લ્યો, આ વહાલી વસ્તુનું દાન...!
સમર્પણથી રાજીપો...
નવધાભક્તિમાં આત્મનિવેદનમ્ એટલે કે સર્વસ્વનું સમર્પણ સર્વોત્તમ છે.
શ્રીહરિએ વચનામૃતમાં ઠેર ઠેર સમર્પણને જીવના મોક્ષનું કારણ દર્શાવ્યું છે.
માહાત્મ્ય સહિત નિશ્ચયને લીધે પોતાનો દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં સમર્પિત કરીને શ્રીહરિની અનન્ય પ્રસન્નતા મેળવનાર ભક્તોની લાંબી હારમાળા છે.
વચનામૃતમાં શ્રીહરિએ એવા ભક્તોનું મહિમા પૂર્વક સ્મરણ કર્યું છે. એવા એક સમર્પણ નિષ્ઠ પ્રેમી ભક્તની પ્રેરણા સભર વાત અહીં પ્રસ્તુત છે.
માંગરોળ તાલુકાનું સૂત્રેજ ગામ. એ ગામમાં ઘાટઘડા કુંભાર પીતાંબર જેઠવા રહે. આજુબાજુનાં ગામડાંમાં તેઓ માટીનાં વાસણો વેચવા નીકળતા ને ગુજરાન કરતા. પીતાંબરનાં પત્ની કાનુબાઈ અને એના ચાર બાળકો ખોડો, હમીર, દાહો ને પ્રેમજી - સૌને ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો. સત્સંગ સ્વીકાર્યો અને નિયમ-ધર્મ લીધા.
વખત જતાં પીતાંબરભાઈને દીર્ઘ રોગ લાગુ પડ્યો. તેઓ મહારાજના તેડાની રાહ જોઈ રહ્યા છે. એક વાર તેમણે પત્ની અને દીકરાઓને કહ્યું, ‘સાંભળો, આજ સુધી ક્યારેય મેં શ્રીજીમહારાજને ઓશિયાળા કર્યા નથી. એમનો પડ્યો બોલ ઝીલ્યો છે, તો તમે પણ મને કોલ આપો કે ક્યારેય મહારાજને ઓશિયાળા કરશો નહિ.’ સૌએ ચરણસ્પર્શ કરી એ બોલ માથે ચઢાવ્યો. તેના દિવ્ય સંતોષ સાથે થોડા જ સમય પછી પીતાંબરભાઈએ પંચભૂતનું ખોળિયું ત્યજીને અક્ષરધામની વાટ લીધી.
દિવસો પર દિવસો વીતવા લાગ્યા. સંવત 1877માં પંચાળામાં શ્રીહરિ ઉત્સવ કરી રહ્યા હતા. સંતો-ભક્તો સાથે શ્રીહરિ મહારાસ રમ્યા તે સમૈયામાં કાનુબાઈ પણ દર્શને ગયાં હતાં. તેમણે બીજે દિવસે મહારાજને વિનંતી કરી : ‘પ્રભો ! આપને અમારે ઘેર પધારવાનું છે. બોલો, ક્યારે પધારશો ?’
‘બસ, અહીંથી જ સીધા આવીશું, તૈયારી કરાવો.’
કાનુબાઈ હરખાઈ ઊઠ્યા. એમની ભક્તિને વશ થઈ સંતો ને સખા સંગે મહારાજ સૂત્રેજ પધાર્યા. એમને વધાવવા આખું ગામ હીલોળે ચઢ્યું. કાનુબાઈના આંગણામાં શમિયાણા નીચે સભા થઈ. ચારે ભાઈઓએ બ્રાહ્મણ બોલાવી લાડુ-દાળ-ભાત-શાકની રસોઈ કરાવી હતી. શ્રીહરિએ નિજ હાથે વહાલા સંતોને પીરસ્યું ને ખૂબ સુખ આપ્યું. મહારાજ પણ મહેર કરીને જમ્યા.
મહારાજનું પૂજન કરી કાનુબાઈએ પ્રાર્થના કરી કે ‘પ્રભુ ! આપ તો અક્ષરધામના અધિપતિ છો, આપને અમે શું અર્પણ કરીએ!’
મહારાજે કહ્યું : ‘બાઈ ! તમારો ભાવ હતો તે અમે સ્વીકાર્યો છે, પણ શાસ્ત્રમાં કહ્યું છે કે વહાલી વસ્તુ પરમાત્માને આપવી, તો પરમાત્મા અતિ પ્રસન્ન થાય છે. માટે હવે તમને જે વહાલું હોય તે આપો.’
માંગણી ખૂબ માર્મિક હતી, અંતર ઢંઢોળી નાખે તેવી હતી. કાનુબાઈએ તો મહારાજને ઓળખી લીધા હતા. વળી, પતિદેવના અંતિમ શબ્દો પણ કાનમાં ગુંજતા હતા કે મહારાજને ઓશિયાળા કરશો નહિ... આ બધું હૈયાવગું કરી ક્ષણભરમાં કાનુબાઈએ પોતાના ચારેય દીકરાઓ શ્રીહરિનાં ચરણમાં નમાવીને કહ્યું : ‘પ્રભુ ! મારો અબળાનો દેહ, એટલે દીકરા જેવું કોઈ વહાલું ન હોય એ સ્વાભાવિક છે. પ્રભો ! આ ચારે પુત્રો આપનાં ચરણોમાં અર્પણ કરું છું. મોટો ચોવીશ વર્ષનો છે ને સૌથી નાનો સોળ વર્ષનો છે. આપની સેવામાં ચારેયને સ્વીકારી લો. આપની આજ્ઞામાં રહીને એનું પોતાનું કલ્યાણ કરશે સાથે જગતમાં અનેકનું કલ્યાણ કરશે...’
સૌ સ્તબ્ધ થઈ ગયા. એક વિધવા અબળાનું આ સમર્પણ સૌને ઝણઝણાવી ગયું. સ્વયં ભગવાન સ્વામિનારાયણની આંખો પણ ભીની થઈ ગઈ. શ્રીહરિએ કહ્યું : ‘બાઈ ! તમે તમારું કંઈ વિચાર્યું નહિ ! ધન્ય છે તમને, દીકરા જુવાનજોધ થયા, રળી આપે એવા થયા ત્યારે અર્પણ કરી દીધા !’
શ્રીહરિનાં ચરણોમાં પંચાંગ પ્રણામ કરતાં કાનુબાઈ કહે : ‘પ્રભુ ! મારું ક્યાં કશું છે ? આપના છે ને આપને અર્પું છું. હું લાડુબા-જીવુબા ભેગી રહીને આપનું ભજન કરીશ. દેહ મૂકીને જે પામવું હતું તે આપનું - અક્ષરધામનું સુખ દેહ છતાં પામી ગઈ છું. આપે મને કૃતારથ કીધી !’
મહારાજે સુરા ખાચરને કહ્યું : ‘બાપુ ! આ બાઈની સમજણ તો જુઓ, મોટા પંડિતોને પણ વિચારતા કરી મૂકે એવી છે.’
શ્રીહરિ એક પંક્તિમાં ઊભેલા ચારે ભાઈઓમાંથી નાના બે ભાઈઓનાં કાંડાં ઝાલ્યાં ને કહ્યું : ‘આ દાહો ને પ્રેમજી અમારી સેવામાં રહેશે, ને મોટા બન્ને તમારી સેવામાં રહેશે.’
તે જ ક્ષણે બાઈએ પોતાના લાડકવાયા પુત્ર દાહા અને પ્રેમજીને કપાળમાં કંકુ-ચોખા ચોડ્યાં. દુખણાં લીધાં, મોંમાં ગોળની કાંકરી મૂકી તેના બે હાથ ભગવાનના હાથમાં મૂકી દીધા. ભાવ-પૂર્વક તેને વિદાય આપી. કાનુબાઈ અને તેના પુત્રો ભગવાન સ્વામિનારાયણની અપાર પ્રસન્નતાના અધિકારી થઈ ગયા.
થોડા સમય પછી ભગવાન સ્વામિનારાયણે બન્ને કુંભાર પુત્રોને ભાગવતી દીક્ષાથી વિભૂષિત કર્યા. દાહાનું નામ ‘દહરાનંદ સ્વામી’ રાખ્યું ને પ્રેમજીનું નામ ‘પ્રસાદાનંદ સ્વામી’ પાડ્યું. વચનામૃતમાં દહરાનંદ ને પ્રસાદાનંદ સ્વામીના પ્રશ્નો છે તેમજ ‘પ્રસાદાનંદ સ્વામીની વાતો’ પણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે.
ઇતિહાસ કહે છે કે કાનુબાઈના મોટા બે પુત્રો ખોડાભાઈ ને હમીરભાઈને જૂનાગઢના જોગી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સાથે અનહદ પ્રીત હતી. તેઓ અવારનવાર જૂનાગઢ જતા, સમાગમ કરતા, સેવા કરતા. પોતે કુંભાર હોઈ મંદિર માટે નળિયાં પણ બનાવતા. સ્વામી જ્યારે જૂનાગઢ મંદિરમાં સંતોની ધર્મશાળા બંધાવતા હતા, ત્યારે બન્ને ભાઈઓએ તેના પર નળિયાં છાવરવાની સેવા ઉપાડી લીધી હતી.
સમર્પણથી ભગવાનનો અનન્ય રાજીપો પામી શકાય છે, એવો આદર્શ સ્થાપનારા આ મહાન ભક્તોને અંજલિ આપતાં નિષ્કુળાનંદ સ્વામી ભક્તચિંતામણિ પ્રકરણ-113માં લખે છે કે ‘ભક્ત હમીર, ખોડો કુંભાર, બાઈ કાનુ સૂત્રેજ મોજાર.’
મર્મચિંતન
ભગવાન સ્વામિનારાયણ જ્યાં જ્યાં પરમ કલ્યાણની વાત કરે છે ત્યાં ધન, ધામ, કુટુંબ, પરિવાર ભગવાન અને સંતને અર્થે કરી રાખવા આદેશ આપે છે. શ્રીહરિ વચનામૃત ગઢડા પ્રથમ 14માં કહે છે કે “અનંત પ્રકારનાં સુખ-દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડુંઅવળું ડોલવા દે નહીં, અને એમ સમજે જે, ‘સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણિ અને કલ્પવૃક્ષ મળ્યો છે; અને ધન, દોલત, દીકરા, દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે’ એમ સમજે અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહીં, એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે.”
વળી, વચનામૃત કારિયાણી 7માં ભગવાનનમાં અખંડ વૃત્તિ રાખવાની એક અમૂલ્ય સમજણ ગૃહસ્થ માટે સૂચવતાં કહે છે : “ગૃહસ્થને એમ સમજવું જે, ‘જેમ પૂર્વે ચોરાશી લાખ જાતનાં મારે માબાપ તથા સ્ત્રી-છોકરાં થયાં હતાં તેવાં ને તેવાં જ આ દેહનાં પણ છે; ને કેટલાક જન્મની મા, બોન, દીકરીઓ તે કેટલીક રઝળતી હશે, તેની જેમ મારે મમતા નથી તેમ આ દેહનાં સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી.’ એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે, તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે.”
આવા સમર્પિત હરિભક્તને ભગવાન અને સંતનો મહિમા અખંડ રહે છે. ભગવાન સ્વામિનારાયણે એવા માહાત્મ્યવાળા ભક્તને બિરદાવતાં વચનામૃત ગઢડા અંત્ય 14માં કહ્યું છે કે “જેના મનને વિષે ભગવાનનું ને ભગવાનના ભક્તનંુ અખંડ માહાત્મ્ય હોય તે ભગવાન ને ભગવાનના ભક્તની નિષ્કપટભાવે પ્રીતિએ કરીને સેવા કરે ને દેહે કરીને સર્વ સંતને પગે લાગે; અને કોઈક સંત માંદા હોય તો તેનું માથું દાબે, પગ દાબે ને ખાધા-પીધાની ખબર રાખે; અને પોતાની પાસે પોતાને મનગમતી વહાલી વસ્તુ આવે તો તે સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે. એવી રીતે મન-કર્મ-વચને કરીને જે વર્તે તેના અંતરમાં ભગવાનનું ને સંતનું માહાત્મ્ય અખંડ છે એમ જાણવું.”
સમર્પિત હરિભક્તને ભગવાનને અને સંતનો મહિમા જીવમાં હોય છે. એટલે જ, વચનામૃત લોયા 3માં શ્રીહરિ કહે છે કે “જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોક-લાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.” એમ કહીને શ્રીહરિએ પ્રગટના ઉપાસક બાઈ-ભાઈ હરિભક્તોના પ્રસંગો સ્વમુખે કહી સંભળાવ્યા હતા.
આમ, ત્યાગ અને સમર્પણની વેદી ઉપર શ્રીહરિએ પોતાની હયાતીમાં અનેક હરિભક્તોને પકવ્યાં હતાં.