Essay Archives

ભગવાન અને સંતને જ રાજી કરવા, શા માટે?

સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ મધ્યાહ્ને ધોમધખતા તાપમાં ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું : ‘મહારાજ ! કયા રાગમાં કીર્તન ગાઉં ?’ ભગવાન સ્વામિનારાયણે કહ્યું : ‘ભૈરવ રાગમાં.’ અને પ્રેમાનંદ સ્વામીએ આલાપ શરૂ કર્યો. પ્રેમાનંદ સ્વામીની ગાયકીની ખ્યાતિ સાંભળીને આવેલા ગ્વાલિયરના મશહૂર ગવૈયાઓ મશ્કરીમાં હસી રહ્યા હતા. એમ કે, ભરબપોરે ધોમધખતા તાપમાં વહેલી સવારનો ભૈરવ રાગ આલાપવાની આ તે કેવી ગાયકી ? પરંતુ, થોડી જ ક્ષણોમાં પ્રેમાનંદ સ્વામીએ ભૈરવની જમાવટ કરી.
વાતાવરણ પલટાવા લાગ્યું. વહેલી સવારનો મંદ મંદ શીતળ પવન વહેવા લાગ્યો. ચકલીઓ અને પક્ષીઓ ચહકવા લાગ્યાં. જાણે સાચે જ સવાર થઈ હોય એવી અદભુત અનુભૂતિએ ગ્વાલિયરના ગવૈયાઓને નતમસ્તક કરી દીધા. ‘સુભાનલ્લા ! સુભાનલ્લા ! વાહ, ક્યા રુહાની સંગીત હૈ !’ પોકારી ઊઠ્યા. પ્રેમાનંદ સ્વામીના સંગીતમાં આ તાકાત ક્યાંથી પ્રગટી ? ગ્વાલિયરના ગવૈયાઓને નહીં, પરંતુ ભગવાન સ્વામિનારાયણને જ રીઝવવા તેમનો કંઠ રણકતો હતો. ભગવાનને જ રાજી કરવા તેઓ સંગીતની આરાધના કરી રહ્યા હતા. લોકો પૂછે છે : ‘શા માટે ભગવાન અને સંતને જ રાજી કરવા ? ભગવાનને જ રાજી કરવાની તમન્ના સામાન્યને પણ મહાન બનાવે છે, તેમાં એક અજોડ અને દિવ્ય શક્તિ પ્રગટાવે છે. કેવી રીતે ?

આપણા સુખ-દુઃખનો આધાર - રાજીપો

નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે,
‘બીજા રાજી કુરાજીએ કરી, નવ વણસે સુધરે વાત;
એથી નથી સુખ મળવા ટળવા, જોઈએ હરિ રાજી રળિયાત.’
આ લોકના વ્યકિતઓના રાજી-કુરાજીપાના આધારે આપણું સુખ-દુઃખ નથી ચાલતું. સાચા અને શાશ્વત સુખનો આધાર તો ભગવાન અને સંતનો રાજીપો જ છે. માટે તેઓને જ રાજી કરવા જેવા છે.
શ્રીજીમહારાજ વચ. ગ.મ. 45માં કહે છે : ‘દેવલોક-મૃત્યુલોકને વિષે જે જે સુખિયા છે તે સર્વે ભગવાન ને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખિયા છે. માટે જે પોતાના આત્માને રૂડું થવાને ઇચ્છે તેને તો સદ્ગ્રંથને વિષે કહ્યા જે સ્વધર્મ તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો.’ આમ, આપણું સુખ ભગવાન અને સંતના રાજીપા પર નિર્ભર છે. માટે તેઓને રાજી કરવા.
મીરાંબાઈએ પણ ગાયું છે : ‘રાણાજી રૂઠશે તો રાજ તજવશે, પ્રભુજી રૂઠે મરી જાશું.’ આ લોકની વ્યક્તિનો રાજીપો-કુરાજીપો કદાચ આ લોકનાં સુખ-દુઃખમાં થોડો ભાગ ભજવે તે તો આપણી દૃષ્ટિએ, બાકી જેને રાજીપા સામે નજર છે તેને તો આ લોકની હાણ-વૃદ્ધિ  નજરમાં પણ નથી આવતી. સંસ્કૃતમાં કહ્યું છે કે,
‘त्वय्यप्रसन्ने किमिहापरैर्नः।
त्वयि प्रसन्ने किमिहापरैर्नः॥’
લખવામાં અને બોલવામાં સમાન લાગતા આ બે વિધાનોમાં આસમાન-જમીનનો તફાવત વ્યક્ત થઈ રહ્યો છે. અહીં કહ્યું કે ‘જો આપ અપ્રસન્ન તો અમારે બીજાનું શું કામ છે? જો આપ પ્રસન્ન તો અમારે બીજાનું શું કામ છે?’ સાચે જ, જીવનમાં ભગવાન અને સંતની પ્રસન્નતા જ કામની છે. તે સિવાયનું બીજું બધું લાંબે ગાળે કાંઈ જ ખપનું નથી જણાતું. માટે જ તેઓને રાજી કરવા જેવા છે.
અંગ્રેજીમાં એક સમજવા જેવી વાત થઈ છે કે ‘The main thing is to keep the main thing the main thing.’ જીવનમાં મહત્ત્વની વાત એ છે કે મહત્ત્વની વાતને મહત્ત્વની રાખવી. જીવનમાં ભગવાન અને સંતની પ્રસન્નતા જ મહત્ત્વની વાત છે. તે કેટલી હદ સુધી તો શ્રીજીમહારાજ કહે છે : ‘અમારો તો એ જ સિદ્ધાંત છે જે ભગવાનનો રાજીપો હોય અને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ છેટે રહીએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો અને સર્વ શાસ્ત્રનું પણ એ જ સાર છે જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું. અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો અને જેને ભગવાન ને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે ને તે જો મૃત્યુલોકમાં છે તોપણ ભગવાનના ધામમાં જ છે. કેમ જે, સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે, તે ભગવાનને સમીપે જ જઈને નિવાસ કરશે અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત પર ઈર્ષ્યા છે તો તે ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠે પડશે.’ (વચ.ગ.મ. 28)
અહીં શ્રીજીમહારાજ જણાવે છે કે ભગવાનના ધામમાં જવા માટે તો ભગવાનની પ્રસન્નતા અનિવાર્ય છે જ પણ ભગવાનના ધામમાં ગયા પછી પણ તેઓની પ્રસન્નતા જ મહત્ત્વની બની રહે છે. રાજાશાહીમાં રાજાની અણમાનીતી રાણી મહેલમાં જ રહેતી. રાજની બધી સુવિધાઓ ભોગવતી. રાજના નોકર-ચાકર સૌ તેને સલામ પણ ભરતા. પણ રાજાની અમી નજર ન હોય તો રાજનું શું સુખ આવે? તેમ આપણે સત્સંગમાં જ રહીએ, સત્સંગમાં માન-પાન પણ મળે, પણ ભગવાન અને સંતનો રાજીપો ન હોય તો સત્સંગનું શું સુખ આવે? રોળાનંદ, ગોતીતાનંદ, નિર્વિકલ્પાનંદ વગેરે મહારાજની સાથે જ રહ્યા પણ મહારાજનો રાજીપો ન લઈ શક્યા. ગુણાતીતાનંદ સ્વામીની મોજ સ્વામીથી સ્થૂળ રીતે દૂર રહેનારો સવજી કડિયો લઈ ગયો અને સાથે રહેનારા રઘુવીર-ચરણદાસ વગેરે ન લઈ શક્યા તે ઇતિહાસ જાણીતો છે. માટે બીજું બધું ગૌણ થાય તો વાંધો નહીં, પણ ભગવાનનો કુરાજીપો થાય તેવું તો ન જ કરવું. બાપુ રતનજીએ જૂનાગઢથી વિદાય થતી વખતે જાગા સ્વામી વગેરેને આ જ શીખ આપતાં કહેલું કે ‘સ્વામી આગળ ઓશિયાળા થઈને રહેજો, પણ સ્વામીને કદી ઓશિયાળા કરશો નહીં.’ એક કવિએ લખ્યું છે :
‘બીજી શોભા એની એ છે કે, એ ખાલી પડી રહે;
ફૂલો નથી તો કાંટા તો ન ભરો ફૂલછાબમાં.’
ફૂલછાબમાં કદાચ ફૂલો ન મૂકી શકાયાં તો કોઈ કાંટા નથી ભરતું. તેમ જીવનમાં કદાચ રાજીપો ન મેળવી શકાયો તો કુરાજીપો મળે તેવું તો ન જ કરવું જોઈએ. મહત્ત્વની વાત મહત્ત્વની રહેવી જ જોઈએ.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS