કોઈ પણ વ્યક્તિ સિદ્ધાંતને વરે છે ત્યારે તેના વ્યાપને એક સીમા બંધાય છે. કોઈ પણ સંસ્થા એક નિશ્ચિત સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જન્મે છે ત્યારે તેનું વર્તુળ મર્યાદિત રહે છે. પરંતુ સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને, સિદ્ધાંતમાં સમાધાન અને બાંધછોડ કર્યા વિના, સંસ્થાનો સતત વિકાસ કરવો — એ સામાન્ય માનવી માટે લોઢાના ચણા ચાવવા જેવી અઘરી બાબત છે. એ માટે વ્યક્તિએ પોતાનાં આંતરિક અને બાહ્ય, અંગત અને સામાજિક વ્યક્તિત્વની ધાર પર સંતુલન કરવું પડે છે.
આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહે છે : 'Man is at one and the same time a solitary being and a social being.' અર્થાત્ મનુષ્યની અંદર બે વ્યક્તિત્વો એક સાથે રહ્યાં છે : (૧) અંગત વ્યક્તિત્વ અને (૨) સામાજિક વ્યક્તિત્વ.
પ્રથમ ભૂમિકામાં માણસ પોતાનાં સિદ્ધાંતો અને રુચિને વળગેલો રહેવા માંગે છે. જ્યારે તેનું સામાજિક પાસું તેને લોકો સાથે સંબંધો બાંધવા અને પોતાના કાર્યનો વિકાસ કરવા તરફ પ્રેરે છે. આ બંને ભૂમિકાઓનો ઉચિત સમન્વય એ જ માણસની મહાનતાનું સાચું માપ છે. એક સંસ્થા-સ્થાપક તરીકે શાસ્ત્રીજી મહારાજના જીવનમાં આ બંને ભૂમિકાઓનું અદ્ભુત સંમિશ્રણ જોવા મળે છે. એક બાજુ પોતાના સિદ્ધાંતો પ્રત્યેની દૃઢતા અને બીજી બાજુ પોતે સ્થાપેલ સંસ્થાનો વિકાસ કે જેમાં અનેક લોકોનો સહકાર લેવો પડે.
શાસ્ત્રીજી મહારાજ સારંગપુરનું મંદિર બાંધી રહ્યા હતા ત્યારે લીંબડીના ઠાકોર સાહેબે સ્વામી પાસે આવી અને મધ્યખંડમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ ન પધરાવવાનો આગ્રહ કર્યો. અચાનક આવી પડેલા આ પ્રસ્તાવના ઉત્તરમાં બે સંભાવનાઓ રહેલી હતી. એક, ઠાકોર સાહેબના આગ્રહને નનૈયો ભણી દેવો અને સંસ્થાના વિકાસનાં તમામ કાર્યોમાં તેમના સહકારથી સંભવતઃ વંચિત થવું; અને બીજી સંભાવના એ હતી કે શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજને મધ્યખંડમાં પધરાવવાના પોતાના સિદ્ધાંત સાથે બાંધછોડ કરી ઠાકોર સાહેબના આગ્રહને વશ થવું, જેથી મંદિર બાંધકામના કાર્યમાં આંચ આવવાનો ભય ન રહે.
શાસ્ત્રીજી મહારાજે આ સમગ્ર સમસ્યાનું સમાધાન અદ્ભુત રીતે આણ્યું હતું. તેમાં ઠાકોર સાહેબનાં વચનોનો સંપૂર્ણ અનાદર પણ ન થાય અને બીજી તરફ પોતાના સત્તાવાહી સૂરમાં સિદ્ધાંત પણ જણાવ્યો કે —
'મધ્યખંડમાં તો શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ જ બેસશે. અમે આ મુંડાવ્યું છે તે શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ માટે જ મુંડાવ્યું છે.'
ઠાકોર સાહેબને આ સમાધાન તુરંત જચી ગયું. ઠાકોર સાહેબની રુચિનો ભંગ ન થાય તેમજ પોતાના સિદ્ધાંતોનું જતન થાય — આ બંને પાસાંઓનું અદ્ભુત સંમિશ્રણ અહીં જોવા મળે છે.
બોચાસણમાં સંસ્થાના પ્રથમ શિખરબદ્ધ મંદિરના પાયા ખોદતાં તેમાંથી દટાયેલા અસલી ચરુ મળી આવ્યા. હરિભક્તોએ આ વાતની શાસ્ત્રીજી મહારાજને જાણ કરી. એક બાજુ ઘોડિયામાંથી ડગ માંડી પા પા પગલી કરતી અને અસહ્ય આર્થિક મુશ્કેલીમાં પીસાતી સંસ્થાનો આર્થિક વિકાસ હતો અને બીજી બાજુ હતો અણહક્કનું પારકું ધન ન લેવાનો સિદ્ધાંત. અને શાસ્ત્રીજી મહારાજે ચરુને ત્યાં જ દટાયેલા રહેવા દેવા આજ્ઞા કરી!
સંસ્થાના વિકાસ માટે સંતોને વિદ્વત્તામાં સમર્થ કરવા અને સાથે સંસ્થાના શાશ્વત નિયમોમાં શિથિલતા ન આવી જાય એનું જાણપણું રખાવવું — આ બંનેનાં સંયોજનની તુલા જાળવવી કપરી હતી; પરંતુ શાસ્ત્રીજી મહારાજને એ સહજ સિદ્ધ હતી, અને એમણે એ કરી બતાવ્યું.
પ્રગતિ માટે મથતા મનુષ્યના મનમાં એક ગડમથલ સતત ચાલતી રહે છે કે 'શું વિકાસના પંથે લોકોની સાથે રહેવા માટે મારે મારા સિદ્ધાંતોને બાજુ પર મૂકી દેવાના?' અથવા 'જો હું મારા સિદ્ધાંતને વળગી રહીશ તો ક્યાંક પાછળ તો નહીં રહી જાઉં ને?'
શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વ સામે જોતાં અંતરની આ ભાંજગડ ભાંગીને ભુક્કો થઈ જાય છે, કારણ કે સિદ્ધાંતનું જતન કરીને વિકાસ સાધવો એ જ સાચી પ્રગતિ છે — એ એમણે પૃથ્વીના તળ સુધી રોપી દીધેલો વજ્રસિદ્ધાંત છે, જે આજેય સંસ્થાના વિકાસનું નાભિકેન્દ્ર રહીને સૌને દિશાદર્શન આપે છે.