Essays Archives

અર્જુનવિષાદ-યોગ

અધ્યાય - ૧
(દ્રોણાચાર્ય પાસે જઈને દુર્યોધને પાંડવોના અને પોતાના એમ બંને સેનાના યોદ્ધાઓનું વર્ણન કર્યું. ત્યાર બાદ ઉભયપક્ષે શંખનાદો થયા. અહીં સુધી ગતાંકમાં જાણ્યું. હવે આગળ...)

અર્જુનનો સમરોત્સાહ

કૌરવપક્ષે શંખો તથા અન્ય વાદ્યો ગુંજી ઊઠ્યાં. યુદ્ધમંડાણનું એ એલાન હતું. તેથી પ્રતિસાદમાં સામે પાંડવપક્ષે પણ શંખગર્જના કરી. ગર્જના સાંભળી ધાર્તરાષ્ટ્રોના હૃદયમાં રહેલો અધર્મ ચગદાવા લાગ્યો. ભીતરથી વીરતા જાણે નાસીપાસ થવા લાગી. સંપ અને ભગવન્નિષ્ઠાથી ભરેલા પ્રચંડ ઘોષની આ અણધારી અસર હતી. આમ છતાં સૌ કોઈ કૌરવપક્ષકારો વ્યૂહરચના પ્રમાણે પોતપોતાના સ્થાને વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. આવા સમયે અર્જુનનો વીરોચિત સમરોત્સાહ જાગી ઊઠે છે. તેનું વર્ણન કરતાં સંજય કહે છે - 'अथ व्यवस्थितान् दृष्ट्वा घार्तराष्ट्रान् कपिध्वजः। प्रवृते शस्त्रसंपाते घनुरुद्यम्य पाण्डवः॥ हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते॥' હે રાજન્! ત્યાર પછી યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્રના પુત્રો અને તેના પક્ષકારોને જોઈને શસ્ત્રપ્રહારની પ્રવૃત્તિવેળાએ કપિધ્વજ અર્જુને ધનુષ ઉપાડીને હૃષીકેશ શ્રીકૃષ્ણ ભગવાનને આ વચન કહ્યું. (ગીતા ૧/૨૦,૨૧)
(વનવાસ દરમ્યાન ભીમસેન ઉપર રાજી થઈને હનુમાનજીએ અર્જુનના રથની ધજા ઉપર રહી યુદ્ધમાં પાંડવોની મદદ કરવા વરદાન આપ્યું હતું. તેથી અહીં અર્જુનને કપિધ્વજ કહ્યો છે.)
अर्जुन उवाच - ‘सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेत्व्युत॥ यावदेतान्निरीक्षेहं योद्धुकामानवस्थितान्। कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे॥ योत्स्यमानानवेक्षेहं य एतेत्र समागताः। घार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः॥' હે અચ્યુત! મારા રથને બે સેનાની વચ્ચે ઊભો રાખો. જ્યાં સુધી હું આ ઉપસ્થિત થયેલા, યુદ્ધની અભિલાષા રાખનારા (વિપક્ષીઓને) સારી પઠે જોઈ લઉં અને જ્યાં સુધી હું આ સમરાંગણમાં મારે કોની કોની સાથે લડવાનું છે તે જોઈ લઉં ત્યાં સુધી આપ મારા રથને બે સેનાની વચ્ચે ઊભો રાખો. વળી ધૃતરાષ્ટ્રના પુત્ર દુષ્ટબુદ્ધિ દુર્યોધનનું ગમતું ઇચ્છનારા જે કોઈ અહીં આવ્યા છે તે યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઈ લઉં. (ગીતા ૧/૨૧-૨૩)
અર્જુનનો જંગ ખેલી લેવાનો નિર્ભીક થનગનાટ એના શબ્દોમાં રણકી રહ્યો છે. તેને દુર્યોધન જેવું નથી. દુર્યોધન તો જેવી પાંડવસેના જોઈ કે તુરંત આચાર્ય દ્રોણ પાસે દોડી ગયો હતો અને ગભરાટ સાથે પાંડવસેનાને જોવાનું કહેવા લાગ્યો હતો. જ્યારે કૌરવસેનાને યુદ્ધ માટે સજ્જ થયેલી જોઈ અર્જુનનો હાથ સીધો જ ગાંડીવ ઊંચું કરે છે. घनुः उद्यम्य! તેને કોઈની પાસે દોડવાની જરૂર ન લાગી. કારણ તેને દ્વિધા નથી. મારે યુદ્ધ કરવું છે તેની સ્પષ્ટતા છે. શંકા નથી. નિઃશંક છે. પોતામાં, પોતાના પક્ષમાં અને એથીયે વધારે શ્રીકૃષ્ણમાં પરમ વિશ્વાસ છે. સાચા રણવીરનો આ પરિચય છે. કોઈ પણ કાર્યનો આરંભ આ રીતે જ થવો જોઈએ.
દુર્યોધન અર્જુનને મહાધનુર્ધારી કે મહારથી નહીં પણ દુર્બુદ્ધિ લાગ્યો. અર્જુનની ધાર્તરાષ્ટ્રોનાં કપટ અને કુકર્મ પ્રત્યેની દાઝ  અહીં સાંભળી શકાય છે. એટલે સહેજે હાથ ધનુષ ઉપાડી લે છે. પરંતુ શરસંધાન કરતાં પહેલાં તે योद्धुकामान् અથવા તો योत्स्यमानान् એટલે કે યુદ્ધખોરોને જોઈ લેવા ઇચ્છે છે. આ યુદ્ધખોરો અર્જુનને દુષ્ટબુદ્ધિ દુર્યોધનના प्रियचिकीर्षवः કહેતા તેનું ગમતું કરનારા, તેના મળતિયા લાગ્યા છે. કારણ અર્જુન સારી રીતે જાણે છે કે આ દુર્યોધન બળવાખોર છે. યુદ્ધખોર છે. એટલે જ તો પાંડવપક્ષે શાંતિથી સમાધાન માટે ઘણી ઘણી તૈયારીઓ બતાવી છતાં દુર્યોધન માન્યો ન હતો. સમાધાન માટે તેણે પોતે જ જરા પણ સંકોચ વગર યુદ્ધનો પ્રસ્તાવ મૂક્યો હતો અને પોતે જ સ્પષ્ટ શબ્દોમાં યુદ્ધને પસંદ કર્યું હતું. આમ દુર્યોધન યુદ્ધપ્રિય હતો તેથી તેનું ગમતું કરવા જે લોકો તેના પક્ષમાં ભળી તેના જેવા યુદ્ધખોર બન્યા તેમના માટે અર્જુને ઉપરોક્ત શબ્દો પ્રયોજ્યા. આ યુદ્ધખોરોને અર્જુન સારી રીતે જોઈ લેવા ઇચ્છે છે. તેથી તેણે શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યું - હે અચ્યુત! બે સેના વચ્ચે મારો રથ ઊભો રાખો.
હે અચ્યુત!
હે અચ્યુત! કેટલું સાર્થક છે આ સંબોધન! પોતાના સારથિનું એમાં સૂક્ષ્મ દર્શન છે. અલૌકિક મનોભાવના છે. અચ્યુત એટલે પોતાની સ્થિતિમાંથી ચ્યુત ન થનાર, સ્વ-સ્થ, સ્થિર, અવિક્ષુબ્ધ વ્યક્તિ. પોતાના જીવનમાં બનતા સારા-નરસા પ્રસંગો અને તેને લીધે અંતરમાં ઊછળતા સારી કે નરસી લાગણીઓના આવેગોને અર્જુન સારી રીતે જાણે છે. એમાંય વળી  આ યુદ્ધના દિવસોમાં પોતાના વિચારોના તરંગો તથા તેનાથી વિક્ષુબ્ધ અને અસ્વસ્થ પોતાનું અંતઃકરણ તેણે અનુભવ્યું છે. આની સામે તેને પોતાના પરમ સખા શ્રીકૃષ્ણનો પણ અનુભવ છે. પરંતુ તદ્દન જુદો જ અનુભવ! ગમે તેવી પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારના ખળભળાટ વગર આંતરિક સ્વસ્થતા ધારણ કરી રાખવી એ શ્રીકૃષ્ણને સહજ હતું. સાથે રહેતા અર્જુને આ સાહજિકતા વારંવાર અનુભવેલી. અને ખાસ કરીને આજે યુદ્ધની ક્ષણોમાં તે જ્યારે અતિ ઉત્સાહને વશ થયો છે અને તેના માનસિક પ્રતિભાવો રણસંગ્રામના વાતાવરણથી ખૂબ પ્રભાવિત થતા અનુભવી રહ્યો છે ત્યારે શ્રીકૃષ્ણને તે અત્યંત સ્વ-સ્થ અને સ્થિર જોઈ રહ્યો છે. સમુદ્ર તટે રહેલા મહાન શિલાખંડ જેવા! તે જાણે છે કે શ્રીકૃષ્ણ પણ ઉત્સાહી છે પણ ઉત્સાહને વશ નથી. તેથી સહજ સંબોધન થઇ ગયું - હે અચ્યુત!
पश्य पार्थ! - પાર્થ ! તું જો
પાર્થનાં આવાં ઉત્સાહભેર વચનો સાંભળતાં જ પાર્થસારથિ ભગવાન શ્રીકૃષ્ણે જે કર્યું તેનું વર્ણન કરતાં સંજય કહે છે - 'एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत। सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्॥ भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम्। उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति॥' હે ધૃતરાષ્ટ્ર! ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા હૃષીકેશ શ્રીકૃષ્ણ ભગવાને બંને સેનાઓની મધ્યમાં, ખાસ કરીને ભીષ્મપિતામહ તથા દ્રોણાચાર્યની સામે તથા અન્ય રાજાઓની સામે રથને પ્રસ્થાપિત કરીને કહ્યું - હે પાર્થ! તું આ (યુદ્ધ માટે) ભેગા થયેલા કૌરવોને જો. (ગીતા ૧/૨૪,૨૫)
શ્રીકૃષ્ણના આદેશ પ્રમાણે અર્જુને જોવાનું આરંભ્યું. બસ, અહીંથી જ પરિસ્થિતિ નવો વળાંક લે છે. એક અણધાર્યો ઇતિહાસ આશ્ચર્યકારી આકાર ધારણ કરે છે. હવે પછી જે બન્યું તે એટલી તો સહજતાથી બની ગયું કે કોઈને તેનો અહેસાસ પણ ન આવ્યો. ઘટનાએ સમય પણ લાંબો નથી લીધો. ક્ષણોની વાત હતી. અને આશ્ચર્ય તો એ છે કે એ વાત બીજા કોઈની નહીં પણ અર્જુનની જ હતી! સમરોત્સાહી અર્જુનની! ગાંડીવ ઉગામેલા અર્જુનની! કપિધ્વજ અર્જુનની! ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં જેના રથમાં સારથિ બની ઉપસ્થિત છે તેવા અર્જુનની!
જે કાંઈ ઘટી ગયું તેનાં મૂળ અર્જુનના જોવામાં છે. તેની જોવાની રીતમાં છે. તેની જોવા પાછળ રહેલી ભાવનાઓમાં છે. તેણે શું જોયું? કઈ રીતે જોયું? કઈ ભાવનાથી જોયું? અને તેનું પરિણામ કેવું આવ્યું? તેનું વર્ણન કરતાં સંજય ધૃતરાષ્ટ્રને કહે છે - 'तत्रापश्यत् स्थितान् पार्थः पितृëनथ पितामहान्। आचार्यान् मातुलान् भ्रातृëन् पुत्रान् पौत्रान् सखी´स्तथा॥ श्वशुरान् सहृदश्र्चैव सेनयोरुभयोरपि। तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्घूनवस्थितान्॥ कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत्।' ત્યાં પૃથાપુત્ર અર્જુને એ બંને સેનામાં રહેલા પિતૃઓને, પિતામહોને, આચાર્યોને, મામાઓને, ભાઈઓને, પુત્રોને, પૌત્રોને, સખાઓને, સસરાઓને તથા સુહૃદોને જોયા. ઉપસ્થિત તે બધા સંબંધીઓને સારી રીતે જોઈને અત્યંત કૃપાથી ઘેરાયેલો તે વિષાદ કરતો થકો આ (આગળ પ્રમાણેનું વચન) બોલ્યો. (ગીતા ૧/૨૬,૨૭,૨૮)
कृपया परया આ શબ્દ અહીં મોહના અર્થમાં પ્રયોજાયો છે. અર્જુનમાં છુ પાયેલા મોહને આજે મોકળાશ મળી ગઈ. સ્વજનાસક્તિ રૂપે તેણે અર્જુનને ઘેરી લીધો. પરિણામે વીરતા દબાઈ ગઈ. આવડતો ઓસરી ગઈ. ક્ષત્રિયતા ખરી પડી. બુદ્ધિચાતુરી કે વિચક્ષણતા જાણે દિશા ભૂલ્યાં. લાગણીઓએ સંપૂર્ણ સામ્રાજ્ય લઈ લીધું. અને વિષાદ ઘર કરી ગયો. कृपया परयाविष्टो विषीदन्! જ્યાં મોહ હોય ત્યાં વિષાદ હોય! માત્ર એક જ લીટીમાં સંસારનાં સમગ્ર દુઃખ અને તેના કારણને કેટલાં પ્રભાવક રીતે ભગવદ્ ગીતાએ અવતારી દીધાં છે!!


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS