તે વખતે એક દિવસમાં સ્વામીશ્રી ચાર ચાર ગામોમાં વિચરણ કરતા. સન 1977-78માં દોણજા અને સેલવાસની આજુબાજુનાં 90 ગામોમાં 17 દિવસમાં વિચરણ કર્યું હતું. સ્વામીશ્રીને એ વખતે તો બહુ ભીડો પડ્યો હતો.
વ્યારામાં દુબળા-હળપતિઓના ઘરે સ્વામીશ્રી પધરામણી કરતા, પ્રજાપતિઓના ઘરે ઘરે ઘૂમતા. દિવસે એ પ્રજાપતિઓના ઘરે ઘરે ચાકડા ચાલે અને સાંજે જવાય પણ નહીં, કારણ કે દારૂ પીને છાકટા થઈ ગયા હોય. સ્વામીશ્રીએ ઘરોઘર ઘૂમીને એ દારૂનાં માટલાં તોડાવ્યાં અને તેમને વ્યસનમુક્ત કર્યા. આજે સ્વામીશ્રીના પ્રતાપે એ પ્રજાપતિ મહોલ્લો સુખી બન્યો છે.
1978માં વ્યારામાં આવા કઠોર વિચરણને કારણે સ્વામીશ્રીને ધખધખતો તાવ આવી ગયો હતો. એ પ્રસંગ યજ્ઞેશ્વરદાસ સ્વામીએ ચિત્રાત્મક રીતે વર્ણવ્યો છે. તેમના જ શબ્દોમાં તેનું સ્મરણ રજૂ કરું છું:
“તા. 28-9-78ના સવારે વ્યારામાં પ્રાતઃપૂજાવિધિ તથા કથાવાર્તા બાદ સંતમંડળ સાથે કપુરા પધાર્યા. અહીં સુમન નરસિંહભાઈ ભક્તાને ત્યાં સત્સંગસભા ચાલી રહી હતી. નારાયણ ભગત ઊભા ઊભા પ્રવચન કરી રહ્યા હતા. તે દરમ્યાન તેમની બાજુમાં બિરાજેલા સ્વામીશ્રીનું શરીર એટલું અસ્વસ્થ થવા માંડ્યું કે તેનો અણસાર સાથેના સંતોને પણ તરત આવવા માંડ્યો. તેમનું શરીર જાણે શ્યામ પડતું જતું હોય તેવું જણાયું, નિર્જળ ઉપવાસમાં કરેલા પરિશ્રમનું આ પરિણામ હતું. પણ તેઓ તો તેમની લાક્ષણિકતા અનુસાર માળા જ ફેરવ્યે જતા હતા. માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ. સાથેના સંતો પરસ્પર સ્વામીશ્રીના કથળી રહેલા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરતા હતા અને ઉપાય શોધતા હતા. જેનો અણસાર નારાયણ ભગતને ચાલુ પ્રવચને જ આવી ગયો. તેમણે ખાતરી માટે સ્વામીશ્રીના હાથનો સ્પર્શ કરી લીધો. સ્વામીશ્રીનું શરીર અત્યંત તાવના કારણે સખત તપી રહ્યું હતું, તેથી તેમણે અડધા પ્રવચને જ ‘જય’ બોલાવી દીધી અને ટૂંકમાં જાહેરાત કરીને સભાનું વિસર્જન કર્યું. સંતો સ્વામીશ્રીને ટેકો આપીને મોટર સુધી લઈ ગયા અને સડસડાટ બધો જ સંઘ વ્યારા સ્વામીશ્રીના ઉતારે જિતુભાઈ શાહને ત્યાં આવી ગયો.
ઉતારો પહેલે માળે હતો. સ્વામીશ્રીને તાવના કારણે અશક્તિ સખત વધી રહી હતી, તેથી સંતો એમને ઝાલી રાખીને, ટેકો આપીને જેમ તેમ કરીને ઉપર લઈ ગયા. બે ગાદલાં ઉપર ચાદર સરખી પથરાય તે પહેલાં તો સ્વામીશ્રી પથારીમાં ઢળી જ પડ્યા.
અમે અમુક સંતો તેમનું શરીર દબાવવા માંડ્યા. જાણકાર સંતે સ્વામીશ્રીને કોઈ ઔષધ પાયું. પણ મિનિટે મિનિટે સ્વામીશ્રીની અસ્વસ્થતા વણસતી જતી હતી. લગભગ અર્ધબેશુદ્ધ એવા તેઓ ક્યારેક કંઈક બોલે અથવા કંઈક સૂચના આપે તે નજીકથી કાન માંડીને સાંભળનારને પણ સંપૂર્ણ તો ન જ સમજાય. ધીમે ધીમે સમજાયું કે નરસિંહભાઈના ઘરેથી અચાનક નીકળી જવાનું થયું હતું તેથી સ્વામીશ્રી તાવમાં-તંદ્રામાં બોલતા હતા : ‘સુમનના બાપુજીને ખોટું તો નહીં લાગ્યું હોય ને!’ વળી કહે, ‘મઢીવાળા મહેન્દ્રભાઈએ આપણને તેડાવવા ઘણી તૈયારી કરેલી પણ આપણાથી જવાયું નહીં...’ આમ બીમારીમાંયે ભક્તોને સંભારી દુઃખ વ્યક્ત કર્યા કરતા હતા. સ્વતંત્ર રીતે પડખું ફરવા જેટલી તાકાત પણ તેમના શરીરમાં ન હતી. શરીરભાન તેઓ મિનિટે મિનિટે જાણે ગુમાવી રહ્યા હતા! સાથેના સંતોને લાગણીવશ ખૂબ જ ચિંતા થવા લાગી હતી. હરિભક્તો ડોક્ટરને લેવા માટે પહોંચી ગયા હતા.
બપોરે લગભગ 11.30 વાગ્યા હશે. સ્વામીશ્રી પ્રયત્ન પૂર્વક બેઠા થઈ ગયા અને પૂછ્યું, ‘હરિકૃષ્ણ મહારાજને થાળ ધરાવ્યો?’
‘હા, અક્ષરસ્વરૂપ સ્વામી થાળ માટેની તૈયારી સવારથી કરતા હતા. મંદિરમાં અત્યારે થાળ ચાલુ જ છે’. એક સંતે વિગતવાર જવાબ આપ્યો. સ્વામીશ્રીના મુખ ઉપર અપાર સંતોષની લાગણી ફરી વળી અને શાંતિથી સૂઈ ગયા. સમય સમયની ઠાકોરજીની સેવાનું કેવું સતત અનુસંધાન !
બીજે દિવસે વ્યારાથી સાંકરી આવ્યા. આજે સ્વામીશ્રીનો તાવ ઊતરી ગયો હતો. જો કે અશક્તિ ઘણી જ હતી. તેમની દાઢમાં સખત પીડા હતી પણ તેઓ તે અંગે કોઈને ફરિયાદ કરતા ન હતા. તેમાં વળી બારડોલીના ડો. રમણભાઈ પટેલે કમળો હોવાનું નિદાન કર્યું. અને એ દિવસ બાદ અમદાવાદ જવા નિર્ણય લેવાયો. યોગાનુયોગ ત્રીજે દિવસે સવારે રાજકોટના પ્રખ્યાત દંતવૈદ્ય શ્રી લાભશંકરભાઈ સાંકરી સ્વામીશ્રીનાં દર્શનાર્થે આવ્યા. સોમાભાઈના બંગલે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રસોડાની બાજુની રૂમમાં સ્વામીશ્રીની દાઢ તપાસવા માટે તેમણે સ્વામીશ્રીના મુખમાં નીચેના જડબામાં ડાબી બાજુના પેઢામાં દાઢ પાસે સહેજ સ્પર્શ કરીને દબાવ્યું તો મોઢામાંથી પરુની એક નાનકડી સેર ઊડી! તેઓ તરત જ બોલી ઊઠ્યા, ‘આટલી પીડા તો એક સ્વામીશ્રી જ વેઠી શકે!’
તેમણે તેમની ખાસિયત પ્રમાણે સ્વામીશ્રીના જડબાની એક ચોક્કસ રગ દબાવીને લોહી વહેવડાવ્યા વગર આસાનીથી સ્વામીશ્રીની દુખતી દાઢ કાઢી નાખી અને પોટેશિયમ પરમેંગેનેટના કોગળા કરાવ્યા. ત્યાર પછી પણ થોડા દિવસો સુધી સ્વામીશ્રીના શરીરમાં તાવની આવન-જાવન ચાલુ રહી હતી.”
જો કે સ્વામીશ્રીના ઉત્સાહમાં આ કષ્ટોની કોઈ અસર દેખાઈ નહોતી.
સેલવાસની આજુબાજુ વાઘછીપા, ડોકમરડી, રખોલી, મસાટ વગેરે ગામો છે. સ્વામીશ્રીને એ ગામોમાં પધારવું હતું. સામાન્ય પણ વ્યવસ્થા ન હોય એવા એ ગામોમાં તેમને ભીડો ન પડે એ હેતુથી અમે તેમને તે ગામોમાં જવાની ના પાડી હતી, પરંતુ ત્યાંના ગરીબ ભક્તોને સ્વામીશ્રીએ હૃદયમાં રાખ્યા હતા. એટલે સ્વામીશ્રી કહે, ‘મારે એ ગામડાંઓમાં જવું જ છે.’
અમે ત્યાં ગયા ત્યારે જોયું કે, એ સામાન્ય ભક્તોનાં હૃદયમાં સ્વામીશ્રીના આગમનથી કેવો અપાર આનંદ છવાઈ ગયો હતો! રાયમમાં તો સ્વામીશ્રી ઘરે ઘરે પધાર્યા. ઘરે ઘરે દીવડા પ્રગટાવીને સૌએ સ્વામીશ્રીને વધાવ્યા હતા. બસ, એ ભક્તોનો એ આનંદ નીરખવા જ સ્વામીશ્રીએ કષ્ટો વેઠવાનું પસંદ કર્યું હતું!
વાંદરવેલા, સામરવરણી વગેરે ગામોમાં સ્વામીશ્રી ત્રણ ત્રણ કિ.મી. ચાલતા ગયેલા. ગરીબ-આદિવાસી વિસ્તારમાં પધરામણી કરતાં કરતાં સ્વામીશ્રી બહુ ખીલે. એમને એટલી બધી મજા આવે કે આપણને આશ્ચર્ય થાય! એક વખત મેં સ્વામીશ્રીને કહ્યું, ‘આપને થાક નથી લાગતો?’
સ્વામીશ્રી કહે, ‘અરે હોય! થાક હોય!? અહીં તો આનંદ છે!’
સ્વામીશ્રીની ભોજનની વ્યવસ્થા જળવાય તે માટે એક વાર દેવચરણદાસ સ્વામી અને અન્ય સંતોએ કહ્યું: ‘અહીં બીચારા ગરીબ લોકો છે. એમની પાસેથી આપણે સ્વામીશ્રીના ભોજનની શું અપેક્ષા રાખવી! માટે આપણે નાસ્તા વગેરે થોડું થોડું સાથે લઈ લઈએ.’ સ્વામીશ્રીએ આ વાત સાંભળી ત્યારે તેમણે કહ્યું હતું: ‘દેવ! આ લોકો ગરીબ છે. તેમ છતાં દિલના બહુ ઉદાર માણસો છે. તમે જોજો.’
અને ખરેખર! સ્વામીશ્રી પધાર્યા તેના આનંદમાં એ ગરીબ આદિવાસી ભક્તોએ વીસ વીસ વાનગીઓ બનાવી હતી! આદિવાસી ભક્તો ખૂબ ભાવથી સ્વામીશ્રી માટે અથાણું, સૂરણનું શાક વગેરે જે ફાવે તે બધું બનાવે. તેમનો એવો પ્રેમભાવ જોઈને અમે સૌ પણ ચકિત થઈ ગયા હતા! જાણે કોઈ જૂની ઓળખાણ હોય, એવી રીતે સ્વામીશ્રી એ સૌને મળે. સ્વામીશ્રી ઘણી વખત બોલી ઊઠતાઃ ‘આ તો બહુ જૂની ઓળખાણવાળા છે!’ અને એ સૌ પર પ્રેમવર્ષા કરતા સ્વામીશ્રીને મન આ બધી પધરામણીઓ ને એ બધું ભીડા જેવું હતું જ નહીં.
સ્વામીશ્રી પોતે આવાં કષ્ટો વેઠતા હતા, અને અમને તકલીફ ન પડે, તે માટે અમારી ચિંતા કરતા હતા. અમે આ ગામડાંઓમાં સારી રીતે વિચરણ કરી શકીએ, તે માટે અમને એક જીપગાડીની વ્યવસ્થા તેમણે સંસ્થા તરફથી કરી આપી હતી. આ ગાડીનાં ટાયર ઘસાઈ ગયાં હોવાથી મેં સ્વામીશ્રીને તે ટાયરની વ્યવસ્થા થાય તો સારું તેમ જણાવ્યું હતું. સંસ્થા પાસે એ વખતે પૈસાની ખૂબ ખેંચ. તેઓ કહે, ‘તું ચિંતા ન કરીશ. મુંબઈમાં એક ભાઈ ઓળખીતા છે. તેમની પાસેથી ખરીદીશું. આપણને થોડો ઓછો ખર્ચ થશે.’
તે વખતે પૈસાની બહુ કટોકટી. મેં કહ્યું, ‘પણ અહીં કોણ લઈ આવશે?’
‘હું લઈ આવીશ.’
અને સ્વામીશ્રીએ એક શીખ વેપારી પાસેથી સસ્તા ભાવે છતાં સારી ગુણવત્તાનાં ટાયરો ખરીદી લીધાં. પરંતુ આ ટાયર અમારા સુધી પહોંચાડવાની પણ એક સમસ્યા હતી. સ્વામીશ્રી કોઈને જણાવ્યા વિના તેમણે જાતે ટ્રેનમાં લઈને આવવાનું નક્કી કર્યું. તેઓ મુંબઈથી ગોંડલ જઈ રહ્યા હતા. યોગીજી મહારાજના સ્મૃતિ મંદિરના ઉદ્ઘાટનના અવસરે તેઓ જઈ રહ્યા હતા. મુંબઈથી સૌરાષ્ટ્ર મેઇલમાં તેઓ કૂપેમાં બેઠા હતા. અહીં ટાયર મૂકવાની જગ્યા ક્યાં હતી! સ્વામીશ્રીએ જ રસ્તો શોધી આપ્યોઃ સીટ ઉપર ટાયર મૂકીને આપણે તેના ઉપર બેસી જઈશું! અને જીપના ટાયરો મૂકીને તેના પર બેઠાં બેઠાં તેમણે પ્રવાસ કર્યો! ટ્રેન વલસાડ સ્ટેશને આવી ત્યારે રાતના 12 વાગ્યા હતા. અમે અને થોડા હરિભક્તો તો તેમનાં દર્શનના હરખમાં ઊછળતા હતા. ત્યારે સ્વામીશ્રી મને કહે, ‘તું લાંબો ટૂંકો થયા વગર આ ટાયર ઉતારી લે. બે મિનિટ ટ્રેન ઊભી રહેવાની છે.’
સૂવાને બદલે આ રીતે ટાયર પર બેઠાં બેઠાં સ્વામીશ્રીને આવવાનું થયું તેથી સાથેના સેવક સંતો થોડા આકુળવ્યાકુળ થયા હતા, પરંતુ સ્વામીશ્રી ખૂબ ધૈર્યથી મને સમજાવી રહ્યા હતાઃ ‘લો તમારાં ટાયર. 1400 રૂપિયાનો ફાયદો થયો છે. તું લાવ્યો હોત તો કેવું થાત!?’
હું મનોમન સ્વામીશ્રીને વંદી રહ્યો.
સ્વામીશ્રી દક્ષિણ ગુજરાતમાં વ્યારા અને આજુબાજુનાં ગામડાંઓમાં 1971થી લઈને 1980 દરમ્યાન અનેક વખત પધાર્યા હતા. સન 1978માં સ્વામીશ્રી ભાદરવા મહિનામાં અહીં પધાર્યા હતા. તાપ અસહ્ય હતો. વળી તે વરસે સ્વામીશ્રી ખૂબ જ બીમાર પણ થયા હતા. આથી કરચેલિયામાં સ્વામીશ્રી માટે એ.સી. લીધેલું. એક હરિભક્તના ઘરે અમે દીવાલમાં બાકોરું પાડ્યું અને સ્વામીશ્રીના રૂમમાં એ.સી. ગોઠવેલું. સ્વામીશ્રી પધરામણીએથી આવ્યા અને તેમણે આ જોયું. તેથી એકદમ નારાજ થઈ ગયા. મને કહે, ‘ખબર નથી પડતી? હરિભક્તના ઘરે બાકોરું શા માટે પાડ્યું?’
મેં કહ્યું, ‘સ્વામી આપને ગરમી લાગે.’
તેઓ કહે, ‘શાની ગરમી લાગે? આટલું સહન નહીં થાય અમારાથી? હરિભક્તને કેટલું નુકસાન થશે. ગરમીમાં મને શું થઈ જવાનું છે?’
સ્વામીશ્રીએ ક્યારેય સુવિધાઓની અપેક્ષા તો રાખી નથી, પરંતુ સામેથી સુવિધાઓ આવે તેને ઠેલીને તેમણે હંમેશાં બીજાનો વિચાર કર્યો છે. એ વિચારે હું સ્વામીશ્રીનાં ચરણે લળી પડ્યો.