Essays Archives

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ઘણી વાર કહેતાઃ 'આ લોકનો વ્યવહાર ઊંટના બેસણા જેવો છે.'
સાચી વાત છે.
ઊંટ પર જે કોઈ સવારી કરે તેને હેલા આવે જ. તેમ, આ જગતમાં જે કોઈ આવે તેને સુખ-દુઃખના હેલા આવે જ. ઊંટ પર સવારી કરનાર માણસ ઊંટના એ હેલાની સાથે શરીરનો તાલ ન મિલાવી શકે તો તેને કમરમાં દર્દ થાય. તેમ સંસારમાં સુખ-દુઃખના હેલા વચ્ચે મનનો તાલ મેળવતા ન આવડે તેને માનસિક તાણ થાય જ.
આધુનિક જગત માનસિક તાણનો પર્યાય છે. તેમાંથી છૂટવા માટે માણસમાત્ર અસંખ્ય પ્રયાસ કરે છે, પરંતુ માનસિક તાણ થાય જ નહીં તેવો ઇલાજ કરે તો?
તમે ઊંટ પર સવારી કરો, હેલા આવે, તમને કમર દર્દ થાય અને પછી કમરદર્દની દવા કરાવો, તેના કરતાં ઊંટ પર સવારી એવી રીતે કરો કે હેલા આવે તોપણ દર્દ જ ન થાય, તે વધારે સારો માર્ગ નથી?
મહાપુરુષોનું જીવન આપણને એવો માર્ગ બતાવે છે. તમે યોગીજી મહારાજના જીવન તરફ દૃષ્ટિ કરો, કેટલી બધી પ્રેરણાઓથી હૃદય છલકાઈ જશે! આપણે જેને ભણતર કહીએ છીએ એવું ભણતર કે કોલેજની ડિગ્રી - એવું એમની પાસે કશું નહોતું. પરંતુ ડિગ્રીઓ મેળવનારા ધુરંધરો ભણી ભણીને જે પામી ન શકે, એ એમણે જીવનમાં ઉતાર્યું હતું. એટલે જ જગતના અનેક હેલા વચ્ચે પણ એમને તો ક્યારેય માનસિક તાણ નહોતી, પરંતુ એમના સાંનિધ્યમાં આવનાર પણ માનસિક તાણથી મુક્ત થઈને આનંદમાં હિલોળા લેવા લાગતો.
યોગીજી મહારાજના જીવન સાથે આપણા જીવનની માનસિક તાણનાં કારણોની સરખામણી કરવા જેવી છે.
આપણને માનસિક તાણ કે સ્ટ્રેસ કેમ થાય છે?
પહેલું કારણ : ચિંતા અને ભય
સ્ટ્રેસનું એક માટું કારણ છે - જાત જાતની ચિંતા, જાત જાતના ભય.
કોઈને કહેવામાં આવે કે 'તમારે ૧ ટન વજન એક આંગળીથી ઊંચું કરી ૧૦ ફૂટ ઊંચે મૂકવાનું છે.' તો સ્વાભાવિક છે કે તેને ચિંતા થાય. આમ તો તે સાવ અશક્ય જ લાગે. પણ એમ કહેવામાં આવે કે ૧૦ ટન વજન ઊંચકી શકે એવી અને ૫૦ ફૂટ ઊંચે મૂકી આપે તેવી ક્રેઈન તમને આપવામાં આવશે, અને એક આંગળીથી તેનું બટન દબાવીને કામ કરવાનું છે. તો તરત ચિંતા દૂર થઈ જાય.
એમ ક્યારેક જીવનના પ્રશ્નોનો બોજ ટચલી આંગળીએ ટન વજન ઊંચકવા જેવો લાગે છે. અને હવે શું થશે? કેમ થશે એ ચિંતા આપણને માનસિક તાણ ઉપજાવે છે. પણ ક્રેઈનનો ઉપયોગ કરોને! ક્રેઈન એટલે ભગવાનનું બળ. એ ક્રેઈનને બદલે આપણે શરીરબળ, દ્રવ્યબળ, સંપત્તિબળ, મોટા માણસની ઓળખાણનું બળ, બુદ્ધિ બળ વાપરવા જઈએ છીએ, પરંતુ ભગવાનના બળની ક્રેઈન વાપરો, બધાં બળ નિષ્ફળ જશે. આ બળ નિષ્ફળ નહીં જાય.
શ્રીમદ્‌ભાગવતમાં ગજેન્દ્રમોક્ષની કથા તેનું એક સુંદર ઉદાહરણ છે. હાથીએ મગરના પંજામાંથી છૂટવા માટે ઘણા સમય સુધી સખત પુરુષાર્થ કર્યો પણ સફળતા ન મળી. પણ એક ક્ષણ માટે ભગવાનને પ્રાર્થના કરી ને ભગવાનના બળથી એ મગરના પંજામાંથી છૂટી ગયો. દ્રૌપદીની કથા પણ એવી છે. ભરસભામાં દ્રૌપદીનાં ચિર ખેંચાયાં. પોતાની લાજ બચાવવા તેણે ઘણો પુરુષાર્થ કર્યો, બીજા પાસે મદદ માટે આજીજી કરી, પણ નિષ્ફળતા મળી. તેની રક્ષામાં કોઈ આવી શક્યું નહીં. પણ એક જ વખત 'હે કૃષ્ણ' એ બોલી ભગવાનની પ્રાર્થના કરી અને રક્ષા થઈ.
આ છે ભગવાનનું બળ. યોગીજી મહારાજના સદા પ્રસન્ન જીવનનું એ જ કારણ હતું. એમના જીવનમાં કેટલાં કષ્ટો અને દુઃખ આવ્યાં હતાં! મુશ્કેલીઓ અને કષ્ટો ન હોવાં એમ નહીં, પરંતુ દુનિયાના કોઈ પણ માણસને હોય તેના કરતાંય વધુ માત્રામાં કષ્ટો હોવા અને છતાં સદા આનંદમાં રહેવું એ કઈ રીતે શક્ય બને ? યોગીજી મહારાજ એવું જીવંત ઉદાહરણ હતા. કારણ હતું ભગવદ્‌બળ!
એમનું જીવન ભગવદ્‌બળના ભંડાર સમું હતું. ભગવાનનું બળ - એ જ એમની મૂ$ડી અને એ જ એમનું ઔષધ. એમનું ભગવદ્‌બળ એટલે નિરંતર વહેતી ગંગાધારા. એમની પાસે આવેલો કોઈ પણ બળતો ઝળતો નિર્બળ માણસ ભગવદ્‌બળથી છલકાઈ જાય અને અનિર્વચનીય શાંતિ પામીને જાય.
એમના જીવનમાં ક્યારેય ચિંતા કે ભય કોઈએ જોયાં નથી કે એમના સાંનિધ્યમાં આવનારને એમણે ક્યારેય ચિંતિત રહેવા દીધો નથી. એમની પાસે એક અખૂટ અને હાથવગો ઉપાય હતો- સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનો. સંસ્થાના પ્રશ્નો હોય, હરિભક્તોના જીવનના પ્રશ્નો હોય કે કોઈ પણ મુશ્કેલીઓ હોય કે કોઈ પણ કાર્ય હોય, યોગીજી મહારાજ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવા લાગે. અનેક વખત એ નજરે જોયું છે. હરિભક્તો તેમની પાસે પોતાના તન-મન-ધનનાં કષ્ટોની વાતો લઈને આવે, કુટુંબ કે સમાજના પ્રશ્નો લઈને આવે, યોગીજી મહારાજ પોતે ધૂન કરે અને એ હરિભક્તોને પણ ધૂન કરવાનો માર્ગ ચીંધે. મુશ્કેલીઓ આવે તો મૂંઝ ëવાનું શાનું! ધૂન કરો! ભગવાનનું આ બળ છે ને!
ગોંડલ મંદિરનું બાંધકામ ચાલતું હતું ત્યારે કેવી સખત નાણાંખેંચ હતી! પરંતુ યોગીજી મહારાજ મૂંઝ ëય નહીં. તેઓ અક્ષરદેરીમાં ધૂન કરે, શાસ્ત્રીજી મહારાજને પત્રો લખે એમાંય પ્રાર્થના કરે. અને એ પ્રાર્થના-ધૂનનો પ્રતાપ આજેય આ સંસ્થામાં દેખાય છે.
આ ધૂનથી કેટલા અકલ્પ્ય ચમત્કારો સજાર્યા છે! કેવાં અશક્ય કાર્યો શક્ય બન્યાં છે!
યોગીજી મહારાજને ગોંડલ અક્ષરમંદિરના બાંધકામ વેળાએ કાળોતરો સાપ કરડ્યો હતો તે ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. ત્યારે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને અક્ષરદેરીમાં સુવડાવીને ધૂન જ કરાવી હતી!
જેને ભગવાનના આશ્રયનું આવું બળ હોય, જેને ભગવાનના નામનો આવો મહિમા હોય એને માનસિક તાણ, ચિંતા, ભય કેવી રીતે હોઈ જ શકે?
યોગીજી મહારાજ આ વાતને ઘણી વખત પોતાના શબ્દોમાં સમજાવતાં કહેતાઃ 'ભગવાન મળ્યા, ભગવાનના ધારક સાક્ષાત્‌ સત્પુરુષ મળ્યા, હવે ચિંતા શાની?'
'મુખોમુખ થઈ ઓળખાણ, કોઈ વાતની ન રહી તાણ...'
યોગીજી મહારાજના આ શબ્દો એમના જીવનનો કેવો અદ્‌ભુત પડઘો પાડે છે! તેઓ કહે છે :
''પ્રગટ શ્રીહરિ મળ્યા. પુરુષોત્તમ મળ્યા છે. છેલ્લો જન્મ થઈ ગયો. ફરીથી ઊથરેટી લઈ જન્મ લેવો નહિ પડે. લૉટરી બે-પાંચ રૂપિયાની હોય, પણ લાગે તો લાખ રૂપિયા આવે, તેમ આપણને લૉટરી લાગી ગઈ. પુરુષોત્તમનારાયણ મળ્યા. લૉટરી બધાને ન લાગે. સોમાં કોઈકને લાગે. કોઈ દિ' જિંદગીમાં ન મળે તે વાત મળી ગઈ. ભગવાન મળ્યા. તે કરોડ કલ્યાણ થયાં. સાંભળો! હરિભક્તો! તમે નિર્ધનિયા નથી! આ ધનનો ઢગલો શ્રીજીમહારાજ મળ્યા છે. ધન તો કરોડો રૂપિયા ઘરે હોય પણ શ્રીજી મહારાજ ન મળ્યા હોત તો ધન પડ્યું રહેત.
''કોઈ અબજોપતિ હોય ને તે તેની પેઢીમાં આપણો ચાર આની ભાગ રાખે તો કેવા રાજી થઈએ? લાખોપતિ થઈ જઈએ! આપણે અબજોપતિનો ભાગ થયો છે. તેનો આપણને કેફ નથી. કેફ આવે તો આનંદના ફુવારા! કેફ કાયમ રહેવો જોઈએ. જેમ પૈસાનો, રાજનો, પ્રધાનનો કેફ કાયમ રહે છે તેમ.''
''સર્વોપરી પુરુષોત્તમનારાયણ અનંત બ્રહ્માંડના ધણી ઓળખાણા તે કેફનાં ગાડાં આપણે ઘરે આવ્યાં!
આવું હતું એમનું ભગવદ્‌ બળ!
યોગીજી મહારાજ ઘણી વખત ગુણાતીતાનંદ સ્વામીની વાતો બોલતાં એક ઉદારહણ આપતા. તેમના એ ઉદાહરણને આપણે આધુનિક વિચાર સાથે જોઈએ.
કોઈ માણસ જંગલમાં એકલો નીકળ્યો હોય અને ભૂલો પડ્યો હોય, તેમાં વાઘ-સિંહ વગેરેની ભયાનક ગર્જના સંભળાતી હોય, ત્યારે તેને ભય લાગે તે સ્વાભાવિક છે. પણ ધારો કે તે જ વખતે મિલિટરીના બસ્સો બહાદુર સૈનિકો બંદૂક સાથે મોટર લઈને આવે, તે માણસને મોટરમાં બેસાડીને ચારે તરફ એ સૈનિકો ખુલ્લી બંદુકે ગોઠવાઈ જાય, પછી વાઘ-સિંહ સાવ નજીક ઊભા હોય તોય તેને ભય લાગે?
યોગીજી મહારાજ આવું ઉદાહરણ આપીને સમજાવતા કે ભગવાનના આશ્રયનું બળ હોય તેને ભય શાનો?
આ ભગવદ્‌ બળે યોગીજી મહારાજના જીવનમાં કોઈ ભય નહોતો, તેવું અનેક વખત સૌએ જોયું છે.
એક વખત શાસ્ત્રીજી મહારાજ સાથે ગામડાંઓમાં વિચરણ કરતાં કરતાં યોગીજી મહારાજ વડોદરા પાસે મીરસાપુરા ગામે પધાર્યા હતા. તેઓનો ઉતારો મંદિરમાં હતો. સાથે સંતો-હરિભક્તોનો સમૂહ બહુ મોટો હતો. યોગીજી મહારાજ રસોડાની સેવામાં રહેતા. તેથી રાત્રે ચેષ્ટા પછી સૂવા જાય ત્યારે તેમને ખૂબ મોડું થઈ જાય.
અહીં પણ એક દિવસ મોડી રાત્રે ૧૧-૩૦ વાગે સૂવા માટે આવ્યા. મંદિરમાં જગ્યા ઓછી અને સૂવા માટે તેમને ગોદડું પણ ન મળ્યું. તેથી મંદિર બહાર ઝાડ નીચે ડાંગરના પરાળના ઢગલા ઉપર પોતાનું ગાતરિયું(ઉપવસ્ત્ર) પાથરીને સૂઈ ગયા. સૂતાં સૂતાં તેમને લાગ્યું કે નીચે કંઈક સળવળ સળવળ થાય છે. બે-ત્રણ વખત ઊભા થઈને જોયું પણ અંધારામાં કશું દેખાયું નહીં. તેથી યોગીજી મહારાજ તો ગાતરિયું નાખીને 'સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...' એમ સ્મરણ કરતા શાંતિથી રાતભર સૂઈ રહ્યા.
સવારે તેઓ ઊઠ્યા અને ગાતરિયું લીધું તો મોટો જબરો નાગ તેમના વસ્ત્રની નીચેથી નીકળ્યો અને ઝડપથી સરકીને ચાલવા માંડ્યો. ઘણા સંતો-હરિભક્તોએ તે જોયો.
શાસ્ત્રીજી મહારાજને ખબર પડી ત્યારે સાથેના સૌને બોલાવીને ઠપકો આપતાં કહ્યું : 'જોગી મહારાજ જેવા મોટા સંતનું આસન પાથરી દેવું જોઈએ. તેમની જગ્યા રાખ્યા વિના કેમ સૂઈ ગયા ?'
સૌએ યોગીજી મહારાજની માફી માગી. પરંતુ સાથે સાથે તેમની નિર્ભયતાનું પણ દર્શન થયું.
જેને ભય હોય તેને ટેન્શન હોય.
જેને ભય નથી, તેને ટેન્શન શાનું હોય?
બીજુ કારણ : માન, અહંકાર
માનસિક તાણનું એક વધુ કારણ છે માન, અહંકાર.
માણસમાત્ર નાની-મોટી માત્રામાં અહંકાર કે માનથી પીડાતો હોય છે. તેના માન-અહંકારને સહેજ પણ પોષણ ન મળે કે તુરંત માનસિક તાણ વધે. યોગીજી મહારાજ તો અહંશૂન્ય પુરુષ હતા. પરંતુ તેઓ સાથેના સૌને પણ અહંશૂન્ય થવાની પ્રેરણા આપતા. સૌને અહંશૂન્ય થવા માટે તેમની પાસે એક અમોઘ સાધન હતું - સેવા. નમ્રભાવે, ભક્તિભાવે નીચી ટેલમાં માણસ પોતાની જાતને સેવામાં ઘસે તો અંદરથી આપોઆપ અહંકાર નિર્મૂળ થતો જાય અને તેમ તેમ માનસિક તાણ પણ નિર્મૂળ થતી જાય.
એ હકીકત છે, જેમને માનસિક તાણ થાય તેમણે પોતાની જાતને નીચી ટેલમાં જોડી દેવી જોઈએ. જે મહિમાથી નીચી ટેલ કરે તેમને યોગીજી મહારાજના દિવ્ય આનંદની અનુભૂતિ થાય જ. યોગીજી મહારાજે તો જીવનભર મહિમાસભર નીચી ટેલ કરી છે, એટલે તો તેઓ અહોરાત્ર આનંદથી છલકાતા હતા!
સને ૧૯૫૯-૬૦માં તેઓ પૂર્વ આફ્રિકામાં સત્સંગ વિચરણ માટે પધાર્યા હતા ત્યારે એકવાર ટાન્ઝાનિયામાં તેમણે, સાથે સેવા માટે ફરતા યુવકોના એક ઢગલો કપડાં ધોઈ નાંખ્યાં હતાં!
એક વખત ગોંડલમાં પૂનમનો સમૈયો હતો. અડવાળના અગરસંગ બાપુ પોતાના નાના પૌત્ર બળવંતસંગ સાથે સમૈયે પધાર્યા હતા. નાના પૌત્રને રાત્રે શૌચવિધિએ જવાનું થયું. વરસાદની અંધારી રાત હતી. તે પોતાના દાદાને ઉઠાડવા જતો હતો, પરંતુ દાદા ગાઢ ઊંઘમાં હતા. યોગીજી મહારાજ જાતે ઊભા થયા. પતરાના તગારામાં થોડી માટી નાખી, મંદિરમાં આવેલ આંબલીના ઝાડ નીચે તેના માટે બે પથરા વચ્ચે તગારું અને લોટો મૂક્યાં. બાળક વરસાદમાં પલળી ન જાય તે માટે માથે કોથળો ઓઢાડ્યો. પછી બાળકને શુદ્ધ કરીને સુવાડી દીધો. પછી પોતે તગારું સાફ કરી, સ્નાન કરી સૂતા. તે સમયે રાત્રે ૧.૦૦ વાગ્યો હતો. નાના બાળકની આવી નીચી સેવા કરવાના ઉમંગથી મધરાત્રે પણ છલકાતા યોગીજી મહારાજનો આ સેવાયોગ હતો, જેમાં અહોરાત્ર આનંદ છલકાતો હતો.
તેઓ ઘણી વખત કહેતાઃ
''આપણે મોટપ નથી લેવી. દાસપણું સિદ્ધ કરવું છે. હાથીએ બેસવું, ઘોડાગાડીમાં બેસવું એ નથી કરવું. વાસીદાં વાળવાં, પતરાવળાં ઉપાડવાં એ કરવું છે.
''દાસત્વ રાખવું. કહે અને સેવા કરે એમ નહીં, કહ્યા વગર કરે એ રાજીપો જુ દો. કલાક, બે કલાક, ક્ષણમાત્ર હવા વિના રહેવાય છે? તેમ સેવા વિના ન રહેવાય. મલિન વિચાર-વાસના બળીને ભસ્મ થઈ જાય. એ સેવા કરે, દાખડો કરે તેની વાત.
''દાસના દાસ થઈને રહેવું. દાસ થવામાં નુકસાની નથી. પણ હાથીએ બેસવામાં નુકસાની છે. કોઈ વખત પડાય. માટે જેમાં નુકસાની ન હોય તેવું દાસત્વ રાખવું. સેવાભક્તિ એ પણ બ્રહ્મવિદ્યા છે.
''ભગવાન અને સંતનું માહાત્મ્ય જાણતો હોય તે તો જેમ ચકોર પક્ષી ચંદ્રમા સામું જોઈ રહે તેમ સામેથી સેવા ગોતતો રહે. ચીંધે ત્યારે તો સૌ કરે. પણ પોતાની જાતે ગોતીને સેવા કરે તે ખરું. મહિમા હોય તેને ભક્તિ વિના ન રહેવાય. શરીર સારું ન હોય તોય કથામાં બેસે ને સેવા કરે તો આશીર્વાદ થાય, દયા થાય અને બળ મળે.''
સેવાની માત્ર વાતો નહીં, જીવનભર એમણે સેવા કરી છે. ૭૯ વર્ષની ઉંમરે બીમારીમાં તેઓકહેતા હતાઃ 'મને હરિભક્તોનાં વાસણ ઊટકવા જાવા દ્યો. મને વાસણ ઊટકવાનું બહુ મન થાય છે!' એમનું આ સેવકપણું, આ દાસપણું હજારો વખત અનુભવ્યું છે.
યોગીજી મહારાજ ૧૯૫૫માં મોમ્બાસા (કેન્યા) મૂર્તિપ્રતિષ્ઠા કરી, આફ્રિકાના અન્ય દેશોમાં વિચરણ કરી ભારત પધાર્યા ત્યારે ઠેર ઠેર તેમનું સન્માન થયું. તેમાંય યોગીજી મહારાજ જ્યારે ગઢડા પધાર્યા ત્યારે તેમનું સન્માન કરવા માટે સાંજના સમયે શહેર અને આજુ બાજુ નાં ગામોની ભાવિક જનતાના મોટા સમુદાયો ઊમટ્યા હતા. આખા શહેરને શણગારવામાં આવ્યું હતું.
મંદિરના વિશાળ સભામંડપમાં નગરયાત્રા વિરમી. સત્કાર સભામાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું કે 'ગ્રામપંચાયતે સ્વાગત કર્યું તે સ્વામિનારાયણ ભગવાન ને દાદાખાચરનું આ સન્માન છે. અમે કર્તા નથી, પણ શ્રીજીમહારાજ ભગવાન કર્તા છે. આપણે તેના હમેલિયા - નોકર છીએ.'
આપણું જીવન આવા દાસત્વભાવથી છલકાશે ત્યારે માનસિક તાણને ત્યાં ઊભા રહેવાની જગ્યા જ ક્યાં રહેશે!!
ત્રીજુ કારણ : દેહભાવ
માનસિક તાણનું એક વધુ કારણ છે - દેહભાવ.
આપણને અમુક પ્રકારની સગવડ હોય, અમુક જ પ્રકારનો ખોરાક હોય કે સ્વાદ હોય, અમુક જ પ્રકારની વ્યવસ્થા હોય તો જ આપણને ફાવે. એવું ન મળે એટલે માનસિક તાણ થાય.
વળી, દેહભાવને કારણે આપણને નિત્ય નવા નવા શોખ જાગે. ખાવા-પીવા-જોવા-ભોગવવાના નવા નવા વિચારો જાગે. અને માણસ એ મેળવવાનાં ફાંફાં પણ મારે, છતાં ઇચ્છા પ્રમાણેનું ન મળે એટલે માનસિક તાણ થાય.
યોગીજી મહારાજનું તો જીવનસૂત્ર જ એવું હતું કે 'જ્યાં ત્યાં, જેવું તેવું, જેમ તેમ ચલાવી લેવું!' - એટલે એમને વળી અગવડ-સગવડ કે પદાર્થોનું ટેન્શન હોય જ કેવી રીતે!
તેમણે ઘર છોડ્યું, દીક્ષા લીધી તે ક્ષણથી જીવનના અંત સુધી કોઈ પદાર્થ-વસ્તુનો રાગ નહીં, કોઈ દાગીના કે કોઈ આભૂષણનો નહીં, કોઈ પદાર્થ માટે આગ્રહ-દુરાગ્રહ કે ઇચ્છા સુધ્ધાં નહીં!
મેં યોગીજી મહારાજને ગામડાંઓમાં કોથળા ઉપર બેસી ૬૦ ટકા પાણી અને ૪૦ ટકા દૂધવાળો ઉકાળો પીતા જોયા છે અને તે વખતે પણ એમના મુખ ઉપર અપાર આનંદ જોયો છે. ખખડી ગયેલાં ગાડાંઓમાં મુસાફરી કરતા જોયા છે. ગામડાંઓમાં કોથળા ઉપર સૂવાનું અને હાથનું ઓશીકું કરવાનું! સવારે ૪ વાગે ઊઠવાનું અને ઠંડા પાણીથી સ્નાન કરવાનું. દર ત્રીજે-ચોથે દિવસે નિર્જળ ઉપવાસ કરવાનો! પરંતુ એવી પરિસ્થિતિમાંય એમને આનંદ આનંદ!
તમે જ કહો, જેમણે જીવનમાં સગવડ-સાધનની અપેક્ષા જ રાખી નથી, એમને ક્યારેય કોઈ વસ્તુ ન મળે તો માનસિક તાણ થાય જ કેવી રીતે? યોગીજી મહારાજને તો ઊલટું લૌકિક સુખ કે પદાર્થ ન મળે તો રાજી થાય!
તેમનાં વચનો જુ ઓઃ
''અહોહો! ભગવાન દુઃખ દે તો છાતી પહોળી થવી જોઈએ! અહોહો! શું ભગવાનની દયા!
ભક્ત કોનું નામ?
દીર્ઘ રોગ આવી પડે. પહેરવા વસ્ત્ર ન મળે, તો મોળો પડી જાય એમ નહીં, રતીવા સરસ થાય! પણ રંચમાત્ર મોળો ન પડે. બીજા સાજા સારા ફરે ને આપણે માંદા પડીએ, બીજા કુસંગીઓ ખાય, પીએ, ને લહેર કરે, ને આપણે માળું ઘરમાં દાણો ન મળે! અને ખાવા અન્ન ન મળે. વસ્ત્ર ન મળે, તોપણ રતીવા સરસ થાય. રંચમાત્ર મોળો ન પડે.''
દેહભાવ એટલે માત્ર પદાર્થની ઇચ્છા કે સગવડની અપેક્ષા નહીં, લોકો આદર રાખે તેવી ઇચ્છા પણ દેહભાવ છે. પરંતુ યોગીજી મહારાજને તો એય નહીં! તેઓ કહેતા :
''અહોહો! મારી કાંઈ ભૂલ થઈ હોય તો મને કહેવી, તો હું સુધારું. કોઈ મને મારી ભૂલ દેખાડે તે મને ગમે, જેથી આપણે સુધરાય. પણમાન આપે તે ન ગમે, મારું અપમાન કરે તો હું રાજી.''
જેને કાંઈ જોઈએ જ નહીં, આદરની પણ અપેક્ષા નથી, તેના જેટલી નિશ્ચિંતતા કોને હોય? યોગીજી મહારાજના સહવાસમાં સૌને એ જ પ્રેરણા મળતી - મૂંઝવણ ઘટાડવી હોય તો આપણી જરૂરિયાતો ઘટાડો, ઇચ્છાઓ ઘટાડો, અપેક્ષાઓ ઘટાડો!
ચોથું કારણ : અવગુણગ્રાહક દૃષ્ટિ
માનસિક તાણનું એક વધુ કારણ છે - બીજામાં અવગુણ જોવાની દૃષ્ટિ.
માણસમાત્રની આ સ્વાભાવિકતા છે. બીજો શું કરે છે તે જોવું, તેનો અવગુણ વિચારવો, તેની ચર્ચા કરવી, મનમાં પૂર્વગ્રહ બાંધવા પછી આવા જાતજાતના પૂર્વગ્રહો જ આપણા મનને પરેશાન કરે છે. જેના માટે તમને પૂર્વગ્રહ હોય, એવી વ્યક્તિ સામે મળે કે તેની સાથે તમારે કામ કરવાનું થાય કે તેનો કોઈપણ રીતે ઉત્કર્ષ થાય, એટલે આપણને માનસિક તાણ થાય.
ઘણાને ઘરમાં કોઈ વાતે ખામી ન હોય, પણ તોય અશાંતિ થાય! કારણ? અંદરો અંદર પૂર્વગ્રહ! માનસિક તાણ દૂર કરવા, મનમાંથી પૂર્વગ્રહો કાઢવા પડે. તે માટે, અવગુણ જોવાની દૃષ્ટિ કાઢવી પડે, સૌમાં ગુણ જોવાની દૃષ્ટિ કેળવવી પડે. તમે સૌમાં ગુણ જોતાં શીખો પછી તમને બધા જ માણસ સારા લાગે. અને તમારા હૃદયમાં 'આ સારા માણસો છે' એવો વિશ્વાસ આવે એટલે આપોઆપ મનમાં શાંતિનો અનુભવ થાય જ.
યોગીજી મહારાજ આ બાબતમાં પીએચ.ડી જ નહીં, તેમાંય વળી, સુપર સ્પેશ્યાલિસ્ટ હતા. એમને ક્યારેય કોઈનોય અવગુણ દેખાય જ નહીં, પછી પૂર્વગ્રહ બંધાય જ શાનો?
એક વખત તેમણે કહ્યું હતું:
'મને ૫૦ વરસ સત્સંગમાં થયાં. કોઈ દિવસ કોઈ સત્સંગી - નાનામાં નાનો હોય, થાથા થાબડા જેવો હોય, કાંઈ ન આવડતું હોય, તેનો પણ અભાવ આવ્યો નથી. વિરોધી હોય, ગમે તેવો હોય તો પણ અભાવ આવ્યો નથી.'
અવગુણ લેવાના પૂરા સંજોગો ઊભા થાય ત્યારે પણ યોગીજી મહારાજ તો ગુણ લઈને આનંદ માણતા હોય!
એકવાર યોગીજી મહારાજ ટ્રેનમાં થર્ડક્લાસમાં મુસાફરી કરતા હતા. ભજન-કીર્તન ગાવાં એ તેમનો સ્વભાવ હતો. મુસાફરી દરમ્યાન ગાડામાં હોય કે કારમાં હોય કે પછી ટ્રેનમાં મુસાફરી કરતા હોય, પરંતુ તેઓ સતત ભજન-કીર્તન ગાતા. વચમાં એક સ્ટેશને કેટલાક યુવકો ડબ્બામાં પ્રવેશ્યા. અને તેમણે પત્તાં રમવાની શરૂઆત કરી. થોડીવાર થઈ હશે ને એક યુવક જરા મોટા સાદે તોછડાઈથી બોલ્યોઃ 'એ મહારાજ! તમારું ભજન બંધ કરોને, અમને દખલ થાય છે.'
યોગીજી મહારાજ તો એકદમ સરળ પ્રકૃતિના હતા. તુરંત કીર્તન ગાવવાનું બંધ કરી, આંખો મીંચી, માળા ફેરવવા લાગ્યા. આ બાજુ પેલા યુવકો પત્તાં રમવાના એવા તાનમાં હતા કે તેમને જે સ્ટેશને ઊતરવાનું હતું તે પણ પસાર થઈ ગયું! એક-બે સ્ટેશન પછી ખબર પડી કે તેમનું સ્ટેશન તો ક્યારનુંય પસાર થઈ ગયું છે. સફાળા તે બધા ઊભા થઈ ગયા અને તે સ્ટેશને ઊતરીને હવે સામેથી ક્યારે ટ્રેન આવે તેની રાહ જોવા લાગ્યા.
યોગીજી મહારાજની સાથેના સંત આ જોતાં બોલી ઊઠ્યા કે 'એ જ લાગના છે. ભલે હવે બધા પસ્તાય. તમે ભજન ગાતા હતા તે બંધ કરાવ્યું તેની આ યોગ્ય શિક્ષા થઈ.'
ત્યારે યોગીજી મહારાજ બોલ્યાઃ 'ગુરુ, એવું ન બોલાય. એ બધા પત્તાં રમવામાં કેટલા ગુલતાન થઈ ગયા હતા, તેવું આપણે ભગવાન ભજવામાં ગુલતાન થવાનું છે.' ગુણ લેવાનો સહેજ પણ અવકાશ ન હોવા છતાં યુવકોમાંથી ગુણ ગ્રહણ કર્યો!
સામેની વ્યક્તિમાં આંખે ઊડીને વળગે તેવા અવગુણ હોવા છતાં તેમની નજરમાં આવતા જ નહીં તેવી તેઓની અલૌકિક દિવ્ય દૃષ્ટિ હતી.
ઘણું કરીને ૧૯૫૬ની સાલનો આ પ્રસંગ છે. દીક્ષા લીધા પહેલાં રજાઓ દરમ્યાન યોગીજી મહારાજ સાથે વિચરણમાં અમે કંડારી(જિ. વડોદરા) ગામે ગયા હતા. મથુરભાઈ વૈદ્યને ઘેર અમારો ઉતારો હતો. ટૂંકી બુદ્ધિ અને ઉતાવળિયા સ્વભાવને કારણે કોઈનું - સાંભળવાથી, કેટલાક હરિભક્તોમાં કેટલાક દોષો છે એવી ગ્રંથિ મારા મનમાં બંધાયેલી. તેની વાત યોગીજી મહારાજને કહેવી જોઈએ - એમ વિચારી મેં યોગીજી મહારાજને કહ્યું: 'થોડી વાત કરવી છે.' તરત જ યોગીજી મહારાજ ઊભા થયા. મારો હાથ પકડી રૂમમાં લઈ ગયા અને કહ્યું, 'વાત કરો.' મેં શરૂ કર્યુઃં 'ફલાણા હરિભક્ત આમ વર્તે છે...' આટલું જ હું બોલ્યો કે તરત જ સ્વામીએ મારો હાથ છોડી દીધો. મોઢું ફેરવી લીધું અને ઊભા થઈ રૂમમાંથી બહાર નીકળી પોતાના આસને પહોંચી ગયા.
બીજાના દોષ જોવા-સાંભળવા-કહેવા નહીં, તેની ચર્ચા કરવી જ નહીં - એવો આદેશ આવી રીતે આપી દીધો, જે મને જીવનભર યાદ રહી ગયો છે.
તેઓ માત્ર અવગુણ ન જોતા તેõટલું જ નહીં, તેઓ બધાને બ્રહ્મની મૂર્તિ દેખતા.
તેઓ કહેતાઃ 'મને બધાને વિશે દિવ્યભાવ. મને કોઈને વિષે મનુષ્યભાવ આવે જ નહીં. હું બધાને બ્રહ્મની મૂર્તિ દેખું!'
આ બ્રહ્મદૃષ્ટિ આપણે પણ કેળવીએ તો માનસિક તાણ રહે? કુટુંબમાં, સત્સંગમાં કે વ્યવહારમાં, આપણને વ્યક્તિને કારણે માનસિક તાણ રહે છે, તેનો આવો શ્રેષ્ઠ ઇલાજ વિશ્વમાં બીજે ક્યાંથી જડશે?
પાંચમું કારણ : નવરાશ
માનસિક તાણનો છેલ્લો મુદ્દો છે - નવરાશ.
પ્રસિદ્ધ કહેવત છે કે ÒIdle mind is a devils workshop.' નવરું મન શેતાનનું કારખાનું છે. મન નવરું પડે એટલે જાતજાતના વિચારો કરે. જેમ જેમ વિચારો વધુ કરે તેમ તેમ માણસ વધુ ને વધુ ગૂંચવાતો જાય અને જેમ જેમ વધુ ગૂંચવાતો જાય તેમ તેમ વધુ ને વધુ માનસિક તાણ ઊભી થતી જાય. કુથલીઓ, કુશંકાઓ, નિંદાઓ વગેરેથી લઈને જીવનમાં રોજબરોજ કેટલી બધી બાબતો આપણા નવરા મનમાં ભરાઈ રહે છે! માણસ એકલો પડે, નવરો પડે, તે સાથે આવા નકારાત્મક વિચારો તેને કોરી ખાય છે. ખાસ કરીને નિવૃત્ત માણસોનો તો આ પ્રાણપ્રશ્ન હોય છે. આવા સંજોગોમાં માણસ પોતાની નવરાશનો દોષ જોતો નથી.
યોગીજી મહારાજની એક ખાસિયત અનેક વખત મેં જોઈ હતી - ક્યારેય નવરા રહેવું નહીં અને બીજાને પણ નવરા રહેવા દેવા નહીં. ભજન, કીર્તન, વાંચન, પત્રલેખન અને કાંઈ ન હોય તો માળા ફેરવે! મુસાફરીમાં તો સૌને નવરાશ જ હોય! પરંતુ યોગીજી મહારાજ તો મુસાફરીમાંય પોતે કીર્તનો ગાય કે બીજા પાસે ગવરાવે! યુવકો સાથે ફરતા હોય તો એમને સ્વામીની વાતો, વચનામૃત, શ્લોકો, કીર્તનો, સાખીઓ એવું બધું મુખપાઠ કરાવે અને તેમનો મુખપાઠ જાતે લે! યોગીજી મહારાજ તો દાતણ કરતાં કરતાંય પત્રો વંચાવે! નહાતાં નહાતાંય સ્વામીની વાતો બોલાવરાવે!
ટૂંકમાં, દરેક પળને ભક્તિમય બનાવવાની એમની પાસે અદ્‌ભુત આવડત હતી! દરેક કાર્યને પણ ભક્તિમય બનાવવાની એક આગવી ફાવટ હતી! એટલે એમને મન કોઈ કાર્ય નાનું નહોતું લાગતું. કેટલાકને નાનું કાર્ય કરવામાં માનસિક તાણ થાય! યોગીજી મહારાજને અનેક વખત ઘઉંમાંથી કાંકરા વીણતા જોયા છે! પણ આનંદમાં! એમને હરિભક્તોનાં એઠાં વાસણ ઊટકવામાંય આનંદ લેતાં આવડતો હતો.
યોગીજી મહારાજની આ તમામ લાક્ષણિકતાઓમાં માનસિક તાણને નિર્મૂળ કરવાની જડીબુટ્ટી છે. આપણે ન વિચારી હોય એવી બીજી અનેક લાક્ષણિકતાઓ એમનામાં હતી. એમની એ જ લાક્ષણિકતાઓ એવી ને એવી આજે પ્રમુખસ્વામી મહારાજમાં દેખાય છે.
એ જ મહાપુરુષોને જે રીતે દિવ્ય આનંદ માણતા જોયા છે, એમાં જગતના તમામ પ્રશ્નોનો હલ દેખાય છે. તેમાં માનસિક તાણને બદલે દિવ્ય આનંદનો ધોધ દેખાય છે. યોગીજી મહારાજ માટે સ્વામીશ્રી ચિન્મયાનંદજીના શબ્દો યાદ આવે છેઃ ''વૃદ્ધ કાયામાંથી આપોઆપ ફૂટી નીકળતો સર્વાત્મા બ્રહ્મનો આનંદ, જાણે વિશુદ્ધ પ્રેમની સુગંધીમાન લહેરરૂપે ધસમસતો, એમની નજીક આવનારામાં પ્રવેશતો, અને હૃદયને ભરી દેતો. પછી ભલેને તે જીરવવા પાત્ર સુપાત્ર ન હોય!''
યોગીજી મહારાજનું જીવન એક યુનિવર્સિટી સમું હતું. એમના માટે મારો અનુભવ એક જ વાક્યમાં કહું તો એ છેઃ 'ધ મોસ્ટ મોસ્ટ મોસ્ટ એકસ્ટ્રા ઓર્ડિર્નરી પર્સનાલિટી ઈન ધ મોસ્ટ, મોસ્ટ મોસ્ટ ઓર્ડિર્નરી ફોર્મ!'
તેમના જીવનને થોડું પણ અનુસરતાં આવડે, તો ઊંટના બેસણા જેવા જગતના હેલા વચ્ચેય અખંડ આનંદ આનંદ રહે, પછી માનસિક તાણની તો કલ્પના પણ ક્યાંથી રહે!


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS