ભગવાન શ્રી રામચંદ્રજી બાણ ચડાવતા ત્યારે પ્રતિદ્વંદીનો પરાજય નિશ્ચિત થઈ જતો, કારણકે રામબાણ અચૂક રીતે નિશાન પાડતું. પરંતુ એ બાણ જ્યાં બન્યું હશે એ બનાવનારાં આપણને જડી જાય અને આપણે ત્યાંથી બાણ લઈ આવીએ તો આપણું નિશાન પાર પડે? સચિન તેંડુલકરનું બેટ જે ફેક્ટરીમાં બન્યું હતું ત્યાંથી આપણે બેટ લઈ આવીએ તો આપણે કેટલી સેન્ચ્યુરી ફટકારી શકીએ? કનૈયાલાલ મુનશીની પેનની દુકાનમાંથી આપણે પેન લઈ આવીએ તો આપણે કેટલી નવલકથાઓ લખી કાઢીએ?
પ્રશ્ન એ નથી કે સાધન કઈ ફેક્ટરીમાં બન્યું છે. જોવાનું એ છે કે એ સાધન કોના હાથમાં છે. રામચંદ્રજીનું બાણ ગમે ત્યાં બન્યું હોય તો પણ એ નિશાન વીંધવાનું જ હતું, કારણ કે એ બાણની સફળતાનો આધાર એના બનાવનારાં નહોતાં, પણ રામચંદ્રજી પોતે હતા. રામબાણની ખરેખરી ફેક્ટરી તો એમનું લક્ષ્યકેન્દ્રિત મન હતું, જ્યાંથી સફળતાનાં તીર છૂટતાં હતાં.
આજથી એક સૈકા પહેલાં છ ગુજરાતી ચોપડી ભણેલા પ્રમુખસ્વામી મહારાજ રામબાણની માફક અનેક કાર્યોની સફળતાનાં નિશાન કઈ રીતે વીંધી શક્યા હશે? એમના રામબાણની ફેક્ટરી હતી એમની ધ્યેયનિષ્ઠતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે પોતાના મનને એક જ લક્ષ્ય ઉપર જડબેસલાક ચોંટાડી રાખ્યું હતું, એ હતું- ભગવાનનું ભજન કરી લેવું. આ નિશાન સાધતાં સાધતાં અનાયાસે જ એમણે બીજાં અનેક કાર્યો કર્યાં હતાં. શૈશવકાળથી જ એમણે જીવનની મંઝિલ તય કરી લીધી હતી. ભવિષ્યમાં દૂરસુદૂર જઈને ભગવાનનું ભજન કરવાના કોડ આ બાળભક્ત શાંતિલાલ સેવતા રહેલા. બાળવયની રમવાની અને ખાવાપીવાની અવસ્થા દરમ્યાન એક વખત એકાદશીના દિવસે એક મોભાદાર વડીલે એમને જમવાનો ખૂબ આગ્રહ કર્યો ત્યારે એમણે રડી લઈને પણ ઉપવાસની ટેક રાખેલી.
એમની પ્રભુભક્તિની લગનને વૃદ્ધ થતું જતું શરીર અને વધતી જતી બીમારીઓ ક્યારેય પાછી પાડી શક્યાં નહોતાં. તા.૫-૭-૨૦૧૧ના દિવસે ભરૂચમાં ૯૦ વર્ષની ઉંમરે એમને હૃદયરોગનો ભારે હુમલો આવ્યો. છતાં બીજે દિવસે સવારે ડોક્ટરોની સંપૂર્ણ આરામની સલાહને અવગણીને વરસાદી પ્રતિકૂળ વાતાવરણમાં તેઓ ધરાર દર્શન કરવા માટે મંદિર ઉપર ગયા.
તા.૯-૧-૨૦૦૧એ ભાદરામાં ચંદ્રગ્રહણની ભક્તિસભામાં તેઓ રાતે ૨:૪૫ વાગ્યા સુધી બેઠા. દિવસે વેધ પાળતાં એમણે પોણા દિવસનો ઉપવાસ તો ખેંચી જ કાઢેલો. આ બાબતે એમનું ધ્યાન દોરવામાં આવ્યું કે સંતોના ધર્મોના ગ્રંથમાં વૃદ્ધો અને અશક્તોને ગ્રહણના નિયમોમાં છૂટ આપવામાં આવી છે. ત્યારે એમણે મક્કમતાપૂર્વક કહ્યું કે ‘અત્યારે હું વૃદ્ધ પણ ન કહેવાઉં અને અશક્ત પણ ન કહેવાઉં‘- જે હકીકતમાં તેઓ બંને હતા!
એમના ધ્યેયનિષ્ઠા એમના શરીર કરતાં ય વધુ એમના મનને કેવી તરોતાજા રાખતી, એનો અનુભવ માણવાલાયક હતો. એક ચિંતકે કહ્યું છે ‘જીંદગી કેમેરા જેવી છે. માત્ર અગત્યની બાબતો ઉપર જ લેન્સ (ધ્યાન) કેન્દ્રિત કરો તો બાકીનું ચિત્ર સારું જ આવશે.‘ પ્રમુખસ્વામી મહારાજે બરાબર આ જ રીતે ભગવાન ઉપર લક્ષ્ય કેન્દ્રિત કર્યું હતું. આથી એમના વિચારો રામબાણ જેવા માંહ્યલાને વીંધનારા અને માર્ગદર્શક રહેતા. મુંબઈમાં તા.૧૮-૩-૯૩એ સુપ્રસિદ્ધ સામયિક ‘ચિત્રલેખા‘ના વિચક્ષણ તંત્રી હરકિશન મહેતાએ એમને કેટલાંક પ્રશ્નો પૂછ્યા. કોઈપણ પૂર્વતૈયારી વિના એમણે આપેલા ઉત્તરોમાં એમણે બાંધેલ ધ્યેયનું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે.
હરકિશન મહેતા: ‘એવી કોઈ ઘટના છે જે યાદ આવતાં દુઃખ થાય?‘
સ્વામીશ્રી: ‘આપણા ગુરુની વિસ્મૃતિ થાય અને કામ કરતાં કરતાં બીજો કોઈ વિચાર આવે એ દુઃખ.‘
વિવેકસાગર સ્વામી: ‘તેઓ આપના માટે આ પ્રશ્ન પૂછે છે.‘
સ્વામીશ્રી: ‘ના, એવો દુઃખનો કોઈ પ્રસંગ જ નથી. કાયમ આનંદને આનંદ જ રહ્યા કરે છે.‘
હ.મ.: ‘ક્યારેક કોઈને ઠપકો આપવાનો પ્રસંગ?‘
સ્વા: ‘ના. કહેવાનું થાય તે હેત-પ્રીતથી કહીએ જેથી એને સાચી પ્રેરણા મળે. એને દુઃખ ન થાય એવી રીતે કહીએ જેથી એનું મન પાછું ન પડે.‘
હ.મ.: ‘આપની કોઈ નિંદા કરે ત્યારે?‘
સ્વા.: ‘એની તો પડી જ નથી. આપણે ભગવાનની દ્રષ્ટિએ સાચા હોઈએ પછી લોકો ભલે ને ગમે એ બોલે, એને અજ્ઞાન છે તો ક્યારેક સમજાશે.‘
હ.મ.: ‘ટીકાની સ્પષ્ટતા કરવાની જરૂર લાગે છે?‘
સ્વા.: ‘સહેજ પણ નહીં.‘
પ્રમુખસ્વામી મહારાજે ભલે એકપણ પુસ્તક લખ્યું નથી, પરંતુ એમનું અનુભવ-જ્ઞાન પુસ્તકોમાં સમાય એવું નથી. એના પરથી આપણે તારણ કાઢી શકીએ કે આપણે ભલે સામાન્ય માણસ હોઈએ, પણ કોઈ એક જ સારા લક્ષ્ય ઉપર જો આપણું મન કેન્દ્રિત કરી શકીએ તો એ જ મન રામબાણની ફેક્ટરીની માફક સફળતાનાં તીર પેદા કરે. ચાલો, આપણે લક્ષ્યના માર્ગદર્શન માટે મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા મેળવીએ.