Essays Archives

સન 1998માં વસંત પંચમીના ઉત્સવ વખતે સ્વામીશ્રી 20 દિવસ અટલાદરા બિરાજ્યા હતા. એ સમયે જુદા જુદા વિસ્તારના હરિભક્તોને તેઓનાં સમીપ-દર્શનનો લાભ મળ્યો હતો. એમાં એક દિવસ પાવીજેતપુર વિસ્તારના હરિભક્તોનો સમીપ દર્શનનો વારો હતો. એ દિવસોમાં ‘વરધી’ નામના એક આદિવાસી ગામના લોકો સત્સંગમાં નવા નવા જોડાયા હતા. આ ગામના ત્રીસેક હરિભક્તો અટલાદરા સ્વામીશ્રીનાં દર્શને આવેલા. પરંતુ ગોઠવેલા વારા મુજબ પાવીજેતપુર વિસ્તારના હરિભક્તોનો સમીપ દર્શનનો સમય તો પૂરો થઈ ગયો હતો. હવે વડોદરા શહેરના હરિભક્તો માટે સમીપ દર્શનનો વારો હતો. વળી, તે દિવસે રવિવાર હોવાથી હરિભક્તોની સંખ્યા ઘણી હતી. હું સ્વામીશ્રીની બાજુમાં જ બેઠો હતો. મારી નજર વરધીથી આવેલા પેલા આદિવાસી ભક્તો ઉપર પડી. હું ધીમે રહીને તેમના તરફ પ્રયત્ન કરતો હતો ત્યાં સ્વામીશ્રીએ મને પૂછ્યું, ‘ક્યાં જાય છે??’
મેં કહ્યું, ‘અમારા વિસ્તારના કેટલાક હરિભક્તો આવ્યા છે એમને હું મળી લઉં અને એમને કહું કે તમે દૂરથી દર્શન કરજો. આજે આપણા વિસ્તારનો વારો પૂરો થઈ ગયો છે. આજે વડોદરા શહેરના હરિભક્તોનો વારો છે.’
એ સાંભળીને સ્વામીશ્રી મને કહેઃ ‘આજે વડોદરા શહેરના 3,000 હરિભક્તો મળવાના છે, એમાં તમારા વિસ્તારના 30 કંઈ વધારે પડવાના છે? વળી એમને પાછું દૂર દૂર જવાનું હોય, એટલે એ બધાને પહેલાં નજીક લઈ લો.’
એ 30 હરિભક્તોને પ્રથમ લાઇનમાં લીધા અને ખૂબ શાંતિથી મળ્યા. એ આદિવાસી ભક્તો રાજી રાજી થઈ ગયા. પછી સ્વામીશ્રી મારો હાથ પકડીને ધીમે રહીને કહેઃ ‘આ લોકો કેટલે દૂરથી આવે છે? આ બધાને લાભ ક્યારે મળે? આપણે એમના વિસ્તારમાં જઈને લાભ આપવો છે.’ મારું કાંડુ દબાવી કહેઃ ‘અત્યારે કોઈને કહેવાનું નહીં પણ આપણું નક્કી છે!’ સ્વામીશ્રીની આ કરુણાથી હું તો સ્તબ્ધ બની ગયો.
થોડા જ સમયમાં સ્વામીશ્રીએ ગોંડલથી ટપાલ લખી કે અમે બોડેલી અને પંચમહાલના પછાત વિસ્તારમાં વિચરણ માટે આવીએ છીએ.
અહીંની એપ્રિલ મહિનાની અસહ્ય ગરમીને લીધે સંતો બધા સ્વામીશ્રીના વિચરણ માટે ના પાડે. સંસ્થાના વરિષ્ઠ સંતોનો પણ આગ્રહ હતો કે આવી ગરમીમાં સ્વામીશ્રીનું વિચરણ ન ગોઠવાય તો સારું, કારણ કે આ ઉંમરે તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે. અમને પણ થયું કે બધાની વાત સાચી છે. આથી, એ વખતે સ્વામીશ્રી સુરેન્દ્રનગર બિરાજતા હતા ત્યાં અમે ખાસ ના પાડવા જ ગયા.
અમે સ્વામીબાપાને વિનંતી કરતાં કહ્યું, ‘બાપા! આપ ન પધારો તો સારું. તમારી ઇચ્છા હોય તોય અમારી ઇચ્છા નથી.’
આ સાંભળી સ્વામીશ્રી એકદમ ભાવમાં આવી ગયા ને કહેઃ ‘તમે અમને કેવા સમજો છો? અમે જ્યાં જ્યાં જઈશું ત્યાં ત્યાં વાતાવરણ અનુકૂળ થઈ જશે, ચિંતા ન કરતા. અમારો ત્યાં આવવાનો કાર્યક્રમ નક્કી જ છે.’
અને સન 1998ના એપ્રિલ મહિનાની અસહ્ય ગરમીમાં અહીંના અંતરિયાળ અને ડુંગરાળ આદિવાસી પ્રદેશમાં 12 દિવસ પધારી સ્વામીશ્રીએ અદ્ભુત સત્સંગલાભ આપ્યો! અમે એ.સી.ની બધી સગવડ કરેલી પણ એવી મહેર કરી કે એ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું. ઠંડો પવન રહ્યો અને બિલકુલ ગરમી કપાઈ ગઈ!
સ્વામીશ્રીનો એ લાભ આદિવાસીઓને માટે જીવનભરનું અણમોલ ભાથું બની રહ્યું. સ્વામીશ્રીને અનેક તકલીફો પડી, તેમણે ખૂબ કષ્ટો સહન કર્યાં, પરંતુ આમ છતાં 12 દિવસના વિચરણ પછી તેઓ હાલોલથી છૂટા પડતા હતા ત્યારે અમને લાડુનો પ્રસાદ આપીને કહેઃ ‘આપણું વિચરણ સારું થયું!’
સ્વામીશ્રી અમદાવાદ જવા વિદાય થયા. રવિવારનો દિવસ એટલે ટ્રાફિક વધારે. સ્વામીશ્રીની ગાડીને એસ્કોર્ટ હતો એટલે સ્વામીશ્રી વહેલા શાહીબાગ મંદિરે પહોંચી ગયા. રવિસભા ચાલુ હતી. સભામાં સ્વામીશ્રીએ વિચરણનો અહેવાલ આપતાં કહ્યું, ‘અમે આદિવાસી વિસ્તારમાં ફરીને આવીએ છીએ. હરિભક્તો નાના છે, સમજદાર છે, ગરીબ છે, પણ સંસ્કારી છે.’
આ રીતે 45 મિનિટ સુધી બાપાએ આદિવાસી વિસ્તારનો વિચરણ રિપોર્ટ આપ્યો અને હરિભક્તોનાં અપાર ગુણગાન ગાયાં.
સન 1998માં આદિવાસી વિસ્તારના પછાત ગામ ચૂલી ખાતે મંદિર બનાવીને સ્વામીશ્રીએ તેમાં પ્રતિષ્ઠા કરી તે સમયે પણ તેમણે કેટલાં કષ્ટો વેઠ્યાં હતાં. ચૂલી ગામ સાવ નાનું. સમ ખાવાના નામે પણ અહીં કોઈ સુવિધા નહીં! અહીં સ્વામીશ્રી પધાર્યા તે વખતે અમને એમ થયું કે આપણે સ્વામીશ્રીના ભોજનની વ્યવસ્થા સારા અને સરખા ઘરે રાખીએ. એટલે દેવગઢબારિયા સ્વામીશ્રીનું જમવાનું રાખેલું. પરંતુ મને સામેથી બોલાવીને સ્વામીશ્રી કહેઃ ‘સંતોનું જમવાનું ક્યાં છે?’
મેં કહ્યું, ‘આપના ભોજનની વ્યવસ્થા દેવગઢબારિયા રાખી છે.’
સ્વામીશ્રી કહેઃ ‘આટલો સરસ નાનો સરખો સંત આશ્રમ બની ગયો છે. અહીંયા જમવાનું રાખ્યું હોત તો નાના લોકોને લાભ મળત!’
એ આદિવાસી ભક્તના ઘરે જમવાની ઇચ્છા હોવા છતાં, સ્વામીશ્રી અમે કરેલી વ્યવસ્થાને ખોરવી નાંખવાને બદલે, સ્વામીશ્રી સામેથી પધરામણીએ આવ્યા.
નીલકંઠભાઈના ઘરે સ્વામીશ્રી પધાર્યા. એમનું ઘર એટલે ઝૂંપડી જ. અંદર નીચે નમીને જવું પડે. અંદર અંધકાર, છાણ-માટી ને વાંસના લીંપણવાળી દીવાલો, ફરસ પણ એની જ. આવી સામાન્ય પરિસ્થિતિમાં પણ તેઓને વણમાંગ્યે સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા કે, ‘તમારાં ઘર સારાં થઈ જશે હોં...’ એમણે પ્રેમથી દૂધમાં બનાવેલાં અડદના વડાંનો એક ટુકડો તૂટેલી પાટ ઉપર બિરાજી સ્વામીશ્રી જમ્યા અને કહેઃ ‘ચૂલી મંદિરના પ્રતિષ્ઠા ઉત્સવની પ્રસાદીની રસોઈ જમી લીધી!’ એમનું દારિદ્ર ફીટવાની આ જાણે એંધાણી હતી!
આમ, પ્રમુખસ્વામી મહારાજે આવાં અપાર કષ્ટો વેઠીને આ પછાત વિસ્તારમાં સત્સંગ વધાર્યો છે. બાર-બાર વખત સ્વામીશ્રીએ અહીં પધારી વ્યસન, વિષય અને વહેમમાં જીવન ગુજારતા લોકોને સત્સંગના માર્ગે વાળી ધર્મપરાયણ અને પવિત્ર જીવન જીવતાં કર્યા છે. ચોરી, લૂંટફાટ કરી પેટિયું રળતા લોકોને વાલિયામાંથી વાલ્મીકિ બનાવ્યા છે. સવારથી જ પશુ-પક્ષીઓનું ભક્ષણ કરતાં આ વનવાસી બંધુઓના મુખમાંથી પવિત્ર ‘સ્વામિનારાયણ’ મહામંત્રના નાદ સાંભળવા મળે છે. આ જ તો સ્વામીશ્રીએ વેઠેલાં અપાર કષ્ટોનું પરિણામ છે! 


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS