થિતિ, નમ્રતા અને અદ્‌ભુત સેવાભાવનું ઉચ્ચ શિખર બનેલા આશાભાઈ અને ઈશ્વરભાઈ અનેક પેઢીઓને માટે પ્રેરણાની દીવાદાંડી બની રહેશે.

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS