એક સુંદર ગઝલ છે- ‘પરદા’. એમાં ગઝલકાર કહે છે -
પરદા ઉઠ્યા નહીં પણ ભીતર થયો તમાશો
પરદાની લાજ રાખી પરદા ઢળાવીને
સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોન વડે દુનિયાને છેડે બેઠેલા માણસ સાથે ‘કનેક્ટ થઈ શકતો‘ એટલે કે જોડાઈ શકતો આજનો મનુષ્ય ઘરનાં માણસોથી દૂર થતો ચાલ્યો છે. એની પ્રગતિના પ્રચંડ વેગને અડફેટે ચડેલી પરસ્પરની સંવાદિતા ચકનાચૂર થઈ રહી છે. ‘લીલાલહેર‘ નામના બંગલામાં ઝેર પ્રસરી ગયેલું હોય છે. ‘સત્કાર‘ નામના મકાનમાં ધુત્કારનું રાજ હોય છે. વિશ્વવિખ્યાત રાજકુટુંબોના આંતરકલહ ઉપર પરદા પાડવાની કોશિષ કરવામાં આવી છે. પરંતુ એણે ભીતર જ એવો તમાશો કરાવી દીધો છે, જેની લાજ રાખવા દુનિયાભરના પરદા ટૂંકા પડ્યા છે.
એવો કયો ગૃહસ્થ હશે જેણે પોતાના કુટુંબમાં કલહ ન જાગે અને થયો હોય તો શાંત પડી જાય એના માટે પ્રયત્ન નહીં કર્યો હોય? પરંતુ પરિણામ આટલું ધૂમિલ કેમ? આ વર્ષે મહાસત્તા ગણાતા એક દેશમાં છૂટાછેડાનો દર ૧૧.૩૧% આંકવામાં આવ્યો છે. સુસંસ્કૃત દેખાતો આધુનિક સમાજ ક્યાં ગોથું ખાઈ ગયો છે?
પોતે જ ઓઢી રાખેલા અહંકારના અંચળાને ચીર્યા સિવાય કુટુંબમાં અને સમાજમાં શાંતિ સ્થાપવા નીકળેલો માણસ આમ જ પછડાટ ખાશે. ‘સ્વ‘ને છોડીને ‘પર‘ને પ્યારું કરનાર પરગજુ જ આમાં માર્ગદર્શન આપી શકે, કારણ કે જેણે અહંમમત્વનો પરદો ચીરી નાખ્યો હોય એ બધું જ સ્પષ્ટ જોઈ શકે. પ્રમુખસ્વામી મહારાજને સંસાર-વ્યવહારનો અનુભવ ન હોવા છતાં તેઓ અસંખ્ય કુટુંબોમાં મધ્યસ્થી બનીને શાંતિ સ્થાપી શક્યા એનું કારણ આ જ હતું. મૂળમાં જ જેમનું નામ ‘શાંતિલાલ‘ હતું એવા પ્રમુખસ્વામીએ પારિવારિક શાંતિ માટે અપાર સમય-શક્તિ વાપર્યાં હતાં.
જેને સંસારમાં કોઈ રસ નહોતો એવા તેઓ ક્યારેક સાંસારીક બાબતોથી પણ આનંદ પામતા ખરા. એક દિવસ તેઓ રૂમમાં એકલાં બેઠા હતા અને હાથમાંનો પત્ર વાંચતાં વાંચતાં ખૂબ મલકાઇ રહ્યા હતા. એવામાં વિવેકસાગર સ્વામી આવ્યા. એમને તેઓ કહે ‘આજે તમને એક ખુશખબર આપું.‘ આ સાંભળી બધા કલ્પનાના ઘોડા દોડાવવા માંડ્યા, કે કોઈ ઠેકાણે જમીન મળી હશે? કે કોઈ પરવાનગી મળી હશે? શું હશે? ત્યારે પોતાની ખુશાલીનો ઘટસ્ફોટ કરતાં સ્વામીશ્રી હસતાં હસતાં બોલ્યા ‘……… કુટુંબમાં પતિ-પત્ની વચ્ચે વર્ષોથી ઝગડો ચાલતો હતો, તેમાં સમાધાન થઈ ગયું છે.‘ લો, આ હતી એમને મન ખુશખબર! જોકે એમાં બંને પક્ષે સ્વામીશ્રીની સલાહ માની હતી ત્યારે જ મનદુઃખનો અંત આવ્યો હતો.
વડોદરા પાસેના એક ગામમાં બે ઓરમાન ભાઈઓ સંયુક્ત મિલકત માટે વર્ષોથી લડી રહ્યા હતા. ભોંયતળીયે વચ્ચોવચ દિવાલ ઊભી કરીને ઘરના બે ભાગલા પાડી દેવામાં આવ્યા હતા, છતાં કંકાસ શમતો નહોતો. સ્વામીશ્રીએ આનો નિવેડો લાવવા નિર્ધાર્યું અને તેઓ સવારે ૯ વાગે ત્યાં પહોંચી ગયા. ઉપલો માળ જે બંને ભાઈઓ વચ્ચે કોમન હતો એમાં તેઓ આસન જમાવીને બેઠા. પછી એમણે બંને પક્ષો સાથે મીટીંગોનો દોર શરૂ કર્યો. તેઓ ભલે માત્ર છ ગુજરાતી ચોપડી ભણેલા, પણ ગણેલા ઘણું બધું! આવા ભારેખમ પ્રશ્નો હલ કરવામાં એમની કુનેહ કાબિલેદાદ હતી. આવા પ્રસંગોએ તેઓ દર વખતે વારાફરતી બંને પક્ષોને પહેલાં એકલા મળતા. બંને પક્ષો સામાન્ય રીતે એકબીજાની વિરુદ્ધની વાતો કરતા હોય, એ સાંભળીને તેઓ એમાંથી સત્ય તારવી લેતા. પછી રજૂ કરવા યોગ્ય બાબતો એકબીજાને વારાફરતી એકલા બોલાવીને રજૂ કરતા. આ વાતચીતનું ચક્ર કલાકો તો શું, ક્યારેક દિવસો સુધી પણ ચાલતું. ત્યાર પછી બંનેને ભેગા કરીને દક્ષતાપૂર્વક સમાધાન આપતા. આજે પણ આમ જ બન્યું હતું, પણ વિશેષતા એ હતી કે આ વારાફરતી ચાલતી મીટીંગો દરમ્યાન બંને પક્ષોના માણસો જમી આવેલા, પણ સ્વામીશ્રીને તો અવિરત બેસવાનું થયેલું, એટલે તેઓ જમ્યા પણ નહોતા અને આરામ પણ કર્યો નહોતો. રાતના ૧૦ વાગવા આવ્યા ત્યારે બધાને અંતર્દ્રષ્ટિ થઈ કે આ પુરુષને આપણામાં કોઈ સ્વાર્થ નથી તેમ છતાં આપણા માટે ખાધાપીધા વગર કલાકોથી મહેનત કરી રહ્યા છે. એમણે સ્વામીશ્રીની વાત માની લીધી. સમાધાન થઈ ગયું. ત્યાર પછી જ સ્વામીશ્રીએ અન્નનો દાણો મોમાં મૂક્યો. જો કોઈ સમાધાન કરવા તૈયાર હોય તો સ્વામીશ્રીની તૈયારી આવી રહેતી. અને આવું એમણે અનેકવાર કરી બતાવ્યું છે.
૧૯૯૧ના ફેબ્રુઆરીમાં સ્વામીશ્રી ખેડા જિલ્લામાં એક ઘરે પધારેલા. ઘરમાં પગ મુકતાં વેંત એમણે પૂછ્યું કે ‘શું દીકરી-જમાઈને બોલાવ્યા કે નહીં?‘ સ્વામીશ્રીને ખબર હતી કે દીકરીએ બે વર્ષ પહેલાં કુટુંબીઓની મરજી વિરુદ્ધ લગ્ન કરેલાં, એથી એમણે દીકરી-જમાઈ સાથે સંબંધ તોડી નાખેલો. પરંતુ સ્વામીશ્રીએ સંબંધ પુનઃસ્થાપિત કરવા સમજાવેલા. ત્યારે આ ભાઈએ કહેલું કે કોઈ મોટો પ્રસંગ હોય તો એમને બોલાવીને પાછો સંબંધ બાંધી દઈએ. આવો મોટો પ્રસંગ આ ભાઈને મન સ્વામીશ્રીની પધરામણી થાય એ જણાયો, તો સ્વામીશ્રી પણ રાજી થઈને એમના ઘરે ખાસ પધાર્યા. આ ભાઈએ દીકરી-જમાઈને અગાઉથી બોલાવી રાખેલા. ત્યાં જ સમાધાન થઈ ગયું. આવા કેટલાંય સમાધાનના સેતુ બાંધી દેવા સ્વામીશ્રી ઘરોઘર ઘુમતા રહેલા.
લંડનમાં એક બહેને પારાયણ નોંધાવેલી પરંતુ પોતાના દીકરા સાથે મનદુઃખ હોવાથી એમણે દીકરાને આમંત્રણ આપ્યું નહોતું. સ્વામીશ્રીને આ વાત ધ્યાનમાં આવતાં એમણે બંને પક્ષને સમાધાન કરવા જણાવ્યું અને બધા ભેગાં મળીને આવ્યા ત્યારે એમણે પારાયણની સેવા અંગીકાર કરી.
જ્યારે નિસ્નેહી પુરુષો આપણા કુટુંબમાં શાંતિ સ્થપાય એ માટે જહેમત ઉઠાવતા હોય ત્યારે એમની વાત માની લઈએ, તો આપણે વિશ્વશાંતિમાં ફાળો આપ્યો ગણાશે.