આપણને આંખે જોવાની તકલીફ હોય તો ચશ્માની જરૂર પડે. સારામાં સારા ચશ્મા હોય પરંતુ જરૂરી નંબરના ન હોય તો ક્યારેય સરખું દેખાવાનું નહીં. એવા કોઈ સર્વસાધારણ નંબરવાળા ચશ્મા છે, કે જે પહેરવાથી દરેકને કાયમ બધું સારું જ દેખાય?
એવા તો કોઈ ચશ્મા છે નહીં, કે જે આપણી દૃષ્ટિને બદલી શકે. પણ હા, આપણે આપણી દૃષ્ટિને ચોક્કસ બદલી શકીએ છીએ, એવી રીતે કે પછી ગમે તે ચશ્મામાંથી જોઈએ પણ આપણને બધું સારું જ દેખાય. મહાભારતકાળમાં આવા ચશ્માની શોધ તો નહોતી થઈ, પરંતુ યુધિષ્ઠિર અને દુર્યોધન બંને પાસે ચશ્મા હતા. દુર્યોધનને પૂછ્યું કે ‘દુનિયાના માણસો કેવા?‘ તો એ કહે ‘બધા જ ખરાબ છે. (પોતાના ૯૯ ભાઈઓ સહિત)‘ જ્યારે યુધિષ્ઠિર કહે ‘બધા સારા છે. (કૌરવો સહિત)‘ પ્રશ્ન દ્રષ્ટિનો હતો. સારું જોનારનું અંતર પણ સારું રહે છે.
કાયમ ગુણગ્રાહક દ્રષ્ટિના ચશ્મા પહેરી રાખનાર પ્રમુખસ્વામી જેવા સંતો બધે સારું જુએ છે અને બધાને સારું જ જોવાનો બોધ આપે છે. પ્રમુખસ્વામી ૨૦૦૮માં મુંબઈમાં હતા ત્યારે એક સંપ્રદાયના વડાની વાત નીકળી કે તેઓ જમતી વખતે પણ શિસ્તનો આગ્રહ રાખે છે. સ્વામીએ આ બાબતના વખાણ કર્યા. એવામાં કોઈ બોલ્યું ‘પરંતુ એ સભામાં મેકઅપ કરીને આવે છે.‘ સ્વામીએ તરત બોલનારને ટપાર્યા કે, ‘પણ એ ભજન કરાવે છે એટલું ગ્રહણ કરી લેવું. બીજું જોવાની જરૂર નહીં.‘ સ્વામીએ સમયસર આ ટકોર ન કરી હોત તો વાત ચોક્કસ પેલા મહાનુભાવના અવગુણ જોવા તરફ ખેંચાઈ ગઈ હોત.
તા. ૨૩-૯-૨૦૦૪ના દિવસે પ્રમુખસ્વામીને નૈરોબી શહેરનો ટ્રાફિક વીંધીને જવાનું હતું. આ માટે એમને ટ્રાફિક એસ્કોર્ટની પણ સગવડ આપવામાં આવી હતી. જો કે સખત ગિરદી અને અપૂરતા સાધનોને લીધે એસ્કોર્ટની ગાડી પ્રમુખસ્વામીને જલ્દીથી આગળ લઈ જઈ શકતી નહોતી. આ જોઈને એક વ્યક્તિએ બળાપો કાઢયો કે આ એસ્કોર્ટ નકામો છે. ત્યારે પ્રમુખ સ્વામી કહે કે ‘ના. એસ્કોર્ટનો ગુણ લો કે આપણને આ સારી ગાડીમાં વધારે સમય બેસવા માટેની તક આપે છે.‘ ગમે તે બાબત હોય પરંતુ પ્રમુખસ્વામીની દ્રષ્ટિ ગુણગ્રાહક જ રહેતી.
તા.૫-૧૨-૨૦૦૬, બોચાસણ. અમેરિકાના એક હરિભક્તે અમેરિકામાં એક મોટા મંદિરની પરવાનગી જલ્દી મળી જાય એ માટે પ્રમુખસ્વામીના આશીર્વાદ માગ્યા. એ વખતે એમના બોલવામાં સ્પષ્ટ સૂર વર્તાતો હતો કે સત્તાવાળાઓ પરવાનગી આપવામાં વાર લગાડે છે એ સારું કરતા નથી. ત્યારે પ્રમુખસ્વામીએ તેમને સમજણની વાત કરતાં કહ્યું ‘વહેલું થાય કે મોડું થાય, પણ આપણે તો લાભમાં જ છીએ. દિલ્હી અક્ષરધામની જ વાત કરોને. આપણને વર્ષો પહેલાં એક નાની એવી જમીન મળતી હતી. પછી એ ય ન મળી. પણ જો એ મળી ગઈ હોત તો આવું સારું વિશાળ મંદિર થાત? દેરું થઈને ઊભું રહેત. એટલે મોડું થાય છે એમાં પણ સારું થતું હશે.‘,
તા. ૭-૫-૧૯૭૭, પેટલાદ. અહીંના હરિમંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે નગર યાત્રાનું આયોજન થયું હતું. ભક્તોએ પ્રમુખસ્વામી માટે સફેદ ઘોડાની સુંદર બગીનું આયોજન કર્યું હતું. પરંતુ નગરયાત્રા શરૂ થઈ ત્યારે જ બગીના ઘોડા હઠે ભરાયા અને ત્યાં જ પગ ખોડીને ઊભા રહી ગયા. બગીવાળો ઘોડાને ફટકારવા માંડ્યો પરંતુ પ્રમુખસ્વામીએ એને વાર્યો. પોતે ચાલતાં જ નગરયાત્રામાં જોડાવા તૈયાર થઈ ગયા. ત્યારે કોઈ કહે કે ‘સ્વામી, એ સારું ન લાગે.‘ ત્યારે સ્વામીએ સામું પૂછ્યું કે ‘આ સારું લાગે છે?‘ પેલા ભાઈ લાચાર થઈ ગયા કે, ‘સ્વામી શું કરીએ?‘ ત્યારે સ્વામીએ એક બીજી ઘોડાગાડીના સાદા ઘોડા બતાવીને કહ્યું કે ‘આ ઘોડા ન ચાલે?‘ આયોજકોને આવા સાધારણ દેખાતા ઘોડા બિલકુલ પસંદ ન પડ્યા, પણ ન છૂટકે એમણે એ ઘોડા જોડી દઈને નગરયાત્રા શરૂ કરી. ત્યારે કોઈ બોલ્યું ‘પેલા ઘોડા ચાલ્યા નહીં તો આ બીજા!‘ પણ સ્વામી કહે ‘એમ નહીં. પેલા સફેદ ઘોડાએ આ સાદા ઘોડાને લાભ અપાવ્યો એમ કહેવું.‘ આવી સામાન્ય બાબતોમાં પણ પ્રમુખસ્વામી ગુણ ગ્રહણ કરવાનું શીખવતા.
એક વ્યક્તિને કોણજાણે પ્રમુખસ્વામીનો અભાવ આવી ગયો અને એ એમનું ખૂબ ઘસાતું બોલવા લાગ્યા. પ્રમુખસ્વામીએ એમને ક્યારેય રોક્યા નહીં. વર્ષો પછી પેલા ભાઈને પોતાની ભૂલ સમજાઈ, ખૂબ પસ્તાવો થયો અને એમણે દિલથી પ્રમુખસ્વામીની માફી માંગતાં કહ્યું ‘મારા ગુના સામું જોશો માં !‘ ત્યારે પ્રમુખસ્વામી એમને કહેવા લાગ્યા ‘ અમને એ કશું દેખાતું જ નથી, એ કશું યાદ પણ આવતું નથી. અમને તો એટલું જ યાદ આવે છે કે તમે ગુરુ શાસ્ત્રીજી મહારાજની ખૂબ સેવા કરીને એમને રાજી કર્યા છે.‘ સ્વામીના ચશ્માથી જોઈએ તો વિરોધીઓ પણ સારાં જ લાગે.
એક એક વ્યક્તિ ગુણગ્રાહક દ્રષ્ટિના ચશ્મા પહેરી લે તો આખો સમાજ સારો જ દેખાશે. There is a silver lining around every cloud- દરેક કાળા વાદળની આસપાસ ચમકતી ધાર હોય છે. પ્રમુખસ્વામી જેવા સંત પાસેથી આપણે કાળાશ જોવાને બદલે આ ચમકતી ધાર જ જોવાનું શીખી લઈએ.