Essays Archives

અક્ષરબ્રહ્મનું મનુષ્યરૂપે અવતરણ...
એક શાસ્ત્રીય સનાતન સિદ્ધાંત...
અધ્યાય - ૨

પુરુષોત્તમ પરબ્રહ્મ આ લોકમાં અવતરે છે. આપણા જેવું મનુષ્ય શરીર ધારણ કરે છે. પોતાના આશ્રિતોને આનંદ પમાડે છે અને આત્યંતિક મુક્તિ પમાડે છે. આ એમની અપાર કરુણા છે. આપણાં સનાતન શાસ્ત્રોમાં આ વાત વારંવાર પ્રતિપાદિત થઈ છે. પુરુષોત્તમ પરબ્રહ્મની જેમ, તેમની ઇચ્છાથી અક્ષરબ્રહ્મ પણ આ લોકમાં પધારે છે, મનુષ્ય શરીર ધારણ કરે છે, પોતાના દૃઢ પ્રસંગ દ્વારા આશ્રિતોમાં પોતાના દિવ્ય ગુણો પ્રગટાવે છે, પરબ્રહ્મના સ્વરૂપનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય દૃઢ કરાવે છે. પરમ સુખનો અનુભવ કરાવે છે અને આત્યંતિક મોક્ષ પમાડે છે. અક્ષરબ્રહ્મ દ્વારા પરમાત્માની  પ્રાપ્તિની આ વાત સનાતન ધર્મના અતિ મહત્ત્વપૂર્ણ શાસ્ત્રોમાં પણ એટલી જ વ્યાપકપણે પ્રતિપાદિત થઈ છે. પ્રસ્તુત લેખમાં પ્રસ્થાનત્રયી, કહેતાં ઉપનિષદો, ભગવદ્ ગીતાતથા બ્રહ્મસૂત્ર દ્વારા આ વિષયે થયેલ પ્રતિપાદન અંગે કેટલીક માહિતી મેળવીએ...

 

ઉપનિષદોમાં નરતનુધારી અક્ષરબ્રહ્મ

तदेजति - એ અક્ષરબ્રહ્મ અવતરે છે.

ઈશાવાસ્ય ઉપનિષદ શુક્લ યજુર્વેદનો એક ભાગ છે. આ ઉપનિષદમાં પરબ્રહ્મની સાથે અક્ષરબ્રહ્મનાં સ્વરૂપ, ગુણ, ઐશ્વર્યો વગેરેનો ઉપદેશ કરવામાં આવ્યો છે. તેના એક મંત્રમાં કહેવામાં આવ્યું કે - 'तदेजति'(ઈશાવાસ્ય ઉપનિષદ - ૫) 'एजति'નો અર્થ છેઃ  ગતિ કરવી, જવું, અવતરવું. પરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મ બંને મુમુક્ષુઓના પરમ કલ્યાણ માટે જ્યાં મુમુક્ષુઓ વસે છે તે લોકમાં જાય છે, અવતરે છે એમ આ મંત્રનો અર્થ છે. અક્ષરબ્રહ્મ પણ આ લોકમાં અવતરે છે એ વિશેષ વાત અહીં સમજાય છે. મનુષ્યના કલ્યાણ માટે મનુષ્ય જેવા સજાતીય થવાનો અહીં મર્મ છે. આપણે સૌ મનુષ્ય છીએ એટલે પરબ્રહ્મની જેમ અક્ષરબ્રહ્મ પણ મનુષ્ય-શરીર ધારણ કરી આપણને સજાતીય થાય છે. તેથી આપણો અધ્યાત્મ પથ સરળ અને આનંદમય બને છે.

वरिष्ठं प्रजानाम्‌ - પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ બને પરમ વરણીય

અથર્વવેદમાં આવેલા મુંડક ઉપનિષદના મંત્રો પણ નરતનુધારી અક્ષરબ્રહ્મનો મહિમા સમજાવે છે. અંગિરા અને શૌનકના સંવાદ દ્વારા આ મહિમા ઉજાગર થયો છે. અંગિરાજીએ કહેલ ઉપદેશમંત્રના શબ્દો છે - 'आविः..एजत्‌ प्राणन्निमिषत्व्च यदेतज्जानथ...वरेण्यं परं विज्ञानाद्‌ वरिष्ठं प्रजानाम्‌। ...तदेतद्‌ अक्षरं ब्रह्म।’ (મુંડક ઉપનિષદ ૨/૨/૧,૨). 'आविः' કહેતાં તે અક્ષરબ્રહ્મ આવિર્ભૂત થાય છે. અનેક આત્માઓના ઉદ્ધાર માટે તે તે બ્રહ્માંડોમાં મનુષ્યરૂપ ધારી પ્રગટ થાય છે. અને તે અક્ષરબ્રહ્મ 'एजत्‌' કહેતાં ગતિ કરે છે. ચાલે છે. વિચરણ કરે છે. 'प्राणत्‌' કહેતાં શ્વાસોચ્છ્‌વાસની ક્રિયા કરે છે. અનંત આત્માઓની આત્યંતિક મુક્તિ માટે દિવ્ય જીવન ધારી રાખે છે. 'निमिषत्‌' કહેતાં તે અક્ષરબ્રહ્મ આંખો પણ પટપટાવે છે. જુએ છે. આપણને સજાતીય થવા માનવદેહ ધરીને આપણી જેમ જ જોવું, બોલવું, ચાલવું, જમવું વગેરે સહજ ક્રિયાઓ કરે છે એમ તાત્પર્ય છે.
આ અક્ષરબ્રહ્મ મુમુક્ષુઓ માટે 'वरेण्यम्‌' એટલે કે વરણીય છે, સમર્પિત થવા યોગ્ય છે. પ્રાર્થનીય છે. શરણાગતિ લેવા યોગ્ય છે. એટલું જ નહીં પરંતુ આ અક્ષરબ્રહ્મ તો 'प्रजानां वरिष्ठम्‌' કહેતાં સર્વ દેહધારીઓ માટે સર્વોત્કૃષ્ટ વરણીય, સર્વોત્કૃષ્ટ પ્રાર્થનીય અને શરણાગતિનું સર્વોત્કૃષ્ટ સ્થાન છે. જેને તેને સમર્પિત ન થવાય. જેને તેને પ્રાર્થના ન કરાય. જેવા તેવાની શરણાગતિ ન લેવાય. શરણાગતિ માટે તો નરતનુધારી અક્ષરબ્રહ્મ પાસે જવું પડે. સાચા મુમુક્ષુઓને સાચું સમર્પણસ્થાન મળી રહે તે માટે જ તો અક્ષરબ્રહ્મ આ લોકમાં પધારી આપણા સૌની વચ્ચે વિચરે છે એમ આ શબ્દોનો ધ્વનિતાર્થ છે.

यः सर्वज्ञः सर्वविद्‌ - પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મની સર્વજ્ઞતા

અક્ષરબ્રહ્મ જ સર્વોત્કૃષ્ટ વરણીય શા માટે? એ જિજ્ઞાસાને સંતોષતો એક શબ્દ અહીં સંભળાય છે - 'विज्ञानात्‌' વિજ્ઞાન એટલે સાક્ષાત્કાર. પ્રત્યક્ષ અનુભૂતિ. સર્વની સર્વકાલીન, સર્વાંગસંપૂર્ણ અને યથાર્થ પ્રત્યક્ષાનુભૂતિ. અક્ષરબ્રહ્મ બધું જાણે છે. જીવને જાણે છે. જગતને જાણે છે. જગદીશને જાણે છે. બંધન જાણે છે. બંધનનાં પરિણામો જાણે છે. બંધનથી મુક્તિનાં સાધન જાણે છે. સાધનાનુષ્ઠાનની પદ્ધતિ જાણે છે. કયા મુમુક્ષુએ કઈ સાધના કરવી જોઈએ?, કયો મુમુક્ષુ કઈ સાધના કરી શકશે? વગેરે બધું જ તેઓ પ્રત્યક્ષપણે જાણે છે. એટલે જ તો આગળ જતાં એક મંત્રમાં અંગિરા પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મની આ વિશેષતા જણાવતાં બોલી ઊઠ્યા છે કે 'यः सर्वज्ञः सर्वविद्‌ यस्यैष महिमा भुवि।' અક્ષરબ્રહ્મ સર્વજ્ઞ છે. બધું જાણે છે. એમનો આ મહિમા આ લોકમાં પ્રસિદ્ધ છે. (મુંડક ઉપનિષદ ૨/૨/૭) વાત સાચી છે. તેઓ જેવું અને જેટલું જાણે છે તેવું અને તેટલું આ સંસારમાં કોઈ જાણતું નથી. તેમણે ક્યાંયથી માહિતી મેળવવાની હોતી નથી. કોઈ અનુમાન કરવાની પણ જરૂર પડતી નથી. બધું જ પ્રત્યક્ષ હોય છે. ટૂંકમાં કહેવું હોય તો કહેવાય કે મનુષ્યરૂપે વિચરતું અક્ષરબ્રહ્મ બ્રહ્મવિદ્યાનું મૂર્તિમાન સ્વરૂપ છે. આથી જ આ અક્ષરબ્રહ્મ 'प्रजानां वरिष्ठम्‌' કહેતાં આપણા સૌ માટે શરણાગતિનું સર્વોત્કૃષ્ટ સ્થાન બની રહે છે એમ આ ઉપનિષદમાં સમજાવ્યું છે.
વળી, આ મંત્રમાં અંગિરા કહે છે - 'एतज्जानथ' કહેતાં હે શિષ્યો! તમે બધા મેં કહ્યું તે રીતે અક્ષરબ્રહ્મના મનુષ્યસ્વરૂપને પણ ઓળખજો. રખેને એ સમજવાનું રહી જાય!

तमेवैकं जानथात्मानम्‌ - પ્રત્યક્ષ અક્ષરને જ જાણો આત્મા

અક્ષરબ્રહ્મ અંગે આટલું કહીને પણ મહર્ષિ અંગિરા અટક્યા નથી. તેમણે નરતનુધારી અક્ષરબ્રહ્મને ઓળખી તેમની સાથે જોડાઈ જવા ઉપર ભાર પણ મૂક્યો છે. મંત્ર આ પ્રમાણે છે -  'तमेवैकं जानथात्मानम्‌ अन्या वाचो विमुञ्चथ।' અર્થાત્‌ હે વહાલા શિષ્યો! બીજી બધી વાતો મૂકો અને એકમાત્ર આ અક્ષરબ્રહ્મને જ તમે તમારો આત્મા જાણો(મુંડક ઉપનિષદ ૨/૨/૫). આ આજ્ઞા છે, આદેશ છે. માત્ર સૂચન નથી. પોતાના આત્માની અક્ષરબ્રહ્મ સંગાથે એકતા કરવાનો આદેશ છે. અક્ષર સંગાથે આત્મબુદ્ધિનો આદેશ છે. હું અક્ષર છુ _, બ્રહ્મ છુ _, આ મનુષ્યરૂપે વિચરતું અક્ષરબ્રહ્મ મારું સ્વરૂપ છે — એમ નિરંતર અનુસંધાન કરવાનો આદેશ છે. તેમનામાં ઓતપ્રોત થઈ જવાનો આદેશ છે. તેમનો દૃઢ પ્રસંગ કરવાનો આદેશ છે. આદેશની સાથે સાથે આગ્રહ પણ છે. બીજી બધી વાતો બંધ કરવાની આજ્ઞા પણ એટલે જ કરી છે. બીજી વાતો કરવામાં, રખેને આ અક્ષરબ્રહ્મ નયનગોચર થઈ આપણા સૌની વચ્ચે વિચરે છે તે સમજવાનું રહી જાય એવી દહેશત છે.
વળી, આત્માની એકતા કરવાની વાત આવી તો तमेवैकं जानथात्मानम्‌ એ એક માત્ર અક્ષરબ્રહ્મને જ પોતાનો આત્મા જાણો એમ કહ્યું. બીજા કોઈની વાત ન કરી. વાત ન કરી એટલું જ નહીં. तम्‌ एव एकं શબ્દ મૂકીને બીજાની ના પાડી દીધી. આધ્યાત્મિક દૃષ્ટિએ કેટલો અગત્યનો આ આદેશ છે! આત્મબુદ્ધિ જેવી કોઈ સાધના નથી. આત્મબુદ્ધિ જેવી કોઈ સિદ્ધિ પણ નથી. એટલે એ કરવામાં ધ્યાન રાખવું પડે. મનુષ્યરૂપે વિચરતા અક્ષરબ્રહ્મ સિવાય બીજે ક્યાંય આપણા આત્માને ન જોડાય. કોઈ મુક્તમાં પણ નહીં એમ ચોખ્ખો વિવેક સમજાવ્યો.

श्रोत्रियं ब्रह्म निष्ठम्‌ - બ્રહ્મ જ સાચા ગુરુ

એટલે જ તો જ્યારે બ્રહ્મવિદ્યાના સાક્ષાત્કાર માટે ગુરુ કરવાની વાત આવી ત્યારે આ મુંડક ઉપનિષદમાં અક્ષરબ્રહ્મને જ યાદ કર્યા છે. મહર્ષિ અંગિરા કહે છે - एतद्‌ विज्ञानार्थं स गुरुम्‌ एवाभिगय्छेत्‌ समित्पाणिः श्रोत्रियं ब्रह्म निष्ठम्‌ (મુંડક ઉપનિષદ ૧-૨-૧૨) અર્થાત્‌ બ્રહ્મવિદ્યાનો સાક્ષાત્કાર પામવા ગુરુ પાસે જવું જ પડે. અને તે ગુરુ પણ કોણ થઈ શકે ? જે श्रोत्रियम्‌ કહેતાં સર્વ શાસ્ત્રનાં રહસ્યોનો સાક્ષાત્કાર ધરાવતા હોય, જે ब्रह्म કહેતાં પોતે સાક્ષાત્‌ અક્ષરબ્રહ્મ હોય અને निष्ठम्‌ કહેતાં પરબ્રહ્મમાં નિત્ય સ્થિતિ, નિષ્ઠા ધરાવતા હોય. ધ્યાન ખેંચે તેવી એક મહત્વની બાબત અહીં કહેવાઈ છે. ગુરુને અક્ષરબ્રહ્મ સમજવા એમ નથી કહ્યું, પરંતુ અક્ષરબ્રહ્મને જ ગુરુ સમજવા તેમ કહ્યું છે. આનો અર્થ એ થયો કે મનુષ્યરૂપે વિચરતા અક્ષરબ્રહ્મ સિવાય બીજા કોઈને ગુરુ થવાનો અધિકાર જ નથી. બ્રહ્મભાવ પામેલા-પરબ્રહ્મનો સાક્ષાત્કાર પામેલા મુક્તને પણ નહીં. બ્રહ્મવિદ્યા પામવાની આ શાસ્ત્રીય વ્યવસ્થા છે. હા, બ્રહ્મવિદ્યા સિવાય બીજી બધી વિદ્યાઓમાં ભલે ને જેને ગુરુ થવું હોય તે થાય. બ્રહ્મવિદ્યાના સાક્ષાત્કાર માટેના ગુરુ તો એક અક્ષરબ્રહ્મ જ થઈ શકે, બીજા કોઈ નહીં. આપણે બીજાને કરાય પણ નહીં એમ આ ઉપનિષદમાં મહર્ષિ અંગિરા વારંવાર ગૂઢ મર્મ કહી રહ્યા છે.
બ્રહ્મવિદ્યાનો સાક્ષાત્કાર એટલે અક્ષરબ્રહ્મનો સાક્ષાત્કાર, પરબ્રહ્મનો સાક્ષાત્કાર. જે આ સાક્ષાત્કાર પામે છે તેને બ્રાહ્મી સ્થિતિનો અનુભવ થાય છે. અને બ્રહ્મરૂપ એવા પોતાના આત્માને વિષે પરબ્રહ્મની સતત અનુભૂતિ થયા કરે છે. હવે આ પ્રકારે બ્રહ્મવિદ્યાનો સાક્ષાત્કાર પામવા પ્રગટ અક્ષરબ્રહ્મને ઓળખ્યા વગર છૂટકો નથી, તેમનામાં આત્મબુદ્ધિ કર્યા વગર છૂટકો નથી - એ વાત મહર્ષિ અંગિરા સ્પષ્ટપણે સમજે છે, તેથી તેઓ આવો આગ્રહ દર્શાવે છે. તેઓને પરબ્રહ્મની પ્રાપ્તિમાં આવતા અવરોધોનો ખ્યાલ છે. સંસારસાગરની ભીષણતાનો ખ્યાલ છે. મોહમાયારૂપી ભમરીઓની વિનાશકતા જાણે છે. કામ-ક્રોધાદિ સ્વભાવોની વશીકરણ શક્તિને જાણે છે. આ બધાથી બચવા તેથી પણ શક્તિશાળી કોઈ મળવું જોઈએ. અક્ષરબ્રહ્મ એવા શક્તિશાળી છે. સદાય માયાથી પર છે. તેઓ સ્વભાવને વશ નથી, પરંતુ સ્વભાવો તેમને વશ વર્તે છે. આમ વિચારી મહર્ષિ અંગિરા કહે છે - अमृतस्यैष सेतुः અર્થાત્‌ આ નયનગોચર અક્ષરબ્રહ્મ અમૃતમય પરબ્રહ્મને પામવાનો સેતુ છે(મુંડક ઉપનિષદ, ૨-૨-૫).  સેતુ જેમ એક કિનારાથી બીજા કિનારે સહેલાઈથી પહોંચવાનું માધ્યમ બની જાય છે, તેમ અક્ષરબ્રહ્મ પણ મનુષ્યરૂપે આ લોકમાં પધારી આપણા માટે સેતુની ભૂમિકા ભજવે છે. આપણને માયામાં ડૂબતા બચાવે છે. સંસાર પાર લઈ જાય છે અને પરમાત્માનો મેળાપ કરાવી આપે છે.
આવી જ વાત કઠ ઉપનિષદમાં યમરાજે નચિકેતાને સમજાવી છે. ત્યાં કહ્યું - 'यः सेतुरीजानानाम्‌ अक्षरं ब्रह्म यत्‌ परम्‌। अभयं तितीर्षतां पारं नाचिकेतं शकेमहि॥' (કઠ ઉપનિષદ, ૩/૨).
આ જ સિદ્ધાંત શ્વેતાશ્વતર ઉપનિષદમાં એક જુદા દૃષ્ટાંતથી સમજાવવામાં આવ્યો છે. ત્યાં કહ્યું - 'ब्रह्मोडुपेन प्रतरेत विद्वान्‌ स्रोतांसि सर्वाणि भयावहानि।' અર્થાત્‌ બુદ્ધિશાળી મનુષ્યે અક્ષરબ્રહ્મરૂપી નૌકાનો આશરો લઈ આ ભયંકર માયાના પ્રવાહને તરી જવું. (શ્વેતાશ્વતર ઉપનિષદ ૨/૮)
આમ મનુષ્યદેહ ધારીને આપણા સૌની વચ્ચે વિચરતા અક્ષરબ્રહ્મનો મહિમા ઉપનિષદોમાં ખૂબ ઘૂંટાયો છે. હવે આ અંગે ભગવદ્‌ગીતાનો અભિપ્રાય જાણીએ.

 


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS