'હજુ કહું છું, માની જાવ. આ ગામમાં કોઈની માએ એવી સવાશેર સૂંઠ ખાધી નથી કે જે મારી સામે પડવાની હિંમત કરે, સમજ્યો ? ધનોતપનોત નીકળી જશે...'
'પણ બાપજી ! અમે ક્યાં તમારી સામે પડ્યા છીએ ? અમે તો અમારી રીતે ભજન-ભક્તિ કરીએ છીએ...'
'તે એ સામે જ પડ્યા ને ! આ ગામમાં બધાએ મારો દોરો બાંધ્યો છે ને એક તેં જ કેમ નહીં ?'
'મેં તો મારા ગુરુ પ્રમુખસ્વામી અને યોગીજી મહારાજ પાસે સ્વામિનારાયણી કંઠી બાંધી છે. એટલે એમની ઉપાસના કરું છું. તે બરાબર છે...'
'તેં એની કંઠી બાંધી એટલે જાણે દાદો થઈ ગયો એમ ? તને મારી શક્તિનો પરચો મળ્યો નથી એટલે તું વધારે ફાટ્યો છે ને ! બોલ જોવું છે કે ઝૂકવું છે ?'
'પણ આમાં જોવાનો કે ઝૂકવાનો સવાલ જ ક્યાં છે ! આ તો સૌની પોતપોતાની શ્રદ્ધાની વાત છે...'
'એટલે તને મારામાં શ્રદ્ધા નથી એમ ને ! તો હવે જોઈ લેજે. તારા સ્વામીને કહી દેજે, તાકાત હોય તો તને ઉગારે...'
'એમ તમે ધમકી આપતા હો તો પછી તમતમારે જે થાય તે કરી લેજો. મારી ઉપર હજાર હાથવાળો બેઠો છે. એની મરજી વિના સૂકું પાંદડુંય હલતું નથી... સમજ્યા...!'
'સૂકું પાંદડુ શું ! આખા જગતને હલાવી દઈશ તને ઝુકાવવા, જા ! પાંચ વરસમાં તને ભીખ માગતો ન કરી દઉં તો મારું નામ...'
એ વાક્ય પૂરું સંભળાય એ પહેલાં તો વિનુભાઈ ઊભા થઈને ચાલવા માંડ્યા અને પીરની જગ્યાનાં પગથિયાં ઊતરી ગયા. જગ્યાનો મહંત ખેમજી ભૂવો ડોળા ફાડીને બબડતો રહ્યો.
ગામમાં ભારે ગોકીરો થઈ ગયો. હાહાકાર મચી ગયો. ચોરે ને ઓટલે ચર્ચાનો પવન ઊપડ્યો : 'બહુ ભારે કરી વિનુભાઈએ. ખેમજી બાપજીની સામે થવાતું હશે ?! આ બધા મરવાના ધંધા. વિનાશકાળે વિપરીત બુદ્ધિ...'
ખેમજી ભૂવો એટલે આ રામપુર ગામનો તારણહાર અને રક્ષણહાર ! ગામમાં કોઈને પણ કાંઈ પણ મુશ્કેલી આવે કે તરત દોડે ખેમજી બાપજી પાસે, તાવીજ ને દોરો બંધાવી આવે, પીરને પગે લાગી આવે, બાપજીનાં ચરણોમાં ભેટ મૂકી આવે. બાપજી જે માગે એ ધરી દઈએ એટલે પત્યું. આપણાં બધાં જ વિઘ્નો દૂર થઈ જ જાય ! ગામના નાનામાં નાના ટેણિયાનેય એવો વિશ્વાસ !
એકલું રામપુર ગામ જ નહીં, આજુ બાજુ ના આખા પંથકમાં ખેમજી બાપજીનું એવું મોટું નામ ! સૌ એનાથી ધ્રૂજે. ભારેખમ અને પરસેવાથી ગંધાતો કાળો દેહ, મોટી ફાંદ, ફૂલી ગયેલું પહોળું નાક, માથે ભૂખરી પડી ગયેલી મોટી જટા, રાજાપરી લીંબુ લટકે એવી મોટી, ધૂણી ચઢેલી મૂછો, કાયમ લાલઘૂમ રહેતી મોટી પહોળી આંખો, કપાળ પર સિંદૂરની આડ્ય, કાનમાં લટકતાં ચાંદીના મેલાં કુંડળો, ગળામાં લાંબી મોટા મણકાની માળા, ભુજા પર અને ગળામાં ચાંદીનાં તાવીજવાળા લટકતા કાળા દોરાઓ... કેડ્યે ચાંદીની ગૂંથેલી સાંકળો... અને ચલમ-ગાંજાની ધૂમ્રસેરો વચ્ચે એનો વસવાટ... એના આવા વેશ કેશ, ગામનાં સૌને માટે 'દિવ્ય વ્યક્તિત્વ'ના પ્રતીક સમાન હતાં. એ જે કરે ને જે કહે તે ઠીક જ હોય.
ગામના બે-પાંચ મોવડીઓને લાગ્યું કે આવા બાપજીની સામે પડીને વિનુભાઈએ આ ઠીક નથી કર્યું. વિનુભાઈ માટે બધાને લાગણી, એટલે સૌને થયું કે ચાલો એમને સમજાવીને પાછા વાળીએ.
વિનુભાઈના ઘરે ટોળું ગયું.
'વિનુભાઈ ! હાથે કરીને શું કામ ઉપાધિ ઊભી કરો છો ? તમારે પૈસે ટકે ક્યાં ખોટ છે ? મોટર-બંગલા-સ્કૂટર ફેકટરી આટલું બધું છે તો પછી આ બાપજી જે માગે તે ભેટમાં આપી દ્યો, દોરો બાંધી લ્યો, બાપજી ડબ્બલ પાછું વાળી આપશે... બાપજી કોઈનો પાડ રાખતા નથી...'
'પણ મારે ક્યાં કોઈ સવાલ છે ! હું એક ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુ પ્રમુખસ્વામીમાં શ્રદ્ધા ધરાવું છું, એમાં હું એમને નડતો હોય એવું એમને લાગે છે... બાકી મારે કાંઈ નથી... હું મારી શ્રદ્ધા નહીં છોડું...'
'એમ નહીં ! તમે સમજ્યા નહીં ! તમે સ્વામિનારાયણની કંઠી ભલે બાંધી, પણ ઉપર એમનો દોરોય રાખો ને ભેગી બાપજીની કૃપા લઈ લ્યો ને ! એમાં તમને વાંધો ક્યાં છે ? બાકી એક વખત બાપજીનું ત્રીજુ _ લોચન ખૂલ્યું પછી ખલાસ ! અને એની કૃપા થઈ જાય તો ન્યાલ થઈ જવાય...'
ઘણી ચર્ચા ચાલી. બહુ દલીલો થઈ. પણ છવટે બધાને લાગ્યું કે વિનુભાઈ વટનો કટકો છે. એમનેમ નહીં માને. બરાબર પછડાશે પછી આવશે, વાંકા વળીને આવશે.
વિનુભાઈને ગામમાં મોટું ઘર અને ૧૦૦ વીઘાની લીલી છમ વાડી તો હતાં જ, પણ રહેવાનું બાજુ ના શહેરમાં હતું. મોટો બંગલો, ગાડી, નોકર, ચાકર બધી રીતે ત્યાંય સુખી. શહેરમાં પોતાને ધમધોકાર ચાલતી ટિન ફેકટરી, કાપડનો ધીકતો વેપાર અને બીજા નાના મોટા વેપાર પણ ખરા. એ બધામાં વિનુભાઈ એટલા બધા વ્યસ્ત રહેતા કે વતનના ગામડે-રામપુર મહિનામાં એકાદ વખત માંડ જાય.
મહિના પછી બીજી વખત ગામડે ગયા ત્યારે ખમજી બાપજીએ કોઈના દ્વારા વિનુભાઈને કહેવડાવ્યું કે 'હજુ તક છે ઊગરવાની. નહીંતર પાંચ વરસમાં જોઈ લેજો.' પણ વિનુભાઈને એની કાંઈ પરવા નહોતી.
બે-ચાર મહિનાઓ પછી એક સાંજે વિનુભાઈ ફેકટરીએથી ઘરે પહોંચ્યા. ત્યાં ફેકટરીએથી સુપરવાઈઝરનો ફોન આવ્યો કે 'મશીનો આપોઆપ બંધ પડી ગયાં છે. ઈલેક્ટ્રિક કરંટ બરાબર આવે છે, પણ કોણ જાણે કેમ ! મશીનો ચાલતાં નથી !' ટેક્નિશિયનને લઈને વિનુભાઈનો જ્યેષ્ઠ પુત્ર શ્યામ તાત્કાલિક ફેકટરીએ પહોંચ્યો. એ સાંજે ક્યાંય ખામી પકડાઈ નહીં, પરંતુ બીજે દિવસે સવારે આપોઆપ મશીન ચાલુ થઈ ગયાં !
ત્યાર પછી તો આવું અવારનવાર બનવા લાગ્યું. કારણ અગમ્ય હતું. દિવસે દિવસે ઉત્પાદન પર એની અસર થવા લાગી. ઉત્પાદનની ક્ષમતા ઘટવા લાગી. બીજી તરફ તેમને મળેલા કેટલાક મોટા મોટા કોન્ટ્રેક્ટ પણ આશ્ચર્ય સર્જાય એ રીતે કેન્સલ થવા લાગ્યા. કાપડની દુકાનમાં પણ ધીમે ધીમે ખોટ આવવા લાગી. ઉઘરાણીઓની કેટલીય મોટી મોટી રકમો જાણે માંડી વાળવાની જ હોય એવું લાગવા માંડ્યું. ખેતીની ઊપજ પણ ૠુતુએ ૠતુએ ઘટવા માંડી. અને ધીમે ધીમે પાંચ જ વરસમાં એક દિવસ એવો આવીને ઊભો રહ્યો કે જ્યારે વિનુભાઈ કોઈ ફેક્ટરીના કે વેપાર ધંધાના માલિક નહોતા રહ્યા. પરંતુ એક મોટા દેવાદાર હતા ! બંગલા-મોટરની સુખ સાહ્યબી તો જાણે વીતી ગયેલું સપનું બની ગઈ.
દરમ્યાન એવું બન્યું કે પોતાની ખેતી સંભાળતા નાનાભાઈ ચીમનલાલને, ખેમજી બાપજીના 'આશીર્વાદ અને તેમની માનતા'ના પ્રતાપે ઘણા વર્ષે પુત્રપ્રાપ્તિ થઈ ! અને પછી તો એય બાપજીનો પૂરો ભક્ત બની ગયો ! એણે વિનુભાઈને કહી મોકલ્યું કે 'બાપજીના આશ્રિત થશો તો મારી સાથે વહેવાર રહેશે અને તો જ ખેતીની ઊપજમાં ભાગ મળશે. નહીંતર રામ રામ...'
આ સમાચાર લાવનાર બાપજીના 'દૂતે' સાથે સાથે વિનુભાઈને એ પણ કહ્યું : 'વિનુભાઈ ! આપણા ગામના પેલા ધના વાણિયાને બાપજીએ કરોડપતિ બનાવી દીધો ઈ તમે ન જોયું ? અને બબાભાઈને આવડી ઉંમરે દીકરો થ્યો ઈ ય પરચો જ છે ને ! ઓલા શના વાઘરીનેય આ બાપજીએ બે બંગલાનો ધણી બનાવી દીધો.... તો હવે તમેય ન્યાલ થઈ જાવને ! શું કામ ખાલી ખોટા હેરાન થાવ છો ? તમારા હગા ભાઈને જ પૂછી જુ ઓ ને ! બાપજીએ તો ત્યાં લગી કીધું છે કે જ્યાં ઈ મોટર લઈને આવતો ઈ જ ગામમાં એને ઘરે ઘરે લોટ માગતો લોટિયો ન કરી દઉં તો મને કહેજો !'
વિનુભાઈ આ સાંભળીને ખડખડાટ હસી પડ્યા : 'ભઈ લોટ તો અમારા ભગવાન સ્વામિનારાયણે ય માંગેલો, તો અમે માંગીએ એમાં વળી નાનપ શાની ? અને મારા અન્ન-વસ્ત્રની ચિંતા એમણે રામાનંદ સ્વામી પાસે મારા જન્મ પહેલાં માગી લીધી છે, તો હવે હું શું કામ ચિંતા કરું ?'
ત્યાર પછી પણ આર્થિક રીતે અને શારીરિક રીતે દિવસે દિવસે ફટકા ખાઈને દુર્બળ થતા જતા વિનુભાઈ ઉપર, આ પાંચ વરસ દરમ્યાન રામપુરથી અવાર નવાર ખેમજી બાપજીનાં કહેણ પણ આવતાં હતાં કે કેમ છે ? હજુ કાંઈ વિચાર બદલાય છે ? પાછા વળવું છે કે વધુ જોવું છે ?'
પણ વિનુભાઈનો કાયમી એક જ જવાબ હતો : 'ભગવાન સ્વામિનારાયણની ઇચ્છા વિના સૂકું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી. જોવા જેવા તો એ જ છે અને એમને જ જોઉં છું...'
માથે ચઢી ગયેલું દેવું ભરપાઈ કરવા માટે છેલ્લી મૂડી રૂપ બંગલો વેચવાનો વારો આવ્યો ત્યારે તો ઘરમાં બધાની ધીરજનો અંત આવી ગયો હતો. વિનુભાઈ અને જ્યેષ્ઠ પુત્ર શ્યામ વચ્ચે પણ ઉગ્ર ચર્ચા જામી ગઈ :
'પપ્પા, આપણે એનો દોરો બાંધી લઈએ ને એની બાધા લઈએ એમાં આપણી ટેક ક્યાં ડગી જવાની છે ? તમે મનથી એને ન માનતા, ઉપર ઉપરથી કહેવા ખાતર તો બાપજીને પગે લાગી આવીએ ! આપણને શી ખોટ જવાની છે ?'
'શ્યામ ! આ માથું એક ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ પ્રમુખસ્વામીને ઝૂક્યું છે એ બીજે ક્યાંય નહીં ઝૂકે ! અને એમ આપણે ડરી જઈએ તો આપણે આપણા ઇષ્ટદેવનો મહિમા શું સમજ્યા છીએ? અનંતકોટિ બ્રહ્માંડમાં માત્ર એમનું જ ધાર્યું થાય છે. એક સામાન્ય ભૂવામાં તને વિશ્વાસ આવતો હોય તો પછી આવા સર્વોપરી પરમાત્મામાં કેમ નથી આવતો ?'
'પણ આવા ભગવાન કેવા ? દુઃખી દુઃખી થઈ ગયા!'
વિનુભાઈનાં ધર્મપત્નીમાં પણ શ્રદ્ધા જ્યોતનું દિવેલ જાણે ખૂટ્યું હતું.
'એમ ઢીલા પડ્યે કાંઈ ન વળે. દાસના દુશ્મન હરિ કેદિ હોય નહીં... ભગવાન આપણા દુશ્મન નથી. એ જે કરે છે તેમાં આપણું ભલું જ છે.'
'પણ તમે પ્રમુખસ્વામી બાપાને વાત તો કરો કે આપણા માથે આવી પસ્તાળ પડી છે ! તમે તો એમનાય આશીર્વાદ લેવા જતા નથી ને ખેમજી બાપજીનેય ઝૂકતા નથી... તમારે ન જવું હોય તો પછી...' 'જુ ઓ, ભગવાન અને સ્વામીબાપા અંતર્યામી છે. એમને આપણા તમામ વ્યવાહરની ખબર જ છે. એમને શું કહેવાનું ? કાં તો તેઓ આપણી કસોટી કરતા હોય ને કાં તો આપણું શૂળીનું દુઃખ કાંટે ય કાઢતા હોય ! આપણને શી ખબર પડે ! આપણે બધી રીતે રાજી રહેવું. વચનામૃત ખોલો. તે દિવસે ડા”ક્ટર સ્વામીએ સભામાં સમજાવ્યું'તું એ વચનામૃત કાઢો. ગઢડા પ્રથમનું ૬૧મું વચનામૃત ! મહારાજે કેવી અદ્ભુત વાત કરી છે : 'ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈ રહેશું અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણે વશ્ય થઈ જશે. શા માટે જે પોતે ભક્તવત્સલ છે અને કૃપાસિંધુ છે, તે જેની પોતાને વિષે અતિ દૃઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ જે, 'ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ્ય થશે અને પલમાત્ર મારાથી છેટે નહિ રહે,' એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારુ પાછો પગ ભરવો નહિ.' જુ ઓ આ શ્રીજીમહારાજના શબ્દો છે. મારા નથી...'
પિતાની આવી અદ્ભુત સમજણથી પુત્ર અવાક્ થઈ ગયો. પણ તોય સાવ હાથે પગે થઈ ગયાનું દુઃખ જીરવી ન શકાયું. એટલે મંદિરે જઈને સંતો સમક્ષ રડી પડ્યો : 'સ્વામી ! તમે મારા પપ્પાને સમજાવો.'
દર રવિવારે ખુમારીભેર નિયમિત સભામાં આવતા વિનુભાઈના મોં પરથી આજ સુધી કોઈને અણસાર પણ નહોતો આવ્યો કે વિનુભાઈ કેટકેટલા પ્રશ્નો સામે ઝઝૂમી રહ્યા હતા ! એ મૂક સેવકે કદીય પોતાના પ્રશ્નો માટે કોઈનીય આગળ મુખ ખોલ્યું જ નહોતું !
સંતોએ બહુ પૂછ્યું ત્યારે વિનુભાઈએ ખુલ્લા દિલે બધી વાત કરી. પરંતુ એમના મોં પર ચિંતાની આછી લકીર પણ દેખાતી ન હતી. ઊલટું, ત્યાં તો નિષ્ઠા અને શ્રદ્ધાના અડગ ધવલ હિમાલયની દિવ્ય કાંતિ લહેરાતી હતી.
સંતોના આગ્રહથી વિનુભાઈ પ્રમુખસ્વામી મહારાજને પરિસ્થિતિની વિગતનો પત્ર લખવા તૈયાર થયા. જોકે એ ય એમણે જાતે ન જ લખ્યો. એમના વતી સંતોએ અને પુત્રે પત્ર લખ્યો. પ્રમુખસ્વામી મહારાજ એ વખતે વિદેશમાં હતા. એમનો તાબડતોબ સાત પાનાનો પ્રત્યુત્તર આવ્યો. પણ એમાં શબ્દે શબ્દે વિનુભાઈની નિષ્ઠા પર ધન્યવાદની વર્ષા થઈ હતી. સ્વામીશ્રીએ એમની નિષ્ઠાને બિરદાવીને ધીરજનું ભાથું બંધાવતાં લખ્યું હતું કે...
'પૂર્વના પ્રારબ્ધ મુજબ થાય છે એટલે દુનિયામાં ચડતીપડતી આવે છે. તેમાં આપણને આવા માણસો વહેમ નાંખે એટલે આપણને એમ થાય કે તેના કારણે તેમ થતું હશે. પણ સર્વકર્તા શ્રીજીમહારાજ છે તેના સિવાય કોઈથી કાંઈ થઈ શકતું નથી.
શ્રીજીમહારાજ સાક્ષાત્ બિરાજતા તેમ છતાં દાદાખાચરને કેટલાં બધાં દુઃખ અને ઉપાધિ આવેલાં. એક વખત તો ઘરમાં ખાવાના દાણા પણ નહીં. ખળામાંથી દાણા તણાઈ ગયા અને બીજી વખત ખળામાંથી ભાવનગર દરબાર તૈયાર દાણા લેવા ન દે તેવી પરિસ્થિતિ થઈ હતી. ગરાસ બધો સરકારે જપ્ત કર્યો. આવી ઘણી ઉપાધિ અને મુશ્કેલી અને કુટુંબમાં સમાજમાં તેઓને દુઃખી કરવાના અનેક પ્રયત્નો હંમેશા થતા. તોપણ મહારાજનો આશરો મૂક્યો નથી. અને બીજાને આશરે ગયા નથી. ને બધાં દુઃખોને ઉપરથી હસતે મોઢે સહન કરેલ છે. અને બીજા પણ ઘણા ભક્તોના પ્રસંગોમાં આવા પ્રસંગો થયા છે તોપણ સહન કર્યા છે. કારણ કે આ પણ કસોટી મહારાજ પોતે આપણી ધીરજ જોવા માટે કરે છે. હવે તેમાં જો ડગી જવાય તો મહારાજનું કર્તાપણું જાય.
આગળના પરોક્ષ ભક્તોમાં પણ મહાન મુશ્કેલીઓ અને દુઃખો આવેલ છે. હરિશ્ચંદ્ર રાજાનું પણ રાજપાટ ગયું અને હાથેપગે થયાની વાત છે, પરંતુ તેમ છતાં તેમણે સત્ય મૂકેલ નહીં. માટે મહારાજ કર્તા છે. આપની કસોટી છે. અને કદાચ પ્રારબ્ધનું હોય તો ભોગવવાનું રહે છે.
આપણને શૂળીએ ચઢાવ્યા હોય તો પણ મહારાજ સિવાય કોઈ રક્ષાનો કરનાર નથી અને તેઓની ઇચ્છાથી સુખ જ છે તેમ માની રાજી રહેવું, પણ મહારાજ સિવાય બીજાનો આશરો કે બીજા દુઃખ મટાડનાર છે તેમ માનવું નહીં. માટે આપણે તેનું (ખેમજી ભૂવાનું) ખરાબ બોલવું નથી અને તેની સાથે બગાડવું પણ નથી. આપણે મહારાજનો આશરો છે તે દૃઢ રાખી ભજન કરવું અને જે દુઃખ ઉપાધિ આવેલ છે તે સહન કરવું છે. લોકમાં લાજ આબરૂ પણ જાય અને વહેવારમાં દુઃખ, ધંધામાં દુઃખ, મુશ્કેલીઓ રાજકીય, સામાજિક, કૌટુંબિક મુશ્કેલીઓ આવે તો પણ ધીરજ રાખીને ભજન મહારાજનું કરવું. પ્રારબ્ધનું છે, મહારાજની ઇચ્છા હશે તેમ માની રાજી રહેવું.'
આ પત્ર વાંચતાં જ વિનુભાઈ ગદ્ગદિત થઈ ગયા : 'અરે સ્વામી ! મારા જેવા સામાન્ય માણસ માટે આટલી બધી તસ્દી લીધી !'
ત્યાર પછી તો ટૂંકાગાળામાં સ્વામીશ્રી ભારત પધાર્યા. વિદેશયાત્રાએથી પધાર્યા બાદ બીજે જ દિવસે અમદાવાદ પધાર્યા અને અમદાવાદમાં એમનું સૌથી પહેલું કામ વિનુભાઈને મળવાનું હતું.
ભક્તોની ભીડ વચ્ચે પણ સ્વામીશ્રીની આંખોએ વિનુભાઈને તરત જ શોધી લીધા. એમને નજીક બોલાવ્યા અને ત્યાર પછી તો એમની સાથે અર્ધો કલાક એકાંતમાં બિરાજ્યા. એ અર્ધો કલાક દરમ્યાન વિનુભાઈને લાગ્યું કે વાત્સલ્યસભર પિતાના ખોળે રમતું નાનું શિશુ પોતાના અન્ન-વસ્ત્ર માટે જેટલું નિશ્ચિંત હોય છે એટલા નિશ્ચિંત પોતે થઈ રહ્યા છે. ભવોભવના યોગ અને ક્ષેમનો બોજ ઉપાડનાર સ્વયં વિશ્વંભરના ખોળે બેઠાનો રોમાંચ એમને પળે પળે હર્ષાશ્રુ લાવી દેતો હતો. 'કાયમ ભેગા ફરનારા એક વખતના મિત્રો, સગાંસંબંધીઓ, ભાઈ-ભગિનીઓ આજે દૂર ઊભાં ઊભાં સુફિયાણી વાતો કરતાં હાથતાળી દઈ રહ્યાં હતાં. જ્યારે આ વિરક્ત મહાપુરુષ મને ભીડ વચ્ચેથી શોધીને મારો હાથ ઝાલી રહ્યા છે.' એ વિચારતાં વિનુભાઈ ગળગળા થઈ ગયા. સુરદાસનું ભજન એમને યાદ આવી ગયું. 'તુમ બીન કોન સગો હરિ મેરો...'
સ્વામીશ્રીનાં કરુણાસભર નેત્રોમાંથી ટપકતું વાત્સલ્ય પી રહેલા વિનુભાઈ અર્ધા કલાકને અંતે ઊભા થયા ત્યારે આંખોમાં ડોકાઈ રહેલો આભારનો અને કૃતકૃત્યતાનો ભાવ આંસુ બની છલકાઈ રહ્યો હતો.
સ્વામીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શન પ્રમાણે વિનુભાઈ પુનઃ શ્રદ્ધા અને ધૈર્યની કેડીએ આગળ ધપતા રહ્યા. અને બે જ વર્ષમાં વિનુભાઈનો ઢળી ગયેલો સૂરજ જાણે ફરીથી આકાશે ચઢવા લાગ્યો. એમના મરી પરવારેલા વેપાર ધંધામાં જાણે ફરીથી ચેતન રેડાવા માંડ્યું. ધીમે ધીમે અદૃશ્ય થયેલાં માન-મોભા ફરીથી દૃશ્યમાન થવા લાગ્યાં.
વિનુભાઈના એક મિત્રે એમને એક દિવસ કહ્યું : 'વિનુભાઈ, તમારી શ્રદ્ધા અને તમારા ગુરુહરિ - બેય ને ધન્યવાદ છે ! આ એક ચમત્કાર જ કહેવાય કે તમારું ખોવાયેલું બધું પાછું મળવા માંડ્યું...'
વિનુભાઈ હસી પડ્યા. એમણે કહ્યું : 'બધો એમનો જ પ્રતાપ છે અને અમારા સત્સંગની વાત જ નોંખી છે. અમારી સભામાં સંતો કીર્તન ગાય છે -
'તન ધન જાતાં
હરિજન હોય ને હરિભક્તથી નવ ચળે...'
આ તો ઠીક છે કે ભગવાનની ઇચ્છાથી પાછું મળતું થયું. બાકી ક્યારેક ન પણ મળે ! પણ મૂળ તો એમની ભક્તિ અખંડ થાય એ જ મહત્ત્વનું છે. એમાં જ જિંદગી સાર્થક છે. અને એમાં જે સુખ છે એની આગળ આ બધાં સુખ-દુઃખની શી વિસાત છે !
હું તો કાયમ મહારાજ પાસે એ જ માગું છું કે તમારી ભક્તિમાંથી ક્યારેય ન ડગાય એવું આપજો... મને એક ભજન બહુ ગમે છે...
'રે શીર સાટે નટવરને વરીએ,
રે પાછા તે પગલાં નવ ભરીએ...'
(એક સત્ય ઘટનાના આધારે અમુક સંવાદો સિવાય પરમ પૂજ્ય સ્વામીશ્રીના પત્રલેખનના શબ્દો સહિત બધું જ વાસ્તવિક ઘટનાનો એક ભાગ છે.)