Essays Archives

'આહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિઃ સત્ત્વશુદ્ધૌ ધૃવા સ્મૃતિઃ ।
સ્મૃતિલંભે સર્વગ્રન્થિનાં વિપ્રમોક્ષઃ ॥' (છાન્દોગ્ય ઉપનિષદû ૭-૨૬-૨)

પ્રસિદ્ધ શ્લોકનો અર્થ આ પ્રમાણે થાય છે : આહાર શુદ્ધિથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. અંતઃકરણની શુદ્ધિથી સ્મૃતિ-ધ્યાન સ્થિર થાય છે અને ધ્યાન પ્રાપ્ત થતાં અંતરની સર્વ મલિન ગ્રંથિઓ અર્થાત વાસના તત્કાળ નાશ પામે છે.
ઉપનિષદકારે આ સનાતન સત્ય સમગ્ર માનવ માટે આપેલું છે. તેનો થોડો વિમર્શ કરીશું.
પ્રથમ તો પરમેશ્વરની અત્યંત કૃપા કે આપણને મનુષ્યદેહ આપ્યો. જન્મમરણના ફેરામાંથી મુક્તિ મનુષ્યદેહથી જ શક્ય બને છે. તેનું કારણ શાસ્ત્રમાં જ આપેલું છે - 'શરીરમાદ્ય ખલુ ધર્મસાધનમû।' મનુષ્યમાં વિવેકબુદ્ધિ છે : શું કરવું અને શું ન કરવું! અન્યથા પશુના દેહે આ શક્ય જ નથી. મનુષ્યદેહથી જ ધર્મનું પાલન શક્ય બને છે.
પંચભૂતનું શરીર હવા, જળ અને અન્નથી પોષાય છે. શરીરમાં રહેલો પ્રાણ તે અન્નથી ટકી રહે છે. પ્રાણનો આધાર અન્ન છે. માટે અન્ન દૂષિત થાય તો પ્રાણ દૂષિત થાય. તેથી મનઆદિક અંતઃકરણમાં વિકૃતિ આવે. અંતઃકરણની વિકૃતિથી જીવ આધ્યાત્મિક માર્ગમાંથી-કલ્યાણના માર્ગમાંથી પતિત થાય. તેથી જ ધર્મશાસ્ત્રોએ આહારશુદ્ધિની અનિવાર્યતા નિર્દેશી છે.
આ વાત શ્રીજીમહારાજે થોડી સૂક્ષ્મ રીતે વચનામૃત પ્ર. ૧૮માં સમજાવી છે. તેમાં તેઓ પંચ જ્ઞાનેન્દ્રિયોના આહાર શુદ્ધ રાખવાનો અનુરોધ કરે છે. તેઓ કહે છે : 'પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે. અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચઇંદ્રિયોના આહારમાંથી એક ઇંદ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે, માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇંદ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. પ્રસ્તુત લેખમાં આપણે રસના ઇંદ્રિયના જ આહાર પર ચર્ચા કરીશું.
આહારશુદ્ધિના સ્તંભસમો સિદ્ધાંત હિંદુ ધર્મમાં હોય તો તે છે - અહિંસાનો! અહિંસા તે પરમ ધર્મ છે તેવો મહાભારતમાં (૩-૨૦૭-૭) ઉલ્લેખ છે. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં પણ તે જ વાતને અનુમોદન આપ્યું છે. (શ્લોક-૧૨) શ્લોક-૧૧માં તેમણે કોઈપણ જીવહિંસાનો નિષેધ કર્યો. આ ઉપરાંત દારૂ, માંસનો નિષેધ (શ્લોક-૧૫); ભાંગ આદિક કેફ કરનારી વસ્તુનો ત્યાગ (શ્લોક-૧૮) અને ડુંગળી, લસણનો નિષેધ (શ્લોક-૧૮) કરવાનું કહ્યું છે.
નવા સત્સંગીઓને કદાચ પ્રશ્ન થાય કે ડુંગળી-લસણનો નિષેધ તો બ્રાહ્મણ હરિભક્તો માટે જ છે તેવું શિક્ષાપત્રીમાં મહારાજ કહે છે. પરંતુ શ્રીજીમહારાજે શિક્ષાપત્રીના શ્લોક ૨૦૩માં લખ્યું છે કે 'સંપ્રદાયના વિશેષ ધર્મનો વિસ્તાર અમારા અન્ય ધર્મગ્રંથોમાંથી જાણવો' એ આદેશ અનુસાર સંપ્રદાયનો અન્ય ધર્મગ્રંથ 'સત્સંગિજીવન' છે, તેમાં આ શ્લોકનો વિસ્તાર આ પ્રમાણે છે :
'ગૃહસ્થૈરપિ સન્ત્યાજયઃ સંસર્ગો મદ્યમાંસયોઃ ।
પલાણ્ડુલશુનાદેશ્ચ તથા માદકવસ્તુનઃ ॥' (૬૨/૩)
અર્થાતû ગૃહસ્થોએ પણ મદ્યમાંસ, માદક વસ્તુઓ તથા ડુંગળી લસણનો સારી રીતે ત્યાગ કરવો. આનાથી સમસ્ત હરિભક્તોને આ આજ્ઞા પાળવાનો બોધ થાય છે. વૈજ્ઞાનિકો આવા પદાર્થોના ઔષધીય અને સ્વાસ્થ્યપ્રદ ગુણો ભલે ગણાવે પણ આપણા સત્સંગીઓએ આપણા ઇષ્ટદેવની આજ્ઞાનું શિર સાટે પાલન કરવું. એ જ ભક્તોની પ્રથમ ફરજ છે.

માંસાદિક પદાર્થો વર્જ્ય ગણવાનું બીજું કારણ છે તેમાં રહેલા તામસિક ગુણો.
સામાન્ય રીતે તામસીનો અર્થ ફક્ત 'ક્રોધ ઉપજાવે તેવું' એ સમજણ છે. પરંતુ આવી સમજણ અધૂરી છે. તમોગુણમાં અન્ય દુર્ગુણો જેવા કે આળસ, નિદ્રા અને મોહનો સમાવેશ પણ થાય છે. મોહિત વ્યક્તિ સાચો નિર્ણય લઈ સત્યના માર્ગ પર ચાલી શકતી નથી. આળસ, પ્રમાદ અને મોહ માણસના પરમ શત્રુ છે. શ્રીજીમહારાજે વચનામૃત સારંગપુર ૧૪માં પ્રમાદ અને મોહને માયા કહી છે. મહાભારતમાં ઉદ્યોગપર્વમાં સનત્સુજાત ૠષિએ પણ પ્રમાદ અને મોહને જ માયા કહી. આ માયાથી બચવા જ તમોગુણી આહારનો નિષેધ કર્યો છે. ડુંગળી, લસણ, હીંગના નિષેધનું પણ આ જ કારણ છે.
તામસિક આહાર અને તેમાંય વિશેષે કરીને માંસાહાર વિષે 'એનસાઇક્લોપેડિયા આૅફ રિલીજીયન' અને એથિક્સ જણાવે છે : 'માંસાહાર વિરુદ્ધ સૌથી ગંભીર પુરાવો એ છે કે તે માણસની પશુવૃત્તિઓને ઉત્તેજિત કરે છે તથા વિષયભોગ માટે ઇન્દ્રિયોની લોલુપતા વધારે છે. માંસાહાર ન કરીએ અને શુદ્ધ શાકાહારી બનીએ તો ફાયદો એ થાય છે કે આપણે શારીરિક અસ્વસ્થતાથી મુક્ત રહીએ છીએ અને આપણા વિચારો તથા ઇચ્છાઓને પવિત્ર, શુદ્ધ અને સંયમી બનાવી શકીએ છીએ.'
"The Most Serious indictment against flesheating is that meat is a stimulant and its heating properties act upon the system by increasing the power of the animal in man. By meat... eating in other words, the temptation to sensuality of all kinds is strenghened. Moreover the benefit... is not only relief from certain trouble once physical sensations but a marked purification of thought and desire." (Vol. P.)
માંસાહાર માનવની પશુવૃત્તિને પુષ્ટ કરે છે. તે વિધાનની તાદૃશ્યતા જોઈએ. પરદેશની શાળાઓમાં 'બુલીયીંગ' અને ફૂટપાથ પર ટીનએજર્સનો આક્રમક વર્તાવ જોવા મળે છે. તો ગુજરાત અને ભારતના મોટાભાગનાં શહેરો-ગામડાંઓની શાળાઓમાં તથા જાહેરમાર્ગો પર અમથું અમથું આક્રમક અને અશ્લીલ વલણ જોવા મળતું નથી. તેનું એક જ કારણ છે કે આપણે શાકાહારી છીએ. શાકાહારથી મન અને ઇન્દ્રિયો શાંત રહે છે. જ્યાં જ્યાં માંસાહારે પગપેસારો કર્યો છે તેવા રાષ્ટ્રોમાં તમોગુણી પ્રવૃત્તિ અર્થાતû લૂંટફાટ અને ખૂનામરકી વધ્યાં છે.
માંસાહાર-તામસિક આહાર છે. તામસિક આહાર વિષે થોડું જાણ્યું. ભગવદ્‌ગીતામાં ત્રણ પ્રકારના આહારનું વિશ્લેષણ કર્યું છે તે અહીં જોઈએ.
(૧) સાત્ત્વિક આહાર : પુષ્ટિદાયક (દૂધ, મધ આદિક) આરોગ્યપ્રદ, સ્નિગ્ધ (ઘી, માખણ), સ્થિર (શરીર સાથે એકરસ થઈ જનાર), મધુર (સાકરયુક્ત), સ્વાદિષ્ટ (ઘી, સાકર કે દૂધ-સાકરના સંયોજનથી પક્વ થયેલ)
(૨) રાજસી આહાર : મધુર સિવાયના પાંચ રસો : ખાટા, ખારા તીખા, તૂરા અને કડવા રસવાળા. અલગ અલગ લેવાય તે રાજસી આહાર છે. આ ઉપરાંત અત્યંત ગરમ (ચૂલા પરથી તરત ઊતારેલા), લૂખા (જે આહાર ખાધા બાદ ખૂબ પાણી પીવું પડે છતાં તૃષા ન છીપે એવા), તળેલા, શેકેલા, ઊકાળેલા, વઘારેલા, દાહ કરનારા, (લવિંગ, તજ, એલચી આદિ તેજાના) મોંમાં ઝણઝણાટ ને પાણી ઉત્પન્ન કરનારા જેના સેવનથી દુઃખ, શોક, ગ્લાનિ તથા રોગ ઊપજે તે રાજસી આહાર. આમાં દારૂ, ડ્રગ્સ, કૉફી, ચા અને કેફિનયુક્ત ઠંડા પીણાનો સમાવેશ થઈ શકે, કારણ કે તેનાથી મૂડ ઉત્તેજિત થાય અથવા મનમાં વિકૃતિ આવે. ઉપરાંત તેની અસર ઓછી થયે ગ્લાનિ (ડીપ્રેશન) પણ પેદા થાય છે.
(૩) તામસી આહાર : જે આહાર રાંધ્યા પછી ઘણા સમય સુધી પડી રહ્યો હોય, ઊતરી ગયો હોય, પદાર્થનો મૂળભૂત રસ નાશ પામ્યો હોય, કાચોપાકો રંધાયો હોય, જેમાંથી દુર્ગંધ આવતી હોય, મુશ્કેલીથી પચે તેવો, ખૂબ મસાલેદાર હોય, ઠંડો અને વાસી હોય, કોઈનો એંઠો કે છાંડેલો હોય, જેમાં કીટ, વાળ જેવી અપવિત્ર વસ્તુઓ પડી હોય, શાસ્ત્રનિષિદ્ધ માંસ, માછલી, ઈંડાં, ડુંગળી, લસણયુક્ત હોય; તે આહારને તામસી આહાર કહ્યો છે.
હવે બીજા સૂક્ષ્મ ઘટકો જે આહારને અશુદ્ધ કરે છે તે જોઈએ.

(૧) સ્વભાવ દોષ : જે પદાર્થ સ્વરૂપ-સ્વભાવે દૂષિત છે જેમ કે માંસ, ઈંડાં, શરાબ, સડેલું અનાજ વગેરે મનુસ્મૃતિમાં કહ્યું છે કે -
'લશુનં ગૃઞ્જનં ચૈવ પલાણ્ડુકવકાનિ ચ ।
એતાન્‌ જગ્ધ્વા દ્વિજો મોહાત્‌ï પ્રાજાપત્યેન શુચ્યતિ ॥'
લસણ, ડુંગળી, સલગમ (એક પ્રકારનો દંડ), છત્રાક (બિલાડીનો ટોપ-મશરૂમ) વગેરે અપવિત્ર પદાર્થો ખાનારે પોતાની શુદ્ધિ માટે પ્રાજાપત્યવૃત્ત કરવું.
(૨) નિમિત્ત દોષ : ભોજન તો સૂરજ છે તથા પદાર્થોમાં પણ કોઈ દોષ નથી, પરંતુ તેમાં બહારથી અપવિત્ર વસ્તુનો યોગ થતાં અન્ન દૂષિત થાય છે. જેમ કે બજારમાંથી ખરીદેલા પદાર્થમાં જંતુ આદિ પડ્યા હોય, રાંધેલું ભોજન ન ઢાંકવાથી તેમાં પક્ષીની તથા ગરોળીની વિષ્ટા, માખી, વંદા, મંકોડા વગેરે જંતુ તથા ધૂળ પડવાથી તે દૂષિત અન્ન વર્જ્ય ગણવામાં આવ્યું છે.
(૩) આશ્રય દોષ : ભોજન પકાવનાર વ્યક્તિ અતિશય પવિત્ર હોય, વાસણો માંજ્યા વિનાનાં એઠાં હોય, પહેલાં વાસણોમાં અભક્ષ્ય પદાર્થ રંધાયો હોય, દુષ્ટ વ્યક્તિએ સ્પર્શ કર્યો હોય તો અન્ન દૂષિત થાય છે. વ્યક્તિ વ્યક્તિમાં ચારિત્ર્યદોષ છુપાયેલો હોય છે. એકલશૃંગી ૠષિને કુલ્ટા સ્ત્રીએ રાજસી ભોજન જમાડ્યાં તો તે તેમના તપ માર્ગમાંથી પડ્યા. તે દૃષ્ટાંત જાણીતું છે. રજસ્વલા સ્ત્રીએ રાંધેલું અન્ન પણ આ આશયથી અશુદ્ધ ગણવામાં આવે છે.
(૪) સ્વત્વદોષ : અન્ન પોતાની ઇમાનદારીથી કમાયેલા દ્રવ્યનું ન હોય અને છેતરપીંડી અથવા ચોરી વગેરે સાધનોથી મેળવેલું હોય તો પણ અન્ન દૂષિત બને છે. તમામ દોષોમાં દ્રવ્ય દોષને મોટો દોષ કહેવાયો છે.
હવે દૈનિક જીવનમાં ઉપર દર્શાવેલા ખોરાકના ૩ પ્રકાર અને ૪ દોષોનો પ્રૅકિટકલ સમન્વય ૪ ભાગમાં વર્ગીકૃત કરી શકાય : ૧. રસોડામાં આહારશુદ્ધિ, ૨. ઠાકોરજીના થાળ અંગે આહારશુદ્ધિ, ૩. અંગત આહારશુદ્ધિ, ૪. સમય અને ૠતુ મુજબ આહારશુદ્ધિ. આ મુદ્દા વિચારીને શ્રદ્ધા અને આદરપૂર્વક દેહે કરીને જેટલું આહારશુદ્ધિનું પાલન કરીશું તેટલી અંતઃકરણની શુદ્ધિ થતી જશે. અંતઃકરણ જેમ જેમ શુદ્ધ થશે, તેમ તેમ પ્રગટ સત્પુરુષની કૃપા થશે. તેમની કૃપાથી એકાંતિક ધર્મના ચાર અંગો : ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જીવમાં દૃઢ થશે. એકાંતિક ધર્મ સિદ્ધ થતાં મલિન ગ્રંથિઓ નાશ પામે છે ને આત્યંતિક મુક્તિ, અર્થાતû અક્ષરધામની પ્રાપ્તિ થાય છે.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS