(૧૯૬૦)
તે દિવસે સવારે અમે લુસાકા શહેરમાં હતા. અહીં શ્રી દોલતભાઈને ત્યાં ઊતર્યા હતા. હવે ફેડરેશનની મુલાકાત પૂરી થઈ હતી, તેથી પાછા ફરવાનું હતું.
એ જ દિવસે સાંજે સોલ્સબરી પહોંચી જવું એવો કાર્યક્રમ ઘડાયો, કારણ કે બીજે દિવસે રામનવમી હરિજયંતીનો મહોત્સવ સોલ્સબરીમાં ઊજવવો એવું અગાઉથી નક્કી થયું હતું.
લગભગ ૪૦૦ માઈલની મુસાફરી હશે, એટલે વહેલા નીકળવાનું થયું. સાધારણ રીતે મુસાફરી કરવાની હોય ત્યારે સ્વામીશ્રી ખાસ કશું જમતા નહિ. રસોઈ તો બધી જ બનાવી હતી, પરંતુ સ્વામીશ્રીએ માત્ર થોડાં ખીચડી-કઢી અંગીકાર કર્યાં. લુસાકા સત્સંગમંડળને આશીર્વાદ આપી મોટર રસ્તે શહેર છોડ્યું. પોતાની બધી જ ક્રિયામાં ચંચળ ને તત્પર સ્વામીશ્રી મોટરની મુસાફરીમાં અતિ વેગને પસંદ ન કરતા, તેથી જ તો અદ્યતન મહાકાય મોટરમાં બેઠા હોવા છતાં, ધોરીમાર્ગ ઉપર પણ અમે મધ્યમ ગતિએ જઈ રહ્યા હતા. દરમિયાન મોટરમાં પણ સ્વામીશ્રી કોઈને નવરા બેસી રહેવા ન દેતા. કથા-કીર્તનનો પ્રવાહ ચાલુ જ રખાવતા.
બરાબર મધ્યાહ્નનો સમય થયો હશે, અને અમે ચીરન્ડુ બ્રિજ ઉપર આવી પહોંચ્યા. આ પુલ ઉત્તર અને દક્ષિણ રોડેશિયાને પોતાના સ્થૂળ દેહથી જોડે છે. પુલ નીચે ઝામ્બેઝી નદી ખૂબ જ વેગમાં પડતી-આખડતી આગળ વધી રહી છે. પ્રકૃતિની રમણીયતાનું અહીં એક અદ્ભુત દર્શન થાય છે.
હજુ તો અમે પુલ ઉપરથી પસાર થતા હતા ને સ્વામીશ્રીએ પોતાનો વિચાર દર્શાવ્યો કે આપણે નદીકિનારે જવું છે. જોકે અમારે પાછળની ગાડીઓની રાહ જોવાની જ હતી. તેથી તુરત ગિરીશભાઈએ મોટરની દિશા મરોડી. નદી તરફ ઊતરવાનો એક પહોળો, કેડી જેવો રસ્તો હતો, પણ આગળ જતાં એ રસ્તો ખાડા-ટેકરાવાળો બનતો હતો. એટલે એ મૂંગું યંત્ર હઠ પકડીને ત્યાં જ ઊભું રહ્યું.
નદી સુધી પહોંચતાં સ્વામીશ્રીને તકલીફ પડશે, એવું વિચારતાં બીજી મોટરો આવતાં સુધીમાં ત્યાં જ ઊભા રહેવાનું સૌએ પસંદ કર્યું. થોડીવાર થઈ હશે. ફરીથી સ્વામીશ્રીએ નદી સુધી જવા માટે આગ્રહ બતાવ્યો. સૌ તૈયાર થયા. ધીરે ધીરે નદી કાંઠે આવી પહોંચ્યા. એક સુંદર જગ્યા - બેસી શકાય એવી શોધી સ્વામીશ્રીને બેસાર્યા. અહીં પહોંચતાં જ નદીના જળથી ઠાકોરજીને સ્નાન કરાવવાની સ્વામીશ્રીએ આજ્ઞા કરી અને ત્યારે જ સૌને ભાન થયું કે સ્વામીશ્રી નદીકાંઠે આવવા આટલા માટે જ ઉત્સુક હતા, કારણ કે ઠાકોરજીના સ્નાન-તીર્થથી પવિત્ર બનેલું એ જળ આફ્રિકાના એ અંધાર ખંડમાં ક્યાં ક્યાં પહોંચીને જીવસૃષ્ટિને પાવન કરશે, એની તો અમારે કલ્પના જ કરવાની હતી !
પ્રમુખસ્વામી તથા વિનુ ભગતે હરિકૃષ્ણ મહારાજની નાનકડી મૂર્તિને સ્નાન કરાવ્યું. સ્વામીશ્રીએ ઠાકોરજીને લીલા મેવાનો થાળ ધર્યો. પછી અમને સૌને પ્રસાદ આપી મધ્યાહ્નના એ સખત તાપમાં દેહથી ને મનથી સુખિયા કર્યા. છતાં પોતે કંઈ જ ગ્રહણ કર્યું નહિ. મુસાફરીમાં પોતે કંઈ લેતા પણ નહિ. પછી ટપાલ વંચાવી. એટલી વારમાં બાકીની મોટરો આવી પહોંચતાં અમે રસ્તા પર આવ્યા અને સૌની સાથે આગળ વધ્યા.
આગળ જતાં ધોરીમાર્ગથી અંદરના ભાગમાં 'કરિઆ ડેમ' આવે છે. સૌની ઇચ્છા ત્યાં જવાની હતી. સ્વામીશ્રીને તેમાં કોઈ પ્રકારે રસ ન હતો છતાં અમને રાજી રાખવા, ત્યાં જવા અનુમતિ આપી. અમારો રસ્તો બદલાયો. નમતો પહોર થઈ ચૂક્યો હતો. રસ્તો ખરાબ હતો. છતાં જવાનો ઉમંગ હતો તેથી પચાસ માઈલનો રસ્તો કાપી, નિયત સ્થળે જઈ પહોંચ્યા. અહીં ડેમ સુધી પહોંચવા કેટલીક પ્રાથમિક પરવાનગીઓના અભાવે અમારું રોકાણ લંબાયું. ઠેઠ મોડી સાંજે અમે ડેમ ઉપર પહોંચ્યા.
હંમેશાં ભગવાન સંબંધી જ ક્રિયા કરતા સ્વામીશ્રીએ ડેમની પાછળ તૈયાર થયેલ માનવ સર્જિત વિશ્વના સૌથી વિશાળ મહાસરોવરમાં ઠાકોરજીના પ્રસાદીનાં પુષ્પો, સૌનું કલ્યાણ થાય એવી ભાવનાથી નાંખ્યાં. આશ્ચર્યની વાત તો એ બની કે આ જ જગ્યાએ સરોવર બનાવતાં પહેલાં, વરસાદનું પાણી એકઠું થતાં, લાખોની સંખ્યામાં જંગલનાં ભયાનક પણ લાચાર પ્રાણીઓ તણાઈને મૃત્યુ પામ્યાં હતાં તે આજે સદ્ગતિ પામ્યાં. મહાપુરુષોની ગતિ અકળ હોય છે.
પાછા ફરતાં મોડું ઘણું જ થયું. વળી, સો માઈલની મુસાફરી વધી તેથી સોલ્સબરી સમયસર પહોંચવું અશક્ય હતું. રાત્રે જો મોડા પહોંચીએ ને જમવાનો પ્રબંધ ન થાય તો બીજે દિવસે હરિજયંતીના નિર્જળ ઉપવાસમાં સ્વામીશ્રીને કેટલી તકલીફ પડશે એ વિચાર જ કરવો અશક્ય બન્યો. તેથી ઠાકોરજીને થોડો લીલો મેવો ધરાવી, સ્વામીશ્રીને આપ્યો, પણ સ્વામીશ્રીએ તો તે લેવાની પણ ના પાડી. બધાએ આગ્રહ કરી જોયો, પણ અફળ ! ઊલટાનું સ્વામીશ્રીએ આગ્રહ કરીને અમને તે બધો જ પ્રસાદ ખવડાવી દીધો અને એમાં જ પોતે તૃપ્તિ અનુભવી. રસ્તામાં ગોડી-આરતી વગેરે નિયમો કર્યા.
રાતના ૧૧-૩૦ વાગે અમે સોલ્સબરી નજીક આવી પહોંચ્યા. શહેરના રસ્તાઓથી અમે બધા જ અજાણ્યા હતા. તેથી મોડી રાત્રે નાછૂટકે કેટલીક પ્રદક્ષિણાઓ ગામ ફરતી દેવી પડી. અમે ઉતારે પહોંચ્યા ત્યારે રાતના ૧૨ ઉપર ૧૫ મિનિટ થઈ ચૂકી હતી. સ્વામીશ્રીએ સ્નાન કર્યું. થોડોક ઉકાળો ગ્રહણ કરવા સૌએ સ્વામીશ્રીને ઘણી વિનંતી કરી, પણ સ્વામીશ્રીએ એક જ વાત મૂકી કે બાર વાગી ગયા છે, બીજો દિવસ શરૂ થઈ ગયો ગણાય, તેથી અમારે કંઈ લેવાય જ નહિ. સૌ આથી નિરુપાય બન્યા.
આખા દિવસની મુસાફરીથી સ્વામીશ્રી ઘણા જ શ્રમિત જણાતા હતા. તેથી તુરત પોઢી ગયા.
હરિજયંતીનો બીજો દિવસ, સ્વામીશ્રીને માટે જાણે અતિ મંગળકારી દિવસ હતો. સવારથી જ સ્વામીશ્રી આનંદવિભોર જણાતા હતા. તેમના ઉત્સાહિત મુખારવિંદ ઉપર ગઈ કાલનો થાક જરા સરખો પણ જણાતો ન હતો. કોઈને પણ એમ ખ્યાલ ન આવે કે સ્વામીશ્રીને આજે બીજો ઉપવાસ હશે! લગભગ આખો દિવસ કથા-કીર્તનમાં કેવી રીતે પસાર થયો તે ખબર ન પડી.
સાંજે સ્વામીશ્રીની આજ્ઞાથી મોટો ઉત્સવ ગોઠવ્યો હતો. એક પછી એક સત્સંગીઓ અને આમંત્રિત મહેમાનો દેખાવા લાગ્યા. ભારત ખાતેના આસિસ્ટન્ટ કમિશ્નર શ્રી કોરાના સાહેબ તેમજ કેટલાક અંગ્રેજ ભાઈઓ પણ હાજર હતા.
આશાભાઈના સુંદર મકાનના વિશાળ બેઠક ખંડમાં સભા યોજી હતી. ધૂન-ભજનથી સભાની શરૂઆત થઈ ત્યાર પછી હરમાનભાઈએ શ્રીહરિના ચરિત્ર-મહિમાનું ગાન કર્યું. બાદ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનું ષોડશોપચારે પૂજન કરીને ચાંદીના સુંદર પારણામાં ઝ ðલાવ્યા. પ્રમુખસ્વામીએ આ પ્રસંગે 'ભક્તચિંતામણિ'માંથી શ્રીહરિના જન્મપ્રસંગનું પ્રકરણ સંભળાવ્યું.
અંતમાં સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપ્યા. પશ્ચિમની રોનકવાળા આ સોલ્સબરી શહેરમાં ઉત્સવની આ ભવ્યતા ને દિવ્યતા સૌના દિલમાં વસી ગઈ. સ્વામીશ્રીની સંનિધિમાં સૌ ધન્યતા અનુભવતા રાત્રે દસ વાગે આરતી કરી, પંજરી વગેરે પ્રસાદ લઈ વીખરાયા.
ત્રીજે દિવસે દશમની સવારે પારણામાં સ્વામીશ્રી માત્ર આધાર પૂરતાં ખીચડી-કઢી જમ્યા; કારણ કે આજે અમારે દારેસલામ જવા પ્લેનમાં નીકળવાનું હતું. એક માસ સુધી અનેરું સુખ પામેલા મધ્ય આફ્રિકાના હરિભક્તોએ ભગ્ન-હૃદયે સ્વામીશ્રીની વિદાય સ્વીકારી. સૌ વિમાન મથકે મૂકવા આવ્યા. સવારે દસ વાગે અમારું પ્લેન ઊપડ્યું. પ્લેનમાંયે સ્વામીશ્રીનો ભજનનો દોર ચાલુ જ રહેતો. બ્લેંટાયર વિમાની મથકે ન્યાસાલેન્ડના હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
લગભગ સાંજે ૫-૩૦ વાગે અમે દારેસલામ પહોંચ્યા. પ્લેનમાં સ્વામીશ્રી અને સંતો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. છતાં દારેસલામ પહોંચ્યા પછી સ્વામીશ્રીએ તે દિવસે કંઈ જ લીધું નહિ. હરિભક્તોએ ઘણી વિનંતી કરી પણ હંમેશ મુજબ નિરાશા !
જ્યારે સ્વામીશ્રીની મુખમુદ્રા-બ્રહ્માનંદનો એકધારો છક છલકાવી રહી હતી, ત્યારે હરિભક્તોને માત્ર એક જ પ્રશ્ન મૂંઝવતો હતો કે હજુ ચોથો ઉપવાસ એકાદશીનો ઊભો છે ને ત્રણ ઉપવાસ થઈ ચૂક્યા છે. છતાં બ્રહ્મદશામાં અલમસ્ત વિચરતા સ્વામીશ્રીની એ સુખ-સરવણી ક્યાં હશે ?
પ્રત્યુત્તરમાં બ્રહ્મમુનિના શબ્દો મનમાં ગુંજી ઊઠ્યાઃ
'પીવત પ્રેમ પિયાલા,
અબધૂત પીવત પ્રેમ પિયાલા;
ચકના ચૂર રહત નિત્ય છાકે,
મગન ગગન મતવાલા.'