Essay Archives

ભગવાન સ્વામિનારાયણના મહાન સંત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ એક માર્મિક વાત કહી છેઃ
‘ભગવાનની દયા તો અપાર છે. ને સર્વ ઠેકાણે ત્યાંથી જ દયા આવી છે...’ (સ્વા.વા. 1/175)
દયા એ પરમાત્માનો અપરિમિત ગુણ છે. ભગવાન શ્રીરામને સંબોધીને અયોધ્યાના નગરવાસીઓ ઉચ્ચારે છેઃ
‘હેતુરહિત જગ જુગ ઉપકારી...’
એટલે કે હે પ્રભુ! જેઓ કારણ વિના નિઃસ્વાર્થ ઉપકાર કરે છે એવા તો આપ અને આપના સંત છો.
દયા કે પરોપકારનું મહત્ત્વ આંકતાં વિદ્વાનો વ્યાસજીએ લખેલાં અઢાર પુરાણોનો સાર આમ ઉચ્ચારે છેઃ
‘અષ્ટાદશપુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ્‌,
પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ્‌।
અર્થાત્‌ વ્યાસજીએ રચેલાં અઢારે પુરાણોનો સાર માત્ર આ બે વચનોમાં આવી જાય છેઃ પુણ્ય માટે પરોપકાર કરવો અને પાપ માટે બીજાને પીડા આપવી.
તુલસીદાસજી રામચરિતમાનસમાં ભગવાન શ્રીરામના મુખમાં આ શબ્દો મૂકે છેઃ પરહિત સરિસ ધરમ નહીં ભાઈ! (ઉત્તરકાંડ, 46)
તુલસીદાસજી એક ચોપાઈમાં દયાને ધર્મનું મૂળ કહે છેઃ ‘દયા ધરમકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન.’
દયા-પ્રેમ-કરુણાનાં એવાં અનેક ઉદાહરણો ભારતીય સંસ્કૃતિએ જગતને પૂરાં પાડ્યાં છે.
જ્યારે વ્યક્તિના હૃદયમાં સાચા અર્થમાં દયા, કરુણા, પરોપકાર કે સહાનુભૂતિની લાગણી જન્મે છે, ત્યારે તે બીજાની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી શકે છે. સત્તા કે સંપત્તિથી નહીં, પરંતુ હૃદયમાં દયા ધારીને બીજાની એવી નિઃસ્વાર્થ સેવા કરવાથી જ વ્યક્તિ મહાન બને છે.
અમેરિકન ધર્મગુરુ અને અમેરિકાની રાજનીતિમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર લોકનેતા માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) કહે છેઃ
‘દરેક વ્યક્તિ મહાન બની શકે છે, જો તે બીજાની સેવા કરી શકે તેમ હોય.
દયાની ભાવનાથી બીજાને મદદ કરવાના કૉલેજના પ્રમાણપત્રની કોઈ જરૂર નથી, વ્યાકરણનું જ્ઞાન મેળવવાની પણ કોઈ જરૂર નથી. એ માટે તમારી પાસે બે જ ચીજ હોવી જોઈએ - કૃતજ્ઞતાથી ભરેલું હૃદય અને પ્રેમથી છલકાતો આત્મા.’
ટૂંકમાં, દયા એ પૃથ્વી પર વસતા માનવીઓ માટેનો એક અનિવાર્ય ગુણ છે. દયા જ આ ધરતી પર સૌને સુખ અને શાંતિનો અનુભવ કરાવી શકે છે.
દયા, કરુણા, પરોપકાર, પરહિત, પરસુખ વગેરે એકબીજાના પર્યાય છે. પરંતુ તેનો સાચો પર્યાય એટલે ભગવાન અને સંત!
જીવ-પ્રાણીમાત્રમાં થોડાઘણા અંશે દયાનો ભાવ રહેલો જ હોય છે, પરંતુ દયા કે કરુણાનો ગુણ તો પૂર્ણપણે અને સોળે કળાએ ત્યાં જ ખીલેલો જોવા મળે જ્યાં સ્વયં ભગવાન હોય અથવા તેમના અખંડ ધારક સંત હોય.
એકવાર ચીનના એક સમ્રાટે મહાત્મા કન્ફ્યુશિયસને પૂછ્યું: ‘સૌથી મહાન કોણ છે?’
કન્ફ્યુશિયસે કહ્યું: ‘સૌથી મહાન તો આપ છો.’
સમ્રાટે પૂછ્યું: ‘શા માટે?’
મહાત્માએ કહ્યું: ‘કારણ કે તમને સત્યને જાણવાની જિજ્ઞાસા છે.’
રાજાએ પૂછ્યું: ‘પણ મારાથી મહાન કોઈ છે?’
મહાત્માએ કહ્યું: ‘હા, હું છું.’
‘કારણ?’
મહાત્માએ કહ્યું: ‘કારણ કે હું સત્યને ચાહું છું.’
સમ્રાટે પૂછ્યું: ‘અને તમારાથી પણ મહાન કોઈ છે?’
થોડે દૂર કૂવો ખોદી રહેલ એક વૃદ્ધ સંત તરફ નિર્દેશતાં કહેવા લાગ્યાઃ ‘આ સંત મારા કરતાં પણ મહાન છે, કારણ કે તે બીજા લોકો માટે કૂવો ખોદી રહ્યા છે. જે વ્યક્તિ સ્વાર્થ માટે નહીં, પરંતુ બીજા લોકોની મદદ માટે કે બીજા લોકોનાં દુઃખ દૂર કરવા માટે મહેનત કરે છે તે સર્વથી શ્રેષ્ઠ છે.’ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ એ કક્ષાએ બિરાજતા હતા. તેઓ સત્યને જાણતા હતા, સત્યને ચાહતા હતા, એટલું જ નહીં, સત્ય એવા આત્મા ને પરમાત્માનો સાક્ષાત્કાર હોવા છતાં તેઓ જીવનભર નાનામાં નાની વ્યક્તિનાં દુઃખ દૂર કરવા માટે પરિશ્રમ કરતા રહ્યા. જાતે દુઃખ અને કષ્ટો વેઠીને તેઓ બીજાના ભલા માટે પોતાની જાતને સમર્પિત કરી રહ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજને નીરખનાર અનેક લોકોએ તેમની પળેપળમાં રંતિદેવની અનુભૂતિ કરી છે. સ્વામીશ્રીએ જીવનભર બીજાંનાં દુઃખ દૂર કરવા માટે તેમનાં કષ્ટો પોતાના માથે લઈ લીધાં હતાં.
બોચાસણમાં એક વખત કોઈ કે પ્રમુખસ્વામી મહારાજને પૂછ્યું: ‘આપ આખો દિવસ લોકોનાં દુઃખો દૂર કરો છો અને લોકોના પ્રશ્નો જ ઉકેલ્યા કરો છો તો પછી આપ ભજન ક્યારે કરો છો?’ ત્યારે પ્રમુખસ્વામી મહારાજ સહજતાથી બોલી ઊઠ્યા હતાઃ
‘ભક્તિ તો અખંડ કરીએ છીએ, પળેપળે ભગવાનને યાદ કરીએ છીએ પણ સાથે સાથે સમાજનું પણ સંભાળીએ છીએ. દુખિયારાઓનાં દુઃખ દૂર કરવા તો સાધુ થયા છીએ!’
આ હતી પ્રમુખસ્વામી મહારાજની નિતાંત કરુણા! આ હતો તેમના જીવનનો ધ્યેય!
તેનો એક અસાધારણ અનુભવ સન 1998માં થયો હતો. દિવસ હતો 15મી જુલાઈનો. પ્રમુખસ્વામી મહારાજના હૃદયની ગંભીર બાયપાસ સર્જરી થયાને એકાદ અઠવાડિયું થયું હતું. બપોરના આરામ પછી સ્વામીશ્રી જાગ્રત થયા ત્યારે સેવકોએ આછાં અજવાળાંમાં જોયું કે સ્વામીશ્રીનું ઓશીકું, ગાતરિયું, અધોવસ્ત્ર અને ચાદર પણ રક્તરંજિત ભીનાશથી ભીની બની ગઈ હતી. સૌ ચોંક્યા. તપાસ કરતાં જણાયું કે હૃદયનું ઓપરેશન કરતી વખતે પેટમાં તબીબોએ છાતીની નીચેના ભાગમાં નળીઓ નાંખી હતી, તે પૈકી જમણી બાજુના પડખાના કાણામાંથી લાલ પ્રવાહીની સરવાણી વહી રહી હતી. તાત્કાલિક એ ભીનાં વસ્ત્રો બદલ્યાં. દોડાદોડી થઈ ગઈ. સૌ ફોન ઉપર વ્યસ્ત થઈ ગયા. ડૉક્ટરોની સૂચના મુજબ એક્સ-રે પડાવવાનું નક્કી થયું.
સૌ ચિંતિત હતા, પરંતુ સ્વામીશ્રી તો સ્વસ્થ હતા. આ બધું કરવામાં છ તો વાગી ગયા હતા, ઘણી ક્લિનિકો બંધ થઈ ગઈ હતી. અંતે એક ગુણભાવીને ત્યાં એક્સ-રેનું નક્કી કર્યું. 7-15 વાગે સ્વામીશ્રી નીકળ્યા. એકાદ કલાકે ન્યૂયોર્કના ક્વીન્સ વિસ્તારમાં ‘સ્પોટ્‌ર્સ મૅડિસિન એન્ડ ફિટનેસ સેન્ટર’માં સ્વામીશ્રી પહોંચ્યા. અત્રે ‘અમેરિકન ઓપન એમ.આર.આઈ. સેન્ટર’માં બેઝમેન્ટમાં આવ્યા. ગણતરીની પળોમાં જ ડૉક્ટર આવી ગયા. ખૂબ ઝડપથી તેઓ કામે લાગી ગયા. ઝડપથી એક્સ-રે લઈને તેમણે ફટાફટ નિર્ણયો આપવા માંડ્યા. એક્સ-રેમાં, તેમને જણાયું કે હજુ પેટમાં 1000 સીસી જેટલું પાણી છે. તાત્કાલિક સ્વામીશ્રીના હૃદયની બાયપાસ સર્જરી કરનાર ડૉ. સુબ્રહ્મણ્યમ્‌ સાથે ફોન જોડીને આગળની કાર્યવાહી નક્કી કરી. સ્વામીશ્રીને શરીરમાં તાવ પણ હતો. તેમના શરીરમાં કેટલી વેદના થતી હશે તેની કોઈ કલ્પના આવતી નહોતી.
આવા સંજોગોમાં આ વિશાળ લૅબોરેટરીના ભારતીય માલિકોની ઇચ્છા હતી કે સ્વામીશ્રી તેમના અન્ય તમામ વિભાગોમાં પધારીને બધું પ્રસાદીભૂત કરે. સેવકો આનાકાની કરી રહ્યા હતા, પરંતુ સ્વામીશ્રી એવા સંજોગોમાં પણ પધરામણી માટે તૈયાર થઈ ગયા. તેઓને એક પછી એક ખંડમાં લઈ જવાયા. છેવટે આવેલા ખંડમાં ઠાકોરજીને એમ.આર.આઈ.ના જંગી મશીન પર પધરાવ્યા. પછી જાતે જ ‘જય મહારાજ... સ્વામી...’ બોલતાં તાળી પાડી પ્રાર્થના બોલવા લાગ્યા. શુભ સંકલ્પની કરુણા અનાયાસે વરસવા લાગીઃ ‘અહીં જે કોઈ દર્દીઓ આવે એ સૌ સાજા થઈને જાય, સૌનું કલ્યાણ થાય!’ સ્વામીશ્રી માંદગીની આવી ગંભીર પળોમાંય પરોપકાર અર્થે ભદ્ર સંકલ્પો કરી રહ્યા હતા. પોતાની આવી અસહ્ય પરિસ્થિતિમાં પણ તેઓ બીજાના માટે પ્રાર્થના કરવા લાગ્યા. સૌ સાક્ષીઓ તેમને વંદી રહ્યા.
આ હતી પ્રમુખસ્વામી મહારાજની અપરંપાર કરુણા.
જીવનભર બીજાના માટે ઘસાઈ છૂટનાર પ્રમુખસ્વામી મહારાજે ક્યારેય પોતાનો વિચાર કર્યો નથી. કારણ કે તેમના સમગ્ર જીવનના કેન્દ્રમાં એમણે  પોતાને નહીં, પરંતુ પરમાત્માને અને પરને રાખ્યા હતા. જીવનની ગંભીર સ્થિતિમાં પણ તેમણે હંમેશાં પોતાનો નહીં, બીજાનો વિચાર કર્યો છે.
જેમ જેમ પ્રમુખસ્વામી મહારાજની એ કરુણામયી આંખો અને છબિનું ચિંતન કરીએ છીએ, તેમ તેમ એમ લાગે છે કે એમનામાં રહીને સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણ આ પૃથ્વી પર સૌ પર અકારણ કરુણા વરસાવી રહ્યા હતા. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં દર્શન કરતાં એ જ કરુણાભાવનાની અનુભૂતિ થાય છે. કરુણામૂર્તિ પ્રમુખસ્વામીજીના શતાબ્દી પર્વે એમની એ કરુણાગંગામાંથી આચમન કરીને આપણે પણ ધન્ય થઈએ...

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS