Essays Archives

પંચમ પ્રશ્ન

નિદ્રા, સ્વપ્ન કે સુષુપ્તિ સમયની આંતરિક ક્રિયાનું રહસ્ય જાણ્યું. હવે જાગ્રત અવસ્થામાં થતી ક્રિયા અંગેની વાત છે. જાગ્રત અવસ્થામાં થતી ક્રિયાઓમાંની એક છે 'ધ્યાન'. સત્યકામ નામનો શિષ્ય સાચા ધ્યાનનું રહસ્ય જાણવા ઇચ્છે છે. મનુષ્ય સમયે સમયે ધ્યાન કરવા પ્રેરાય છે. તો તે ધ્યાનનું સાચું સ્વરૂપ, ધ્યેય વસ્તુની સ્પષ્ટતા તથા સાચા ધ્યાનને સિદ્ધ કરવાના સચોટ ઉપાયો વગેરે અંગે તેને માર્ગદર્શન મેળવવું છે. તેથી તેણે પૂછ્યું - ‘स यो ह वैतद् भगवन्! मनुष्येषु प्रायणान्तम् ॐकारम्  अभ्यध्यायीत कतमं वाव स तेन लोकं जयतीति’(પ્રશ્ન ઉપનિષદ-૫/૧) હે ગુરુદેવ! જો કોઈ મનુષ્ય ૐકારનું આલંબન લઈ ધ્યાન કરે તો તેને કેવા લોકની પ્રાપ્તિ થાય? કેવું ફળ મળે?
ગુરુ પિપ્પલાદે પ્રશ્ન સાંભળ્યો. અતિ મહત્ત્વના આધ્યાત્મિક સિદ્ધાંત સાથે આ વાત જોડાતી દેખાતી હતી. તેથી ઉત્તરમાં ફળની વાત કરતાં પહેલાં બીજી એક અગત્યની વાત સમજાવવી જરૂરી લાગી. તે વાત હતી ૐકારનો અર્થ સ્પષ્ટ કરવાની. અર્થ જ બરાબર ન જાણ્યો હોય તો પછી તેના આધારે થતાં ધ્યાનમાં શું બરકત આવે! આથી મહર્ષિ પિપ્પલાદે કહ્યું, ‘एतद् वै सत्यकाम! परं चापरं च ब्रह्म यद् ॐकारः।’(પ્રશ્ન ઉપનિષદ-૫/૨) હે સત્યકામ! આ ૐકારના ખરેખર બે અર્થ છે. એક છે ‘परं ब्रह्म’ કહેતાં પરમાત્મા અને બીજો છે ‘अपरं ब्रह्म’ કહેતાં એ પરમાત્માથી જુદા અને ન્યૂન એવા અક્ષરબ્રહ્મ! અર્થાત્ ૐકાર અક્ષર અને પુરુષોત્તમ એવા બે દિવ્યતત્ત્વસ્વરૂપોનો વાચક શબ્દ છે. માટે હવે જ્યારે ૐકારના ઉચ્ચારણ સાથે ધ્યાન કરવા બેસીએ ત્યારે તેના આ દિવ્ય અર્થનું અનુસંધાન અવશ્ય રાખવું જોઈએ. કેવળ શાબ્દિક ધ્યાનથી સંપૂર્ણ ફળ મળતું નથી. અર્થબોધ સાથે, સમજણપૂર્વક કરેલું ધ્યાન પરમ દિવ્ય ફળ આપે છે. તેથી પિપ્પલાદ મહર્ષિએ કહ્યું,  ‘तस्माद् विद्वान् एतेनैवायतनेन एकतरम् अन्वेति’ (પ્રશ્ન ઉપનિષદ-૫/૨) હે સત્યકામ! તેથી જ તો સાચો વિદ્વાન ૐ શબ્દથી કહેવાતા અક્ષર અને પુરુષોત્તમ એવાં બંને દિવ્ય તત્ત્વોને બરાબર જાણે છે. અને તે જ્યારે ધ્યાન કરવા બેસે ત્યારે ‘एकतरम्’ બંનેમાંથી કોઈ પણ એક સાથે જોડાઈ જાય છે, તેનું ધ્યાન કરે છે - અર્થાત્ ૐ ૐ ૐ એમ બોલતાં બોલતાં પરમાત્માનું ધ્યાન કરે અથવા જેમનામાં એ પરમાત્માનો સદાય નિવાસ છે એવા અક્ષરબ્રહ્મના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરે - આ ધ્યાન કરવા યોગ્ય અક્ષરબ્રહ્મનું સ્વરૂપ એટલે પ્રગટ ગુરુહરિ. આમ અહીં પરમાત્માની જેમ પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિના ધ્યાન-માનસીનો સિદ્ધાંત ખૂબ જ સ્પષ્ટ રીતે પ્રતિપાદિત થયો છે.
આમ એક મહત્ત્વની બાબત સમજાવી. હવે આવા ધ્યાનનું યથાર્થ રીતે અનુષ્ઠાન કરનાર કેવું ફળ પામે તે જણાવતાં કહ્યું, ‘यथा पादोदरस्त्वचा विनिर्मुत्व्यत एवं ह वै स पाप्मना विनिर्मुक्तः स सामभिरुन्नीयते ब्रह्मलोकम्(પ્રશ્ન ઉપનિષદ-૫/૫) જેમ સાપ કાંચળીથી છૂટો પડી જાય તે જ રીતે આ ધ્યાન કરનાર ઉપાસક પણ પાપમાત્રથી મુક્ત થઈ જાય છે. કહેતાં માયાના દુઃખથી રહિત થઈ પરમ શાંતિનો અનુભવ કરે છે. અને તેને બ્રહ્મલોક કહેતાં અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. અને વળી, ‘स एतस्माज्जीवघनात् परात्परं  पुरिशयं पुरुषमीक्षते’ તે સર્વ જીવો કરતાં પણ પર એવા જે અક્ષરબ્રહ્મ તેના કરતાં પણ પર એવા અક્ષરધામમાં વિરાજતા પુરુષોત્તમનો સાક્ષાત્કાર પામે છે.
સત્યકામને તો સહેજે સહેજે અધ્યાત્મ સાધનાનું સાચું રહસ્ય મળી ગયું. તે ખૂબ જ સંતુષ્ટ થયા.

 

છઠો પ્રશ્ન

છઠ્ઠો પ્રશ્ન ભરદ્વાજ મુનિના પુત્ર સુકેશાએ પૂછ્યો. તેમણે એક પ્રસંગ કહીને પ્રશ્નની રજૂઆત કરી. કહ્યું, હે ગુરુદેવ! એક વખત હિરણ્યનાભ નામના રાજપુત્રે મને પ્રશ્ન પૂછ્યો હતો કે શું તું સોળકળાવાળા પુરુષને જાણે છે? મને કાંઈ સમજાયું નહીં. હું કાંઈ જાણતો પણ ન હતો એટલે ઉત્તર ન આપી શક્યો. તેથી ‘तं त्वा पृत्व्छामि क्वासौ पुरुष इति’(પ્રશ્ન ઉપનિષદ-૬/૧) આપ મને જણાવો કે એ સોળકળાવાળો પુરુષ ક્યાં છે?
આ સોળકળાઓ એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, પ્રાણ વગેરે આ દેહધારી સાથે જોડાયેલી આ ઉપનિષદમાં વર્ણવેલી સોળ વસ્તુઓ.
ગુરુએ કહ્યું, ‘षोडशकलाः पुरुषायणाः’ (પ્રશ્ન ઉપનિષદ-૬/૫) એ સોળકળાવાળો પુરુષ એટલે પરમાત્મા જ છે. એમણે જ આ બધી કળાઓ આત્મા પોતાના કર્મફળનો ઉપભોગ કરી શકે તે માટે કૃપાએ કરીને નિર્માણ કરી છે. અને ‘इहैवान्तःशरीरे सोम्य स पुरुषो यस्मिन्नेताः षोडशकलाः प्रभवन्ति’(પ્રશ્ન ઉપનિષદ-૬/૨) જે શરીરમાં પૃથ્વી-જળ-તેજ વગેરે આ સોળકળાઓ રહી છે તે કળાઓનો નિર્માતા પરમાત્મા પણ તે શરીરમાં જ નિવાસ કરીને રહેલો છે. વળી, ‘अरा इव रथनाभौ कला यस्मिनन् प्रतिष्ठिताः। तं वेद्यं पुरुषं वेद यथा मा वो मृत्युः परिव्यथा इति’(પ્રશ્ન ઉપનિષદ-૬/૬) જેમ રથના પૈડાના મધ્યભાગમાં આવેલી નાભિને આધારે તે પૈડાંના બધા જ આરાઓ ટકી રહે છે તે જ રીતે આ શરીરમાં પરમાત્મા રહ્યા છે. આવા સર્વાધાર પરમાત્માને જો આપ સૌ જાણશો તો મૃત્યુ કહેતાં કાળનો ત્રાસ આપને નહીં રહે. જન્મમરણથી મુક્તિ પામશો.
સોળકળાના આધાર પરમાત્માને જાણી સુકેશા સંતુષ્ટ થયો

 

ઉપસંહાર

આમ છયે શિષ્યોએ પૂછેલા છયે પ્રશ્નોના સચોટ ઉત્તરો આપીને છેલ્લે ઉપસંહાર કરતાં મહર્ષિ પિપ્પલાદજીએ કહ્યું ‘एतावदेवाहमेतत् परं ब्रह्म वेद नातः परमस्तीति’(પ્રશ્ન ઉપનિષદ-૬/૭) હે શિષ્યો! આ પરબ્રહ્મ પરમાત્મા અંગે હું આટલું જાણું છુ _. આ પરબ્રહ્મ કરતાં કોઈ શ્રેષ્ઠ તત્ત્વ નથી. આટલું કહી પિપ્પલાદજીએ ઉપદેશને વિરામ આપ્યો. છયે શિષ્યોએ પણ ખૂબ જ કૃતજ્ઞતાપૂર્વક તેમની અર્ચના કરી અને કહ્યું, ‘त्वं हि नः पिता’(પ્રશ્ન ઉપનિષદ-૬/૮) હે ગુરુવર! આપ તો ખરેખર અમારા પાલક પિતા સમાન છો. જેમ પિતા પુત્રને વાત્સલ્યસભર ઉપદેશો આપી હિતકારી વાત સમજાવે તેમ આપે અમને તત્ત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો. માટે આપને વારંવાર નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો - ‘नमः परमऋषिभ्यो नमः परमऋषिभ्यः’ (પ્રશ્ન ઉપનિષદ-૬/૮)
આમ આ પ્રશ્ન ઉપનિષદ દ્વારા શરીરને લૌકિક સુખોપભોગના સાધન તરીકે નહીં પણ મોક્ષના સાધન તરીકે જોવાનો એક વિશિષ્ટ અભિગમ પ્રાપ્ત થાય છે. ગુરુ-શિષ્યોની ગોઠડી દ્વારા અધ્યાત્મસાધનમાં ઉપયોગી એવા શરીરની ઉત્પત્તિ તથા એ શરીર સાથે જોડાયેલી બાહ્ય તથા આંતરિક દરેક બાબતોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ધ્યાનનું સાચું માર્ગદર્શન મળી આવે છે અને સર્વનો આધાર એક પરમાત્મા છે એવી દૃઢતા થાય છે. અસ્તુ.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS