અતિ અચરજકારી વસ્તુ છે કાળ-સમય. એ ચાલે છે પણ પકડાતો નથી, જતો રહે છે પછી દેખાતો નથી, ભવિષ્યમાં કેવા રૂપે આવશે એ કળાતો નથી. આપણે બધાં જ કદાચ એની પાછળ ઢસડાતાં રહીએ છીએ, એની સંગાથે ચાલી શકતાં નથી. સમયને સાચા માર્ગે વાપરનારાને સમય શાશ્વત બનાવી દે છે.
ભગવાન શ્રીકૃષ્ણ જેવા અવતારી પુરુષો કે મહાકવિ કાલિદાસ જેવા સાહિત્યકારો કે જગદીશચંદ્ર બોઝ જેવા વૈજ્ઞાનિકોને આપણી માફક દિવસના ૨૪ કલાક જ આપવામાં આવેલા, વધારે નહીં, પણ એટલા સમયનો એમણે એવો ઉપયોગ કરી લીધો કે સમયની અવધિ બાદ પણ એ યાદગાર બની રહ્યાં. સુપ્રસિદ્ધ સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ સુંદર પંક્તિ લખી છે:
“ ઊડે કાળની ધૂળ, સંતજન વાવે તેમાં શમણું ! “
આ પંક્તિ જાણે છેલ્લા એક સૈકાથી આપણી વચ્ચે રહેલા પ્રમુખસ્વામી માટે લખાઈ હોય એવું લાગે છે, કારણકે સમય કણકણ થઈને વેરાઈ જાય એ પહેલાં તેઓ ક્ષણક્ષણમાં સેવાનાં પુષ્પો ખીલાવતાં રહેલાં. રાજકીય કે આર્થિક સિદ્ધિ પાછળ દોડનારને મિનિટે મિનિટની કિંમત હોય એ સ્વાભાવિક છે, પરંતુ અભ્યાસ અને અનુભવ- બેઉથી બહુ છેટે રહી ગયેલા અને પરમાર્થ સિવાય કોઈ સ્વાર્થ ન ધરાવતા પ્રમુખસ્વામીનું સમયનું આયોજન ભલભલા ભણેલાંને કાનની બુટ પકડાવે એવું હતું. ઘણાં બધાં પ્રકલ્પો એકસાથે ચાલતાં હોય ત્યારે કોને, ક્યારે, કેવી રીતે સમય આપવો એ ભારે મુશ્કેલ કામ હોય છે. પરંતુ પ્રમુખસ્વામીએ એમાં પોતાની રીતે આગવો રસ્તો કાઢેલો. તા.૩૧-૭-૨૦૦૪ના રોજ તેઓ હુસ્ટનમાં હતા. સુરતમાં નિર્માણાધીન હોસ્પિટલ અંગે એમને અહીં જ મિટિંગ કરવી હતી કારણકે વિશ્વકક્ષાના ડોકટરો અહીં આવ્યા હતા. સ્વામીશ્રીએ બધાને તેડાવ્યા હતા પણ એમને આવવામાં વાર લાગી. તો એમણે તરત કોલકાતામાં ઊભા થનાર મંદિરનો નકશો આવેલો એ ખોલ્યો અને સાથે પૂછાવેલ પ્રશ્નનો પત્ર વાંચવા લાગ્યા. એવામાં મુલાકાતીઓ આવ્યા તો એમને મળી લીધું. ફરી નકશા અને પત્રમાં પરોવાયા. એવામાં ડોક્ટરો આવી ગયા એટલે હોસ્પિટલ માટેની મીટીંગ કરી. જો કે એકસાથે અનેક કાર્યો હાથ ધરવાં- એવી તાલીમ આપતું કોઈ પુસ્તક એમણે વાંચ્યું નહોતું.
પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતી ૧૭૩૧ કિલોમીટર ફરી લે એટલા સમયમાં એટલે કે એક જ મિનિટમાં સ્વામીશ્રી ઘણું બધું કરી લેતા. આવા અનેકાનેક પ્રસંગો પૈકી અમુકના સાક્ષી બનવાનું સદભાગ્ય આ લેખકને સાંપડ્યું છે. ૧૯૯૮માં ૭૮ વર્ષની ઉંમરે એમના હ્રદય ઉપર પાંચ બાયપાસનું ઓપરેશન કરાવ્યા બાદ તેઓ મુંબઈ પધાર્યા ત્યારે એમના માટે આરામ અનિવાર્ય હતો, પરંતુ મોટી સંખ્યામાં આવી ગયેલા ભક્તોને રૂબરૂ મળી લેવાને એમણે પ્રથમ કર્તવ્ય માન્યું. સેંકડોની સરેરાશથી મુલાકાતો ચાલતી હોય એ વખતે પણ મારે પત્રવ્યવહારની સામગ્રી લઈને બાજુમાં જ ઊભા રહેવું એવી એમની આજ્ઞા હતી. જો કે કોઈ સાથે વાત કરતાં કરતાં સમાંતર પત્રોનું કામ પણ થઇ શકે એમ મને લાગતું નહોતું. પરંતુ એક વખત સ્વામીશ્રીને બે મુલાકાતોની વચ્ચે જ એક ભાઈ, જે થોડા દૂર ઉભા હતા, એમને બોલાવીને કાંઈક વાત કરવાની ઈચ્છા થઇ. પેલા ભાઈને બોલાવ્યા એટલે તેઓ લગભગ એક મિનિટમાં તો આવી ગયા. પરંતુ આ ટૂંકા સમયગાળામાં સ્વામીશ્રી નવરા બેસી રહ્યા નહોતા. આ દરમ્યાન એમણે મારી પાસે એક પત્ર માંગેલો, વાંચી લીધેલો અને પ્રત્યુત્તરની પૂર્વભૂમિકા રૂપે મારે શું લખવું એની મને સૂચના આપી દીધી હતી ! આવા તો અસંખ્ય બનાવો અનેકે બનતાં જોયા છે.
ભારેખમ જવાબદારીઓનું વહન કરતાં કરતાં પણ સ્વામીશ્રી સંસ્થાના પ્રથમ પુરુષ હતા, જેઓ સંસ્થા દ્વારા પ્રકાશિત થતાં તમામ પુસ્તકો, સામયિકો, પરિપત્રો વિગેરે સૌ પ્રથમ જ વાંચી લેતા- રોજના ૫૦ થી વધુ પત્રો વાંચવા ઉપરાંત. આ માટે એમને સમય ક્યારે મળતો? મળતો નહીં, તેઓ ઊભો કરતા. ચાલુ મુસાફરીમાં કે ઉતારે બેઠાં જયારે તમામ મિટિંગો, મુલાકાતો, પત્રવ્યવહાર આટોપાઈ જતાં ત્યારે નંબર લાગતો આ સાહિત્ય વાંચનનો. અને જો સમય ન જ મળે તો તેઓ રાતે ઉજાગરા કરીને પણ વાંચન અવશ્ય કરી લેતા. એમની વાંચનની લગની બોર્ડમાં નંબર લાવવા ઇચ્છતા વિદ્યાર્થીને પણ પાછો પડે એવી હતી. વિચાર કરો, “સમય નથી મળતો”- જેવાં ફાલતુ બહાનાં કાઢતાં રહેતાં આપણે એમની સામે કેવાં વામણાં લાગીએ!
મુંબઈમાં દાંતના પાંચ એક્સરે પાડવાના હતા ત્યારે વારાફરતી મોંમાં પ્લેટ મૂકાય એની વચ્ચે પણ પ્રમુખસ્વામીને પત્રો વાંચતાં જોયા છે. હવાઈ મુસાફરીમાં એમની સીટ તૈયાર થતી હોય એ વખતે એમને ઊભાં ઊભાં પત્રો વાંચતાં જોયા છે. ગોંડલમાં ચાલતાં ચાલતાં પત્રો વાંચતાં જોયા છે. બોચાસણમાં બિમારીમાં નાસ લેતી વખતે પત્રો સાંભળતાં જોયા છે. જમતાં જમતાં સત્સંગપ્રવૃત્તિનો અહેવાલ સાંભળતાં જોયા છે. પથારીમાં સુવાડી દીધા બાદ ફોન ઉપર ભુજ અને લાતુરના ભૂકંપ પછીના કે ઓરિસ્સાની સુનામી પછીના રાહતકાર્યનું માર્ગદર્શન આપતાં જોયા છે. આ કર્મયોગીએ હિમાલયમાં જઈને તપ કરવાને બદલે જીવનની ક્ષણેક્ષણને નીચોવી નાખીને લોકસેવામાં સમર્પિત કરવા રૂપી સાધના કરી જાણી છે.
સમયનો યથાર્થ ઉપયોગ થાય એથી વધુ મોટું સન્માન સમયને આપી પણ શું શકાય? પ્રમુખસ્વામી મહારાજ જેવા યુગપુરુષો સેકન્ડે સેકન્ડને આવું સન્માન આપીને આવનારો સમય આવે એ પહેલાં સમયની રેત ઉપર પોતાનાં પગલાં પાડી ગયાં છે, કાળની ધૂળ ધૂળધાણી થઇ જાય એ પહેલાં એમાં સંસ્કારોનું ઉપવન ખીલવી ગયા છે.