આ પૃથ્વી ઉપરના તમામ મનુષ્યો સમાન સગવડો અને સન્માનના અધિકારી છે. પરંતુ જ્યારે જ્યારે આ ભાવના ઉપર પ્રહાર પડ્યા છે ત્યારે સમાજે અસંતોષ અનુભવ્યો છે અને સમાજના ઉપલા અને નીચલા એમ બે ભાગલા પડી ગયા છે. પરમાર્થી સંતોએ આ બે ભાગોને જોડતો સેતુ રચવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે એમનો વિરોધ પણ થયો છે. નરસિંહ મહેતાનો આ પ્રકારનો વિરોધ થયો ત્યારે એમણે લલકાર્યું હતું - એવા રે અમો એવા રે…
પરંતુ સંતો સમાજમાં સમાનતા અને સંવાદિતા લાવવા માટે પ્રયત્ન કરતાં જ રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે પહેલેથી જ આ બાબતમાં કાંઈક કરવાની ગાંઠ વાળી રાખી હશે, તેનો ત્યારે જ ખ્યાલ આવ્યો કે જ્યારે એમણે અવિરત વિચરણ શરૂ કર્યું ત્યારે એમણે સમાજના દરેક સ્તરના, દરેક વર્ગના અને દરેક જ્ઞાતિના એકે એક વ્યક્તિને એકસરખો પ્રેમ આપ્યો. તા.૨૭-૧૧-૭૫ના દિવસે તેઓ આશી ગામમાં પધાર્યા ત્યારે પ્રથમ તો એમનું ભરબપોરે સામૈયું કરવામાં આવ્યું અને ત્યાર પછી તેઓ પધરામણી કરવા એટલે કે વ્યક્તિને ઘરે જઈને મુલાકાત આપવા નીકળી પડ્યા. નિશ્ચિત પધરામણીઓ પૂરી થતાં વેંત તેઓ હરિજનવાસમાં જઇ પહોંચ્યા. આ જ રીતે અગાઉ ઘણીવાર અને પછી પણ ઘણીવાર, તેઓ અજ્ઞાન અને અણસમજણને કારણે સમાજના શિરે ચોંટેલું અસ્પૃશ્યતાનું કલંક ધોવા કોર્ટ ના દરવાજે નહીં પણ હરિજનોના ઘરના દરવાજે જઈને ઊભા રહેતા. હરિજનોના તો આશ્ચર્યનો પાર ન હતો કે આવા મોટા વિશ્વપ્રસિદ્ધ સંત આપણા જેવા સામાન્ય માણસના દરવાજે આવી ઊભા છે! અસ્પૃશ્યતાના દૂષણને નિવારવા સ્વામીશ્રીએ આસ્ફાલ્ટની સ્વચ્છ સડકો પર સરઘસો કાઢ્યા નહીં પણ હરિજનવાસની ગલીઓમાં જઈને સીધી પધરામણી કરી. આ પાપ ધોવા તેઓએ વાતાનુકૂલિત મશીનો વચ્ચે બેસીને સભાઓ સંબોધી નહીં પણ હરિજનવાસમાં પહોંચીને તેઓની વચ્ચે જ આસન જમાવી દીધું. સમાજ વિસ્ફારિત નેત્રે સ્વામીશ્રીની આ ક્રાંતિને નિહાળી રહ્યો. સ્વામીશ્રીએ આશીના હરિજનબંધુઓને સદુપદેશ આપ્યો, તેમાં પ્રેમના પાલવ પાછળ જીવન-પરિવર્તનની વાત હતી, ધર્મ-પરિવર્તનની નહીં. સ્વામીશ્રીની મદદમાં મહાનતા રહેતી, પણ ભોળા-અબુધ-તરછોડાયેલાંઓનો ગેરલાભ ઉઠાવવાની મલિનતા નહીં.
૧૯૮૪ના ફેબ્રુઆરી માસમાં ડાંગ જિલ્લાના અતિ અંતરિયાળ વિસ્તારમાં આવેલા સિદુમ્બર ગામે ૧૦૦૦ વનવાસીઓના ‘વનવાસી પરિવાર સંમેલન‘માં તેઓ પધાર્યા. ત્યાં ઉતારા, ભોજન કે વાહન- દરેક બાબતોમાં એમના માટે અગવડો સિવાય બીજું કંઈ જ હાજર નહોતું, પરંતુ તેઓ ત્યાં વનવાસી બંધુઓની વચ્ચે જ રહ્યા. સભામાં એમને જીવન-ઉન્નતિની પ્રેરણા તો આપી, પરંતુ તેમની સાથે જ તેમની વચ્ચે જમવા પણ બેઠા.
ત્યાંથી તા.૨૮-૨-૮૪ના દિવસે પ્રમુખસ્વામીએ નવસારીમાં હરિજનભાઈઓની વસાહત ‘ઠક્કરબાપા વાસ‘માં નૂતન સંસ્કારભવનનો ખાતવિધિ કર્યો, જેમાં ત્રિકમના પાંચ ટચકા મારી ભૂમિખનન પણ કરી આપ્યું. સ્વાગત માટે તેઓ હારતોરા લઈને આવ્યા ત્યારે તેઓ સ્વામીશ્રીને સીધેસીધા હાર પહેરાવવાને બદલે દૂર ઊભા રહીને સ્વામીશ્રીના ગળામાં હાર ફેંકતા હતા. સ્વામીશ્રીએ આ જોયું એટલે એ લોકોનો અસ્પૃશ્યતા અંગેનો સંકોચ દૂર કરવા તેઓ પોતે ઊભા થઈ ગયા અને પોતાને પહેરાવવામાં આવેલ એક-એક હાર તેમને જ ગળામાં પાછા પહેરાવ્યા, હરિજનભાઈઓનાં હૈયાં આ મહાપુરૂષની પ્રેમગંગામાં વહીને દિવ્યતાના સાગરમાં હિલોળવા લાગ્યાં.
તા.૩-૫-૧૯૯૯ના દિવસે ધરમપુરમાં સ્વામીશ્રીના સાન્નિધ્યમાં આદિવાસી સંમેલન યોજાયું હતું. હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો લાભ લેવા ઉમટી પડ્યાં હતાં. એક જમાનામાં જેમના જીવનમાં વ્યસનો, વહેમ, ચોરી વિગેરે દુષ્કર્મો સિવાય બીજું કંઈ હતું જ નહીં, પરંતુ સ્વામીશ્રીના અથવા એમના સંતોના ઉપદેશને લીધે જેઓ હવે એકદમ પવિત્ર અને નિષ્કલંક જિંદગી જીવતાં થઈ ગયાં હતાં, એવા કેટલાંક ભાઈઓએ પોતાની વિતક કથા રજૂ કરી. એમાંથી એક ભાઈ સામાન્ય ફુલહાર લઈ સ્વામીશ્રીનું સન્માન કરવા આવ્યા. આવી મોટી હસ્તીની નજીક પોતાને જવા મળ્યું એ વાતનો તો એમના અંતરમાં સાશ્ચર્ય આનંદ તો હતો જ, પરંતુ એમાં કલગી ત્યારે ઉમેરાઈ ગઈ કે જ્યારે એમણે જોયું કે હાર પહેરાવતી વખતે એમણે માથે ઓઢેલી ટોપી પડી જતી હતી તે સ્વામીશ્રીએ અદ્ધર ઝીલી લીધી હતી અને હાર પહેરાવ્યા બાદ તેમના હાથમાં પાછી આપી રહ્યા હતા. પોતે જેમનું સન્માન કરવા આવ્યા હતા, એ તો પોતાને માન આપી રહ્યા હતા!
બોડેલી પાસે આવેલા ચુલી ગામમાં આવું જ આદિવાસી સંમેલન યોજાયું હતું, પરંતુ વિશેષતા એ હતી કે સ્વામીશ્રી એક પછી એક ગામોને પાવન કરતાં કરતાં ત્યાં પહોંચ્યા ત્યારે રાતે એક વાગી ગયો હતો. પરંતુ આટલી મોડી રાતે દૂર દૂરથી આવી ગયેલાં હજારો મુમુક્ષુઓને જોઈને સ્વામીશ્રીનું હૈયું પણ હાથ ન રહ્યું. તેઓ ભાવાર્દ્ર સ્વરે બોલવા લાગ્યા,‘‘આપ સૌમાં મને ભગવાનનાં દર્શન થાય છે.‘‘ આદિવાસી લોકો માટે આટલા ઉચ્ચ પ્રકારના શબ્દોનો પ્રયોગ કદાચ પહેલીવાર જ કોઈએ કર્યો હશે. ઈશાવાસ્ય ઉપનિષદનો મંત્ર- ‘ઈશાવાસ્યમ ઈદમ્ સર્વમ્‘ ત્યાં જીવંત થઈ ગયો હતો !
જીવપ્રાણીમાત્રના હૃદયમાં પરમાત્માને નિહાળવાની દ્રષ્ટિ ધરાવતા પ્રમુખસ્વામી જેવા સંત જ આદિવાસી લોકો પ્રત્યેની સૂગ કે અસ્પૃશ્યતા જેવા કુરિવાજોના બંધન તોડી સમાજમાં સમાનતા લાવી શકે.