સ્વામીશ્રીની કૃપાદૃષ્ટિથી પાંચ વર્ષ માટે તેઓશ્રીની અંગત સેવાનો મહામૂલો લહાવો પ્રાપ્ત થયો. તે દરમ્યાન તેઓશ્રીને અત્યંત નિકટતાથી નિહાળવાની સુવર્ણતક પ્રાપ્ત થઈ. સદા ઇષ્ટદેવ શ્રીહરિમાં નિમગ્ન એવા સ્વામીશ્રીનું દિવ્ય અને ભવ્ય વ્યક્તિત્વ અનેક સદ્ગુણોથી અલંકૃત છે. તેમાંનો એક ગુણ સૌ કોઈને ઊડીને આંખે વળગે એવો છે - તેઓનો સૌ પ્રત્યેનો નિઃસ્વાર્થ, નિર્મળ અને નિઃસીમ પ્રેમ.
અલ્પ સમય માટે પણ તેઓશ્રીના યોગમાં આવનાર આબાલવૃદ્ધ કોઈ પણ વ્યક્તિ તેઓશ્રીની હેતલવર્ષાથી અભિષિક્ત થયા વિનાની ન રહે. અનરાધાર વરસતી સ્વામીશ્રીની એ સ્નેહલધારામાંથી અંજલિભર પ્રસંગોનું આચમન કરીએ.
૧૯૯૯ના ડિસેમ્બર માસમાં કોસંબા(વલસાડ)ના પ્રશાંત નામના એક ગરીબ ટંડેલ બાળકને અકસ્માત થયો. તેને સુરતમાં મહાવીર હૉસ્પિટલમાં આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યો હતો. તેના પિતાશ્રીની સ્વામીશ્રીએ બાળકનું સ્વાસ્થ્ય જલદી સારું થાય તે માટે આશીર્વાદ પણ આપ્યા હતા.
અઠવાડિયા પછી સ્વામીશ્રી સુરત પધાર્યા. તે બાળક યાદ આવતાં સ્વામીશ્રીએ તેને મળવા જવાની ઇચ્છા દર્શાવી. અને તાત્કાલિક તેનો અમલ પણ થયો તેઓ હોસ્પિટલ જવા નીકળી ગયા. સ્વામીશ્રીની ગાડી હૉસ્પિટલ નજીક આવી ત્યારે ખબર પડી કે પાણીની પાઇપલાઇન નંખાતી હોવાથી રોડ ખોદાયો હતો. રોડ સાંકડો, તેથી ગાડી જઈ શકે તેમ ન હતી. સ્વામીશ્રી ગાડીમાંથી ઊતરી ગયા અને ખોદકામને કારણે ઊબડ-ખાબડ થઈ ગયેલા રસ્તે ચાલવા લાગ્યા. સેવકોના હાથ ઝાલીને ચાલવા છતાં પણ ઘણી મુશ્કેલી અનુભવી રહ્યા હતા. છતાં એ કષ્ટોની પરવા વિના હૉસ્પિટલ સુધી પહોંચ્યા. ઉપરના માળે આઈ.સી.યુ.માં પધાર્યા. પ્રશાંત પલંગ પર લગભગ બેશુદ્ધ અવસ્થામાં સૂતો હતો. સ્વામીશ્રીએ માથા પર હાથ ફેરવી પ્રેમથી તેના કાનમાં 'જય સ્વામિનારાયણ' કહ્યા. ઠાકોરજી પધરાવ્યા. પ્રશાંતને પ્રસાદીનો હાર પહેરાવ્યો. છાતી અને માથા પર પુષ્પો મૂકી ધૂન કરી, જલદી સારું થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી.
પ્રશાંતના પિતા શાંતિલાલને પણ સાંત્વન આપ્યું : 'મૂંઝાશો નહીં. કંઈ પણ જરૂરિયાત હોય તો વિના સંકોચે કહેશો.'
શાંતિલાલભાઈ સ્વામીશ્રીની આવી પ્રેમાળ લાગણી જોઈ ગળગળા થઈ ગયા.
સ્વામીશ્રી ત્યાર પછી હૉસ્પિટલની બહાર આવ્યા. એ જ રસ્તો પાછો લેવો કે બીજી બાજુ થી જવું? જો બીજી બાજુ ના રસ્તેથી જવું હોય તો પાઇપલાઇન માટે ખોદેલો અઢી ફૂટ પહોળો ખાડો કૂદવો પડે. સંતોએ પૂછ્યું : 'શું કરવું છે?'
સ્વામીશ્રી કહે : 'કૂદી જઈએ.' કૂદવામાં જોખમ હતું. છતાં સેવક સંતોના કાંડાં મજબૂત પકડીને સ્વામીશ્રી અઢી ફૂટ પહોળાઈવાળો ખાડો કૂદી ગયા. કારમાં બિરાજ્યા. સુરત મંદિરે પહોંચ્યા ત્યારે બપોરના ૧-૩૦ વાગ્યા હતા. ભોજન ગ્રહણ કરીને આરામમાં પધાર્યા ત્યારે ૨-૩૦ વાગ્યા હતા.
૮૦ વર્ષની વયે પણ પોતાના શરીરની દરકાર કર્યા વગર, અનેક કષ્ટો વેઠીને પણ સ્વામીશ્રી એક નાના, ગરીબ બાળકને જોવા અને બનતી બધી મદદ કરવા તત્પર હતા. એ ગરીબ બાળક પ્રત્યેની તેમની ઉત્કટ લાગણી હૃદયને સ્પર્શી ગઈ.
યુવાનો સાથે પણ તેઓ મિત્રતાભર્યો - સૌહાર્દભર્યો સ્નેહ ધરાવે છે. તેના હિતની વાત તેને દુઃખ લગાડીને, કરીને પણ તેને સન્માર્ગેથી વિચલિત થવા દેતા નથી. અને એ રીતે યુવાનો સાથે તેઓશ્રી સાચી મિત્રતા નિભાવે છે.
તા. ૩-૮-૨૦૦૩:
સ્વામીશ્રી એક વાર વલ્લભવિદ્યાનગરથી આણંદ મંદિરે યોજાયેલી કાર્યકરોની એક વિશિષ્ટ સભામાં પધાર્યા હતા. સભા પછી સ્વામીશ્રી સ્ટેજનાં પગથિયાં આગળ આવ્યા, ત્યારે આણંદના ત્રણ કિશોરો એક કાર્ડ લઈને ઊભા હતા.
સ્વામીશ્રીને તેઓ કહે : 'બાપા! આજે વિશ્વ મિત્રદિન છે.'
સ્વામીશ્રીએ પૂછ્યું : 'એટલે?'
કિશોરો કહે : 'આજે ફ્રેન્ડશિપ ડે.'
સ્વામીશ્રીના મુખ પર હજુ આશ્ચર્યના ભાવ હતા એટલે મેં તે વિશે સ્વામીશ્રીને વિગતે સમજાવ્યું.
કિશોરો આગળ કંઈ બોલવા જાય એ પહેલાં સ્વામીશ્રી બોલ્યાઃ 'આપણે તો જન્મ્યા ત્યારથી મિત્રતા છે.' પછી કહે, 'આપણે ભગવાન અને સંતની મિત્રતા સારી. બીજી એલફેલ મિત્રતા ન કરવી.'
કાર્ડ પર જમણો હાથ મૂકીને કહે : 'અહીં (કાર્ડમાં) પ્રાર્થના કરીએ ને પછી બીજા જોડે હાથ ઝાલીને ચાલવા માંડીએ - એ ઠીક ન કહેવાય. નિયમ-ધર્મ અને આપણી સંપૂર્ણ મર્યાદા સાચવીએ તો આપણી મહત્તા છે. માટે આપણે કોઈને કાર્ડ કે કાગળિયાં આપીને જેવી તેવી મિત્રતા વધારવી નહીં. અત્યારે તો ભણવામાં જ ધ્યાન આપો. છોકરાં ગમે તેને લઈને હાલતાં થઈ જાય એ ન જ થવું જોઈએ. સ્કૂલ-કૉલેજમાં ભણતા હોય ને જેની-તેની સાથે ફ્રેન્ડશિપ થઈ જાય એ ખોટું છે...'
સ્વામીશ્રીએ કિશોરોના કાર્ડમાં નહીં, હાર્ટમાં આશીર્વાદ લખી આપ્યા!
તા. ૧-૧૨-૨૦૦૦:
સ્વામીશ્રી ૨૦૦૦ની સાલમાં લંડન પધાર્યા હતા, ત્યારે એક સવારે પૂજા પછી સંતનિવાસના હૉલમાં હરિભક્તોને મળતા હતા. તેમાં કિશોરમંડળનો કાર્યકર ચિરાગ પટેલ આવ્યો. તેનો વેવિશાળવિધિ હતો. ચિરાગે સ્વામીશ્રીનો હાથ પકડ્યો હતો. વાતચીત પૂરી થઈ એટલે સ્વામીશ્રી ચિરાગને કહે, 'હવે લગ્ન કરે છે, પણ હાથ પકડી રાખજે.'
બીજાનો હાથ ઝાલવા જતાં સત્પુરુષે ઝાલી રાખેલો હાથ છૂટી ન જાય, પ્રભુતામાં પગલાં માંડ્યાં પછી પ્રભુ ભુલાઈ ન જાય તેની આ મીઠી ટકોર હતી.
તા. ૧૫-૧-૨૦૦૪:
વડીલોને સ્નેહ કરવાની સ્વામીશ્રીની રીત નિરાળી છે. તે સ્નેહને સમજણનો પૂટ ચઢેલો હોય છે. એક આત્મીય સ્વજનની લાગણીથી તેમની સંભાવના કરવી, તેમના દરેક પ્રસંગમાં એક સ્વજન બનીને રસ લેવો તે તેમનો વડીલો પ્રત્યેનો સ્નેહ સૂચવે છે.
સ્વામીશ્રી મુંબઈમાં વિરાજમાન હતા. એક દિવસ સાંજે વૉકિંગનો ટાઇમ થઈ ગયેલો, બધી તૈયારી પણ થઈ ચૂકી હતી. સંતો-હરિભક્તો પણ દર્શન કરવા સારું ગોઠવાઈ ગયા હતા. છતાં સ્વામીશ્રી ન પધાર્યા એટલે સૌને પ્રશ્ન થયો કે શું થયું હશે?
આ તરફ થયું હતું એવું કે સ્વામીશ્રી સ્નાન કર્યા પછી ધોતિયું પહેરતા હતા ત્યારે તેમને યાદ આવ્યું કે નૈરોબીવાળા અરવિંદભાઈ સાહેબ સેલવાસમાં ટિસ્યુ પેપરની એક ફેક્ટરી શરૂ કરવા માંગે છે. તેના ખાત માટેની ઈંટોનું પૂજન કરવાનું છે. તેઓને સાંજે વૉકિંગ પછીનો સમય ફાળવેલો, પણ કોઈપણ કારણસર સ્વામીશ્રીને મોડું થઈ ગયેલું, તેથી હવે વૉકિંગ કરવા રહે તો વધુ મોડું થાય. તેથી વૉકિંગમાં ન આવતાં સ્વામીશ્રીએ ધર્મચરણ સ્વામીને બોલાવડાવ્યા. તેઓ આવ્યા એટલે કહેઃ 'આપણે અરવિંદભાઈ સાહેબની ઈંટોનું પૂજન કરવાનું છે. પૂજન કોણ સંત કરાવશે?' પછી તે સંતને સૂચના આપી. પૂજાપાની થાળી, ઈંટો વગેરે તૈયાર કરાવ્યાં. કોઠારી સ્વામીને પણ બોલાવી લીધા.
સૌના મનમાં એમ હતું કે અરવિંદભાઈ આવશે પછી વિધિ શરૂ કરાવશે, પરંતુ સ્વામીશ્રી ઉતાવળ કરાવવા લાગ્યા. ઠાકોરજી આવ્યા એટલે ટિપોઈ પર પધરાવડાવ્યા. અરવિંદભાઈ હજુ આવ્યા ન હતા.
સ્વામીશ્રી કહે : 'વિધિ ચાલુ કરી દઈએ.'
વિધિમાં કોઠારી ભક્તિપ્રિય સ્વામીને બાજુ માં બેસાડ્યા. શાંતિથી ઈંટોના પૂજનનો માંગલિક વિધિ કરાવ્યો. કળશપૂજન પછી ઈંટોની ચોકી રૂમમાં સામે મુકાવી. પછી પત્રવાંચન કરવા લાગ્યા. થોડીવારે યજમાન અરવિંદભાઈ અને એમના બંને દીકરા આશિષ અને યોગિન આવી ગયા. તેઓને આવતાં મોડું થઈ ગયેલું એટલે સંતોએ સ્વામીશ્રીએ કરાવેલા પૂજનવિધિની વાત કરી. સ્વામીશ્રી અરવિંદભાઈને કહે, 'પછી હું જ યજમાન બની ગયો.' પછી અરવિંદભાઈ અને એમના દીકરાઓને આશીર્વાદ આપ્યા. ખાતમુહૂર્ત કઈ દિશામાં કરવું તે બધી સમજૂતી આપી.
'પછી હું જ યજમાન બની ગયો.' એટલે શું? એ શબ્દોમાં જે આત્મીયતાનો રણકાર હતો તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવો? યજમાન તો અરવિંદભાઈ હતા. તેમના પ્રતિનિધિ બન્યા? ના. 'પછી હું જ યજમાન બની ગયો.' એટલે સ્વામીશ્રીએ અરિવદભાઈને જાણે સમ્યક્ રીતે પોતાના અંકે સમાવી લીધા!
સ્વામીશ્રી હરિભક્તોના સ્વજન બન્યા છે, આપ્તજન બન્યા છે.
તા. ૨૨-૩-૨૦૦૪:
૨૦૦૪ની સાલમાં બદલપુર પધાર્યા હતા ત્યારે પ્રથમ દિને જ રાત્રે અત્રેના રોકાણનો કાર્યક્રમ તેઓએ જોયો. તે પછી હળવી વાતો ચાલી. જેમાં શાસ્ત્રીજી મહારાજ અહીં આવતા એ વખતની સ્મૃતિઓ કરી.
સ્વામીશ્રીના આરામનો સમય થયો એટલે હરિભક્તોએ મિટિંગ આટોપતાં કહ્યું :
'બાપા! આપનો બહુ ટાઇમ લીધો.' સ્વામીશ્રી તરત જ સાહજિકભાવે બોલ્યા : 'ના, ના, બહુ આનંદ થયો. સગાંવહાલાં ઘણે દા'ડે મળે તો આનંદ થાય ને!'
સ્વામીશ્રીએ હરિભક્તોને પોતાનાં સગાંવહાલાં માન્યાં છે. એ પછી બદલપુર જેવા નાનાં ગામડાંનાં હોય કે બોમ્બે જેવા મહાનગરનાં હોય, સ્વામીશ્રી સૌના છે.
આમ, સ્વામીશ્રી આબાલવૃદ્ધ સૌના સ્વજન છે, સૌના સુહૃદ છે, તેથી 'સુહૃદં સર્વભૂતાનામ્' એ ઉક્તિ તેમના માટે સાર્થક થતી અનુભવાય છે.