Essays Archives

અક્ષરબ્રહ્મનાં આ સ્વરૂપોને સનાતન શાસ્ત્રોના સંદર્ભો દ્વારા સમજીએ.

૧.  અક્ષરબ્રહ્મ - ચિદાકાશરૂપે

દિવ્ય ચૈતન્યમય આકાશ એટલે ચિદાકાશ. આકાશની જેમ વ્યાપક હોવાથી અક્ષરબ્રહ્મને 'ચિદાકાશ' સંજ્ઞા આપવામાં આવી છે. અક્ષરબ્રહ્મ આવા ચિદાકાશરૂપે સકળ વિશ્વનું કારણ, સકળ વિશ્વમાં વ્યાપક અને સકળ વિશ્વનો આધાર છે.

અક્ષરબ્રહ્મ સકળ વિશ્વનું કારણ

‘अक्षरात् सम्भवतीह विश्वम्।’ (મુંડક ઉપનિષદ, ૧/૧/૭) 'સમગ્ર વિશ્વ અક્ષરબ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે.' અક્ષરબ્રહ્મનો આ અદકેરો મહિમા છે. જોકે પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ જ સ્વતંત્રપણે સકળ વિશ્વના કારણ છે - એ સનાતન સિદ્ધાંત છે. પરંતુ એ જ પરબ્રહ્મની નિત્ય ઇચ્છાથી અક્ષરબ્રહ્મ પણ પરબ્રહ્મને આધીન વર્તતા થકા સમગ્ર વિશ્વનું કારણ બને છે એ પણ સનાતન સિદ્ધાંત છે. તેથી જ અક્ષરબ્રહ્મની આ જગત્કારણતાને ઉપનિષદોમાં જુદાજુદાં દૃષ્ટાંતો દ્વારા વારંવાર સમજાવી છે.
મુંડક ઉપનિષદમાં શિષ્ય શૌનકને ઉપદેશ આપી રહેલ ગુરુ અંગિરા મહર્ષિના આ શબ્દો છે. અહીં ત્રણ લૌકિક દૃષ્ટાંતો દ્વારા ઉપરોક્ત સિદ્ધાંત સમજાવ્યો છે. અંગિરા કહે છેઃ ‘यथोर्णनाभिः सृजते गृह्णते च यथा पृथिव्यामोषघयः सम्भवन्ति यथा सतः पुरुषात् केशलोमानि तथाऽक्षरात् सम्भवतीह विश्वम्॥’ (મુંડક ઉપનિષદ, ૧/૧/૭)
પ્રથમ દૃષ્ટાંત છે ઊર્ણનાભિનું અર્થાત્ કરોળિયાનું. 'હે શિષ્ય! જેમ ઊર્ણનાભિ, કહેતાં કરોળિયો પોતાની લાળમાંથી તંતુઓ ઉત્પન્ન કરી જાળું રચે અને ઇચ્છા થતાં એને પાછુ _ ગળી જાય તેમ અક્ષરમાંથી આ વિશ્વ ઉત્પન્ન થાય છે.'
બીજું દૃષ્ટાંત છે પૃથ્વી પર ઊગી નીકળતી ઔષધિ-વનસ્પતિઓનું. જેમ આ ભૂમિમાં અનેક ઔષધિઓ-વનસ્પતિઓ પોતપોતાનાં બીજ અનુસાર ઉત્પન્ન થાય છે, તેમ અક્ષરમાંથી આ વિશ્વ ઉત્પન્ન થાય છે.
ત્રીજું ઉદાહરણ છે શરીર પર ઊગતા રોમનું - વાળનું. જેમ શરીર ઉપર સહેજે સહેજે વાળ, નખ વગેરે ઊગી નીકળે છે તેમ અક્ષર વિશ્વનું નિર્માણ કરી દે છે.
આમ, ત્રણ દૃષ્ટાંતો દ્વારા પુરુષોત્તમના દિવ્ય સંકલ્પને ઝ íલીને અક્ષર પણ કઈ રીતે સૃષ્ટિનું કારણ બને છે તે સમજાવ્યું. હવે ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિનો પ્રલય પણ અક્ષરમાં થાય છે તે સમજાવે છે ‘अक्षराद् विविघाः सोम्य भावाः प्रजायन्ते तत्र चैवाऽपियन्ति’ (મુંડક ઉપનિષદ, ૨/૧/૧) 'હે સોમ્ય! આ અક્ષરમાંથી વિવિધતા સભર ભાવાત્મક પદાર્થો સૃષ્ટિરૂપે ઉત્પન્ન થાય છે અને અંતે પ્રલયકાળે તે અક્ષરના જ એક દેશમાં પાછા લીન થઈ જાય છે.' તેથી જ તો ભગવદ્ગીતાના તેરમા અધ્યાયમાં આ અક્ષરબ્રહ્મને ‘ग्रसिष्णु प्रभविष्णु च’ (ગીતા, ૧૩/૧૬) અર્થાત્ સકળ જગતની ઉત્પત્તિ કરનાર અને પ્રલય કરનાર કહ્યા છે.

અક્ષરબ્રહ્મ વિશ્વવ્યાપક

આપણાં સનાતન શાસ્ત્રો અક્ષરબ્રહ્મનો સર્વવ્યાપક તરીકે પણ મહિમા ગાય છે. ‘ब्रह्मैवेदममृतं पुरस्ताद् ब्रह्म पश्र्चाद् ब्रह्म दक्षिणतश्र्चोत्तरेण। अघश्र्चोर्ध्वं च प्रसृतं ब्रह्मैव।’ (મુંડક ઉપનિષદ, ૨/૨/૧૧) 'ખરેખર! આપણા  સર્વની આગળ આ અમૃતમય અવિનાશી અક્ષરબ્રહ્મ છે. પાછળ અક્ષરબ્રહ્મ છે. દક્ષિણે અને ઉત્તરે પણ અક્ષરબ્રહ્મ છે. અને ઉપર નીચે બધે જ અક્ષરબ્રહ્મ છે.' આ વાક્યો અથર્વવેદમાં સમાયેલાં, મુંડક ઉપનિષદના મહર્ષિ અંગિરાનાં છે. અને એટલે જ શુક્લયજુર્વેદની સંહિતાના અંતિમ અધ્યાયરૂપે પ્રાપ્ત થતા ઈશાવાસ્ય ઉપનિષદમાં પરબ્રહ્મની સાથે સાથે આ અક્ષરબ્રહ્મની વ્યાપકતાનો પણ ઉદ્ઘોષ કરવામાં આવ્યો છે. જેમ કે ‘तद् दूरे तद् वन्तिके। तदन्तरस्य सर्वस्य तदुसर्वस्य बाह्यतः॥’ (ઈશાવાસ્ય ઉપનિષદ, ૫) 'તે અતિ દૂર પણ છે અને તે અત્યંત સમીપ પણ છે. તે બધાની અંદર પણ છે અને બહાર પણ છે.'
ઈશાવાસ્ય ઉપનિષદનો આ ભાવ જ ગીતામાં આ રીતે ઘૂંટાયો છેઃ ‘बहिरन्तश्र्च भूतानामचरं चरमेव च। सूक्ष्मत्वात् तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत्॥’ (ભગવદ્ગીતા, ૧૩/૧૫), ‘तस्माद् सर्वगतं ब्रह्म’ (ભગવદ્ગીતા, ૩/૧૫) 'અક્ષરબ્રહ્મ સર્વગત છે. સર્વમાં વ્યાપ્ત છે.' ‘ब्रह्माणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम्। ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाघिना॥’ (ભગવદ્ગીતા, ૪/૨૪) 'યજ્ઞમાં યજ્ઞદ્રવ્યોને અર્પણ કરવાનું સાધન ‘सृव’ (સરવો) આદિ અક્ષરબ્રહ્મમય છે. હવન કરવામાં આવતાં ઘી-તેલ, જવ, ડાંગર વગેરે દ્રવ્યો પણ અક્ષરબ્રહ્મમય છે. અગ્નિ પણ અક્ષરબ્રહ્મમય છે. અને હોમનાર પણ અક્ષરબ્રહ્મમય છે. આ રીતે બ્રહ્મમયતાથી રસબસ થયેલાં કર્મો કરનાર પુરુષનું પરમ ગંતવ્ય સ્થાન પણ અક્ષરબ્રહ્મ છે.'
આ જ વાતનો સંગ્રહ મહર્ષિ વ્યાસજીએ ‘सर्वत्राघिकरणम्’ (બ્રહ્મસૂત્ર, ૧/૨/૧) નામનું પેટાપ્રકરણ રચીને કર્યો છે.
અક્ષરબ્રહ્મની વ્યાપકતાની વાત કરીએ ત્યારે ઉપનિષદમાં વર્ણવેલી 'દહરવિદ્યા'ને અવશ્ય યાદ કરવી ઘટે. દહરવિદ્યા એટલે છાંદોગ્ય ઉપનિષદના આઠમા અધ્યાયમાં વર્ણવેલાં અક્ષરબ્રહ્મના વ્યપાકસ્વરૂપની વિશેષ રીતે આપેલી સમજણ! આ વિદ્યા અક્ષરબ્રહ્મની વિશ્વવ્યાપિતાને આપણા સૌનાં હૃદય સાથે એકરસ કરી આપે છે. ત્યાં કહ્યું, ‘अथ यदिदमस्मिन् ब्रह्मपुरे दहरं पुण्डरीकं वेश्म दहरोऽस्मिन्नन्तराकाशः’ (છાંદોગ્ય ઉપનિષદ, ૮/૧/૧) દહર એટલે સૂક્ષ્મ. સર્વ મનુષ્યોનાં શરીરમાં જે હૃદય છે તેને અહીં કમળની ઉપમા આપી છે. આ સૂક્ષ્મ હૃદયરૂપી કમળમાં પણ અંદર એક સૂક્ષ્મ આકાશ છે. જેને આ ઉપનિષદમાં 'દહરાકાશ' કહેવામાં આવે છે. આ દહરાકાશ એ જ ચિદાકાશરૂપી અક્ષરબ્રહ્મ. તે આપણાં સૌનાં હૃદયમાં પણ વ્યાપી રહેલું છે. આ રીતે અક્ષરબ્રહ્મનો આપણી સાથે એક વિશિષ્ટ સંબંધ પણ છે. આ રીતે દહરાકાશરૂપે એટલે કે આપણા હૃદયમાં રહેલ ચિદાકાશરૂપે અક્ષરબ્રહ્મના વ્યાપક સ્વરૂપનો અહીં ઉપદેશ થયો હોવાથી આને 'દહરવિદ્યા' કહેવામાં આવે છે.
આ દહરવિદ્યાને લક્ષમાં રાખીને જ મહર્ષિ વ્યાસજીએ બ્રહ્મસૂત્રોમાં ‘दहराघिकरणम्’ નામનું એક પેટાપ્રકરણ લખ્યું છે. અને તેમાં સર્વવ્યાપક એવા અક્ષરબ્રહ્મની આ દહરાકાશરૂપે સર્વના હૃદયકમળમાં વ્યાપવાની વિશેષતાને નિરૂપી છે.
આથી જ પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું, 'આવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે અને બ્રહ્માંડની માંહી પણ છે. અને એવો જે એ સર્વાધાર આકાશ (ચિદાકાશરૂપી અક્ષરબ્રહ્મ) છે તેને આકારે જેની દૃષ્ટિ વર્તતી હોય તેને દહરવિદ્યા કહીએ. અને ઘણીક પ્રકારની બ્રહ્મવિદ્યા કહી છે તે માંહેલી એ પણ એક બ્રહ્મવિદ્યા છે.' (વચનામૃત ગઢડા પ્રકરણ, ૪૬)
આ રીતે ચિદાકાશરૂપે અનંતકોટિ બ્રહ્માંડોમાં વ્યાપવાનું અક્ષરબ્રહ્મનું સામર્થ્ય છે તે જાણ્યું હવે એમનો બીજો મહિમા જાણીએ.

અક્ષરબ્રહ્મ સર્વાધાર

અક્ષરબ્રહ્મ જેમ સર્વવ્યાપી છે તેમ સકળ સૃષ્ટિનો આધાર પણ છે. એમ આપણાં સનાતન શાસ્ત્રો કહે છે. કઠ ઉપનિષદમાં બાળ નચિકેતાને યમરાજાએ બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો છે. તેમાં તેઓએ અક્ષરબ્રહ્મના આ સર્વાધારપણાને ખૂબ જ સ્પષ્ટતાથી સમજાવ્યું છે. નચિકેતાને યમ કહે છે કે, ‘तद् ब्रह्म तदेवामृतमुत्व्यते। तस्मिंल्लोकाः श्रिताः सर्वे तदु नात्येति कश्र्चन।’ (કઠ ઉપનિષદ, ૫/૮) 'હે નચિકેતા! આ અક્ષરબ્રહ્મ અવિનાશી કહેવાય છે. આ બધા અનંતકોટિ બ્રહ્માંડોરૂપી લોક, તે અક્ષરબ્રહ્મના આધારે રહ્યા છે. તેથી અનંતકોટિ બ્રહ્માંડોમાં કોઈ એવું નથી કે જે આ અક્ષરબ્રહ્મને ઓળંગી શકે.'
આવી જ કાંઈક વાત છાંદોગ્ય ઉપનિષદમાં પણ સંભળાય છેઃ ‘उभे अस्मिन् द्यावापृथिवी अन्तरेव समाहिते’ (છાંદોગ્ય ઉપનિષદ, ૮/૧/૩) 'આ દ્યુલોક કે પૃથિવીલોક વગેરે જે કાંઈ છે તે આ અક્ષરબ્રહ્મમાં સમાયેલું છે.' વળી, મુંડક ઉપનિષદમાં આ જ વાત દોહરાવાઈ છે. ત્યાં કહ્યું, ‘यस्मिंल्लोका निहिता लोकिनश्र्च तदेतदक्षरं ब्रह्म।’ (મુંડક ઉપનિષદ, ૨/૨/૨), ‘यस्मिन् द्यौः पृथिवी चान्तरिक्षमोतम्’ (મુંડક ઉપનિષદ, ૨/૨/૪) 'દ્યુલોક, પૃથિવીલોક, અન્તરિક્ષલોક વગેરે લોક અને તેના અધિપતિઓ સર્વે જેના આધારે રહ્યા છે તેવું આ અક્ષરબ્રહ્મ છે.'
આ અંગે ગીતા કહે છે, ‘सर्वभृत्व्चैव’ (ભગવદ્ગીતા, ૧૩/૧૪) 'અક્ષરબ્રહ્મ સર્વને ધારણ કરનાર છે.' ‘भूतभतृ च’ (ભગવદ્ગીતા, ૧૩/૧૭) 'સકળ જીવપ્રાણીમાત્રનું ધારણ-પોષણ કરનાર છે.'
આ રીતે વિવિધ ઉપનિષદો અને ગીતામાં સકળ વિશ્વના આધાર તરીકે ગવાયેલા અક્ષરબ્રહ્મની દિવ્ય કીર્તિને વેદવ્યાસજીએ પણ બ્રહ્મસૂત્રમાં સંગ્રથિત કરી. ‘द्युभ्वाघिकरणम्’ નામના પેટા પ્રકરણમાં તેમણે અક્ષરબ્રહ્મના આ સર્વાધારપણાને પ્રસિદ્ધ કર્યું છે. सूत्रम् - ‘द्युभ्वाद्यायतनं स्वशब्दात्’ (બ્રહ્મસૂત્ર, ૧/૩/૧)
આ રીતે અક્ષરબ્રહ્મની જગતકારણતા, વ્યાપકતા, સર્વાધારતા વિષે આપણા સનાતન ગ્રંથોમાં ઘણું ઘણું કહેવાયું છે. આ બધાંય વચનોનો જાણે સાર આપણી સમક્ષ ઉદ્ઘાટિત કરતા હોય તેમ પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાને કહ્યું, 'હવે જે બ્રહ્મજ્ઞાનનો માર્ગ છે તેમાં તો એમ સમજવું જે, 'જે બ્રહ્મ છે તે તો નિર્વિકાર છે ને નિરંશ છે, માટે એ વિકારને પામે નહીં ને એના અંશ પણ થાય નહીં.' એ બ્રહ્મ જે તે પ્રકૃતિપુરુષ આદિક સર્વેના કારણ છે ને આધાર છે ને સર્વને વિષે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે. અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે, એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી. એવી રીતે સમજે ત્યારે બ્રહ્મજ્ઞાન છે તે પણ પરમ પદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે.' (વચનામૃત ગ.મ. પ્રકરણ ૩)
આ રીતે અક્ષરબ્રહ્મને ચિદાકાશરૂપે જણાય. હવે એ જ અક્ષરબ્રહ્મના અન્ય સ્વરૂપને જાણીએ.


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS