Essays Archives

ભારતીય તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાના મહાસાગરનું મંથન કરીને તેમાંથી તારવેલું નવનીત એટલે પ્રસ્થાનત્રયી.
પ્રસ્થાનત્રયી એટલે ઉપનિષદો, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્રોનો સમન્વય.
સનાતન હિંદુ ધર્મે સમસ્ત જગતને આપેલું આ એક અજોડ અને અમૂલ્ય પ્રદાન છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલાં મૌલિક વેદાંતનાં મૂળ આ પ્રસ્થાનત્રયીમાં છે.
આ પ્રસ્થાનત્રયી પર પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી વિદ્વત્તાપૂર્ણ અને મૌલિકતાસભર ભાષ્ય રચનાર વિદ્વાન સંત ભદ્રેશદાસ સ્વામીની કલમે આ અંકથી શરૂ થાય છે નૂતન લેખમાળાઃ 'સ્વામિનારાયણવેદાંત લેખમાળા'
ગહન શાસ્ત્રોના દોહનરૂપે નીતરતી આ કલમે ભગવાન સ્વામિનારાયણના વૈદિક સિદ્ધાંતોની
સરળ રજૂઆત આપણી જિજ્ઞાસાઓને તૃપ્ત કરશે, જ્ઞાનની સમૃદ્ધિ કરશે...

શાસ્ત્ર એટલે શું?
‘शास्ति च त्रायते च इति शास्त्रम्।’
શાસન અને સંરક્ષણ કરે તે શાસ્ત્ર. માનવજીવનની બધી જ ભાવનાઓને વધુ આધ્યાત્મિક, વધુ મજબૂત, વધુ ઊંડી અને વધુ ઉન્નત બનાવવા શાસ્ત્રો આપણને સતત સનાતન સિદ્ધાંતો શિખવાડતાં રહ્યાં છે. તે સિદ્ધાંતોને અનુકૂળ વિધિ-વિધાનો પ્રેરતાં રહ્યાં છે. તેને પ્રતિકૂળ લાગે તેનો નિષેધ કરતાં રહ્યાં છે. અને આ બધાને અનુસરવા માટેના ઉપાયોનું સુંદર નિરૂપણ કરી અનુશાસિત કરતાં રહ્યાં છે.
સંસ્કૃત ભાષામાં એક સુભાષિત છે :
अनेकसंशयोत्व्छेदि परोक्षार्थस्य दर्शकम्।
सर्वस्य लोचनं शास्त्रं यस्य नास्त्यन्घ एव सः॥
'શાસ્ત્ર સર્વસંશયોનો ઉચ્છેદ કરે છે, પરોક્ષ લાગતા સિદ્ધાંતોને પ્રત્યક્ષ કરી આપે છે, શાસ્ત્ર જ માનવીનું સાચું નેત્ર છે. તેથી જેને શાસ્ત્રનો સંબંધ નથી તે ખરેખર! આંધળો જ છે.'
આવાં અનેક શાસ્ત્રો ભારતવર્ષમાં છે, તેમાંથી પ્રસ્તુતલેખમાં આપણે 'પ્રસ્થાનત્રયી' એવા સાર્થક નામાભિધાન સાથે તત્ત્વપ્રમાણની દૃષ્ટિએ વધુ પ્રસિદ્ધ પામેલા ત્રણ મૂર્ધન્ય ગ્રન્થોનો પરિચય કેળવીશું.
પ્રસ્થાનત્રયી
'પ્રસ્થાન' એટલે સિદ્ધાંતનું સ્થાપન કરતું પ્રમાણશાસ્ત્ર. 'ત્રયી' શબ્દ ત્રણ સંખ્યાનો બોધ કરાવે છે. ૧. ઉપનિષદો, ૨. ભગવદ્ગીતા, તથા ૩. બ્રહ્મસૂત્ર, એ ત્રણ ગ્રંથો એટલે 'પ્રસ્થાનત્રયી'.
