Essays Archives

'એનાં દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.'
'એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે, મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.'
'અને એ સમર્થ તો કેવા જે, એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે.' 'ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત' વિષે ભગવાન સ્વામિનારાયણના શ્રીમુખનાં આ વચનો છે. સ્વામીશ્રી એવા સંત છે.
સ્વામીશ્રીના આગમન પહેલાં મુંબઈ દાદર રેલવે સ્ટેશન હરિભક્તોથી ભરાઈ ગયું. તા. ૧૭-૧૨-૮૯ના દિવસે સ્વામીશ્રી પૂના જઈ રહ્યા હતા. સ્વામીશ્રી સ્ટેશને પધાર્યા ત્યારે હરિભક્તોએ પોતાના પ્રેમના આવેગ અને જયનાદો વડે ગગનને છલકાવી દીધું. છેલ્લાં દર્શન માટે હરિભક્તો આમથી તેમ દોડતા હતા. છેક છેલ્લા ડબ્બા સુધી સ્વામીશ્રીને પહોંચવાનું હતું. ભીડ પુષ્કળ હતી, પરંતુ કોર્ડન સારી હતી એટલે સ્વામીશ્રીને કોઈ અડચણ પડી નહિ. કૉર્ડનની બહારનું દૃશ્ય જોવા જેવું હતું. યુવક-યુવતીઓની દોડાદોડ ક્યાંક કો'કની લારીની ગોઠવણીને છિન્ન-ભિન્ન કરતી જતી હતી, તો ક્યાંક કો'કના ચંપલ કાઢી જતી હતી અને ક્યાંક પોતે જ કો'કની હડફેટમાં ચઢતા જતા હતા. આ દૃશ્ય અવર્ણનીય હતું. ગાડીનો ઊપડવાનો સમય થઈ ચૂક્યો હતો એટલે સ્વામીશ્રી ડબ્બામાં પ્રવેશ્યા. હરિભક્તો ટ્રેનની સાથે સાથે દોડતા હતા. તેમના પ્રેમની જેમ તેમનો કોલાહલ પણ નિરંકુશ હતો એટલે સ્વામીશ્રીનો અવાજ કેટલો સંભળાય ? તેમ છતાં સ્વામીશ્રી કહેતા રહ્યા, 'અલ્યા ! રાખો, પાછા જાઓ, દોડશો નહિ, લપસી પડશો...' કોણ સાંભળે ? પ્લેટફોર્મ પૂરું થયું. એક યુવક દર્શનની તાણમાં મર્યાદા ભૂલ્યો ને ગબડ્યો... જો કે એને કંઈ થયું નહિ.
એક અઠવાડિયા સુધી સ્વામીશ્રીનાં દર્શન, સ્પર્શ તથા આશીર્વચનોનું આકંઠ પાન કર્યું હોવા છતાં એવું તે કયું પરિબળ છે કે જેથી ક્યારેય કદાપિ સ્વામીશ્રીનો લાભ લેવામાં કોઈનેય તૃપ્તિ થતી નથી ?
સ્વામીશ્રીના દિવ્ય-વ્યક્તિત્વની મસ્તીમાં ખોવાઈ જવાની પણ એક મજા છે. જ્યાં નરી દિવ્યતા છે, જ્યાં સ્થળ અને કાળ ઓગળી જાય છે, સંસારની હરકતો યાદ જ આવતી નથી... આ દિવ્યતા એટલે શું ?
શ્રીજીમહારાજ દિવ્ય અથવા દિવ્યભાવનો અર્થ આ પ્રમાણે કરે છે : ભગવાન એક અને અદ્વિતીય છે. તેઓ પોતાના અક્ષરધામમાં સદાય દિવ્ય સાકારરૂપે જ બિરાજે છે. તેઓ અનંત ઐશ્વર્ય, અનંત સામર્થી અને અનંત કલ્યાણકારી ગુણે યુક્ત છે. તેઓ સર્વ દોષે રહિત છે. આ જ ભગવાન જીવોનાં કલ્યાણ માટે જ્યારે મનુષ્યરૂપ ધરી પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતાનું અક્ષરધામ અને સમગ્ર ઐશ્વર્ય લઈને પધારે છે, પરંતુ તેઓને પોતાની સામર્થી છુપાવવા ઉપર જ તાન હોય છે. એટલું જ નહિ પણ પોતે પોતામાં ભય-નિર્ભયતા, ભૂખ-તરસ, પારકું-પોતાનું વગેરે મનુષ્યસહજ સ્વભાવો દેખાડે છે. જેઓ બુદ્ધિશાળી છે તેઓ આવા મનુષ્યભાવમાં દિવ્યભાવ પારખી શકે છે. તેઓને ભગવાનનાં મનુષ્ય-ચરિત્રો કલ્યાણકારી સમજાય છે અને અનુભવાય છે. ટૂંકમાં દિવ્ય એટલે મનુષ્યરૂપે પધારેલા ભગવાન તથા અક્ષરધામમાં બિરાજમાન ભગવાનમાં કોઈ જ ભેદ નથી, એ બંને એક જ છે.
જેવી રીતે ભગવાનનું મનુષ્યરૂપ દિવ્ય છે તેવી જ રીતે જે સંત દ્વારા ભગવાન સર્વ પ્રકારે અખંડ પ્રગટ હોય, તેમનું સ્વરૂપ પણ દિવ્ય જ છે. વરતાલ ૧૩મા વચનામૃતમાં શ્રીજીમહારાજ સમજાવે છે કે ભગવાન સાધુરૂપે અથવા તો રાજારૂપે પૃથ્વી ઉપર પધારે ત્યારે તેઓ મનુષ્ય જેવા જ જણાય પણ તેઓ અલૌકિક છે. મુમુક્ષુઓ તેમાં સહેજે આકર્ષાય.
પ્રમુખસ્વામી મહારાજના સંસર્ગમાં આવતા અનેક મુમુક્ષુઓને અનેક દૃષ્ટિકોણથી તેમની દિવ્યતાનો અનુભવ થયો છે. તેઓને જે ક્ષણે અનુભવ થયો, તે જ ક્ષણે તેમના અંતરમાં સ્વામીશ્રીના દિવ્ય વ્યક્તિત્વ માટે જે અંતઃસ્ફુરણા થઈ છે તે તથા તેમના દિવ્ય વ્યક્તિત્વથી મુમુક્ષુઓને જે સાહજિક લાભ થયો છે અને જીવન મૂલ્ય ઊંચું લાવવા જે પ્રેરણાઓ મળી છે તે અહીં રજૂ કરું છું.
કોઈકે સ્વામીશ્રીમાં યૌગિક સિદ્ધિ અનુભવી છે. કોઈકે તેમની ઉતાવળી ચાલમાં ધીમી ગતિ નિહાળી છે. જેવી રીતે કાચબો એક પળમાં પોતાનાં બધાં અવયવો શરીરમાં સમાવી લે છે, તેવી રીતે સ્વામીશ્રીને કોઈકે પ્રવૃત્તિનો ક્ષણમાત્રમાં સંકેલો કરી સ્વસ્વરૂપમાં સ્થિર થતા જોયા છે. પ્રવૃત્તિમાં રત હોવા છતાં હળવાફૂલ અને કઠિન પરિશ્રમને અંતે પણ તાજગીભર્યા કોઈકે જોયા છે. એકાંતમાં જેટલી સાહજિકતાથી મનુષ્ય વર્તે તેટલી જ સાહજિકતાથી હજારોના સમૂહ વચ્ચે કોઈકે તેમને વર્તતા જોયા છે. તો એકાંતની પળોમાં કોઈકે તેમનામાં અલમસ્ત આનંદનાં દર્શન કર્યાં છે. કોઈકે તેમનામાં એક ક્ષણે પુણ્યપ્રકોપ, તો બીજી જ ક્ષણે ખિલખિલાટ હાસ્ય અનુભવ્યું છે. કોઈકે તેમનામાં કોમળતા, તો કોઈકે સરળતા; કોઈકે નિઃસ્વાદીપણું, તો કોઈકે નિઃસ્પૃહીપણું અનુભવ્યું છે. કોઈકે તેમનામાં નિર્ભયતા, તો કોઈકે કરુણાનાં દર્શન કર્યાં છે. કોઈકને તેમનામાં નિર્માનીપણું, તો કોઈકને તેમનામાં નિર્માનીપણાનું માન નથી એવું અનુભવાયું છે. વળી કોઈકે તેમને અપમાનમાં પણ રાજી થતા જોયા છે. કોઈકે તેમનામાં પ્રૌઢતા, તો કોઈકે બાળક જેવું નિર્દોષપણું જોયું છે. તેમનાં દર્શને કોઈકના અંતરમાં ઉદ્‌ગારો સરી પડ્યા, 'અહો ! આ તો મૂર્તિમાન સત્ય ! આ તો મૂર્તિમાન આનંદ ! આવા પુરુષ માટે શું ન થાય ! કોઈકને તેઓ ભગવાનની કથાના ઉત્તમ શ્રોતા હોય એવાં દર્શન થયાં છે, તો કોઈકને એવાં દર્શન થયાં છે કે તેમને ઠાકોરજી પ્રત્યે અનહદ પ્રેમ છે. જાણે સ્વામીશ્રી ભગવાનનો આનંદ ચહ ચહ ભોગવતા ન હોય ! એવાં દર્શન કોઈકને થયાં છે. કોઈકને તેમના સ્વરૂપમાં શાસ્ત્રીજી મહારાજ, તો કોઈકને યોગીજી મહારાજનાં દર્શન થયાં છે. આવા અનુભવોની ગણતરી શક્ય નથી. કારણ કે તે પળે પળે બનતા હોય છે અને અનુભવ કરનારા લાખોની સંખ્યામાં છે.
કોઈકને સ્વામીશ્રીનાં દર્શનથી વ્યસન મૂકવાનું, કોઈકને વહેમ કાઢવાનું, તો કોઈકને સ્વભાવ મૂકવાનું બળ મળ્યું છે. કોઈકના પૂર્વગ્રહ તૂટ્યા છે. સ્વામીશ્રીના સ્પર્શથી કોઈક દર્દીએ દેહની તમામ પીડા મટતા અનુભવી છે. તો કોઈકે જેમ સિંહને જોતાં ઘેટાં નાસે તેમ પોતાના આંતરિક દોષો નાસતા અનુભવ્યા છે. કોઈકને સ્વામીશ્રીના સ્પર્શે નિર્માની બનવાની પ્રેરણા મળી, કોઈક રડી પડ્યા, કોઈક પથ્થર જેવા પીગળ્યા, કોઈકને હૂંફ મળી, કોઈકને કાંઈક ભૂલને કારણે પડેલો અંતરનો ડંખ નીકળ્યો, કોઈકને આત્મવિશ્વાસ મળ્યો, કોઈકે સો માતા કરતાં વધારે પ્રેમ ચાખ્યો, તો કોઈકને એવો અનુભવ થયો છે કે સ્વામીશ્રીને સૌથી વધારે મારા ઉપર પ્રેમ છે. કોઈકને તેમની ઉપસ્થિતિમાં પ્રામાણિક પરિશ્રમ તથા નિષ્કામ સેવા કરવાની પ્રેરણા મળી છે, કોઈકે નિર્ભયતા તો કોઈકે કૃતાર્થપણું અનુભવ્યું છે. કોઈકે સ્વામીશ્રીને પાણી જેવો સસ્તો પદાર્થ ધર્યો હોય તોય તેના અંતરમાં શાંતિનો શેરડો પડતો અનુભવ્યો છે. કોઈકે સ્વામીશ્રીનાં સ્પર્શ, વાણી, હાસ્ય, સ્મિત, દૃષ્ટિ કે પત્ર દ્વારા અલૌકિક શાંતિનો અનુભવ કર્યો છે. કોઈકને તેમની પવિત્ર વાણીમાં ભગવાનનો નિશ્ચય થયો છે.
ઉપર નોંધેલા અનુભવોમાંથી કેટલાક ગુણો કે સામર્થ્ય કોઈક દુન્યવી માનવી કે આધ્યાત્મિક સાધક કે સિદ્ધમાં પણ દેખાય. જેમ કે કોઈકમાં કરુણા, નિઃસ્વાદીપણું, નિઃસ્પૃહીપણું કે ચમત્કાર પણ હોય ને કોઈક શાંતિ પણ આપે. પરંતુ સ્વામીશ્રીમાં રહેલી કરુણા, નિઃસ્વાદીપણું, શાંતિ, નિઃસ્પૃહીપણું કે ચમત્કારનો પ્રકાર; તેની માત્રા અને ગુણવત્તા તદ્દન અલગ અને ઘણાં અધિક છે. એની જાત જુદી જ છે. એ દિવ્ય છે. જેમણે સ્વામીશ્રીની દિવ્યતાનો અનુભવ કર્યો છે એવાં હજારો ભક્તો-સંતોનું આ વિધાન છે. સ્વામીશ્રીના પ્રસંગમાં જે કોઈ આવે છે તેને પણ અનુભવ થતાં સમજાય છે કે ભલે સ્વામીશ્રી મનુષ્ય જેવા જણાય પણ તેઓ મનુષ્ય કરતાં ઘણા અધિક છે, દિવ્ય છે.
૧૯૮૭ના ડિસેમ્બર મહિનામાં અમદાવાદના નરોડા વિસ્તારના હરિભક્તોએ સ્વામીશ્રીની ૬૭મી જન્મજયંતીનો પ્રતીક ઉત્સવ કરેલો. ભક્તિવલ્લભ સ્વામી અને હું ત્યાં ગયેલા. સભા બાદ એક અપરિચિત ભાઈએ પાંચ મિનિટ સંબોધન કરવા દેવા વિનંતી કરી. અમે હા પાડી એટલે સભાને સંબોધતાં તેઓ કહે, 'મારું નામ મિસ્ટર મોરે છે. હું હૃષીકેશવાળા પૂજ્ય ચિદાનંદ સ્વામીનો શિષ્ય છું. ઘણાં વર્ષો પહેલાં મને પૂજ્ય પ્રમુખસ્વામીનાં દર્શન થયેલાં, પણ ઘણે દૂરથી. નજીકથી તેમનાં દર્શન કરવાની મને ઉત્કંઠા જાગી પણ તેનો મેળ પડ્યો નહિ. આ અરસામાં સમાચાર મળ્યા કે પૂજ્ય ચિદાનંદ સ્વામી મહેસાણામાં ઊજવાનાર સ્વામીશ્રીની જન્મજયંતી વખતે પધારવાના છે, પરંતુ નાદુરસ્ત તબિયતને લીધે તેઓએ અધ્યાત્માનંદ સ્વામીને મોકલ્યા. તેમની સાથે મહેસાણા જવાનું મને પણ સદ્‌ભાગ્ય મળ્યું. અધ્યાત્માનંદ સ્વામીએ સ્વામીશ્રીનાં દર્શન કર્યાં. પછી હું દર્શને ગયો. તે વખતે અલૌકિક ઘટના બની ગઈ. પૂજ્ય પ્રમુખસ્વામીએ મારા મસ્તકને સ્પર્શ કર્યો અને બોલ્યા : 'નજીકથી દર્શન કરવાનો તમારો સંકલ્પ પૂરો થયો ?' સ્વામીજીએ ઘણાં વર્ષો જૂનો મારા મનનો સંકલ્પ કરી દીધો. હું આનંદિત થઈ ગયો. લાખ રૂપિયા મળે તે કરતાં પણ એ આનંદ વિશેષ હતો.'
આવું સામર્થ્ય સામાન્ય રીતે મનુષ્યમાં જોવા મળતું નથી. કદાચ કોઈક માણસ તપ, યોગ કે મંત્રના બળથી મનનું કહી પણ દે, પરંતુ તેની વાસના ન પણ ટળી હોય, તેનામાં સદ્‌ગુણો ન પણ હોય. સ્વામીશ્રી તો સદ્‌ગુણોનો અખૂટ ભંડાર છે. અને બધા જ સદ્‌ગુણોના પાયામાં રહેલું નિર્માનીપણું સ્વામીશ્રીના રોમરોમમાં રહેલું છે.
૧૯૮૧માં સ્વામીશ્રીની નિશ્રામાં, 'ભારત સાધુસમાજ'ના અધિવેશનથી ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દીનો શુભ પ્રારંભ થયેલો. આ અધિવેશનમાં પધારેલા તમામ સાધુ-સંન્યાસીઓને સન્માનવા અને પુરસ્કાર આપવા તેઓને અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરે આમંત્રિત કર્યા હતા. મંદિરમાં આવેલા પૂજાખંડમાં સ્વામીશ્રી બિરાજ્યા હતા. સ્વામીશ્રી દરેક સાધુ-સંન્યાસીઓને ભાવપૂર્વક નમીને, ચરણસ્પર્શ કરીને શાલ ઓઢાતા હતા. મોહનભાઈ પટેલ (કોલોરામા સ્ટુડિયોઝવાળા) સાધુઓને દક્ષિણા આપતા હતા. તેમાંથી એક સાધુને અણસમજણથી એવું લાગ્યું કે સાધુ-સમાજના આયોજક સંન્યાસી ભેદભાવ રાખે છે. એટલે એમણે દક્ષિણાનું કવર (જેમાં રૂપિયા હતા તે) ફાડી નાંખ્યું. તે ઉચ્ચ સ્વરે સ્વામીશ્રીને કહેવા લાગ્યા. વાતાવરણ તંગ થઈ ગયું. પરંતુ સ્વામીશ્રી સ્વસ્થ હતા. તેઓ હાથ જોડીને કહે, 'હમારી ભૂલ હો ગઈ, માફ કરના.' તે સાધુ કહે, 'નહિ, નહિ, આપકી ગલતી નહિ હૈ. મૈં તો ઉસકી ગલતી બતા રહા હૂં.' પણ આ સાંભળે એ બીજા ! સ્વામીશ્રી બોલતા જ રહ્યા : 'હમારી ભૂલ માફ કરના.' તે સાધુ શાંત થઈ ગયા. સ્વામીશ્રીના નિર્માનીપણાનાં વિશિષ્ટ દર્શન થયાં. અન્યની ભૂલ પોતાને માથે લઈ લીધી !
આવી રીતે નિર્માનીપણે વર્તવું કઠણ છે. કદાચ કોઈક વર્તે તો નિર્માનીપણાનું માન નડે. સ્વામીશ્રીનું નિર્માનીપણું વિશુદ્ધ છે. તેમને નિર્માનીપણાનું પણ માન નથી. કારણ કે તેમનું નિર્માનીપણું નિઃસ્વાર્થ છે અને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે છે. આવી રીતે જે સમ્યક્‌ પ્રકારે નિર્માની હોય તો તેની પાસે બધા જ સદ્‌ગુણો હોય અને જે સર્વગુણે સંપૂર્ણ હોય તો તેની પાસે અખંડ શાંતિ હોય.
એક વાર સ્વામીશ્રી સારંગપુરમા મંદિરમાં પોતાના ઉતારે ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. સંતો-પાર્ષદો સ્વામીશ્રીની સમીપમાં બેઠા હતા. પ્રવૃત્તિમાં પણ શાંતિ કેવી રીતે રહે તે વાત ચર્ચાતી હતી. મેં સ્વામીશ્રીને પૂછ્યું : 'આપને કેવું વર્તે છે ?' સ્વામીશ્રી કહે : 'શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની કૃપાથી અખંડ શાંતિ વર્તે છે.' શાંતિ-શાંતિમાં પણ તફાવત છે. કોઈકનો એકાંત જંગલમાં નિવાસ હોય અને કોઈની સાથે આપ-લે ન હોય અને તે શાંતિ અનુભવે તે એક બાબત છે. જ્યારે સ્વામીશ્રી પાસે જે શાંતિ છે તે બીજી બાબત છે. સ્વામીશ્રી તો હંમેશાં સમાજ વચ્ચે જ રહે છે. જંગલના અભણ અને અજ્ઞાન આદિવાસીથી માંડીને શહેર અને પરદેશના ભણેલા-ગણેલા માણસો તથા વિશ્વવિખ્યાત કલાકારો, શ્રીમંતો, ઉદ્યોગપતિઓ કે રાજનેતાઓ સ્વામીશ્રીને મળતા રહે છે. તેમના પ્રશ્નોનું નિરાકરણ કરતા રહે છે. આ ઉપરાંત તેઓ વિશ્વવ્યાપી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના આધ્યાત્મિક તથા વહીવટી વડા છે. આ સંસ્થાનાં દેશ અને પરદેશમાં જે સેંકડો મંદિરો છે તેના વ્યવહારનો મુખ્ય બોજો તેમને શિરે છે. વળી, તેઓ ૪૫૦ જેટલા ભણેલા-ગણેલા યુવાન શિષ્યસંતોના તથા લાખો ગૃહસ્થના ગુરુ છે, જેમનાં યોગક્ષેમ તથા શ્રેય અને પ્રેયનું જતન કરવા અનેકવિધ પ્રવૃત્તિઓ તેઓએ હાથ ધરી છે. આ બધાની અંદર પણ સ્વામીશ્રીની શાંતિ અખંડિત રહે છે. આવું જેને વર્તાય તે તો લાખોમાં લાધે નહિ અને કરોડમાં કો'ક. આવી વ્યક્તિ કરોડોમાં કોઈક મળી આવે તોપણ તે બીજાને શાંતિ આપી શકે ખરી ? જો તે આપી શકે તો તે માનવી નથી. ભગવાનની વિભૂતિ જ હોઈ શકે.
૧૯૭૨માં વિશ્વપર્યટનમાં નીકળેલા હૉલેન્ડના નાગરિક હન કોપ પૂર્વ આફ્રિકાના મોમ્બાસા શહેરે પહોંચ્યા. ત્યાં મંદિરમાં યોગી બાપાનો ફોટો જોઈ આકર્ષાયા. યોગી બાપાને મળવાની ઇચ્છા દર્શાવી. મોમ્બાસા સત્સંગ મંડળના પ્રમુખ સી. ટી. પટેલે માહિતી આપી કે યોગી બાપા તો અંતર્ધાન થયા છે, પરંતુ તેમની જ જગ્યાએ તેમના જેવા જ સંત પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ છે. તેમને મળવું હોય તો ભારત જવું પડે. હન કોપના સંસ્કાર જાગ્રત થયા. વિશ્વ પર્યટનનો પ્રોગ્રામ રદ કરી તેઓ ભારત આવ્યા. સ્વામીશ્રી ગોંડલ હતા. પોતાની જ ગાડી 'લેન્ડ-રોવર'માં તેઓ ગોંડલ ગયા. સ્વામીશ્રીનાં દર્શન ન થાય ત્યાં સુધી કાંઈ પણ ખાવું નહિ એવું વ્રત લીધેલું. સ્વામીશ્રીનાં દર્શનમાત્રે તેમને દિવ્ય અનુભવ થયો. તેઓ કહે છે, 'પ્રમુખસ્વામીનાં દર્શન થતાંની સાથે જ મારી ભૂખ, તરસ અને થાક ગાયબ થઈ ગયાં અને કદી ન અનુભવેલી શાંતિનો અનુભવ થયો.'
સ્વામીશ્રીએ અનેકવાર હજારોને આવી શાંતિનો અનુભવ કરાવ્યો છે. અને કેટલાક સંતો-હરિભક્તોને તેમની સાધનાના ફળરૂપે અખંડ શાંતિ પણ આપી છે. આવું સામર્થ્ય તો જેમાં કોઈ પણ પ્રકારનો વિકાર ન હોય તથા જે બીજાના વિકારો પણ દૂર કરી શકે તેમાં જ સંભવે. એવા તો એક ભગવાન છે. અને બીજા ગુણાતીત સંત છે, જેમાં ભગવાન સર્વ પ્રકારે અખંડ પ્રગટ છે. ભગવાન અને આવા સંત સદા દિવ્ય છે. તેથી તેઓના ખાવા, પીવા કે પોઢવામાં, બેસવા, ઊઠવા કે ચાલવામાં; પત્રલેખન કે દવા લેવા જેવી સામાન્ય ક્રિયામાં પણ મુમુક્ષુને દિવ્ય આનંદનો અનુભવ થતો હોય છે.
૧૯૮૩માં હૃદયના હળવા હુમલા બાદ સ્વામીશ્રી અમદાવાદ પધારેલા. તેઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા લેતા. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે સ્વામીશ્રી દવા લેતા હોય ત્યારે સંતો-પાર્ષદો એ ક્રિયા જોવામાં લીન થઈ જતા. એક દિવસ સંતોની સભામાં 'ગમ્મત સાથે જ્ઞાન'ના કાર્યક્રમમાં સંચાલક સંતે એક પ્રશ્ન પૂછ્યો, 'સ્વામીશ્રી હસે, વઢે કે દવા લે આ ત્રણમાંથી તમને વધારે શું ગમે ?' આનો જવાબ ચિઠ્ઠીમાં લખવાનો હતો. દસે દસ સંતોએ લખેલું : 'દવા લે તે ગમે.' વઢે તો એ ન ગમે, હસે એ તો સર્વને ગમે પણ દવા લેવાની સામાન્ય ક્રિયામાં પણ તેઓ આનંદનો અનુભવ કરાવી શકે છે. પોતે બીમાર હોય તોય ઘણાને તેમાંય દિવ્યતાનો અનુભવ કરાવ્યો છે.
ભગવાન અને સંત આ લોકમાં પધારે છે ત્યારે મનુષ્ય કેવળ પોતાની શક્તિથી તેમને ઓળખી શકતો નથી. એટલા માટે તેઓ કૃપા કરીને પોતાની દિવ્યતા પ્રગટ કરે છે. અને ક્યારેક પોતાના શબ્દો દ્વારા પોતાના દિવ્ય વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. તો હવે સ્વામીશ્રીના દિવ્ય વ્યક્તિત્વનાં દર્શન તેમના જ પ્રાસાદિક શબ્દો દ્વારા કરીએ :
સ્વામીશ્રી આપણા આત્માનું ધ્યાન રાખે છે : (તા. ૨૫-૧-'૮૭, મુંબઈ)
સ્વામીશ્રી ડૉ. સામાણીને પીઠાવાળા સાહેબની ઓળખાણ કરાવતાં કહે, 'આ પીઠાવાળા સાહેબ છે. તેઓને સંતો પ્રત્યે ખૂબ ભાવ છે. એમને ત્યાં જઈએ એટલે ખૂબ ધ્યાન રાખે છે.'
ડૉ. સામાણી : 'ધ્યાન તો એ રાખવાનું કે કોણ કોનું ધ્યાન રાખે છે.'
સ્વામીશ્રી : 'આ તો બધું અરસપરસ છે. દેહની રીતે તમે અમારું ધ્યાન રાખો છો અને આત્માનું અમે રાખીએ છીએ.'
સ્વામીશ્રીએ ભગવાનને રાખ્યા છે : (તા. ૨૦-૮-'૮૮, સાનહોઝે, અમેરિકા)
યુવકો : 'આપ નાના હતા ત્યારે કઈ રમતો રમતા ?'
સ્વામીશ્રી : 'અમે તો સામાન્ય રમતો ખો-ખો, હુતુતુ, આમલી-પીપળી રમતા.'
યુવકો : 'એ ઝાડ હજુ હશે ?'
સ્વામીશ્રી : 'હવે તો શું હોય ? બધું ગયું... મૂક્યા પછી શું સંભારવું ? પછી કહે, 'છે જ નહિ તો શું સંભારવું ?... અમારે લંડન નથી, ઘર નથી, બાર નથી, કોઈ નથી. એક ભગવાન રાખ્યા છે તે બસ છે. ભજન કરીએ છીએ ને કરાવીએ છીએ.'
સ્વામીશ્રીને ભગવાનમાં અખંડવૃત્તિ છે : (તા. ૧૧-૪-૯૦, ભાવનગર)
રાત્રે ઠાકોરજી જમાડીને થોડી મુલાકાતો બાદ સ્વામીશ્રી રૂમમાં બિરાજીને પત્ર-વાચન કરતા હતા. સ્વામીશ્રીની બરાબર ઉપર લાઈટનો એક બલ્બ હતો. ગરમી વધી જતાં એ હોલ્ડરમાંથી છટક્યો ને સ્વામીશ્રીની ગરદન ઉપર પડીને નીચે સરકી ગયો. સ્વામીશ્રી તો પત્ર વાંચતા જ રહ્યા. પત્ર વાંચન કર્યા પછી ભદ્રેશ સ્વામીએ આ વાત સ્વામીશ્રીને કરી, ત્યારે સ્વામીશ્રી કહે, 'ક્યારે પડ્યો ?' તેમણે કહ્યું, 'આપ પત્ર વાંચતા હતા ત્યારે.' પછી નારાયણચરણ સ્વામી અને પ્રિયદર્શન સ્વામી કહે, 'સ્થિતપ્રજ્ઞતા તો કે'વી પડે !'
સ્વામીશ્રી હસતાં હસતાં કહે, 'વૃત્તિ અખંડ ભગવાનમાં હોય પછી શું ખબર પડે ?'
સ્વામીશ્રીમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે : (તા. ૨૯-૧-૮૭)
મુંબઈનો આઠ-નવ વર્ષનો બાળક નીલકંઠ સ્વામીશ્રીને ઘણીવાર પ્રશ્નો પૂછતો હોય છે. એક વાર નીલકંઠ કહે, 'તમારી અંદર ભગવાન છે ?' સ્વામીશ્રી કહે, 'ત્યારે તો અહીં બેઠા છીએ (ધર્મધુરા ધારવાના અર્થમાં). મોટા પુરુષમાં સર્વ પ્રકારે હોય અને બીજામાં અંતર્યામીપણે રહ્યા હોય.'
સ્વામીશ્રીના પૂજને ભગવાન પૂજાય છે : (તા. ૯-૮-૮૮, બ્રાયન, ટેક્સાસ, અમેરિકા)
ડૉ. સુધીરભાઈ સ્વામીશ્રીને કહે, 'સવારે પૂજા કરીએ છીએ ત્યારે ધ્યાન માનસીમાં શ્રીજીમહારાજને જોયા નથી એટલે કલ્પનામાં બેસતું નથી. પણ આપને જોયા છે તો માનસી પૂજામાં આપની મૂર્તિ કલ્પી શકાય ?'
સ્વામીશ્રી : 'આપણા ઇષ્ટદેવ શ્રીજીમહારાજ છે. એમનામાં આપણી શ્રદ્ધા છે. માનસી પૂજા એમની જ કરવાની છે. પણ જેને સાક્ષાત્કારવાળા ગુરુ મળ્યા હોય તો ગુરુના યોગે ભગવાન સુધી પહોંચાય. સંતને ભગવાનનો સંબંધ છે. એમણે ભગવાનને જોયા છે તો એમને યાદ કરવા. ગંગાજળનું પૂજન કરવું હોય તો કળશને પૂજીએ છીએ. કારણ કે કળશમાં ગંગાજળ ભર્યું છે. તેમ સાચા સંતમાં ભગવાન રહ્યા છે, તો તેમને પૂજીએ એટલે ભગવાનની પૂજા થાય છે.'
સ્વામીશ્રી પાસે મોક્ષ આપવાની સામર્થી છે :
તા. ૧૩-૧૦-૮૭ના રોજ ગોંડલમાં કથા દરમ્યાન સ્વામીશ્રી કહે, 'આ લોકનું આપનારા ઘણા મળશે : 'જા બચ્ચા, લડકા હો જાયેગા !' પણ એ તો જન્મ-મરણ ઊભું જ રહે, લડકામાંથી બાપ ને...'
ત્યાં વચ્ચે જ શ્રીકૃષ્ણ પંડ્યા બોલ્યા, 'આ મહાત્મા (સ્વામીશ્રી) લડકો ને મોક્ષ બેય આપે.'
સ્વામીશ્રી : 'મૂળ તો મોક્ષ આપવા આવ્યા છે. એને બીજી સમૃદ્ધિ આપતાં આવડતું નથી. આ તો જે કંઈ આપ્યું છે એ તો તમને ઘૂઘરો આપ્યો છે - રમાડ્યા કરો. મૂળ એ તો કલ્યાણ કરવા આવ્યા છે. એમને આ લોકમાં બંધાવા દેવા નથી. ધારે તો આ લોકનું આપે ય ખરા ને આપીને તોડી પણ નાંખે.'
સ્વામીશ્રી અક્ષરધામ આપે છે : (તા. ૨-૬-૮૭, રાજકોટ)
સુરેન્દ્રસિંહે ગાડીમાં સ્વામીશ્રીને પૂછ્યું : 'આપે સાઇકલ ચલાવેલી ?'
સ્વામીશ્રી : 'હા, સાઇકલ અને મોટર પણ.'
સુરેન્દ્રસિંહ : 'તો આપે હેલિકોપ્ટર ચલાવવું જોઈએ.'
સ્વામીશ્રી : 'એ આપણને ન આવડે.'
સુરેન્દ્રસિંહ : 'આપને તો બધું આવડે.'
સ્વામીશ્રી : 'હેલિકોપ્ટર તમારે બધાએ ચલાવવું. અમને તો અક્ષરધામના હેલિકોપ્ટરમાં બેસારીને લઈ જતાં આવડે.'
સ્વામીશ્રી પાસે ભગવાન આપવાની સામર્થી છે :
(તા. ૪-૫-૮૮, પેરિસ)
સ્વામીશ્રી પેરિસમાં પ્રવીણભાઈના ઘરે ઊતરેલા. તેમને તથા તેમના દીકરાઓ શૈલેશ, પ્રફુલ્લ અને તેમના ભાઈઓને સંબોધીને સ્વામીશ્રી કહે, 'તમે બધાએ એવી સેવા કરી છે કે તેનું ફળ અમે બીજું તો શું આપીએ ?' પણ અમારી પાસે ભગવાન છે તે આપીએ.'
સ્વામીશ્રીનું પૃથ્વી ઉપર પધારવું કથન માત્ર છે :
(તા. ૧૪-૧૨-૮૮, નાઈરોબી)
સવારે સ્નાન બાદ સ્વામીશ્રી આંખના લેન્સ પહેરી રહ્યા હતા ત્યારે વિશ્વવિહારી સ્વામીએ પૂછ્યું, 'અમદાવાદ ક્યારે આવો છો ?'
સ્વામીશ્રી : 'અહીં છીએ તે અમદાવાદની શી ચિંતા કરવી ? લાભ લઈ લોને !' પછી એકદમ કહે, 'અમારે આવવા જવાનું છે જ નહિ. આ તો વચ્ચેની રમત છે. બાકી અહીં પણ છીએ ને ત્યાં પણ છીએ.'
(તા. ૧૪-૧૦-૮૭, ગોંડલ)
સભાને સંબોધતાં સ્વામીશ્રી કહે, 'દેહ મૂકીને જેને પામવા છે તે દેહ છતાં જ મળ્યા છે. આટલું જ સમજવાનું છે. આ જો ન સમજ્યા હોઈએ તો અધૂરું રહે, ઉપર દૃષ્ટિ જાય. હજી કાંઈ દેખાતું નથી એમ થાય. છે એ મનાતું નથી ને પેલું (ઉપર) દેખાતું નથી. આ અક્ષરધામ જ છે. સમજાય તો આનંદ આવે. બીજું ધામ ક્યાં જોવા જવું ? આ બેઠા છે એ સમજાતું નથી. આ છે એ જ અક્ષરધામ છે. અક્ષરધામમાં જ બેઠા છીએ. એનાથી દૂર જ નથી.'
સંત તે સ્વયં હરિ :
(તા. ૧૨-૧૧-૮૮, નાઈરોબી)
નાઈરોબી મંદિરમાં ઉતારાની બહારના હૉલમાં સ્વામીશ્રી સોફા ઉપર એકલા બેઠા હતા. શુકમુનિ સ્વામી ત્યાં દોડતા આવ્યા ને સ્વામીશ્રીને પૂછ્યું, 'કેમ એકલા બેઠા છો ?'
સ્વામીશ્રી : 'ક્યાં એકલો છું ?' મારી સાથે શ્રીજીમહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ને આપ જેવા સંતો-મુક્તો છે. ભગવાનને ધારીને બેઠા છીએ, તો એકલા ન કહેવાય.'
શુકમુનિ સ્વામી : 'મને તો ભગવાન દેખાતા નથી.'
સ્વામીશ્રી : 'ભગવાન જોવા છે ?'
શુકમુનિ સ્વામી : 'હા.'
સ્વામીશ્રી : 'ખરેખર જોવા છે ?'
શુકમુનિ સ્વામી : 'હા.' સ્વામીશ્રી મોજમાં આવી ગયા. તેઓએ શુકમુનિ સ્વામીનું મસ્તક બે હાથથી પકડ્યું ને પોતાના મસ્તકની નજીક લાવ્યા. એક જ ઇંચનું અંતર રહેલું. પછી આંખમાં આંખ પરોવીને કહે, 'લે દેખાય, જો.' પંદર વીસ સેકંડ આવી રીતે જોઈ રહ્યા ને પછી કહે, 'જે અક્ષરધામમાં છે તે જ આ છે. માટે સાક્ષાત્‌ ભગવાન મળ્યા છે એવો ઉમંગ, કેફ ને બળ રાખવું. કોઈ કહે કે ભગવાન જોયા છે ? તો હા પાડવી. વરતાલનું ૧૧મું વચનામૃત સિદ્ધ કરી લેવું. સત્પુરુષને જ પોતાનો આત્મા માનવો. એમાં જ પ્રીતિ. એ જ આત્મદર્શન ને પરમાત્માનાં દર્શનનું સાધન છે.'
સ્વામીશ્રીના દિવ્યવ્યક્તિત્વનું પૂર્ણ આલેખન શ્રીજીમહારાજના પરમહંસ નિષ્કુળાનંદ સ્વામીની એક જ કાવ્ય પંક્તિમાં થઈ જાય છે :
'આપ ટળી મળ્યા ભગવાનમાં,
જેના આપમાં હરિનો વ્યાપ; સંત તે સ્વયં હરિ.'


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS