Essay Archives

તા. 23-8-12ની સવારે અમદાવાદમાં ઠાકોરજીનાં દર્શન બાદ સ્વામીશ્રી પ્રદક્ષિણામાં પધાર્યા ત્યારે અહીં પ્રહસનના હેતુથી એક કલ્પવૃક્ષ ખડું થઈ ગયેલું. તેની છાયામાં આવતાં બે ભૂદેવોએ ‘લાડુ મળી જાય તો!’ એમ સંકલ્પ કર્યો ત્યાં જ તાસક ભરી મોદક હાજર થઈ ગયા. તે જોઈ એક શીરાવાંછુએ શીરાની અને એક કથાપ્રેમીએ માઇકની મહેચ્છા વ્યક્ત કરી તો તે પણ તરત પૂર્ણ થઈ.
આમ, ‘કલ્પતરુ સર્વના સંકલ્પ સત્ય કરે, પાસે જઈ પ્રીતશું સેવે જ્યારે...’નો આ ઘાટ ઘડાયો હતો ત્યારે એક સંતે સ્વામીશ્રીને પૂછ્યું: ‘બાપા! આપનો કોઈ સંકલ્પ છે? હોય તો કરો. આ કલ્પવૃક્ષ નીચે સત્ય થઈ જશે.’
‘મને તો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનું કલ્પવૃક્ષ મળ્યું છે. એમાં બધા જ સંકલ્પ સિદ્ધ થાય. તમારે તો સંકલ્પ કરવાના છે, અમારે તો થઈ ગયું છે.’ અપ્રતિમ કેફથી સ્વામીશ્રી બોલેલા.
આમ, ગુરુમાં જ રમતા-વિરમતા પ્રમુખસ્વામી મહારાજ ગુરુની સેવા કરી ગુરુના સાક્ષાત્કારને પામી ગયેલા.
તા. 9-12-86ની સવારે તેઓને મુંબઈના માલેતુજાર શેઠ શ્રી લખા લુલાએ તેઓને પૂછેલું: ‘स्वामीजी! आप जब इच्छा रखो तब शास्त्रीजी महाराज आपको दर्शन देते हैं॰’
ત્યારે સ્વામીશ્રી બોલેલાઃ ‘अपने साथ में ही हो ऐसे दिखाई पड़ते हैं। वे साथ में ही हैं।’
એ જ રીતે સંપ્રદાયના ગુરુ-શિષ્ય સંબંધ વિષે ગહન સંશોધન કરી રહેલા શ્રી બ્રાયન હચિન્સને સ્વામીશ્રીને પૂછેલું: ‘યોગીજી મહારાજના ધામમાં ગયા પછી આપ ગુરુ તરીકે આવ્યા અને સૌને આપને વિષે નિષ્ઠા થઈ ગઈ. હરિભક્તો માટે તો તે સહેલું હતું, પણ યોગીબાપા ધામમાં ગયા પછી આપને કોઈ ગુરુ નહોતા. તો આપ કેવી રીતે તરત જ ‘એડજસ્ટ’ થઈ ગયા?’
‘આપણે તો (એમ જ દૃઢતા છે કે) ગુરુ ક્યાં જાય જ છે?! મનાતું જ નથી કે એ ગયા છે. એ (અખંડ સાથે) છે જ.’ સ્વામીશ્રીએ કહેલું.
આ રીતે અપ્રતિમ ગુરુભક્તિને કારણે ગુરુ સાથે તદ્વદ્ભાવને પામી ગયા હતા સ્વામીશ્રી. છતાં તેઓ ગુરુની કૃપાદૃષ્ટિના અખંડ અભિલાષી રહેલા. તેથી જ તેઓએ પોતાના અંતિમવિધિના સ્થળ તરીકે જણાવેલું કે ‘શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ મારા પર રહે એ રીતે મને રાખજો.’
આ દૃષ્ટિએ સારંગપુરમાં ઊભું થયેલું પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિમંદિર એ તેઓની ગુરુભક્તિનું જ સ્મારક કહી શકાય. તેને જોતાં જ વિચાર સ્ફુરે છે કે ‘માનવીમાત્રને બે મગજ, બે ફેફસાં, બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, બે નસકોરાં હોય છે. તે દ્વારા એ શ્વસે છે, સાંભળે છે, જુએ છે, ચાલે છે, પકડે છે, વિચારે છે. સ્વામીશ્રી માટે આ અવયવોરૂપે હતા શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ.’
હા, આ બે જ હતા તેઓનાં બે મગજ. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના વિચારથી અલગ કોઈ વિચાર સ્વામીશ્રીના મનમાં કદી સ્ફુર્યો નહોતો.
આ બે જ હતા તેઓનાં બે ફેફસાં. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને વીસરીને સ્વામીશ્રીએ એક પણ શ્વાસ લીધો નહોતો કે કાઢ્યો નહોતો.
આ જ બે હતા તેઓનાં બે ચરણ. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને અમાન્ય હોય તેવા કોઈ ઠેકાણે સ્વામીશ્રીએ ક્યારેય ગતિ કરી નહોતી.
આ જ બે રહેલા તેઓના બે હાથ. જેમાં શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની સંમતિ ન હોય તેવું કોઈ કામ સ્વામીશ્રીના હાથ પર ચઢ્યું નહોતું.
આ જ બે તેઓની બે આંખો. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ સિવાય સ્વામીશ્રી આ દુનિયામાં કશું જ જોતા નહોતા.
આ જ બે તેઓના બે કર્ણપટલ. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની રુચિ બહારની કોઈ વિગતને સાંભળવામાં સ્વામીશ્રીએ કદી દિલચસ્પી દાખવી નહોતી.
ખરેખર, તેઓની ગુરુભક્તિ ‘જીભેથી વર્ણન શું કરું રે...’ જેવી અપાર અને અગાધ છે.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS