બ્રહ્મસ્વરૂપ ગુરુનું ધ્યાન - ॐ इत्येवं ध्यायथ
ગુરુનું ધ્યાન કરાય? એ પ્રશ્નનો અહીં ખુલાસો થઈ જશે. અંગિરા મુનિ કહે છે કે ગુરુ સાથે જોડાવાનું ઉત્તમ સાધન છે તેમનું ધ્યાન. તેમના અમાયિક, દિવ્ય સ્વરૂપનું ચિંતવન-મનન. આને જ મનન દ્વારા બ્રહ્મનો પ્રસંગ કર્યો કહેવાય. ‘ॐ इत्येवं ध्यायथाऽऽत्मानं स्वस्ति वः पाराय तमसः परस्तात्’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૬) શૌનક! જો આપણે માયાના ઘોર અંધકારની પેલી પાર જવું હોય તો એ માયાને જે સદાય પાર પામેલા જ છે તેવા ૐ કહેતાં બ્રહ્મસ્વરૂપ ગુરુનું કે જે આપણા સૌના આત્મા છે, તેમનું ‘ध्यायथ’ ધ્યાન કરો.
આ વાક્યમાં બીજો પણ એક ગૂઢાર્થ સમાયો છે કે ‘आत्मानम्’ એટલે કે પોતાના આત્માને, ‘ॐ इत्येवम्’ ૐ અર્થાત્ અક્ષરબ્રહ્મરૂપે, ‘ध्यायथ’ એટલે કે ચિંતવો. હું અક્ષર છુ , હું બ્રહ્મ છુ , એમ અક્ષરબ્રહ્મ સાથે એકતા કરીને પોતાના આત્માનું અનુસંધાન કરવું.
આમ, અંગિરા મહર્ષિએ અહીં ધ્યાન-ચિંતવન-મનન દ્વારા અક્ષરબ્રહ્મનો પ્રસંગ કરવાનો તથા પોતાના આત્માનું એ અક્ષરબ્રહ્મરૂપે અનુસંધાન કરવાનો આદેશ આપ્યો.
આ રીતે અત્યાર સુધી પરાવિદ્યા કે બ્રહ્મવિદ્યા પામવા માટે, એટલે કે બ્રહ્મ અને પરબ્રહ્મને તત્ત્વે કરીને જાણવા માટે બ્રહ્મસ્વરૂપ ગુરુ સાથે આપણો સંબંધ કેવો હોવો જોઈએ તે સમજાવ્યું.
હવે આ રીતે બ્રહ્મસ્વરૂપ ગુરુહરિનો દૃઢ પ્રસંગ કરી જે મુમુક્ષુ બ્રહ્મવિદ્યાને પ્રાપ્ત કરે, કહેતાં અક્ષરને તથા પુરુષોત્તમને યથાર્થપણે જાણે તો તેને કેવાં દિવ્ય ફળો મળે તે જણાવે છે.
બ્રહ્મવિદ્યાનાં દિવ્ય ફળ
પોતે બ્રહ્મરૂપ થાય - ब्रह्मैव भवति
‘ब्रह्म वेद ब्रह्मैव भवति’ (મુંડક ઉપનિષદ-૩/૨/૯) બ્રહ્મવિદ્યા આત્મસાત્ કરવા ઇચ્છનાર મુમુક્ષુ જ્યારે આ ઉપનિષદમાં દર્શાવેલી પદ્ધતિ પ્રમાણે ‘ब्रह्म’ અર્થાત્ અક્ષરબ્રહ્મને ‘वेद’ અર્થાત્ જાણે તો એ જાણનાર આત્મા પણ ‘ब्रह्मैव भवति’ અક્ષરરૂપ થઈ જ જાય. હવે તેને માટે પરબ્રહ્મની ભક્તિ-ઉપાસના નિર્વિઘ્ન બની ગઈ. વળી, આવા બ્રહ્મરૂપ ભક્તને પરબ્રહ્મનાં દર્શનની લહાણ પણ થાય છે તે વાત હવે કહે છે.
આનંદરૂપ પરમાત્માનાં દર્શન - परिपश्यन्ति घीरा आनन्दरूपम्
‘तद्विज्ञानेन परिपश्यन्ति घीरा आनन्दरूपममृतं यद् विभाति’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૭) ‘तद्विज्ञानेन’ એ શબ્દનો પૂર્વસંદર્ભને આધારે એવો અર્થ થાય છે કે તે અક્ષરબ્રહ્મના વિજ્ઞાનથી અર્થાત્ એ અક્ષરબ્રહ્મને સારી રીતે જાણવાથી એટલે કે બ્રહ્મરૂપ થવાથી ધીર પુરુષો આનંદસ્વરૂપ અમૃતમય પરમાત્માને જુએ છે.
જીવતાં મુક્તિનો અહેસાસ - भिद्यते हृदयग्रन्थिः
હવે જે ભક્ત બ્રહ્મરૂપ થઈ અક્ષરાધિપતિ પરબ્રહ્મનો સાક્ષાત્કાર પામે તેને જીવતાં જ કેવો લાભ થાય તે જણાવતાં અંગિરા મુનિ કહે છે, ‘भिद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्वसंशयाः। क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे॥’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૮) ‘परावरे’ શબ્દ અહીં પરમાત્મા માટે વપરાયો છે. જીવ, ઈશ્વર અને માયા વગેરેથી 'પર' એવું અક્ષરબ્રહ્મ પણ જેમનાથી 'અવર' કહેતાં ન્યૂન છે, તેવા અક્ષરાધિપતિ પરબ્રહ્મનો જ્યારે સાક્ષાત્કાર થાય ત્યારે હૃદયની બધી જ વાસનામય ગ્રંથિઓ ભેદાઈ જાય. સંશયમાત્ર છેદાઈ જાય. અર્થાત્ પરમાત્માના સ્વરૂપનો નિર્વિકલ્પ નિશ્ચય થઈ જાય અને કર્મમાત્ર ભસ્મસાત્ થઈ જાય. કર્મના બંધનથી મુક્ત થઈ જાય.
આવી જ વાત દોહરાવતાં અંગિરાજીએ ફરી કહ્યું કે, હે શૌનક! આ રીતે બ્રહ્મવિદ્યાને સારી રીતે આત્મસાત્ કરી કૃતકૃત્ય અને પૂર્ણકામ થયેલી વ્યક્તિને તો ‘इहैव सर्वे प्रविलीयन्ति कामाः’ (મુંડક ઉપનિષદ - ૩/૨/૨) ‘इहैव’ એટલે અહીં જ, આ દેહમાં જ, જીવતાં જ, ‘सर्वे कामाः’ અર્થાત્ બધી જ દુઃખદાયી લૌકિક કામનાઓ, ‘प्रविलीयन्ति’ એટલે નાશ પામી જાય છે. કહેતાં જીવતાં મુક્તિનો અહેસાસ કરવા લાગે છે.
બ્રહ્મવિદ્યાનો ભોગી આવો જીવનમુક્ત મૃત્યુ પછી વિદેહ-મુક્તિમાં એ જ દિવ્ય સુખમય ફળ પામે છે તે હવે કહે છે.