કવિ ભવભૂતિએ ઉત્તરરામચરિત ગ્રંથમાં નોંધ્યું છેઃ वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि। એટલે કે મહાન પુરુષોનાં ચિત્ત વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે.
સંસ્થાના વિકાસ માટે તેના સૂત્રધારમાં સમયને પારખીને કઠોરતા અને કોમળતા ધારણ કરવાની ક્ષમતા જરૂરી છે. શાસ્ત્રીજી મહારાજમાં આવી ક્ષમતા હતી.
એક વાર મુંબઈના બે હરિભક્તો શાસ્ત્રીજી મહારાજને અટલાદરામાં કહે : 'આપ ભગવાનનું સ્વરૂપ છો તો આપ અમને ત્રણ દિવસના આંકડા આપો.'
આ સાંભળતાં જ શાસ્ત્રીજી મહારાજ એકદમ અકળાઈને કહે : 'અમે આંકડા આપતા નથી.'
ત્યારે તે હરિભક્તે કહ્યું : 'અમે તમારી કંઠી બાંધી છે. તમારે આંકડા આપવા પડશે.'
શાસ્ત્રીજી મહારાજે કહ્યું : 'આંકડા લેવા કંઠી બાંધી હોય તો ઉતારીને પાછી આપી દો.'
શાસ્ત્રીજી મહારાજનો પ્રભાવ જોઈ બંને ગભરાઈ ગયા અને રૂમની બહાર નીકળી ગયા. તેઓ તો ડરી ગયા હતા, પરંતુ શાસ્ત્રીજી મહારાજે એક સંતને બોલાવી કહ્યું : 'તેમની ઉતારાની સગવડ કરજો. તેમને ઉકાળા-પાણી કરાવજો અને ઠાકોરજીનાં દર્શન કરાવજો.'
પોતાના દેહ સામું જોયા વિના આખી રાત જાગીને વાતો કરી-કરીને સત્સંગનો વિકાસ કર્યો હોય એવા શાસ્ત્રીજી મહારાજને મન એક સત્સંગીની કેટલી કિંમત હોય, પરંતુ આ પ્રસંગના પ્રથમ ચિત્રમાં જ્યારે નિયમ વિરુદ્ધની વાત આવી તો કંઠી પાછી લેવા તૈયાર થઈ ગયા. એટલે કે જ્યાં નિયમ વિરુદ્ધ વાત છે ત્યાં તેઓ ‘वज्रादपि कठोराणि’ છે.
આ જ પ્રસંગના બીજા ચિત્રમાં શાસ્ત્રીજી મહારાજ સંતને બોલાવી હરિભક્તની સરભરા અને દર્શન માટેની જે પ્રેમથી ભલામણ કરે છે અને કાળજી લે છે તે તેમનો પોતાના આશ્રિતો પ્રત્યેનો પ્રેમ છે. ત્યાં તેઓ ‘मृदूनि कुसुमादपि’ છે.
વળી, કષ્ટો વેઠવામાં પોતાની જાત પ્રત્યે અત્યંત કઠોર શાસ્ત્રીજી મહારાજ સંતો-હરિભક્તો પ્રત્યે અત્યંત કોમળ હતા.
એક વાર ટ્રેનમાંથી ઊતરવા જતાં લાકડાના પાટિયા સાથે શાસ્ત્રીજી મહારાજનું માથું અથડાયું. તે વખતે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, 'લાકડા ભેગું લાકડું અથડાયું.' પોતાના દેહને લાકડા જેવો કઠોર કરી તેની તકલીફો તેમણે સતત અવગણી છે. શાસ્ત્રીજી મહારાજને પગે વા, ગૂમડું હોવા છતાં ધ્રાંગધ્રામાં ૮૪ વર્ષની ઉંમરે તેમણે પધરામણીઓ કરી હતી.
પરંતુ દેહ પ્રત્યે આવી કઠોરતા રાખનાર શાસ્ત્રીજી મહારાજ કોશીન્દ્રામાં પોષ મહિનાની કડકડતી ઠંડીમાં યોગીજી મહારાજને બરફ જેવા પાણીથી સ્નાન કરતાં જુએ છે ત્યારે તેમને દયા આવી જાય છે. એક હરિભક્તને જગાડી સગડી મંગાવી શેક કરાવે છે.
જે શાસ્ત્રીજી મહારાજે ૭૫ વર્ષની ઉંમર સુધી નિર્જળ ઉપવાસ કર્યા છે એવા શાસ્ત્રીજી મહારાજ બીજાની ભૂખનું દુઃખ જોઈ અકળાઈ જતા. સને ૧૯૪૭માં તેઓ ટ્રેઈનમાં કરાચી જતા હતા. રસ્તામાં આશાભાઈના દીકરા રમણભાઈને ભૂખ લાગવાથી તે રડવા લાગ્યા. ત્યારે સ્ટેશન આવતાં શાસ્ત્રીજી મહારાજ જાતે સ્ટેશન પર ભિક્ષા માંગવા નીકળ્યા ! ભિક્ષામાં ગાંઠિયા લાવી રમણભાઈને જમાડ્યા. આ દૃશ્ય જોનારને શાસ્ત્રીજી મહારાજમાં માતાની મમતાનો અનુભવ થયો.
આમ, શાસ્ત્રીજી મહારાજના જીવનમાં સૂર્ય સમું તેજ અને ચંદ્ર સમી શીતળતા પણ હતી.