આ ત્રણ ગ્રંથો દ્વારા જ દરેક તાત્ત્વિક સિદ્ધાંતોનું પ્રસ્થાપન થતું હોવાથી, તેને 'પ્રસ્થાન' એવું બિરુદ આપવામાં આવ્યું છે. તેથી જ પોતાના સંપ્રદાયના તાત્ત્વિક સિદ્ધાંતોનું સ્થાપન, પોષણ અને પ્રવર્તન ઉપરોક્ત ત્રણ ગ્રંથ દ્વારા કરવું એવી એક વિશિષ્ટ પદ્ધતિ, ભારતીય સનાતન ધર્મસંપ્રદાયોમાં પ્રાચીન કાળથી પ્રવર્તતી રહી છે. પછી તે શંકરાચાર્ય હોય કે રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય હોય કે નિમ્બાકાચાર્ય, વલ્લભાચાર્ય હોય કે રામાનંદાચાર્ય — દરેક આચાર્યે આ પદ્ધતિને અનુસરીને પોતાના સંપ્રદાયના ભાષ્યગ્રંથો રચ્યા છે. આ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ પ્રસ્થાન-ત્રયીના ભાષ્યગ્રંથો રચાયા છે.
આવો, તત્ત્વસિદ્ધાંતમાં પરમપ્રમાણ એવા ત્રણ પ્રસ્થાન ગ્રંથો વિષે કેટલુંક જાણીએ.
પ્રથમ પ્રસ્થાન — ઉપનિષદ
જર્મન તત્ત્વચિંતક આર્થર શોપન હોવર ઉપનિષદ માટે કહે છેઃ 'From every sentence deep, original and sublime thoughts arise, and the whole scripture is pervaded by a high and holy and earnest spirit…. In the whole world there is no study, except that of the originals, so beneficial and so elevating as that of the Upanishad. And therefore the Upanishads have been the solace of my life, it will be the solace of my death.' 'દરેક વાક્યમાંથી કેટલો ગહન, મૌલિક ને ગૌરવપૂર્ણ વિચારસમૂહ પ્રાપ્ત થાય છે ! સંપૂર્ણ ગ્રંથ કેવો ઉચ્ચ, પવિત્ર અને એકાંતિકભાવથી ઓતપ્રોત છે ! આખી પૃથ્વીમાં ઉપનિષદ જેવો ફલોત્પાદક ને ઉચ્ચ ભાવનાઓને ઉદ્દીપન કરનાર ગ્રંથ ક્યાંય નથી. અને તેથી જ ઉપનિષદોએ મને જીવનમાં શાંતિ આપી છે. અને મરણમાં પણ શાંતિ આપશે.'
આ શબ્દોની પુષ્ટિ કરતાં અંગ્રેજ તત્ત્વવેત્તા મેક્સ મૂલરે કહ્યું: 'If these words of Schophen Hover need any confirmation, I willingly give mine.' 'જો શોપન હોવરના આ શબ્દોને કોઈ ટેકાની જરૂર હોય તો હું તે આપવા તૈયાર છુ _.'
પાશ્ચાત્ય વિદ્વાન ડૉ. એનીબેસન્ટ કહે છે : 'મારા મતે ઉપનિષદો માનવ મસ્તિષ્કની સર્વોચ્ચ ફળશ્રુતિ છે.'
વળી, સ્વામી વિવેકાનંદ કહે છે : 'આપણને શક્તિની જરૂર છે. કોણ આપશે આપણને શક્તિ ? ઉપનિષદો શક્તિની ખાણ છે. તે શક્તિ પ્રદાન કરવા સમર્થ છે.'
આવા તો કેટલાય મહાનુભાવો છે જેમણે ઉપનિષદોને અહોભાવથી જોયા છે, અનુભવ્યા છે.
ખરેખર ! ઉપનિષદ વિશ્વનું સર્વોચ્ચ વાઙ્મય છે. અનેક દુઃખોમાં અટવાયેલા માનવીને ઉકેલ જણાવતાં ઉપનિષદ કહે છે : ‘तरति शोकमात्मविद्’ 'જેને પરમાત્માનું જ્ઞાન થાય છે તે શોકને તરી જાય છે.' (છાન્દોગ્ય ઉપનિષદ : ૭/૩/૧). વળી, ‘अध्यात्मयोगाघिगमेन देवं मत्वा घीरो हर्षशोकौ जहाति’ 'બ્રાહ્મીસ્થિતિરૂપ અધ્યાત્મયોગને પામીને જે પરમાત્માનું મનન-ઉપાસના કરે છે, તે ધીર પુરુષ લૌકિક હર્ષ-શોકને ત્યજી દે છે.' (કઠ ઉપનિષદ : ૧/૨/૧૨). — જેવા મંત્રો માનવીને તે જ દિશામાં વધુ આગળ લઈ જાય છે. તે પરમાત્મા કેવા છે ? તો, ‘यो वै भूमा तत्सुखं नाल्पे सुखमस्ति’ 'જે સર્વથી મહાન પરમાત્મા છે તે જ સુખમય છે. તેનાથી ન્યૂન એવા સંસારમાં સુખ નથી.' (છાન્દોગ્ય ઉપનિષદ : ૭/૨૩/૧). આ પરમાત્મા કઈ રીતે પમાય? તે અંગે ઉપનિષદ કહે છે : ‘ब्रह्मविदाप्नोति परम्।’ 'જે અક્ષરરૂપ થાય છે તે પરબ્રહ્મને પામે છે.' (તૈત્તિરીય ઉપનિષદ, આનન્દવલ્લી, મંત્ર-૧). અને અંતે ‘न पश्यो मृत्युं पश्यति न रोगं नोत दुःखताम्’ 'જેણે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરી તેને રોગ, દુઃખ કે જન્મમરણ નથી રહેતાં.' (છાન્દોગ્ય ઉપનિષદ : ૭/૨૬/૨) — જેવા ઉપદેશો આપી, તેને પરમ મુક્તિના ફળ સુધી પહોંચાડે છે.
એટલે ખરેખર ! ‘आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः’ 'આ પરમાત્માના સાક્ષાત્કાર માટે તેનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ.' (બૃહદારણ્યક ઉપનિષદ : ૨/૪/૫) જેવા અધ્યાત્મજ્ઞાનના ઉદ્ઘોષો કરતાં આ ઉપનિષદો સનાતન સિદ્ધાંતોનો સિંધુ છે, પરમ શાંતિ અને પરમ સુખના નિઃસંદિગ્ધ ઉપાયોનું દિવ્ય શાસ્ત્ર છે, એ પ્રતીત થયા વિના રહેતું નથી. અનાદિ કાળથી એની પવિત્રધારાઓ સંસારને શાતા અર્પી રહી છે.
'ઉપનિષદ' એટલે શું?
‘उपनिषद्यते प्राप्यते ज्ञायते ब्रह्मविद्या अनया इति उपनिषद्।’ જેના વડે બ્રહ્મવિદ્યાને પામી શકાય, જાણી શકાય તેવું શાસ્ત્ર એટલે ઉપનિષદ. આ ઉપનિષદ શબ્દનો તાત્ત્વિક અર્થ થયો. શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ 'ઉપ' એટલે સમીપ અને 'નિષદ્' એટલે બેસવું. સમીપે બેસવું. અર્થાત્ 'ઉપાસના' એવો પણ અર્થ થાય. ઉપનિષદ ઉપાસનાનું શાસ્ત્ર છે. પ્રત્યક્ષ ગુરુરૂપ હરિનું શિષ્યત્વ સ્વીકારી, પોતાના આત્માને વિષે બ્રહ્મરૂપતા પ્રાપ્ત કરી, પરબ્રહ્મની ઉપાસના કરવાનો ઉપદેશ જ આપણને ઉપનિષદ શબ્દમાંથી ધ્વનિત થતો સંભળાય છે.
ઉપનિષદોનું સ્થાન
ઉપનિષદોનું ઘર એટલે આપણા વેદો. ઉપનિષદ વેદોનો જ અમુક ભાગ છે. વેદોનો જ રહસ્યમય તત્ત્વસિદ્ધાંત તેમાં સારસર્વ-સ્વરૂપે સંગ્રહાયેલો છે. એથી જ તો આ ઉપનિષદોને 'વેદાન્ત' કહીને પણ નવાજવામાં આવે છે.
ઉપનિષદો કોણે રચ્યાં?
ભારતીય સનાતન ધર્મ પરંપરામાં વેદોને અનાદિ, નિત્ય અને અપૌરુષેય માનવામાં આવ્યાં છે. ઉપનિષદ વેદોનો જ એક ભાગ છે. આથી, ઉપનિષદ કોણે કે ક્યારે રચ્યાં હશે એ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આપણાં સનાતન ધર્મશાસ્ત્રોએ સ્પષ્ટ સમજાવ્યું છે કે કલ્પના પ્રારંભમાં પરમાત્મા પોતે જ વેદોને પહેલાં જેમ હતાં તેમ આનુપૂર્વી વિશિષ્ટ આવિર્ભૂત કરે છે. (ભાગવત : ૩/૧૨/૩૭,૩૮). તેથી જ વૈદિક શબ્દકોશ સમા નિરુક્ત નામના વેદના અંગભૂત શાસ્ત્રમાં પણ ૠષિઓને વેદમંત્રોના દ્રષ્ટા જ કહ્યા છે નહીં કે રચયિતા. (નિરુક્ત, નૈગમકાંડ : ૨/૧૧) મહર્ષિ પરાશર પણ કહે છે : ‘न कश्र्चिद् वेदकर्ता।’
આમ હોવાથી જ ઉપનિષદોમાં કયું પ્રથમ રચાયું અને કયું પછી એમ આગળ-પાછળનો ક્રમ વિચારવો તે પણ અનુચિત અને સિદ્ધાંત વિરુદ્ધ છે. વળી, આ ઉપનિષદોને મહર્ષિ મનુ જેવા પ્રાચીન મનીષીઓએ ‘अनादिनिघना दिव्या वाक्’ (મનુસ્મૃતિ) એવું બિરુદ પણ આપ્યું છે. જોકે આ વાત પશ્ચિમી સંસ્કૃતિમાં ઊછરેલા પાશ્ચાત્ય વિદ્વાનો અથવા તો તેમના જ વિચારોથી પ્રભાવિત થયેલા કેટલાક આધુનિક ભારતીયોને ન પણ સમજાય. પરંતુ આપણાં ઉપનિષદો અનાદિ, નિત્ય અને અપૌરુષેય છે એ સિદ્ધાંત વાત છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના ઉપદેશામૃતમાં ઉપનિષદોને સનાતન શાસ્ત્ર તરીકે જણાવ્યાં છે.
ઉપનિષદની શૈલી
ઉપનિષદ શ્રેયસ્કર સંવાદ છે. આ સંવાદ છાંદોગ્ય ઉપનિષદમાં આવતા પિતા-પુત્રના સંવાદની જેમ ક્યારેક બે વ્યક્તિ વચ્ચે જ થાય. ક્યારેક કેનોપનિષદમાં આવતા અગ્નિ વગેરે દેવતાઓ અને યક્ષ વચ્ચેના સંવાદની જેમ ઘણી વ્યક્તિઓ વચ્ચે થાય. તો ક્યારેક ‘अहं ब्रह्मास्मि’ (બૃહદારણ્યક ઉપનિષદઃ ૧/૪/૧૦) જેવા મંત્રો દ્વારા સ્વ સાથે પણ સધાય. પ્રશ્નોપનિષદમાં આવતા છ ૠષિકુમારો અને ગુરુ પિપ્પલાદના સંવાદની જેમ ક્યાંક તત્ત્વજ્ઞાનની પ્રશ્નોત્તરી સર્જાય, તો સનત્સુજાતના ઉપદેશોની જેમ ક્યાંક શિષ્યવત્સલ ગુરુની સહજ વાગ્ધારા વહેવા માંડે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યા પ્રમાણે ક્યાંક ધ્યાનસ્થ મહાયોગીઓનું અધ્યાત્મચિંતન હોય; તો ક્યાંક રાજસભામાં થયેલી મહામનીષીઓની બ્રહ્મગોષ્ઠિ ! જેમ કે, બૃહદારણ્યક ઉપનિષદમાં આવેલા રાજા જનકની સભામાં એકત્રિત થયેલા યાજ્ઞવલ્ક્ય, અશ્વલ, આર્તભાગ, ઉષસ્ત, કહોળ વગેરે જેવા પ્રખર પંડિતો વચ્ચેનો સંવાદ. આમ, ઉપનિષદો ક્યારેક પાઠશાળા છે, ક્યારેક ચિંતનકક્ષ તો ક્યારેક સંસદ!
ઉપનિષદો વિવિધ દૃષ્ટાંતોથી ભરપૂર છે. અનેકાનેક કથાનકો દ્વારા તેમાં ગહન જ્ઞાનને સરળતા બક્ષી છે. સચોટ દલીલો અને અર્થસભર રજૂઆત દ્વારા તેની અસરકારકતા જોતાં જ નીખરી ઊઠે છે. વળી, અહીં જે કાંઈ કહેવાયું છે તે બધું બહુધા પ્રકૃતિને ખોળે ! નદીના પવિત્ર કિનારે ! કોઈ ઘેઘૂર વટવૃક્ષની છાયામાં ! હિમાલય જેવા નગાધિરાજની પ્રશાંત કંદરાઓમાં ! કે ખુલ્લાં, નિર્મળ, ટમટમતા આકાશમાં ! આ બધું આ સંવાદોને વધુ સ્વાભાવિક અને જીવંત બનાવી દે છે. કદાચ એટલે પણ તેના મંત્રો મનને મુગ્ધ કરે છે, સંયમી બનાવે છે, શાંત કરી દે છે.
ઉપનિષદોની સંખ્યા
સંશોધન કરતાં ૧૦૮થીયે વધુ સંખ્યામાં ઉપનિષદો આજેય ગ્રંથસ્વરૂપે મળી આવે છે. જોકે આટલાં જ ઉપનિષદો હતાં એમ કહી ન શકાય. કારણ, વિશાળ વેદનિધિમાં જુદી જુદી શાખાઓનાં ઉપનિષદોનો ભંડાર પણ એવો વિશાળ હોય જ. દુઃખની વાત એ છે કે પરધર્મીઓનું ક્રૂર આક્રમણ અને આપણી ગાફલાઈને લીધે આપણે ઘણું ગુમાવ્યું છે. જોકે, જે સચવાયું છે તે પણ ઘણું છે.
સાંપ્રત સમયે જેટલાં ઉપનિષદો પ્રાપ્ત થાય છે, તેમાંથી કેટલાંક ઉપનિષદો એવાં છે જેને લગભગ બધા જ ભારતીય સંપ્રદાયોના મહાન આચાર્યો તથા પંડિતોએ પ્રમાણ શાસ્ત્ર તરીકે સરખું સન્માન આપ્યું છે. આવાં ઉપનિષદો છે : દસ. આ દસ ઉપનિષદોનાં નામ વણી લેતો શ્લોક પ્રસિદ્ધ છે :
‘र्इश-केन-कठ-प्रश्न-मुण्ड-माण्डूक्य-तित्तिरिः। एतरेयं च छान्दोग्यं बृहदारण्यकं दश॥’
૧. ઈશાવાસ્ય ઉપનિષદ, ૨. કેન ઉપનિષદ, ૩. કઠ ઉપનિષદ, ૪. પ્રશ્ન ઉપનિષદ, ૫. મુંડક ઉપનિષદ, ૬. માંડૂક્ય ઉપનિષદ, ૭. તૈત્તિરીય ઉપનિષદ, ૮. ઐતરેય ઉપનિષદ, ૯. છાંદોગ્ય ઉપનિષદ અને ૧૦. બૃહદારણ્યક ઉપનિષદ.
આ દસ ઉપનિષદોમાંથી ૠગ્વેદનું એકમાત્ર ઐતરેય ઉપનિષદ છે. યજુ ર્વેદનાં ઈશાવાસ્ય, કઠ, તૈત્તિરીય તથા બૃહદારણ્યક એમ ચાર ઉપનિષદો છે. સામવેદનાં કેન તથા છાન્દોગ્ય એમ બે ઉપનિષદો છે. જ્યારે પ્રશ્ન, મુંડક અને માંડૂક્ય એ ત્રણ અથર્વવેદનાં ઉપનિષદો છે.
આ ઉપનિષદોના મંત્રોને શ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. અને તેથી જ ઉપનિષદ પ્રસ્થાન 'શ્રુતિપ્રસ્થાન' તરીકે પ્રસિદ્ધ થયું છે.
ઉપનિષદનો વિષય
ઉપનિષદ બ્રહ્મવિદ્યાનો ગ્રંથ છે. આ બ્રહ્મવિદ્યા જ ઉપનિષદોનો પ્રધાનપ્રતિપાદ્ય વિષય છે. બ્રહ્મવિદ્યા એટલે શું ? તે સમજાવતાં મુંડક ઉપનિષદમાં ગુરુ અંગિરા શિષ્ય શૌનકને કહે છે કે, ‘येनाऽक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्याम्’ (મુંડક ઉપનિષદ : ૧/૨/૧૩). આ વાક્ય બ્રહ્મવિદ્યાનું લક્ષણ બાંધે છે. 'જેના વડે અક્ષર અને પુરુષનું તત્ત્વે કરીને જ્ઞાન થાય તેને બ્રહ્મવિદ્યા કહેવાય.' અહીં અક્ષર શબ્દથી અક્ષરબ્રહ્મ અને પુરુષ શબ્દથી પુરુષોત્તમ પરબ્રહ્મની વાત કરી છે. ફલિતાર્થ એ થયો કે પ્રત્યેક મુમુક્ષુને ભવનાં બંધનોમાંથી મુક્ત કરવા માટે અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મના દિવ્ય સ્વરૂપ, ગુણો તથા ઐશ્વર્ય વગેરેનું તાત્ત્વિક નિરૂપણ કરવું એ જ સઘળાં ઉપનિષદોનું મુખ્ય લક્ષ્ય છે. આ નિરૂપણ જે સચોટતાથી, સરળતાથી, સહજતાથી અને દૃઢતાથી થયું છે તે ગ્રન્થનું અધ્યયન કરવાથી અનુભવવા મળશે.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS