નિશ્ચલા બુદ્ધિ
અનુસંધાન : ‘बुद्धिर्योगे त्विमां शृणु’ (ગીતા ૨/૩૯) 'હે પાર્થ! હવે યોગવિષયક બુદ્ધિની વાત તું મારી પાસેથી સાંભળ.' -એમ ભગવાન શ્રીકૃષ્ણે યોગોપદેશની પ્રતિજ્ઞા કરી. યોગ એટલે પરમાત્મસ્વરૂપની નિષ્ઠા. આ સ્વરૂપનિષ્ઠારૂપ યોગ એ જ ધર્મ છે એમ ધર્મ શબ્દનો વિશિષ્ટ મર્મ કર્યો.
વળી 'स्वल्पमप्यस्य घर्मस्य त्रायते महतो भयात्' (ગીતા ૨/૪૦) 'હે અર્જુન આ ભગવત્સ્વરૂપની નિષ્ઠારૂપ ધર્મનો લેશ પણ જન્મ-મરણરૂપ મોટા ભય થકી રક્ષા કરે છે.' એમ આ ધર્મમય યોગનું માહાત્મ્ય પણ દર્શાવ્યું. આ બાબતોનું ચિંતન પૂર્વેના અંકોમાં કર્યું. પ્રસ્તુત અંકમાં તે યોગની પ્રાપ્તિ માટે અતિ આવશ્યક બાબતે થયેલ ઉપદેશનું ચિંતન કરીએ...
ભગવાન શ્રીકૃષ્ણ પાર્થને કહે છે -
'श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्र्चला।
समाघावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि॥'
અર્થાત્ 'જાત-જાતના શબ્દો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચલ થશે, સમાધિમાં સ્થિર થશે ત્યારે તું યોગને પામીશ.' (ગીતા ૨/૫૩)
બુદ્ધિને નિશ્ચળ અને અચળ કહેતાં સ્થિર કરવાની આ વાત છે. વ્યવહાર હોય કે અધ્યાત્મ, બૌદ્ધિક સમતુલન વગર ન ચાલે. બૌદ્ધિક સ્થિરતા એટલે વિચારોની સ્થિરતા. નિર્ણયો તથા નિશ્ચયોની સ્થિરતા. ઇચ્છાઓ અને સંકલ્પોની સ્થિરતા. સ્થિત-પ્રજ્ઞતા. સ્થિતપ્રજ્ઞતા બૌદ્ધિક સ્વાસ્થ્યની કસોટી છે. અલ્પબુદ્ધિ ચાલે પણ બૌદ્ધિક અસ્થિરતા કષ્ટદાયક છે. હાનિકારક છે. ભયાનક છે. વિનાશક છે. મનુષ્યનું સાચું ચિત્ર તેના વિચારો, નિર્ણયો, નિશ્ચયો કે સંકલ્પોમાં અંકિત થયેલું હોય છે. જેના વિચારોમાં અસ્થિરતા તેનું જીવન પણ અસ્થિર. જેના નિર્ણયો, નિશ્ચયો, કે સંકલ્પો ડહોળાય તેનું બધું ડહોળાય.
બૌદ્ધિક અસ્થિરતા એટલે સિદ્ધાંતોમાં એકનિષ્ઠતાનો અભાવ. આવી બૌદ્ધિક અસ્થિરતાવાળા મોટે ભાગે અવિશ્વાસુ હોય. શંકાશીલ હોય. લીધેલા નિર્ણયોની અકારણ ફેરબદલી કરવાની પ્રકૃતિ અતિ સહજપણે ધરાવતા હોય. નવી નવી મહત્ત્વા-કાંક્ષાઓથી ગ્રસ્ત થતા રહેતા હોય. વળી, વધારે પડતા લાગણીશીલ હોય. રીઝશે કે ખીજશે કાંઈ કહેવાય નહીં. તીવ્ર અને ત્વરિત પ્રતિક્રિયાને વશ વર્તતા હોય. પરિસ્થિતિને સર્વાંગી દૃષ્ટિએ વિચારવાની શક્તિવિહોણા હોય. કાનના કાચા હોય. જેનું તેનું સાંભળી જે તે રવાડે ચઢી જવામાં તેમને વાર નથી લાગતી. જે તે પુસ્તકો વાંચી પોતાના જ વિચારોમાં ગડમથલ ઊભી કરી અનિશ્ચિતતાથી ધૂંધવાયા કરતા હોય. આપેલાં વચનોમાંથી ફરી જતાં સંકોચ ન થાય. આવું તો કેટલુંય આપણા વ્યક્તિત્વમાં સહેજે પડઘાતું હોય છે, જ્યારે આપણી બુદ્ધિ અસ્થિરતાનો શિકાર બને છે.
આ પ્રકારની બૌદ્ધિક અસ્થિરતાના જ પરિણામરૂપે જ તો આપણે ક્યારેક અરુચિ, નિરુત્સાહિતા કે કંટાળા જેવી હીણી ભાવનાઓના શિકાર બનીએ છીએ. વળી, ચિંતા, વ્યગ્રતા, ઉગ્રતા, ભીતિ, વિભ્રાંતિ, વ્યસન, દૂષણ કે પછી અનિદ્રા જેવા રોગો પણ આ બૌદ્ધિક સ્થિરતાની ઊણપને લીધે જ આપણને વળગેલા રહે છે.
અર્જુન આવી અસ્થિરતાનો શિકાર બન્યો. તેના વિચારો ડહોળાયા એટલે તેનું જીવન ડહોળાયું. તેના નિર્ણયો અને નિશ્ચયોની અસ્થિરતાએ જ તેને હચમચાવી મૂક્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણ પાર્થની આ પરિસ્થિતિને સ્પષ્ટ રીતે પામી ચૂક્યા હતા. તેના વિચારો સ્થિર થાય તે અનિવાર્ય હતું. તેથી તેમણે અર્જુનને ઉપરોક્ત શબ્દોમાં બુદ્ધિની નિશ્ચળતાનો ઉપદેશ કર્યો.
समाघौ अचला बुद्धिः - સમાધિમાં અચળ બુદ્ધિ
‘समाघावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि’ એમ કહીને શ્રીકૃષ્ણે અહીં બુદ્ધિને સમાધિમાં અચળ રાખવા ઉપર ભાર આપ્યો છે. સમાધિ યોગસાધનાની ચરમ સીમા છે. ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ પરમાત્મમય થઈ રહે તેને સમાધિ કહેવાય. આથી સમાધિ એટલે પરમાત્મસ્વરૂપની નિષ્ઠા. જે પરમાત્મસ્વરૂપમાં અચળનિષ્ઠા પામ્યો તે જ સાચો સમાધિનિષ્ઠ. તે જ સાચો યોગી. બૌદ્ધિક સ્થિરતા વગર આવા સમાધિનિષ્ઠ યોગી થવું અશક્ય છે એમ ભગવાન શ્રીકૃષ્ણ અહીં સમજાવે છે.
પરમાત્મસ્વરૂપમાં અચળ બુદ્ધિ એટલે સમજણની સ્થિરતા. સ્વચ્છ અને પ્રશાંત સરોવરમાં પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રનું પ્રતિબિંબ કેટલું આબેહૂબ ઝિલાય છે! કેટલો ઝગમગાટ દેખાય છે! પરંતુ એ જ સરોવરમાં મોટો પથ્થર પડે તો? ડગમગતાં જલતરંગો અને અસ્થિરતાનું સામ્રાજ્ય! પછી તો ન સ્વચ્છ ચંદ્ર દેખાય કે ન તો ઝળહળાટ. સમજણોની બાબતમાં પણ આવી ઘટના ક્યારેક બને છે. ખાસ કરીને આધ્યાત્મિક સમજણોમાં. હા, એ પણ ખરું કે આવું બનવા પાછળનાં કારણો પણ જુદાં જુદાં હોય છે.
પરમાત્મા નિર્દોષ છે, દિવ્ય છે, દયાળુ છે, દુઃખવિનાશક છે, સુખનિધિ અને સુખપ્રદાયક છે, તેમનામાં પાપ નથી, માયા નથી, મારું-તારું નથી, ઇત્યાદિ - આ આધ્યાત્મિક સમજણો છે. શાસ્ત્રો અને સત્પુરુષનાં વચનો દ્વારા આવી સમજણો આપણને પ્રાપ્ત થતી રહે છે. આમ છતાં જ્યારે કોઈ કપરી પરિસ્થિતિમાંથી પસાર થવાનો વખત આવે છે ત્યારે સમજણોની સ્થિરતાની સાચી પરખ થવા લાગે છે. ક્યારેક ધન-સંપદા ન મળે કે મળેલી જતી રહે, ક્યારેક કૌટુંબિક સમસ્યાઓ ઊભી થાય, ક્યારેક સામાજિક કે વ્યાવહારિક મુશ્કેલીઓ સર્જાય, ક્યારેક રોગાદિ દૈહિક આપદાઓ આવી પડે, કે પછી ક્યારેક અપમાનની ઝડીઓ વરસવા લાગે ત્યારે આપણા અંતઃકરણનું સરોવર જાત-જાતના શંકા-કુશંકાના વિચારતરંગોથી ખળભળવા લાગે છે. પરમાત્મસ્વરૂપની સમજણ ડગમગવા લાગે છે. ભગવાન આવું કેમ કરતા હશે, બીજા કોઈને નહીં ને મને જ કેમ આવું કર્યું? અથવા તો ભગવાન થઈને આવું આચરણ કેમ કર્યું? ...આવા કેટકેટલાય સંશયોથી અંતર વિક્ષુબ્ધ થઈ ઊઠે છે. વિચારો મૂંઝ વણથી ઘેરાઈ જાય છે. સમજણો ચૂંથાઈ જાય છે. લોકમાં આવી પરિસ્થિતિ આવે ત્યારે બુદ્ધિ બ્હેર મારી ગઈ એમ પ્રયોગ કરવામાં આવે છે. ત્યારે શું સમજવું એ ખબર પડતી નથી. બસ, આને જ બૌદ્ધિક અસ્થિરતા કહેવાય. આવી બૌદ્ધિક અસ્થિરતાને લીધે જ પરમાત્મસ્વરૂપના નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ થવા લાગે છે. ચિત્તની શાંતિ ખોરવાય છે. અને આવું થાય એટલે તે યોગને ન પામી શકે. યોગી ન થઈ શકે.
આ સિવાય ઘણી વાર લૌકિક વિષયભોગ ભોગવવાની અતિશય લાલસાને લીધે પણ વિચારો વિકૃત થઈ જાય ને બૌદ્ધિક અસ્થિરતા જન્મે. પરિણામે યોગસાધનાને લાખ ગાઉનું છેટું થઈ જાય. પરમાત્મધ્યાનમાં મન લાગે નહીં. ભજન ગમે નહીં. એ તો ઠીક પણ રોજિંદી ક્રિયાઓમાંય બરકત આવતી નથી.
ક્યારેક ભગવાનનાં મનુષ્ય ચરિત્ર જોઈ-સાંભળી પરમાત્મ-સ્વરૂપની સમજણમાં ડગમગાટ થવા લાગે છે. જેમ કે ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાનું વર્ણન સાંભળી પરીક્ષિત રાજાની સમજણ ડહોળાવા લાગી. વિચારોમાં સંશયોના લોઢ ઊઠવા લાગ્યા ને બોલાઈ ગયું કે ધર્મના ધરતલ થઈને ભગવાને આમ કેમ કર્યું? નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ થવા લાગ્યા. સમજણ ડગમગી, હવે યોગસમાધિ ક્યાંથી લાગે? મન અશાંત થઈ ગયું.
પરમાત્માના સામર્થ્યને ભૂલવું એ પણ એક પ્રકારની બૌદ્ધિક અસ્થિરતા જ છે. પરમાત્મા સર્વકર્તા-હર્તા છે એ તો શાસ્ત્રીય સનાતન સિદ્ધાંત છે. આમ છતાં મનુષ્ય 'પરમાત્મા કર્તા છે' તે ભૂલીને પોતાની જાતને જ કર્તા માનવા લાગે છે ત્યારે તેને ઘણી વૈચારિક મુસીબતોનો સામનો કરવો પડે છે. અર્જુનને અહીં કાંઈક એવું પણ થયું છે. તેની વૈચારિક અસ્થિરતાનું કારણ એ પણ છે કે તે જ્યારે યુદ્ધ કરવા સજ્જ થાય છે ત્યારે તેમાં ભગવાનની આજ્ઞા-અનુવૃત્તિની પ્રધાનતા વીસરી જાય છે. ભગવાન જ સર્વકર્તા છે તે સિદ્ધાંત વીસરી જાય છે અને હું જ કરું છુ એવા અભિમાનને તાબે થઈ જાય છે. પરિણામે તેનો સૂક્ષ્મ અહંકાર તેને હણી નાંખે છે. ધર્મસંમૂઢચેતા બને છે. કિંકર્તવ્યમૂઢ બને છે. ધૂંધવાય છે.
કેવું આશ્ચર્ય છે! રથમાં જ ભગવાનનો પ્રત્યક્ષ યોગ છતાં પાર્થ યોગી થઈ ન શકે! બૌદ્ધિક અસમતુલનનો આ ચમત્કાર છે. એટલે જ શ્રીકૃષ્ણ બુદ્ધિને સ્થિર કરવાનો આગ્રહ રાખે છે.
श्रुतिविप्रतिपन्ना बुद्धिः - કાચા કાનની બુદ્ધિ
ભગવાન શ્રીકૃષ્ણે પાર્થની બુદ્ધિને અહીં श्रुतिविप्रतिपन्ना તરીકે સંબોધી છે. श्रुति એટલે સાંભળવું. विप्रतिपन्ना એટલે વિભ્રાંત. જાત-જાતની વાતો સાંભળીને વિભ્રાંતિમાં પડેલી બુદ્ધિ એટલે श्रुतिविप्रतिपन्ना બુદ્ધિ. લોકો આવી બુદ્ધિવાળાને કાચા કાનનો કહેતા હોય છે. શ્રીકૃષ્ણને અર્જુનના વૈચારિક વિક્ષોભનું વધુ એક કારણ એ પણ લાગ્યું કે તેણે ન સાંભળવા જેવી વ્યક્તિના શબ્દો ધ્યાન દઈ સાંભળ્યા હતા. ન સાંભળવા જેવા શબ્દો સાંભળ્યા હતા. અને જુઓ પરિણામ - મહાવીર, મહારથી અને યુદ્ધવિશારદ ગણાતા પાર્થને તે શબ્દોએ ‘सीदन्ति मम गात्राणि ...गाण्डीवं संस्रते हस्तात्’ જેવી પરિસ્થિતિમાં મૂકી દીધો. घर्मसम्मूढचेताः કરી નાંખ્યો! મહામનીષી અને સાક્ષાત્ ઈશ્વરાવતાર પાર્થસારથિની સાથે ઉપસ્થિત પાર્થને कार्पण्यदोषोपहतः કરી નાંખ્યો! सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽत्व्युत જેવા ઉત્સાહને સ્થાને न योत्स्ये જેવી કાયરતાએ સ્થાન લઈ લીધું! ભલેને સાંભળનારે ભોળાભાવે ભૂલ કરી, પરંતુ સંભળાયેલા શબ્દોએ તો જે કરવાનું હતું તે કરી જ નાંખ્યું.
ગીતા પૂર્વેનો ઇતિહાસ વિચારતા કરી મૂકે એવો છે. મહાભારત યુદ્ધના કેટલાક દિવસો પહેલાંની વાત છે. આંધળા ધૃતરાષ્ટ્રને એક ચાલ સુઝી આવી. તેણે સંજયને બોલાવ્યા. પાંડવોની છાવણીમાં જઈ કેટલીક વાતો કરવા આદેશ કર્યો. કેવળ આદેશ જ ન કર્યો, કઈ વાત કરવી તે પણ કહ્યું. કયા શબ્દોમાં કરવી તે પણ સમજાવ્યું. કઈ રીતે કરવી તે પણ કહ્યું અને કોને કહેવી તે પણ સમજાવ્યું. યુધિષ્ઠિરની ધર્મપ્રિયતા તેઓ જાણતા હતા. અર્જુનના ભોળપણને તેમણે પારખી રાખ્યું હતું. તેના કાચા કાન તેમની ગણતરીમાં હતા. હા, એ ખરું કે તેઓ શ્રીકૃષ્ણની વિચક્ષણતાથી પણ પૂરેપૂરા માહિતગાર હતા. આમ છતાં તેમના ગણિત પ્રમાણે આ ચાલમાં શ્રીકૃષ્ણની બાદબાકી હતી. શબ્દોની માયા-જાળનું નિશાન ભોળા પાંડવો હતા. શ્રીકૃષ્ણ સાંભળે તેનો વાંધો નથી, પરંતુ પાંડવો ન સાંભળે તેવું ન થવું જોઈએ એ એમનો ઇરાદો હતો. એમાં પણ યુધિષ્ઠિરને મુખ્ય રાખીને આ શબ્દો સંભળાવવાના હતા. પરંતુ પાર્થના કાને પડ્યા વગરનો એક પણ શબ્દ ન હોય એ પણ ધ્યાન રાખવાનું હતું. પાંડવોનો યુદ્ધ માટેનો જુસ્સો ભાંગી પાડવા માટેની એ શબ્દજાળ હતી. છતાં સંધિના પ્રામાણિક પ્રસ્તાવની જેમ વાતો કરવાની હતી.
ધૃતરાષ્ટ્ર કહે, 'હે સંજય! તું પાંડવોની છાવણીમાં જા અને કહેજે કે ધૃતરાષ્ટ્ર તમારા સૌનું હિત ઇચ્છે છે. સતત તમારા ગુણો અને કીર્તિને ગાય છે. તેઓ તો તમારી સાથે સંધિ કરવા ઇચ્છે છે. હે સંજય! આવી ને આવી શાંતિ અને સુલેહની વાતો કરજે. જરાય ઉગ્ર થતો નહીં, આમ કહી, જે જે કહેવાનું હતું તે સંજયને સમજાવ્યું. પાંડવોનાં ભરપૂર વખાણ કર્યાં. અને અંતે એક અગત્યની સૂચના આપી કે, 'હે સંજય! બોલવામાં સજાગ રહેજે. તારા શબ્દોમાં એક પણ શબ્દ એવો ન હોવો જોઈએ કે જેનાથી પાંડવો ક્રોધિત થઈ જાય. અથવા તો એ શબ્દો યુદ્ધનું કારણ બને.'
ધૃતરાષ્ટ્રનો એક એક શબ્દ જાણે પાંડવ પ્રત્યેના તેમના સદ્ભાવને અને કૂણી લાગણીને અભિવ્યક્ત કરી શકતો હતો. પાંડવોની લાગણીઓને પળવારમાં જીતી લે તેટલું સામર્થ્ય તે શબ્દોમાં તેમણે ભરી મૂક્યું હતું. યુદ્ધ બાબતમાં તેમની સંપૂર્ણ અરુચિ છે એમ સાંભળનારને લાગ્યા વિના રહે જ નહીં એવી જાદુઈ શક્તિ તે શબ્દોમાં સહજ હતી.