એકબીજાને સમજતાં શીખીએ તો જ એકબીજાની વેદના સમજી શકીશું
બહુધા વ્યક્તિ શું કરે છે કે બીજાને સાંભળ્યા વગર જ પોતાની વાત રજૂ કરી દેતા હોય છે અને તેને કારણે ક્યારેક સ્થિતિ વણસી જાય છે. માટે પહેલાં પૂરેપૂરું સાંભળતાં શીખો. ક્યારેક આપણે સાંભળવાનું પણ ચૂકી જઈને, બેધ્યાન થઈ જઈએ છીએ ત્યારે તો જે સ્થિતિ હોય તેના કરતાં પણ બગડે છે.
એક માણસે બહુ મોટી પાર્ટી રાખી હતી. તેમાં મોટા માણસોને આમંત્રિત કર્યા હતા. તેઓ પાર્ટીમાં બધાને આવકાર આપતાં એકની એક જ વાત કરતા હતા કે – ‘Thank you very much’. છેલ્લા એક કલાકથી આ જ રીતે બધાને આવકારવામાં તેમને આ વાક્ય જાણે મનમાં ગોખાઈ ગયું એટલે જે કોઈપણ આવે તેને કહે કે ‘Thank you very much’.
એવામાં એક વ્યક્તિએ આ યજમાનની પરીક્ષા લેવા માટે તેમને કહ્યું કે – ‘I have just murdered your mother-in-law.’ (હું હમણાં જ તમારાં સાસુની હત્યા કરીને આવ્યો છું.) તોપણ પેલી વ્યક્તિએ તો બેધ્યાનપણે જ સ્ટિરિયોટાઇપ એક જ જવાબ આપ્યો કે ‘Thank you very much’.
એટલે કે બેધ્યાનપણું હોય તોપણ બાજી બગડે અને કોઈને બરાબર ન સાંભળીને વચ્ચે બોલો ત્યારે પણ બાજી બગડે છે, માટે કોઈને ધ્યાનપૂર્વક સાંભળ્યા વગર તમે કોઈને સમજી શકશો નહીં.
હવે તમને અમદાવાદનો જ એક પ્રસંગ કહું છું. એક વાર એક ફોન આવ્યો, એક વૃદ્ધ ભાઈનો તે ફોન હતો. તેમણે કહ્યું કે મારો દીકરો છે, તે મારું કંઈ સાંભળતો જ નથી. તેને પાઠ ભણાવવા ગમે તે રીતે તેને જેલમાં મોકલી દો. મેં તે વડીલને કહ્યું કે તમે મને શાંતિથી એક વાર આવીને મળો અને પછી આપણે કંઈક વિચારીએ. એટલે મેં તેમને રવિવારે બોલાવ્યા.
આ જ રીતે નાના-મોટા સંતોની પાસે પણ પ્રશ્નો આવતા હોય છે અને તેઓ મધ્યસ્થી બનીને માર્ગદર્શન આપે છે, જેથી હરિભક્તોનાં જીવનમાં શાંતિ સર્જાય અને તેઓ સુખી થાય.
આ જ અરસામાં એક યુવાનનો પણ મને ફોન આવ્યો કે સ્વામી! મારા પિતા કોઈ વાતમાં સમજતા જ નથી, માટે ગમે તે રીતે મારા પિતાને સમજાવો કે તે ઘરડાઘરમાં જાય.’ મેં તે યુવાનને પણ રવિવારનો સમય આપ્યો.
રવિવારે સવારની આરતી પછી હું રાહ જોતો હતો કે એક વડીલ આવશે અને એક યુવાન આવશે. બે જુદા-જુદા લોકો હતા અને બે જુદા-જુદા પ્રશ્ન હતા. મારા આશ્ચર્યની વચ્ચે તે બંને પિતા-પુત્ર નીકળ્યા અને પિતા આગ્રહ રાખે કે મારો પુત્ર જેલમાં જાય અને પુત્ર આગ્રહ રાખે કે મારા પિતા ઘરડાઘરમાં જાય.
હું તો ચોંકી જ ગયો, પણ મેં કહ્યું કે ‘ભાઈસાબ! તમે ધીરજ રાખો, આ સ્થિતિમાં હું આમાં કંઈ કરી શકું તેમ નથી, પણ હું પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને આ ઘટનાની જાણ કરીશ.’
હવે આટલું બોલ્યા પછી તે બંને એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા અને નક્કી કર્યું કે હવે આપણે એક જ રિક્ષામાં ઘરે જઈએ. બોલો પાકા અમદાવાદી કહેવાય ને! આવ્યા હતા, અલગ-અલગ રિક્ષામાં! વેર-ઝેર છતાં પૈસા બચાવવા એક રિક્ષામાં ગયા!
પછી જ્યારે મેં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને આ વાત કરી ત્યારે તેમણે કહ્યું કે ‘એક સાંભળતા નથી અને એક સમજતા નથી. તે બંનેને સમજાવો કે જ્યાં-જ્યાં એકબીજાને મોકલવા છે ત્યાં એક-એક મહિનો રહી આવો, પછી તેમને જ્યાં જવું છે ત્યાં મોકલીશું.’ પછી તેમને આ વાત કરી તો તેમણે ઝઘડો મૂકી દીધો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે એકબીજાને સાંભળતાં શીખીએ, એકબીજાને સમજતાં શીખીએ તો જ એકબીજાની વેદના સમજી શકીશું. માટે જ સંતના વચનથી અને સત્સંગથી આવાં વેર-ઝેર પણ શમે છે.
Understand each other. સમજી શકો એ પ્રેમની તાકાત છે. આપણે તો કોઈકનો અવાજ સમજી શકતા નથી. પ્રમુખસ્વામી મહારાજ કહે છે કે ‘Understand the silence of the soul.’ (તમે આત્માનું મૌન સમજો)
વર્ષ-૧૯૮૮નો પ્રસંગ છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અમેરિકાના ન્યૂયોર્કમાં બિરાજમાન હતા. એક નાનો બાળક, યોગી ત્રિવેદી પાંચ વર્ષનો હતો. તે પ્રમુખસ્વામી મહારાજની હાજરીમાં એક પ્રસંગ કહેતો હતો ત્યારે અચાનક પ્રમુખસ્વામી મહારાજને એક ફોન આવ્યો અને તેઓ ફોન ઉપર વાત કરવા લાગ્યા. ત્યારે તે બાળક પ્રસંગ કહેતાં-કહેતાં બંધ થઈ ગયો અને બીજા રૂમમાં ચાલ્યો ગયો. પછી પ્રમુખસ્વામી મહારાજ શોધવા લાગ્યા કે તે બાળક ક્યાં ગયો? સંતો તે બાળકને બોલાવીને આવ્યા અને સંતોએ કહ્યું કે કેમ તું પ્રસંગ નથી બોલતો? બાળક બાહોશ હતો. તેણે કહ્યું કે કોઈ મારું સાંભળતું નથી તો હું કેમ બોલું? હવે કોઈ કંઈ પૂછે તે પહેલાં જ પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે યોગી! સોરી, તું પ્રસંગ બોલ. બાળકના મૌનને પણ પ્રમુખસ્વામી મહારાજ સાંભળે છે, સમજે છે અને તેને પૂર્ણ પ્રતિસાદ આપે છે.
બીજો પ્રસંગ છે, સારંગપુર તીર્થનો. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ મંદિરમાં પ્રદક્ષિણા કરતા હતા ત્યારે તેઓ રંગમંડપમાં હતા. ત્રણ વૃદ્ધો અંદરોઅંદર એક ખૂણામાં બેસીને વાત કરતા હતા. પ્રમુખસ્વામી મહારાજે મૂંઝાતા તે ત્રણ વૃદ્ધોને જોઈને કહ્યું કે તમે ચિંતા કરતા નહીં. મને પણ પચતું નથી. મને પણ શરીર દુ:ખે છે. ઘણીવાર મને પણ રાત્રિના ઊંઘ આવતી નથી. આ સર્વે વૃદ્ધાવસ્થાના ભાવ છે, માટે ભગવાન સારું કરશે. પેલા ત્રણેયના પ્રશ્નો શમી ગયા. તેઓ રાજી થઈ થયા. પ્રમુખસ્વામી મહારાજને પગે લાગીને નીકળી ગયા.
આ જ વિશેષતા છે કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ક્યારેય કોઈને ઉપદેશ આપતા નહોતા, પરંતુ તેઓ વ્યક્તિના અંતરને સમજતા હતા. આપણે આપણા કેફમાં સ્થિતિ, પરિસ્થિતિ ભૂલી જઈએ છીએ, પરંતુ તેઓ તો વ્યક્તિના અંતરાત્માને પણ સમજી શકતા હતા.
આમ, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહે છે કે તમે બીજાને સાંભળતાં શીખો, બીજાને સમજતાં શીખો. ચાલો આપણે પણ બીજાને સમજતાં શીખીએ.