Essay Archives

જીવન માટેનું એક રહસ્યમય સૂત્ર, ‘WHAT CAN I GIVE’

લેખમાળાનો આ અંતિમ લેખ છે. તેમાં અપ્રતિમ સંદેશ છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનનો સાર સમાયેલો છે. સ્વામીશ્રીના 9 Lessons of Lifeમાંથી એક જીવનસૂત્ર ઊપસી આવતું હોય તો તે છે ‘બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે.’ - “In the good of others lies our own; In the joy of others lies our own.” સારા અને સુખી બનવા, જીવનમાં સ્વાર્થી નહીં, પરમાર્થી બનો.
આ રહસ્ય પૃથ્વીના શ્રેષ્ઠ માનવો અને મહામાનવોએ સમજાવ્યું છે. જ્યારે ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ પોતાના જીવનની સફળતાના સર્વશ્રેષ્ઠ શિખર ઉપર બિરાજમાન હતા ત્યારે તેમણે એક ગૂઢ, માર્મિક અને સમયાતીત સિદ્ધાંત જણાવ્યો હતો. જીવનના નાનાં-મોટાં તમામ સ્વપ્નો સિદ્ધ કર્યા પછી આ વાત કરેલી. ડૉ. કલામ બાળપણમાં પોતે કલ્પનાવાન હતા, યુવાનીમાં આદર્શ વિદ્યાર્થી, મહેનતુ એન્જિનિયર, વિચારવાન વૈજ્ઞાનિક, ઉત્તમ સંશોધક, ભારતના મિસાઇલમેન અને અણુબોમ્બના પિતામહ, વડા પ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અને અંતે સૌથી લોકપ્રિય પ્રેસિડેન્ટ બન્યા હતા. તે સમયે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કરવા અમદાવાદ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પધાર્યા. સ્વામીશ્રીનાં દર્શન કર્યાં પછી લિફ્ટમાં નીચે ઊતરતાં સંતોએ પ્રશ્ન પૂછ્યો, ‘આપ આટલી ઉંમરે પણ આટલો બધો ઉત્સાહ, ઊર્જા અને ઉમંગ કઈ રીતે ધરાવી શકો છો?’
ક્ષણના વિલંબ વગર સાહેબ બોલ્યા, “It is a secret I have learnt from the life of Maha Pramukh Swamiji.” (આ રહસ્ય હું મહાપ્રમુખસ્વામીજી પાસેથી શીખ્યો છું.) સૌના આશ્ચર્ય વચ્ચે તેમણે કહ્યું, “All his life Swamiji has continued to give, give and give. He has given his all to everyone he meets. So I have decided to ask only one question in life. What can I give? To others, to everyone I meet. This is the secret.” (સ્વામીશ્રીએ પોતાના સંપૂર્ણ જીવન દરમિયાન સૌને આપ્યું જ છે, આપ્યું જ છે, આપ્યું જ છે. ક્યારેય કાંઈ લીધું નથી. એટલે મેં પણ એક જ વાત નક્કી કરી છે કે જ્યાં ત્યાં, જેને મળું તેને એક જ પ્રશ્ન પૂછવાનો હું તમને શું આપી શકું.? આ જીવનનું રહસ્ય છે.)
બીજા પાસેથી લેવાની ભાવના નહીં, પણ બીજાને આપવાની ભાવના હશે તો જીવનમાં ક્યારેય ઉદાસીનતા કે મોળપ આવશે નહીં. નિરુત્સાહ થવાશે નહીં. નાના બાળકોને મળો કે મોટા વડીલોને, ઘણીવાર એક વિચાર કે એક સ્મિત પણ વાતાવરણને ઊર્જાવાન બનાવે છે. જીવનમાં માત્ર પૈસા, પદાર્થ, પદવી કે પ્રશંસા આપવી એ જરૂરી નથી. નિઃસ્વાર્થ ભાવનાથી એક સામાન્ય ક્રિયા પણ પોતાનું અને બીજાનું જીવન ચમત્કારિક બનાવી દેતું હોય છે.
નિ:સ્વાર્થ સેવાનો એક પ્રસંગ દંતકથા સમો બની ગયો છે. વર્ષ-૧૮૭૦ની આસપાસનો સમય હતો. એક ગરીબ યુવાન ભણવા માટે મથતો હતો. મહેનત કરીને પૈસા કમાઈ પોતાની ફી ભરતો હતો. એક વાર સતત દસ દિવસ સુધી યુવાનને કંઈ કામ ન મળ્યું. ખાવાના પૈસા પણ ન રહ્યા. કામ માટે એક પછી એક ઘરના દરવાજા ખખડાવ્યા પણ ક્યાંયથી કોઈ કામ મળ્યું નહીં. પછી તેણે મનોમન નક્કી કર્યું કે ‘હવે જે ઘરે જઈશ, ત્યાં કામની માગણી નથી કરવી, પરંતુ ભોજનની માગણી કરવી છે.’ કેમ કે તેને કકડીને ભૂખ લાગી હતી.
આ યુવાન તે ઘરનું બારણું ખખડાવે છે. એક સ્વરૂપવાન યુવતી તે બારણું ખોલે છે. યુવાન હેબતાઇ જાય છે અને તે યુવતીના રૂપથી અંજાઈ જાય છે. તેણે વિચાર્યું કે, ‘આવી યુવતી પાસે તો કંઈ ભોજનની માગણી કરાય?’ પેલી યુવતીએ પૂછ્યું કે, ‘તમારે કંઈ કામ છે?’ તે યુવાને કહ્યું કે, ‘મારે કંઈ જ કામ નથી.’ ત્યારે પેલી યુવતીએ કહ્યું કે, ‘તમે ભૂખ્યા લાગો છો તો તમારા માટે કંઈક લાવું?’ ત્યારે પેલા યુવાને કહ્યું કે, ‘મને માત્ર પાણી આપો.’ ઇચ્છા ભોજનની હતી, પણ માંગણી પાણીની કરી. પેલી યુવતી ઘરમાંથી દૂધ ભરેલો ગ્લાસ લાવી યુવાનને આપે છે. ભૂખ્યો થયેલો આ યુવાન તે દૂધ એક શ્વાસે ગટગટાવી જાય છે. તેના જીવમાં જીવ આવે છે. પોતાનું સ્વમાન સાચવવા યુવાને પૂછ્યું, દૂધના કેટલા પૈસા આપું? યુવતી કેવળ રૂપવાન નહીં, પણ ગુણવાન પણ હતી. તેણે કહ્યું, મારી માતાએ મને શીખવ્યું છે, “Never get paid for kindness.” ‘સેવા અને દયાનું ક્યારેય વળતર ન લેવું.’ આ યુવાન એવું વિચારે છે કે પાણી માગ્યું અને દૂધ આપનાર પણ આ દુનિયામાં કોઈક છે. દુનિયા ખરાબ નથી, ઘણી સારી છે. યુવાનના હૃદયમાં હિંમત આવી અને ફરી મહેનત કરીને, મન દઈને તે ખૂબ ભણ્યો.
આ ઘટનાને ૨૦-૨૫ વર્ષ વીતી જાય છે. આ યુવતીનાં લગ્ન પણ એક સારા કુટુંબમાં થઈ ગયાં. કાળક્રમે તે યુવતીને કોઈ રોગ થાય છે અને તે જ્યાં રહેતી હોય છે ત્યાંના ડોક્ટરોએ કહ્યું કે આ ગામમાં તેનો ઇલાજ શક્ય નથી. તે બાઈને બોસ્ટન ખાતે લઈ જવામાં આવે છે. તેનો રોગ એટલો ગંભીર હોય છે કે બોસ્ટનના નિષ્ણાત ડોક્ટરોને બોલાવવામાં આવે છે. એ ડોક્ટરોમાં શ્રેષ્ઠતમ ડોક્ટર હાર્વર્ડ કેલી હતા. ડૉ. કેલી જ્યારે દર્દીના મુખારવિંદ તરફ જુએ છે ત્યારે તેને યાદ આવી જાય છે કે આ બાઈ બીજી કોઈ નહીં, પણ અગાઉ જેણે મને દૂધનો ગ્લાસ આપ્યો હતો તે જ છે. એટલે ડૉ. કેલી દિલ દઈને તે બાઈની સારવાર કરે છે. બે મહિના સુધી તેને હોસ્પિટલમાં રાખીને સારવાર કરે છે.
હવે જ્યારે તે બાઈ સ્વસ્થ બની જાય છે ત્યારે તેને ગભરાટ ઊભો થાય છે કે હું ગામડાની બાઈ, આ શહેરની મોટી હોસ્પિટલ અને મોટા ડોક્ટરનું બિલ કેવી રીતે ચૂકવી શકીશ? તે પોતાની સારવાર કરનાર ડોક્ટર કેલીને પુછાવે છે કે મારી સારવારનું બિલ શું થશે? ત્યારે ડૉ. હાર્વર્ડ કેલી તેના બિલમાં લખે છે કે “Paid in full with a glass of milk.” (એક દૂધથી ભરેલા ગ્લાસમાં આખું બિલ આવી ગયું!) ડૉ. હાર્વર્ડ કેલી, જ્હોન હોપકિન્સ રિસર્ચ હોસ્પિટલના ફાઉન્ડિંગ ફાધર પણ હતા.
નિઃસ્વાર્થપણે, સાચા દિલથી, ભક્તિથી તમે કોઈને પણ મદદ કરશો તો એ મદદથી ચમત્કાર સર્જાશે. તે ચમત્કાર સેવાનો, સફળતાનો, સાત્ત્વિકતાનો કે શાંતિનો હશે. બસ, ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક અને પાંચમા અનુગામી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનનું આ રહસ્ય છે. તેમના દિવ્ય જીવનના કારણે અનેકના જીવનમાં સદ્ગુણોના ચમત્કારો સર્જાયા છે.
સ્વામીશ્રીના શુદ્ધ અને પવિત્ર જીવનમાંથી નવ બોધપાઠ મળે છે, જેમ કે,
૧. Understand Others - બીજાને સમજો.
૨. Forgive Others  - બીજાને ક્ષમા આપો.
૩. Serve Others - બીજાની સેવા કરો.
૪. Be Pure - પવિત્ર બનો.
૫. Be Positive - હકારાત્મક બનો.
૬. Be Humble - નમ્ર બનો.
૭. God is - ભગવાન છે - શ્રદ્ધા.
૮. God is Everywhere ભગવાન કર્તા છે - બધે જ છે.
૯. God is Here and Now - ભગવાન અહીં અને અત્યારે છે - ભગવાન પ્રગટ છે.
વાચકોને પ્રશ્ન થાય કે સ્વામીશ્રીના જીવનમાંથી નવ બોધપાઠ કેમ? કેમ સાત નહીં કે દસ નહીં?
ભારતીય સંસ્કૃતિમાં નવ ગ્રહો છે, નવ નિધિ છે, નવ રત્નો છે, નવ દ્વીપ છે... નવને પૂર્ણાંક કહ્યો છે. ચાઇનીઝ સંસ્કૃતિમાં તેને પવિત્ર કહે છે, હિબ્રુ ભાષામાં તેને સત્ય માન્યો છે, કોઈ સ્વામિનારાયણના સત્સંગી હશે તો કહેશે કે ભગવાન સ્વામિનારાયણ નોમને દિવસે પ્રગટ્યા એટલે નવ બોધપાઠ પસંદ કર્યા હશે!
હકીકતમાં, સંતના જીવનમાં નવ આંકનો કોઈ વિશિષ્ટ અર્થ નથી. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં નવ ગુણ તપાસો કે આઠ, પાંચ કે પચાસ, અનેક કે અનંત, પરંતુ માત્ર ને માત્ર એક ગુણ પણ આપણા જીવનમાં ચરિતાર્થ થશે તો આખેઆખું જીવન પરિવર્તન થઈ જશે. સાચા સત્પુરુષના સહવાસથી એક ગુણ પણ ચમત્કાર સર્જી શકે છે, કારણ તેઓ આ સ્વાર્થભર્યા સંસારમાં કાંઈ લેવા માટે નહીં, કેવળ આપવા માટે અવતર્યા હોય છે.
ચાલો, આપણે પણ જીવનમાં લેતાં નહીં, આપતાં શીખીએ. What can I give?

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS