તા. ૧૪-૧૦-૧૯૯૬ - પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ વેલિંગ્ટન(ન્યૂઝીલેન્ડ)માં સત્સંગ-પ્રવાસમાં પધાર્યા હતા. ગોવિંદભાઈ પટેલનું મકાન સ્વામીશ્રીનું નિવાસસ્થાન. સાંજે હરિભક્તો સાથે મુલાકાત સંપન્ન થઈ ગઈ. પત્રવાંચન પણ પૂર્ણ થઈ ગયું. ઠંડી સખત હતી. સાયંસભા ૭-૦૦ કલાકે શરૂ થવાની હતી. સત્સંગસભાનું સ્થળ હતું : એવલન ઇન્ટરનેશનલ સ્કૂલ. નિવાસસ્થાનથી આ સ્કૂલમાં પહોંચતાં ત્રણ મિનિટ જ થાય, એટલી નજીક. હજી ૬-૩૦ વાગ્યા હતા. સ્વામીશ્રી કહે, 'ચાલો, સભામાં જઈએ.'
મેં કહ્યું, 'હજી સભાને વાર છે. સત્સંગસભાનો પ્રારંભ કરનારા સંતો પણ અત્યારે જ નીકળ્યા છે. હજી સભા શરૂ પણ નહીં થઈ હોય.' એમ કહી સભાકાર્યક્રમનું કાર્ડ પણ મેં દર્શાવ્યું.
'નવરા બેસી રહીએ, એના કરતાં દર્શન, ભજન થાય ને!' એમ કહી સ્વામીશ્રી સભામાં જવા નીકળ્યા.
સંતોએ આવીને અગમચેતીથી વહેલા સભા શરૂ કરી દીધી હતી. સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે વિશ્વસ્વરૂપ સ્વામી કીર્તન ગાતા હતા - 'કરોડો કરોડો વંદન ગુરુદેવનાં ચરણમાં...' મંચ પર સોફામાં બેસતા પહેલાં સ્વામીશ્રી ઊભા રહ્યા ને મને બોલાવીને કહે, 'સાત વાગ્યાનું કહેતો હતો ને?! જો, ભજન થાય છે કે નહીં? વહેલા આવીએ તો ભક્તિ થાય.'
તા. ૧૫મી ઑક્ટોબરના દિવસે પરમ પૂજ્ય સ્વામીશ્રી વેલિંગ્ટન(ન્યૂઝીલેન્ડ)થી સિડની(ઑસ્ટ્રેલિયા) જવાના હતા. તેથી સવારે સ્વામીશ્રીએ મને પૂછ્યું :
'આજે કેટલા વાગ્યે આપણી ફ્લાઈટ છે?'
'સાંજે પાંચ વાગ્યે.'
'ત્યાં કેટલા વાગ્યે પહોંચીશું ?'
'સાંજે પાંચ વાગ્યે.'
'સિડની કેટલા વાગ્યે પહોંચશું ? એમ પૂછુ છુ.'
'હા, પાંચ વાગ્યે જ.'
'કેમ એમ? ઊપડવાનો સમય અને પહોંચવાનો સમય એક જ?'
'હા. આમ તો આપણું ઉડ્ડયન ત્રણ કલાકનું છે. અને આ બંને શહેર વચ્ચે સમય તફાવત પણ ત્રણ કલાકનો છે, એટલે આપણે સિડની પહોંચીશું ત્યારે ત્યાં તો પાંચ જ વાગ્યા હશે.'
'આવું કેમ?' જાણે સ્વામીશ્રી અજાણ હોય તેમ પૂછ્યું.
'આપણે એલ.એ.(અમેરિકા)થી અહીં આવ્યા, ત્યારે ઇન્ટરનેશનલ ડેટલાઇન ઓળંગી હતી, તેમાં આપણે એક આખો દિવસ ગુમાવ્યો, ચોવીસ કલાક ગુમાવ્યા છે, તેનો હિસાબ બાકી છે, એટલે આ રીતે વળતર મેળવીશું.'
'લે, મોટો હીરાનો વેપારી હોય, એવી વાત કરે છે ! હિસાબ, વળતર ગુમાવ્યું...'
પછી કહે, 'આપણે ગુમાવ્યું છે શું? આપણે તો બધે જ ભક્તિ કરી છે, સત્સંગ કરાવ્યો છે. સૌ હરિભક્તોને રાજી કર્યા છે, મંદિરોમાં પ્રતિષ્ઠા, શિબિર કર્યાં છે - એમ ભજન કર્યું છે. ભજન ન કર્યું હોય તો ગુમાવ્યું કહેવાય.'
પરમ પૂજ્ય સ્વામીશ્રી સિડની(ઑસ્ટ્રેલિયા) પધાર્યા હતા. સંજયભાઈ મહેતાના આવાસમાં તેઓ વિરાજતા હતા. મુમુક્ષુ બ્રહ્મભટ્ટ (વડોદરાનો) નામનો કિશોર સ્વામીશ્રી પાસે આવીને બેઠો. સંતોએ પરિચય આપ્યો, 'સ્વામી, આ મુમુક્ષુ...'
સ્વામીશ્રી કહે, 'આ મુમુક્ષુ અને એના પિતા પણ મુમુક્ષુ. એના દાદાય મુમુક્ષુ, ઠેઠ ભગતજી મહારાજના વખતથી આ પરિવારમાં સત્સંગ છે.'
પછી બોલ્યા, 'આ મુમુક્ષુ. એના પિતા - સુભાષ, એના પિતા - ગોરધનભાઈ, એના પિતા - પ્રહ્લાદજી દાજી. એ દાજીભાઈને ભગતજી મહારાજનો સત્સંગ અને અક્ષરપુરુષોત્તમ મહારાજની નિષ્ઠા દૃઢ હતી.'
મુમુક્ષુ તેના પૂર્વજોની નામાવલિ સાંભળી અતિ પ્રસન્ન થઈ ગયો. 'મારી પાંચ પેઢીનાં નામ સ્વામીશ્રી જાણે છે?!' તે સ્વામીશ્રીનાં ચરણોમાં નમી પડ્યો. આત્મીયતા કેળવવાનીકેવી અનોખી રીત! અક્ષરપુરુષોત્તમ મહારાજ પારસમણિ છે, તેનો સંબંધ પામનારા સૌ કોઈ સુવર્ણરૂપ છે. આવા અણમોલ ભક્તોને સ્વામીશ્રી કેમ યાદ ન કરે? એમને ક્યારેય ભૂલે પણ કેવી રીતે?
તા. ૨૯-૧૦-૧૯૯૬ના રોજ પરમ પૂજ્ય સ્વામીશ્રી સાથે અમે સંતો પર્થ(ઑસ્ટ્રેલિયા)થી સિંગાપોર જવાના હતા. પર્થના વિમાનમથક પર પ્રતીક્ષાલયમાં અમે સૌ બેઠા હતા. વિમાનમાં બેસવા માટે બે ગ્રૂપમાં બોર્ડિંગ રાખવામાં આવ્યું હતું. સ્વામીશ્રી અને સાથે સેવક નિર્ભયસ્વરૂપ સ્વામી લિફટ દ્વારા વિમાનમાં બેસવાના હતા. અમે અન્ય સંતો પગથિયાંથી નીચે ઊતર્યા અને પગથિયાં દ્વારા વિમાનમાં પ્રવેશવાના હતા. અધિકારીઓએ મહાનુભાવ તરીકે સ્વામીશ્રીને પ્રથમ આમંત્ર્યા. લિફ્ટ દ્વારા સ્વામીશ્રી વિમાનમાં સિંગાપોર ઍરલાઇન્સના વિમાનમાં પ્રવેશ્યા ત્યારે વિમાનમાં કોઈ જ નહીં! અમે અન્ય સંતો હજુ વિમાનમાં પ્રવેશ્યા નહોતા અને હરિકૃષ્ણ મહારાજ (ઠાકોરજી) સંતો સાથે હતા. આથી વિમાનમાં પ્રવેશતાં જ સ્વામીશ્રી જરા ઉદાસ થઈ ગયા. ઠાકોરજી પહેલાં તેમને વિમાનમાં પ્રવેશ કરવો પડ્યો તે સ્વામીશ્રીને ન ગમ્યું. થોડી જ ક્ષણોમાં સંતોનું બોર્ડિંગ શરૂ થયું. સ્વામીશ્રી ક્યારનાય જાણે કોઈની આતુરતાથી રાહ જોતા બેઠા હતા. ઠાકોરજી પ્રિયવદન સ્વામીના હાથમાં હતા. તે વિમાનમાં પ્રવેશ્યા એટલે સ્વામીશ્રી એકદમ બોલી ઊઠ્યા, 'એય લાલા! ઠાકોરજીને જલદી અહીં પધરાવો.'
સીટના આર્મરેસ્ટ પર ઓશીકું રાખી તેમણે ઠાકોરજી પધરાવ્યા. જાણે ખૂબ મોટો અપરાધ થઈ ગયો હોય તેમ સ્વામીશ્રીએ હાથ જોડીને દાસભાવે ક્ષમાયાચના કરી, નિર્નિમિષ દૃષ્ટિએ દર્શન, પ્રાર્થના કરતા રહ્યા, પછી માળા ફેરવવા માંડ્યા.
'મોહનજીની મૂરતિ મારી આંખ્યુંના ચશમાં રે,
એ વિના મુને કાંઈ ન સૂઝે રાત ને દિનમાં રે;
હું જીવું છુ એને જોઈને એ છે પ્રાણ મારા દેહમાં રે,
રટું માળા એના નામની પડું પળે પળે પગમાં રે...'
સ્વામીશ્રી ભક્તિસાગર છે.
સમય થતાં અમે સૌ સંધ્યાઆરતી, અષ્ટક બોલ્યા. ધર્મયાત્રામાં નાનકડો હરિ (બકુલભાઈ મહેતાનો પુત્ર) સાથે હતો.
સ્વામીશ્રી કહે, 'વાણિયો યાદશક્તિવાળો છે. આરતી, અષ્ટક મોઢે બોલ્યો.'
'હું વાણિયો નથી.'
'તો?'
'હું સ્વામિનારાયણ છુ. તમે સ્વામિનારાયણ તો હું પણ સ્વામિનારાયણ.'
સ્વામીશ્રીએ હસતાં હસતાં સિદ્ધાંતવચન ઉચ્ચાર્યું, 'અમે ક્યાં સ્વામિનારાયણ છીએ? અમે તો સ્વામિનારાયણના દાસ છીએ.'
હજી થોડી ક્ષણ પૂર્વની એમની દાસત્વમુદ્રા અને અત્યારે દાસત્વવચનો હૃદયને આંદોલિત કરી ગયાં.