Essay Archives

સન 1987માં સ્વામીશ્રી ઉત્તરાખંડની યાત્રામાં પધાર્યા ત્યારે સાથે 350 જેટલા સંતો ને હરિભક્તોનો મોટો સંઘ હતો. સૌનો રાત્રિનિવાસ ઉત્તરકાશીમાં ભાગીરથી તટે આવેલા કૈલાસ આશ્રમમાં હતો. હિમાલયનાં ચઢાણ-ઉતરાણ ને અનિયમિત વિશ્રમને લીધે સૌ થાક્યા-પાક્યા નિદ્રાધીન થયા હતા, પણ એક સંતની નીંદ ઊડી ગઈ હતી - એ હતા સ્વામીશ્રી.
પથારીમાં બેઠા થઈ તેઓ ધૂન કરતા હતા. હળવે ફફડતા હોઠ ને તાળીના લગારેક થતા અવાજને લીધે થોડે દૂર સૂતેલા સેવક નારાયણચરણદાસ સ્વામી જાગી ગયા. ઘડીભર તેઓ પણ સ્વામીશ્રી સાથે ધૂન કરવા લાગ્યા. 20 મિનિટ પછી પૂછ્યું : ‘બાપા ! પોઢવું નથી ?’
સ્વામીશ્રી કહે : ‘બસ, એમ થાય છે કે રાત બધી ભગવાનનું ભજન કરીએ. આવું સરસ સ્થાન છે તે... ઊંઘવાનું તો છે જ ને પછી...’
છેવટે સેવકના આગ્રહને લીધે આરામમાં પધાર્યા. તે વખતે રાત્રિના બે વાગ્યા હતા !
એવું જ દર્શન 1988માં નોર્વેથી લંડન જતાં લાધ્યું. જેવા સ્વામીશ્રી વિમાનમાં બિરાજ્યા કે તરત તેમણે માળાજપ શરૂ કર્યો. બંધ પોપચે માળા ફેરવે જ રાખી ! માળા બાદ ધ્યાનસ્થ થયા. બંને હથેળી પર બેઉ લમણા ટેકવી અનામિકા - અંગૂઠા વચ્ચે ગોઠવાયેલ એ વદન જોવાની અદ્‌ભુત પળ સૌને સાંપડી. આગળ-પાછળ, આજુબાજુ શું ચાલે છે ? કોણ આવ્યું-ગયું ? પ્લેન ક્યાં ઊડે છે ? સ્વામીશ્રીને જાણે કશી જ સ્પૃહા નહોતી ! પરમતત્ત્વમાં તેઓ સંપૂર્ણ લીન! મુસાફરી પ્લેનની હોય, કારની હોય કે ડમણિયાની - એમની ભક્તિ-ખુમારીથી જીવનની પ્રત્યેક પળ લીંપાયેલી જ રહેતી.
ભગવાનનું ભજન કરવાનું તાન સ્વામીશ્રીને સહજ હતું. સહેજ નવરા પડ્યા કે ભજન ચાલુ. હાથમાં માળા લઈ સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... ભજન-રટણ ચાલુ થઈ જાય. વોકિંગ કરે ત્યારે કીર્તનો-પ્રવચનો સાંભળતાં થકાં પણ પોતાનો નામરટણનો દોર તો ચાલુ જ હોય. હોઠ ફફડતા રહે, ચરણ ચાલતાં રહે ને તેમ છતાં વક્તાને કે કીર્તનભક્તિ કરતા સંતો-યુવકોને મુખના હાવભાવથી કે કરના લટકાથી પ્રતિભાવ અચૂક આપતા રહે.
એક વાર યુવકોએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘બાપા ! આપની હૉબી શું ?’
સ્વામીશ્રી કહે : ‘ભજન કરવું ને કરાવવું એ હૉબી.’
4 માર્ચ, 2001ના દિવસે મોડાસામાં ડિસ્ટ્રિક્ટ જજ શ્રી કે. જે. ઠાકર દર્શને આવ્યા. તેઓ કહે : ‘આપ આ ઉંમરે ખૂબ પરિશ્રમ ઉઠાવો છો.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘અમારો ધંધો જ આ છે - ભજન કરવું ને કરાવવું.’
સારંગપુરમાં તા. 2-4-2005ના રોજ બહારના પ્રતીક્ષાખંડમાં સેવકસંતો આરતી બોલી રહ્યા હતા. સ્વામીશ્રી અંદર પત્રવાંચન કરી રહ્યા હતા. તેમણે સંતોનો આરતી ગાવાનો અવાજ સાંભળ્યો ને તરત જ પત્રવાંચન સમેટ્યું. ચશ્માં હાથમાં લીધાં અને કહ્યું : ‘આ બધા બહાર આરતી ગાય છે ને આપણે તો રહી જાય છે ! ચાલો, આપણે પણ આરતી બોલી લઈએ.’ આટલું કહીને સ્વામીશ્રી આંખો બંધ કરીને તાળી પાડતાં આરતી ગાવા લાગ્યા.
આવો જ પ્રસંગ એડિસન-ન્યૂજર્સીમાં બન્યો. તા. 25-5-2004ના રોજ સ્વામીશ્રી મંચ ઉપર જઈ રહ્યા હતા. સભાસંચાલનમાં સેવા આપતા યુવાન સ્વયંસેવક જિતુભાઈ રાઠોડ સામે ઊભા હતા. સ્વામીશ્રીને કહે : ‘બાપા ! આપને કોઈ ભીડો કે કષ્ટ તો નથી ને ?’
સ્વામીશ્રી તરત કહે : ‘રોજ સંધ્યા આરતી થાય છે, પણ તું આરતીમાં મને ઊભો થવા નથી દેતો એ જ કષ્ટ છે. તું આજે મારા માટે જુદી આરતી લઈને આવજે.’
આરતી-આહ્‌નિક ન થાય, એ જ સ્વામીશ્રીને મન કષ્ટદાયક ઘટના!
સન 2001માં સ્વામીશ્રી કોલકાતામાં મંદિરે દર્શને પધાર્યા ત્યારે સાષ્ટાંગ દંડવત્‌ કરવાની ઇચ્છા દર્શાવી. સેવક સંતોએ સ્વામીશ્રીના કમરના દુખાવાને અનુલક્ષીને કહ્યું : ‘આપને કમરે દુખાવો છે, તો આ વખતે રહેવા દો.’ પણ સ્વામીશ્રીએ દંડવત્‌ કરીને જ રહ્યા!
સન 2001માં મહેસાણામાં મંદિરમાં દર્શન-આરતી કર્યા બાદ સ્વામીશ્રી સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરવા લાગ્યા ત્યારે સેવકો કહે : ‘સવારે તો આપે દંડવત્‌ કર્યા હતા ને !’
સ્વામીશ્રી કહે : ‘અત્યારે સંધ્યા આરતી-અષ્ટકના દંડવત્‌.’ એમ કહી દંડવત્‌ કરવા લાગ્યા.
નડિયાદમાં સાંજની સભા બાદ સ્વામીશ્રી ઉતારે જઈ રહ્યા હતા ત્યારે સ્વામીશ્રીએ પૂછ્યું : ‘મંદિર પર સંધ્યા આરતી થઈ  ગઈ?’
એક સંતે સ્વામીશ્રીને તેઓના સ્વાસ્થ્યને લક્ષ્યમાં લઈને મંદિર પર ચઢવાનો શ્રમ લેવો ન પડે એ ભાવથી કહ્યું : ‘બાપા ! આપ નહીં આવો તો ચાલશે.’ આટલું સાંભળ્યું ને સ્વામીશ્રી અકળાઈ ગયા : ‘તમે લોકો ઉપર આરતીમાં જવાની ના પાડો છો, પણ દર્શન કરવાનું કહીએ ત્યારે કોઈ દિવસ ના ન પાડવી. આ તો બધી વાતમાં બંધી કરી છે, પણ ભજન-ભક્તિ કરવા તો આવ્યા છીએ. એ ના થાય તો બીજું કરવુંય શું ? જીવવું કેમનું ?’
સન 2002માં સ્વામીશ્રી સિડની(ઓસ્ટ્રેલિયા)માં મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે પધાર્યા હતા. કોઈપણ મંદિરમાં પ્રતિષ્ઠા પછી સ્વામીશ્રી અવશ્ય દંડવત્‌ પ્રણામ કરે જ. આજે પણ તેઓને ઠાકોરજીને દંડવત્‌ કરવા હતા, પરંતુ પ્રતિષ્ઠા સમારોહમાં પધારેલા મહાનુભાવોને મોડું થતું હોવાથી સભા વહેલી શરૂ કરવાની ઉતાવળમાં દંડવત્‌ કરવાનું શક્ય બન્યું નહોતું. આથી, બીજે દિવસે સવારે સ્વામીશ્રી પ્રાતઃપૂજા પછી ઠાકોરજીનાં દર્શને પધાર્યા ત્યારે સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરવા લાગ્યા. સ્વામીશ્રી કહે : ‘કાલે દંડવત્‌ કરવાના રહી ગયા હતા.’
સ્વામીશ્રીને નવધાભક્તિનાં અંગો સાહજિક હતાં.
દેવશયની, રથયાત્રા, રક્ષાબંધન, હિંડોળા, જન્માષ્ટમી, જળઝીલણી, શરદપૂનમ, દિવાળી, અન્નકૂટ, પ્રબોધિની, મકરસંક્રાન્તિ, વસંતપંચમી, ફૂલદોલ, રામનવમી આદિ ઉત્સવો-પર્વો, યજ્ઞો, પારાયણો વગેરે હજારો હૃદયોને ભાવાર્દ્ર કરતાં ભક્તિપર્વો સ્વામીશ્રી અચૂક ઊજવતા.
પદ્મપુરાણના ઉત્તરખંડમાં શિવ-પાર્વતી સંવાદમાં ભક્તિના 16 પ્રકાર કહ્યા છે. પરમપ્રેમ સ્વરૂપા ભક્તિ જેને વરે છે, તેમાં ભક્તિનાં આ સર્વે પાસાં આવી જાય છે. પ્રેમલક્ષણા ભક્તિ વિષે નારદપંચરાત્ર શાસ્ત્રમાં કહ્યું છેઃ ભગવાન પ્રત્યે પ્રેમ અને અનન્ય મમતા અને આંતર્બાહ્ય ઘનિષ્ટ પ્રીતિ. સામાન્ય ભક્તિ કરતાં પ્રેમલક્ષણા ભક્તિનું માહાત્મ્ય અધિક છે.
પ્રમુખસ્વામી મહારાજ આવી પ્રેમલક્ષણા ભક્તિનું જીવંત ઉદાહરણ તરીકે આવનારા અનેક યુગો સુધી સૌને ભક્તિની શાશ્વત પ્રેરણા આપતા રહેશે.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS