જીવનની સાર્થકતા કરાવતો સર્વશ્રેષ્ઠ વિચાર
જૂનાગઢના રાજમાર્ગ પર ભગવાન સ્વામિનારાયણની ગજરાજ પર ભવ્ય શોભાયાત્રા નીકળી રહી હતી. સેંકડો સંતો અને હજારોની ભક્તમેદની ભગવાન સ્વામિનારાયણનો ગગનભેદી જય જયકાર કરી રહી હતી. વિશાળ જનમેદની વીંધતો એક સામાન્ય ગરીબ બાળક કાકડી વેચવા ચારે તરફ ઘૂમી રહ્યો હતો. દૂરથી ગજરાજ પર વિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણને નીરખતાં જ વીજળીની ઝડપે તેના મનમાં એક વિચાર સ્ફૂરી ગયોઃ ‘આ કાકડી ભગવાનને આપું તો ? બીજા કોઈને વેચવામાં મને એકાદ પૈસો મળશે, અને ભગવાનને આપવામાં તેમનો અપાર રાજીપો મળશે...’ અને એક પૈસાનીય અપેક્ષા વિના મેદનીને વીંધતો એ ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચી ગયો. ગજરાજ પર બેઠેલા અંતર્યામી ભગવાન સ્વામિનારાયણે અંબાડી પરથી નીચા નમી, હાથ લંબાવી, તેની કાકડી અંગીકાર કરી, જાહેર શોભાયાત્રામાં કાકડી ખાઈને તેના ભાવને પૂરો કર્યો, અનંત તપ કરીને તપસ્વીઓ ન પામ્યા તે ભગવાનની પ્રસન્નતા આ અબુધ બાળક પામી ગયો. કારણ ?
ભગવાનને રાજી કરવાનો સર્વશ્રેષ્ઠ વિચાર તેના રોમ રોમમાં વ્યાપી ગયો હતો.
શા માટે આ વિચાર સર્વશ્રેષ્ઠ છે ?
રાજીપાનો વિચાર ગુણાતીત વિચાર છે
આ વિચાર ઉત્તમ એટલા માટે છે કે શ્રીજીમહારાજે તેને ગુણાતીત વિચાર કહ્યો છે. બીજા બધા વિચારો સારા ખરા પણ ગુણમય. તેથી માયામય પણ ખરા, પરંતુ ‘ભગવાન અને સંતને રાજી કરવા છે’ તે વિચાર માયા પરનો છે, ગુણાતીત છે તેમ શ્રીજીમહારાજે વચનામૃત ગઢડા મધ્ય 27માં કહ્યું છે.
આ વચનામૃતમાં શ્રીજીમહારાજ મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે કે ‘તમારે ક્રોધ થાય છે ત્યારે શે નિમિત્તે થાય છે ? અને કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય છે? અને ક્રોધ કેવી રીતે ટળે છે?’ ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ‘કોઈક પદાર્થને યોગે તથા કોઈકની અવળાઈ દેખાય, તેને યોગે તે ઉપર ક્રોધ થાય પણ તત્કાળ શમી જાય છે.’ ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યું કે ‘એવું તમારે વિચારનું બળ રહે છે તે શાને યોગે રહે છે?’ ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે, ‘એક તો ભગવાનનું માહાત્મ્ય વિચારીને એમ સમજાય છે જે, ‘જે રીતે ભગવાનનો કુરાજીપો થાય તે સ્વભાવ રાખવો નથી.’ અને બીજો શુકજી ને જડભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે, ‘સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ.’ મુક્તાનંદ સ્વામીની આ વાત સાંભળી શ્રીજીમહારાજ બોલ્યા કે, ‘કામક્રોધાદિકના જોરને હઠાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે તે એ તમારા જીવમાં રહ્યો છે.’ અહીં, મુક્તાનંદ સ્વામીના જીવમાં રહેલા વિચાર ‘ભગવાનને કુરાજી કરવા નથી’ - તે પર શ્રીજીમહારાજ ગુણથી પરના વિચારની મહોર મારી આપે છે. આમ, રાજીપાનો વિચાર ગુણાતીત વિચાર છે. માટે એ વિચાર સર્વશ્રેષ્ઠ વિચાર કહી શકાય.
રાજીપાના વિચારથી સ્વભાવ ટળે છે
અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ મનુષ્યદેહનું ફળ જણાવતાં કહ્યું છે કે, ‘મનુષ્યદેહનું ફળ તો એ જ છે કે સારા સાધુનો સંગ મળે અને સ્વભાવ ટળે એટલું જ છે.’ આંબો છાંયડો આપે, પાંદડાં આપે, બળતણ માટે લાકડાં આપે, પણ જો કેરી ન આપે તો તેનો જન્મ નિષ્ફળ કહેવાય. તેમ મનુષ્યદેહમાં સંપત્તિ મળે, સત્તા મળે, વૈભવ-વિલાસ મળે, પણ જો સારા સાધુને સંગે રહી સ્વભાવ ન ટળે તો મનુષ્યજન્મ નિષ્ફળ કહેવાય. માટે જન્મારો સફળ કરવા સ્વભાવ ટાળવાના છે. આ કાર્ય પણ મોટા પુરુષનો રાજીપો મેળવવાથી સિદ્ઘ થાય છે તે જણાવતાં શ્રીજીમહારાજ કહે છે : ‘અતિશય જે મોટાપુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે. અને મોટાપુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તે રૂડાં થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય.’ (વચ. ગ.પ્ર. 58)
ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે : ‘મોટાપુરુષનો રાજીપો થયા વિના વાસનાનું બીજ બળે નહીં.’ (4/25)
આમ, રાજીપાના વિચારથી સ્વભાવ ટળી મનુષ્યજન્મ સાર્થક થાય છે માટે તેને શ્રેષ્ઠ, ઉત્તમ વિચાર કહી શકાય.
રાજીપાથી ભૂંડાં કર્મ બળે છે
ભારતીય શાસ્ત્રો ત્રણ પ્રકારના કર્મકોઠાર બતાવે છે. (1) સંચિત, (2) ક્રિયમાણ, (3) પ્રારબ્ધ.
આ ત્રણેય પ્રકારનાં કર્મફળ જીવને અવશ્ય ભોગવવાં પડે છે. મોટા મોટા દેવો, ઈશ્વરો પણ કર્મકેદમાંથી છટકી શક્યા નથી. પરંતુ ભગવાન સ્વામિનારાયણ કહે છે : ‘ભગવાનના ભક્ત-સંત અને ભગવાનના અવતાર તે કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આ ને આ દેહે મૃત્યુલોકમાં યમપુરીના જેવું દુઃખ ભોગવે અને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આ ને આ દેહે પરમપદ પામ્યા જેવું સુખ ભોગવે અને ભગવાન અને ભગવાનના સંતને કુરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તોપણ તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું પડે અને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તોપણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય ને પરમપદને પામે. માટે જે સમજુ હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ જ વર્તવું.’ (વચ. ગ.મ. 45)
આમ, રાજીપાના વિચારથી ભૂંડાં કર્મ ટળે છે.
શ્રીહરિ વચનામૃત વરતાલ 15માં પણ કહે છે, ‘મોટાપુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે અને જે ઉપર મોટાપુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે, પણ બીજું દૈવી-આસુરી થયાનું કારણ નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં અને જે રીતે ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું.’
આમ, જીવ સાથે વજ્રસારની જેમ ચોંટેલાં કર્મ પણ રાજીપાથી બળી-ટળી જાય છે. માટે રાજીપાનો વિચાર ઉત્તમ વિચાર છે.