સ્વરૂપ - ૧૮ અધ્યાયો, ૭૦૦ શ્લોકો
ભગવદ્ ગીતા ૧૮ અધ્યાયોમાં વહેંચાયેલી છે. આ અઢાર અધ્યાયોમાં ૭૦૦ શ્લોકો ગૂંથવામાં આવ્યા છે. તેમાં ૧ શ્લોક ધૃતરાષ્ટ્રજીના મુખે, ૪૭ શ્લોકો સંજયના મુખે, ૮૪ શ્લોકો અર્જુનના મુખે તથા ૫૭૪ શ્લોકો શ્રીકૃષ્ણજીના મુખે મૂકવામાં આવ્યા છે.
શૈલી - સંવાદાત્મક
ગીતા સંવાદ છે. આમ તો આખુંય મહાભારત સંવાદ છે. વૈશમ્પાયનજી તે સંવાદમાં મુખ્ય વક્તા છે. જન્મેજય મુખ્ય શ્રોતા બની સાંભળે છે. આમ મહાભારતનો મૂળ સંવાદ વૈશમ્પાયનજી તથા જન્મેજય વચ્ચે ચાલી રહ્યો છે.
આ સંવાદની અંતર્ગત બીજો સંવાદ આવે છે - ધૃતરાષ્ટ્ર અને સંજયનો સંવાદ. જેમાં ઉપર જાણ્યું તેમ અંધ ધૃતરાષ્ટ્ર સમરાંગણનો અહેવાલ જાણવા ઉત્સુક શ્રોતા બન્યા છે અને સંજય વક્તા. આમ આ સંવાદ મહાભારતનો દ્વિતીય સંવાદ છે. આ દ્વિતીય સંવાદમાં જ સમગ્ર ગીતાગ્રંથ સમાયો છે.
હવે આ દ્વિતીય સંવાદ અંતર્ગત ત્રીજો સંવાદ આવે છે. પાર્થ અર્જુન અને પાર્થસારથિ શ્રીકૃષ્ણ વચ્ચે થયેલો દિવ્ય સંવાદ.
મહાભારતમાં સંવાદ ત્રિવેણીનો એક અનોખો સંગમ રચાયો છે, જેમાં ત્રીજો સંવાદ ભગવદ્ ગીતા રૂપે મૂર્ધન્ય સ્થાને બિરાજે છે.
કાવ્યાત્મક
ભગવદ્ ગીતા એક કાવ્ય છે. સંસ્કૃત કાવ્યજગતમાં પ્રસિદ્ધ અનુષ્ટુપ્, ઉપજાતિ વગેરે વિભિન્ન છંદોમાં મહાકવિ વ્યાસજીએ ભક્ત અને ભગવાનના દિવ્ય સંવાદને કાવ્યરૂપે વણી લીધો છે.
રહસ્યમયતા કાવ્યનો આત્મા છે. ગીતા પરમ રહસ્ય છે. સરસતા અને મધુરતા કાવ્યનાં ઘરેણાં છે. ગીતાનો ઉપદેશ સરસ અને સુમધુર છે. સહજતા કાવ્યની સુવાસ છે. ગીતાનો ઉપદેશ સહજ છે. ગીતા આદર્શ કાવ્ય છે. જીવનનું કાવ્ય! તત્ત્વજ્ઞાનનું કાવ્ય! લાગણીઓનો પ્રવાહ આ કાવ્યમાં ભરતીની જેમ સવાર થયેલો અનુભવાય છે. અને બ્રાહ્મીસ્થિતિરૂપ સ્થિતપ્રજ્ઞતાએ અહીં પ્રસ્તરની સ્થિરતા મૂર્તિમાન કરી દીધી છે.
આથી જ તો ઘણા કાવ્યપ્રેમીઓએ આ શાસ્ત્રને કાવ્યદૃષ્ટિએ પણ માણ્યું છે.
આમ ગીતાની શૈલીમાં સંવાદમયતાની સાથે કાવ્યાત્મકતાનું પણ સુંદર અને સમુચિત સંયોજન થયું છે.
ભગવદ્ ગીતા - એક 'ઇતિહાસ'
મહાભારત 'ઇતિહાસ' છે. ભગવદ્ ગીતા મહાભારતનો જ અંશ છે એટલે એ પણ 'ઇતિહાસ' છે. સત્ય ઘટના છે. કલ્પના નથી. પશુઓની કે પંખીઓની કાલ્પનિક વાર્તાઓ દ્વારા કે પછી ઉપજાવી કાઢેલા માનવીય પ્રસંગો દ્વારા જેમ નીતિબોધ આપવામાં આવે તેમ મહાભારત કાલ્પનિક વાર્તાઓનો સંગ્રહ નથી. કે ગીતા કવિરાજ વ્યાસજીની કલ્પનાસૃષ્ટિ નથી. ગીતામાં જે જે વર્ણવાયું છે તે બધું જ 'इति' એટલે 'એવી રીતે', 'ह' એટલે 'અવશ્ય, ખરેખર' અને 'आस' એટલે 'બન્યું હતું.' 'આવી ઘટના બની જ ન શકે' એવું માનવા કરતાં 'આવું પણ બની શકે' એવું તારણ કાઢી શકાય એટલી બુદ્ધિ નિર્મળ અને સ્વસ્થ હોવી જોઈએ. માટે શ્રીકૃષ્ણ કે અર્જુન કાલ્પનિક પાત્રો નથી. અર્જુનની નબળાઈ કે ધર્મસંમૂઢતા કાલ્પનિક નથી. અને શ્રીકૃષ્ણનો ઉપદેશ પણ ઉપજાવટ નથી. બધું જ હકીકત છે. કારણ કે ગીતા એક 'ઇતિહાસ' છે.
આ રીતે આપણે ભગવદ્ ગીતા નો બહિરંગ વૈભવ જાણ્યો. હવે તેને અંતરંગ રીતે માણીએ.
અંતરંગ વૈભવ
મોગરાના પુષ્પને હાથમાં લઈ કોઈ તેની સૌરભને માણે જ નહીં અને બધો સમય તેનાં પાંદડાં ગણવામાં વ્યસ્ત રહે, કે પછી, મધુર મધપૂડાના મધને મૂકી કોઈ તેનાં છિદ્રો ગણવામાં જ સમય વિતાવી દે, તે કેવું થયું કહેવાય? આવું ભગવદ્ ગીતા વિષે ન થઈ જાય તે ધ્યાન રાખવું જોઈએ. કેવળ તેના કર્તા, સમય, સ્થળ, ભાષા, શૈલી વગેરે જાણી લઈ બેસી રહ્યે ન ચાલે. તેના અંતરંગ તત્ત્વની અનુભૂતિ થવી જોઈએ. વર્તનમાં પરિવર્તન લાવવાનું એ અનુભૂતિમાં કૌવત છે.
તો શું છે ભગવદ્ ગીતા નું અંતરંગ તત્ત્વ? ભગવદ્ ગીતા ના પ્રત્યેક અધ્યાયના અંતે અધ્યાયસમાપ્તિ સૂચક સંકલ્પ પરંપરાથી ઉચ્ચારવામાં આવે છે. જેમ કે, ''इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः॥'' આ શબ્દો વિચારવાથી ભગવદ્ ગીતા ના અંતરંગ તત્ત્વને, તેના પ્રધાન પ્રતિપાદ્ય રહસ્યને પામવાની દિશા મળશે.
‘उपनिषत्सु’
'उपनिषत्सु' એમ કહીને અહીં ભગવદ્ ગીતા ને ઉપનિષદનો દરજ્જો આપ્યો છે. ભગવદ્ ગીતા ઉપનિષદ્ કેમ? જવાબ છે - ઉપનિષદોના પરમસિદ્ધાંતોને જ ગીતા સમજાવે છે, રક્ષે છે, પોષે છે અને જીવતાજીવન સુધી લઈ આવે છે તેથી. આ અંગે એક ઉક્તિ પ્રસિદ્ધ છે - ''सर्वोपनिषदो गावो दोग्घा गोपालनन्दनः। पार्थो वत्सः सुघीर्भोक्ता दुग्घं गीतामृतं महत्॥'' અર્થાત્ સકળ ઉપનિષદો ગાયમાતાના સ્થાને છે. તે ગાયોનું દોહન કરનાર ગોપાલનંદન શ્રીકૃષ્ણ છે. વળી, જેને જોઈને ગાયમાતા પારસો મૂકે તેવું વત્સલ-વાછરડું છે પાર્થ-અર્જુન. અને એ ઉપનિષદો રૂપી ગાયમાતાનું અમૃતમય દૂધ એટલે ભગવદ્ ગીતા , જેનું બુદ્ધિશાળી ભક્તો પાન કરે છે. (ગીતામાહાત્મ્ય)
તત્ત્વજ્ઞાનીઓની ભાષામાં કહીએ તો ગીતાએ ઉપનિષદોનું સાચા અર્થમાં 'ઉપબૃંહણ' કર્યું છે. ઉપબૃંહણ કરવું એટલે ઉપનિષદોનાં રહસ્યોને સ્પષ્ટ કરવા અને પુષ્ટિ આપી તેને સુદૃઢ બનાવવા. ભગવદ્ ગીતા એ આ કર્તવ્ય બરાબર નિભાવ્યું છે. ઉપનિષદો પોતે જ રહસ્યમય છે. અને તે રહસ્ય એટલે 'બ્રહ્મવિદ્યા.' ઉપનિષદ્ બ્રહ્મવિદ્યાનું શાસ્ત્ર છે. ભગવદ્ ગીતા ઉપનિષદ્ના રહસ્યને એટલે કે બ્રહ્મવિદ્યાને સ્પષ્ટ કરે છે, અને પુષ્ટિ આપી તેને સુદૃઢ બનાવે છે.
આમ, ઉપનિષદોનો સનાતન તત્ત્વસિદ્ધાંત જ ભગવદ્ ગીતા માં આબેહૂબ પ્રતિબિંબિત થયો છે.
એટલે જ તો 'उपनिषत्सु' એમ કહી ભગવદ્ ગીતા ને 'ब्रह्मविद्यायाम्' એમ કહીને પણ બિરદાવી છે.
‘ब्रह्मविद्यायाम्’
'ब्रह्मविद्यायाम्' કેટલું ઊંડાણ છે આ શબ્દમાં? ભગવદ્ ગીતા એટલે સાક્ષાત્ બ્રહ્મવિદ્યા! આ શબ્દનું મૂલ્ય સમજવા માટે પાછો ઉપનિષદનો આધાર લીધા વગર છૂટકો નથી. મુંડક ઉપનિષદમાં બ્રહ્મવિદ્યાનો અર્થ સમજાવવામાં આવ્યો છે. મંત્રના શબ્દો છે - ''येनाऽक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्यायाम्'' (મુંડક ઉપનિષદ્ - ૧/૨/૧૩) અર્થાત્ 'જેના વડે અક્ષરમ્ કહેતાં અક્ષરબ્રહ્મ અને પુરુષમ્ કહેતાં પુરુષોત્તમ પરબ્રહ્મ, આ બે દિવ્ય સ્વરૂપોનું તત્ત્વે કરીને જ્ઞાન થાય તેને બ્રહ્મ વિદ્યા કહેવાય.' ભગવદ્ ગીતા માં અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ આ બંને દિવ્ય સ્વરૂપોનો સતત ઉપદેશ થયો છે. એમાંય વળી આઠમા અધ્યાયમાં તો ''किं तद् ब्रह्म'' (ગીતા ૮/૧) એમ અર્જુનને જિજ્ઞાસા થતાં, ''अक्षरं ब्रह्म परमम्'' (ગીતા ૮/૩) એમ ઉત્તર આરંભી શ્રીકૃષ્ણભગવાને સમગ્ર અધ્યાયમાં અક્ષરબ્રહ્મનું જ સવિસ્તર તાત્ત્વિક નિરૂપણ કર્યું છે. તેથી જ આ આઠમો અધ્યાય ''अक्षरब्रह्मयोगः'' એ નામે જ સર્વત્ર પ્રસિદ્ધિ પામ્યો છે.
એ જ રીતે ૧૫મો અધ્યાય ''पुरुषोत्तमयोगः'' નામે પ્રસિદ્ધ છે. તેનું કારણ પણ એટલું જ કે તેમાં ક્ષર થકી અને અક્ષર થકી પર એવા પુરુષોત્તમ પરબ્રહ્મનો ઉપદેશ થયો છે. વળી ''एषा ब्राह्मी स्थितिः पार्थ'' (ગીતા ૨/૭૨), ''स ब्रह्मयोगमुक्तात्मा सुखमक्षय्यमश्नुते'' (ગીતા ૫/૨૧), ''ब्रह्मभूतः प्रसन्नात्मा'' (ગીતા ૧૮/૫૪) વગેરે વાક્યોમાં બ્રહ્મવિદ્યા જ પોતાના આત્માને બ્રહ્મ સંગાથે એક કરી પરબ્રહ્મની ભક્તિ-ઉપાસના કરવાના સિદ્ધાંત રૂપે પડઘાતી રહી છે.
આથી 'ब्रह्मविद्यायाम्' એમ કહીને ભગવદ્ ગીતા નું સમુચિત સન્માન થયું છે. ફેર એટલો જ કે ઉપનિષદોમાં જે જ્ઞાન પરોક્ષપણે પીરસાયું તે જ્ઞાનનો ગીતામાં પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપમાં સુભગ સંયોગ સધાયો છે. આકાશમાં ભડાકા નથી. અને એટલે જ ભગવદ્ ગીતા ને 'योगशास्त्रे' એમ કહીને બ્રહ્મવિદ્યાના સિદ્ધાંતોમાં પરમાત્માની પ્રત્યક્ષતાનો ઉદ્ઘોષ કરનાર શાસ્ત્ર તરીકે વિશેષપણે નવાજવામાં આવ્યું છે.