૧.સ્વદોષદર્શન
પોતાના દોષોને ઓળખવા તે સામાન્ય બાબત નથી. કહેવાય છે કે પોતાનો દોષ માણસના બરડે લખેલો હોય છે. ઘણી વાર તો આપણે આપણા દોષો વિશે વિચારતા પણ ગભરાઈએ છીએ. આપણી પોતાની ભૂલોને વારંવાર થતી જોઈએ છીએ. છતાં પણ એ ભૂલોનું ભૂલ તરીકેનું સ્પષ્ટ ચિત્ર તે આપણે જ આપણી જાત સામે છતું કરતા નથી. જાણે આપણા પોતાના જ એક અસલી ચહેરાને જોવામાં આપણે ભયભીત થઈ જઈએ છીએ. અને તેથી સ્વયંના દોષોથી સ્વયંને જ અજ્ઞાત રાખવા મથીએ છીએ.
વળી, એથીયે આગળ જઈને ક્યારેક તો પોતાના દોષને ગુણનો દરજ્જો આપવાના પૂરતા પ્રયત્નો પણ કરી લઈએ છીએ. જેટલી યુક્તિઓ કરવી પડે તેટલી કરવા લાગી જઈએ છીએ. વળી, આ બધું ખૂબ સહજતાથી થવા દઈએ છીએ. વાસ્તવમાં આ જ આપણા વૈચારિક વલણની વિપરીતતા છે. અને આ પ્રકારના વિપરીત વલણે આપણી જ પ્રગતિનાં દ્વાર વાસી દીધાં છે. એટલે હવે એ વલણ બદલ્યા વગર છૂટકો નથી.
અર્જુનનું વલણ આ અંગે પ્રેરણા આપે તેવું છે. તેને પોતાના દોષનું ભાન થયું છે. તે કહે છે કે હું कार्पण्यदोषोपहतस्वभावः કહેતાં, કાયરતા રૂપી દોષથી હણાયેલો છુ _, તથા घर्मसंमूढचेताः કહેતાં, કર્તવ્યાકર્તવ્યની બાબતમાં મારું ચિત્ત મૂઢતાને પામી ગયું છે. સાચી, પ્રામાણિક અને ઊંડી જાતતપાસનું આ પરિણામ છે – પ્રથમ ફળશ્રુતિ છે. મારા દુઃખનું, મારા પ્રશ્નોનું મૂળ મારામાં જ છે. મારા જ દોષો મને નડી રહ્યા છે એ વાત અર્જુનને તરત સ્પષ્ટ થઈ ગઈ છે. આમ, અર્જુન અહીં સ્વદોષદર્શનની વિરલ સિદ્ધિ પામ્યો છે, પણ તે એટલે અટક્યો નથી. તે સ્વદોષદર્શનથી પણ આગળની ભૂમિકા પ્રાપ્ત કરે છે – ગુરુ સમક્ષ સ્વદોષસ્વીકારની!
૨. સ્વદોષ સ્વીકાર
कार्पण्यदोषोपहतस्वभावः કે પછી घर्मसंमूढचेताः આ શબ્દો કેવળ અર્જુનનું મનોમંથન નથી. આ તો તેણે શ્રીકૃષ્ણ ભગવાન સમક્ષ ઉચ્ચારેલા શબ્દો છે. પોતાના દોષને ઓળખવો ઘણી મોટી સફળતા છે. પરંતુ તે દોષને પોતાના ગુરુ સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહી સ્વીકારવો તે તેનાથી પણ ઊંચી સિદ્ધિ છે. અહીં કપટને કોઈ સ્થાન હોતું નથી. નિષ્કપટભાવનો વૈભવ ઝ ળહળતો હોય છે. અંતર્દૃષ્ટિ કરનાર ઘણાને પોતાના દોષોનું ભાન તો થાય છે. તેમ છતાં તે દોષોને પોતાના ગુરુ સમક્ષ કહી નિષ્કપટ થવું તે કેટલાક જ કરી શકે છે. કારણ સ્વાભિમાન સાથેનો સંઘર્ષ અને ગુરુ સાથેનો પ્રામાણિક સંબંધ અહીં મુખ્ય ભૂમિકા ભજવે છે. અર્જુન પોતાના અહંકારને કચડી શકે છે. તેનું શ્રીકૃષ્ણ સાથેનું જોડાણ પ્રામાણિક અને પરિશુદ્ધ છે. આથી તેમાં લેશમાત્ર કપટ નથી. તે કૃષ્ણ અંતર્યામી છે એ પણ ખૂબ દૃઢપણે જાણે છે છતાં અંતર્યામી સમક્ષ પણ સ્થૂળ રીતે પણ સ્પષ્ટ શબ્દોમાં કહી સંભળાવી નિષ્કપટ થયો છે. આમ, અર્જુન સ્વદોષદર્શન કરી પોતાની જાત સમક્ષ નિષ્કપટ થયો છે. અને શ્રીકૃષ્ણ પાસે સ્વદોષસ્વીકાર કરી પોતાના ગુરુ સમક્ષ નિષ્કપટ થયો છે. પરંતુ શરણાગત અર્જુનની આ નિષ્કપટતાએ આથી પણ ઊંચાં આધ્યાત્મિક શિખરો સર કર્યાં છે.
૩. ગુરુએ દર્શાવેલા સ્વદોષનો સ્વીકાર
સ્વદોષદર્શન કરી ગુરુ સમક્ષ તેનો સ્વીકાર કરવો તેના કરતાં પણ ઉત્કૃષ્ટ વાત એ છે કે ગુરુએ જે દોષ આપણને દર્શાવ્યો હોય તેનો સ્વીકાર કરવો. ઘણી વાર ભૂલનો સ્વીકાર પોતાને તે ભૂલ બરાબર લાગી હોય તેથી જ થયો હોય છે. કોઈના કહેવાથી નહીં. જો પોતાને બરાબર ન લાગે તો તેનો સ્વીકાર નથી થઈ શકતો. પોતાના ગુરુ કહે તોપણ નહીં. કદાચ બહારથી પ્રતિભાવ ન જણાવે પણ અંદરથી તો અસ્વીકાર જ હોય. પરંતુ દર વખતે પોતાની ભૂલો જાતે જ અંતર્દૃષ્ટિ કરી જાણી શકાય એવું નથી હોતું. પોતાને ન લાગતી હોય તોપણ ભૂલ હોઈ શકે. આવી ભૂલોને આપણે કોઈના કહેવાથી સ્વીકારવી જોઈએ. શિષ્યને ગુરુ આવી ભૂલો દર્શાવતા હોય છે. શિષ્યે પણ વિશ્વાસપૂર્વક આ વાતને વધાવી લેવી જોઈએ. ઘણી આત્મચિંતનશીલ વ્યક્તિઓ પણ આ બાબતમાં ભૂલી પડી જાય છે. સૂક્ષ્મ અહંકાર તેઓને ભૂલી પાડે છે. અને ગુરુ સાથે અંતરાય રહી જાય છે. જોઈએ તેવા એકરસ થવાતું નથી. માટે શિષ્યતાની ખરી પરીક્ષા તો અહીં જ છે કે મારા ગુરુ મને મારો જે દોષ દર્શાવે છે તેનો મારે નિઃશંક સ્વીકાર કરવો. આમાં ઉત્તીર્ણ થાય તે શરણાગત સાચો. અર્જુનની વિશેષતા એ છે કે તે આમાં પણ ખરો ઊતર્યો છે. 'क्लैब्यं मा स्म गमः.... क्षुद्रं हृदयदौर्बल्यम्' (ગીતા ૨/૩) વગેરે શબ્દો કહી શ્રીકૃષ્ણે અર્જુનનો કાયરતારૂપી દોષ જણાવ્યો હતો. 'कार्पण्यदोषोपहतस्वभावः...' (ગીતા ૨/૭) એમ કહીને અર્જુને તેનો અહીં સ્વીકાર કર્યો છે. ભલે તે એક ક્ષત્રિય હતો. શૌર્યમાટે કીર્તિમાન વીર યોદ્ધો હતો અને ધનુર્વેદમાં અદ્વિતીય હતો. આમ છતાં કાયરતારૂપી પોતાનો દોષ પોતાના ગુરુ શ્રીકૃષ્ણ સામે સ્વીકારતાં તેને અઘરું પડ્યું નથી. લોકલાજ નડી નથી. આમ પાર્થની શિષ્યતા ઘણી ઉત્કૃષ્ટ છે. પાર્થના શિષ્યપણાની ઉત્કૃષ્ટતા હજુ એક રીતે જોઈએ.
૪. पृत्व्छामि त्वाम् - હું આપને પૂછુ છુ.
पृत्व्छामि त्वां घर्मसंमूढचेताः - હે કૃષ્ણ! ધર્મની બાબતમાં મોહિત થયેલા ચિત્તવાળો હું આપને પૂછુ _ છુ _. પાર્થ હવે એકાગ્ર થાય છે. પોતાનું હિત સાંભળવા સાવધાન થાય છે. પોતાની બુદ્ધિના તર્કો કે પછી ન્યાય–અન્યાયના વિચારોથી વેગળો થઈ જાય છે. એટલું જ નહીં હવે તે કેવળ શાસ્ત્રશબ્દોને શરણે પણ જવા નથી ઇચ્છતો. તે તો અહીં કેવળ શ્રીકૃષ્ણનું જ સાંભળવા કટિબદ્ધ થઈ ગયો છે. હવે તો બસ આપ જે કહો તે જ મારા માટે પરમ સત્ય છે, એવો દૃઢ વિશ્વાસ અહીં સંભળાય છે. આશ્ચર્ય છે કે ભીષ્મ, દ્રોણ જેવા કહેવાતા ધર્મજ્ઞો પણ જે કરી શક્યા નથી – ધર્મની બાબતમાં ધર્મના ધરતલ શ્રીકૃષ્ણ પાસે જઈ પૃચ્છા કરવાનું, તેમનો અભિપ્રાય જાણવાનું - તે અર્જુન કરી શક્યો છે.
ખરેખર, બુદ્ધિનાં બંધનો, તર્કનાં તારણો કે પછી સ્વકલ્પિત માન્યતાઓની મર્યાદાઓને જે ઓળંગી શકે છે તે જ શિષ્યતાના સાચા ભાવને પામી શકે છે.
૫. यत्व्छ्रेयः स्यान्निश्र्चितं ब्रूहि - મને કલ્યાણકારી હોય તે નિશ્ચે કહો
श्रेयः એટલે હિત, કલ્યાણ. અર્જુને કહ્યું – यत्व्छ्रेयः स्यान्निश्र्चितं ब्रूहि तन्मे। અર્થાત્, હે કૃષ્ણ! મારા માટે જે હિતકારી હોય, કલ્યાણકારી હોય તે આપ જ મને નિશ્ચય કરીને કહો. અર્જુન અહીં શ્રેયાર્થી થયો છે, પ્રેયાર્થી નહીં. મને પ્રિય લાગે તેવું તમે કહો તેમ નહીં, કિન્તુ મારું હિત, મારું કલ્યાણ જેમાં હોય તે મને કહો એમ કહે છે. વળી, અર્જુને અહીં ન્યાય પણ માગ્યો નથી. કલ્યાણ માગ્યું છે. તે સમજી ચૂક્યો છે કે ન્યાય–અન્યાયની માથાકૂટનો અંત આવે એવો નથી.
निश्र्चितं ब्रूहि तन्मे - આપ જ નિર્ણય કરીને મને કહો. આમ કહીને અર્જુને શ્રીકૃષ્ણને નિર્ણય માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી દીધી છે. સંપૂર્ણ જવાબદારી સોંપી દીધી છે. પોતાનો કોઈ નિર્ણય નથી. આગ્રહ નથી. ઘણી વાર મનમાં ને મનમાં કાંઈક નિર્ણય બાંધીને જ કે પછી કોઈ ઇચ્છા રાખીને જ શરણે જવામાં આવતું હોય છે. રજૂઆત પણ પાછી પોતાના મનની ગોઠવણીને અનુકૂળ જ કરવામાં આવે. પછી તેને પોતાના નિર્ણયો કે ઇચ્છાઓને અનુરૂપ જ વળતા જવાબની અપેક્ષા રહે છે. આવી શરણાગતિને શરતી શરણાગતિ કહી શકાય. અર્જુને એવું નથી કર્યું. તે આ બાબતમાં પણ નિષ્કપટ છે, ભેળસેળ વગરનો છે. પ્રમુખસ્વામી મહારાજ ઘણી વાર કહે છે – 'એમની શરતે અને આપણી ગરજે સત્સંગ કરવો.'
આટલું કહીને અંતે પાર્થ કહે છે – शिष्यस्तेहं शाघि मां त्वां प्रपन्नम्।
૬. शाघि मां त्वां प्रपन्नम् - શરણે આવેલા મને ઉપદેશ આપો
शिष्यस्तेहं शाघि मां त्वां प्रपन्नम् કહેતાં, હું આપનો શિષ્ય છું. આપને શરણાગત એવા મને આપ ઉપદેશ આપો. જેની ઉપર શાસન કરી શકાય તે શિષ્ય. शिष्यस्तेहम् કહીને અર્જુને શ્રીકૃષ્ણને પોતાની ઉપર શાસન કરવાનો સંપૂર્ણ અધિકાર આપી દીધો છે. નિઃસંકોચ હુકમ કરવા પરવાનગી આપી દીધી છે. मां त्वां प्रपन्नम् કહીને તેણે શ્રીકૃષ્ણને માર્જારશિશુન્યાય યાદ કરાવ્યો છે. મર્કટશિશુન્યાય અને માર્જારશિશુન્યાય એમ લોકમાં બે ન્યાય પ્રસિદ્ધ છે. વાંદરીના બચ્ચાએ પોતાની માને પોતે વળગી રહેવાનું હોય છે. તેમાં વધુ જવાબદારી બચ્ચાની હોય છે. આને મર્કટ-શિશુન્યાય કહેવાય. જ્યારે બિલાડી પોતાના બચ્ચાને પોતે જ ઉઠાવે છે. તેમાં બચ્ચાની કોઈ જવાબદારી રહેતી નથી. બિલાડી બધું સાચવી લે છે. આને માર્જારશિશુન્યાય કહેવાય. અર્જુન અત્યારે માર્જારશિશુન્યાયને અનુસર્યો છે. શ્રીકૃષ્ણ પણ તેને સંભાળી લેવા તત્પર છે.
અહીં એક વાત વિચારતા કરી મૂકે એવી છે. અર્જુને કહ્યું, शिष्यस्तेहम् - હું આપનો શિષ્ય છુ _. તો શું તે શિષ્ય ન હતો? હતો. પણ આવો ન હતો. એટલે જ તો ખુદ ભગવાનની સાથે જ હતો તોપણ જીવનમાં મુસીબત આવી પડી. આમ છતાં અર્જુનની દક્ષતા એમાં છે કે એ સમજે છે કે મિત્રતા, સખાભાવ બધું આનંદદાયક ભલે છે. સ્વયં શ્રીકૃષ્ણ મારા પરમ સખા છે એ પણ મારું મોટું ભાગ્ય છે. અને હું પણ એમની સાથે મિત્રભાવે વર્તી રહ્યો છુ _, પણ દોષો ટાળવા જુદી વાત છે. તે માટે તો સાચી સમજણ સંપાદન કરવી પડે. અને સમજણ માટે શિષ્યભાવ વગર છૂટકો જ નથી. એ શિષ્યભાવ પણ છોકરમત સાથે નહીં પણ ગંભીરતાથી થવો જોઈએ. અને અર્જુને એ પ્રમાણે કર્યું પણ ખરું.
આ રીતે અર્જુન અતિ ઉત્કૃષ્ટ શિષ્યતાથી દીપી રહ્યો છે. અતિ ઉત્કૃષ્ટ શરણાગતિથી વિલસી રહ્યો છે. આ શિષ્યતા કે આ શરણાગતિ જ જાણે હવે તેના મોહ પરના વિજય માટેનો પ્રથમ દુંદુભિનાદ થવાનો હતો.
ખરેખર, ધન્ય છે પાર્થની આ શિષ્યતાને. ધન્ય છે તેની ગુરુશરણાગતિને. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે જેમ પાર્થને પાર્થસારથિ શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ ગુરુરૂપે મળ્યા હતા તેમ આપણને પણ આપણા જીવનરથના સારથિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યક્ષ ગુરુરૂપે મળ્યા છે. બસ, જરૂરી છે પાર્થ જેવી ઉત્કૃષ્ટ શિષ્યતાની, ગુરુશરણાગતિની.