એક કર્ણોપકર્ણ ચાલી આવતી વાત છે. જેના શબ્દકોશમાં ‘અશક્ય‘ શબ્દ નહોતો એવા સમ્રાટ નેપોલિયનને (અથવા કોઈક રાજાને) કોઈએ પૂછ્યું કે ‘આપની સફળતાનું રહસ્ય શું છે?‘ નેપોલિયને તરત જવાબ ન આપ્યો પરંતુ એ ભાઈને તેઓ બીજે દિવસે સમુદ્રકિનારે લઈ ગયા. ત્યાં જોયું તો સેંકડો સૈનિકો પાણીમાં ઊભા રહીને પાણીના ખોબે ખોબા એક હાથથી બીજા હાથમાં નાખ્યે જતા હતા. પેલા ભાઈએ આશ્ચર્યચકિત થઈને સૈનિકોને પૂછ્યું કે ‘તમે શું કરો છો?‘ તો તેઓ કહે કે ‘અમે પાણીમાંથી દોરડાં બનાવીએ છીએ.‘ ‘ભલા માણસ, તમે એટલું જાણતા નથી કે પાણીમાંથી કોઈ દિવસ દોરડાં બને નહીં.‘ ‘હા. અમે જાણીએ છીએ પરંતુ તેમ છતાં અમે પ્રયત્ન કરીએ છીએ, કારણકે અમને સમ્રાટ નેપોલિયને આમ કરવાની આજ્ઞા કરી છે.‘ પેલા ભાઈ સમજી ગયા કે જે નેતા પોતાના માણસોમાં પોતાના પ્રત્યે આટલી દ્રઢ વફાદારી ઊભી કરાવી શકે એની જીત નિશ્ચિત જ હોય.
નેતા માટે લોકો આટલી હદે જવા ક્યારે તૈયાર થાય? જો નેતામાં એક સદગુણ હોય તો- એ સદગુણ છે- નેતાની પોતાની વફાદારી. Saffore & Leonard Saffire એમના પુસ્તક ‘Leadership’માં કહે છે- ‘To generate loyalty, deserve loyalty. To deserve loyalty, be loyal.’ એટલેકે ‘વફાદારી નિપજાવવા વફાદારીને પાત્ર બનવું પડે. વફાદારીને પાત્ર બનવા માટે સ્વયં વફાદાર થવું પડે.‘
દિલ્હીનું અક્ષરધામ કે કચ્છના ભૂકંપ અને મોરબીના પૂર પછીનાં રાહતકાર્યો જેવાં વિરાટકાય પ્રકલ્પોને સફળતાપૂર્વક પાર પાડનારી બી.એ.પી.એસ. સંસ્થા પાસે પગારદાર માણસો બહુ જ ઓછાં, પરંતુ હજારો સ્વયંસેવકોની વિરાટ ફોજ ગુરુ પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા થાય ત્યારે કોઈપણ પ્રસંગે સેવા માટે ખડી થઈ જતી. આ સંખ્યા ૨૦,૦૦૦ સુધી પણ પહોંચતી, તો વળી કોઈક સ્વેચ્છાએ એક વર્ષની રજા લેવાથી લઈને જીવન સેવામાં સમર્પિત કરવાના સંકલ્પ પણ કરતાં. આવું કરાવનાર પ્રમુખસ્વામી મહારાજ પાસે કોઈ વશીકરણ વિદ્યા(Hypnotism) નહોતી, પરંતુ લોકો સમર્પણ કરતાં હતાં એ હકીકત હતી. એનું કારણ એ હતું કે પ્રમુખસ્વામી પોતાના ગુરુને આપેલ વચન- ‘હું મારા દેહની પરવા કર્યા સિવાય વફાદારીપૂર્વક જીવનભર સેવા કરવાની પ્રતિજ્ઞા કરું છું.‘- એનું પાલન કરવામાં રાતદિવસ મંડી પડ્યા હતા, તો એમની આ પ્રબળ વફાદારી દરેકને સંસ્થા પ્રત્યે વફાદાર થવા માટેની પ્રેરણા આપતી.
પાણીમાંથી દોરડાં વણવા જેવા કાલ્પનિક નહીં, પરંતુ હકીકતમાં એવાં જ રોમાંચક કેટલાંક પ્રસંગો ઇતિહાસમાં દર્જ થાય એવાં બની ગયાં છે. ૧૯૯૨માં ગાંધીનગર ખાતે ઉજવાયેલ યોગી શતાબ્દી મહોત્સવમાં લાખો માણસોના મેલા પાણીના નિકાલ માટે મોટી ગટરલાઈન નેશનલ હાઈવે નં.૮-સી નીચેથી બોગદું ખોદીને પસાર કરવાની હતી. સલામતીનો સંપૂર્ણ બંદોબસ્ત કર્યા બાદ જ આ કામની શરૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં નેશનલ હાઈવે ઉપરથી ભારેખમ ટ્રકો ધમધમાટ કરતી પસાર થતી ત્યારે ભલભલા શૂરવીરના શરીરમાં ભયનું લખલખું પસાર થઈ જતું. પરંતુ એ જ હાઈવેની નીચે જઇને સુરતના સ્વયંસેવકોએ ખોદકામ કર્યું હતું. ૨૦૦૫માં દિલ્હીમાં અક્ષરધામના ઉદઘાટન પ્રસંગે જાજરૂના ઊંડા ખાળકુવા બ્લોક થઈ ગયા હતા. સલામતીની પૂરી તકેદારી લીધી હોવા છતાં પૈસા આપતાં પણ કોઈ મજૂર એમાં ઉતરવા તૈયાર નહોતો. એ વખતે સુખીસંપન્ન ઘરોમાંથી આવતા સ્વયંસેવકોએ નરકના કુવામાં કેટલીયે વાર ડૂબકી મારીને અવરોધો દૂર કર્યા હતા.
ગુરુના વચને શરીર કરતાં મનને યાહોમ કરવું એ વધુ અઘરું છે. ૧૯૮૫માં લંડનમાં સંસ્થા દ્વારા ‘કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા‘ ઉજવાયેલો. એની ચરમસીમાનો કાર્યક્રમ હતો સુવર્ણતુલાનો, કે જે એક જ કાર્યક્રમની સફળતા માટે જ સ્વયંસેવકોએ મહિનાઓ લગી રજા લઈને શારીરિક તેમજ આર્થિક સેવાઓ કરી હતી. એમાં પરિસ્થિતિ એવી સર્જાઈ કે જ્યારે ૨૦મી જુલાઈએ સાંજે આ કાર્યક્રમ ચાલુ હોય ત્યારે એ જ વખતે ત્યાંથી માઈલો દૂર ‘એલીપેલી પાર્ક‘માં ઉત્સવ નિમિત્તે જ ખડું કરાયેલ ઉત્સવ-નગર પણ ચાલુ જ રહેવાનું હતું. એમાં હજારોની તાદાતમાં માનવ મહેરામણ ઉમટી પડવાનો હતો, જેની વ્યવસ્થા માટે તમામ સ્વયંસેવકોની ત્યાં જ જરૂર હતી. સ્વયંસેવકોના મનમાં ભારે દ્વિધા જાગી કે નગરમાં રહીને ફરજ બજાવવા જતાં જેના માટે લોહી-પાણી એક કરેલ એ સુવર્ણક્ષણ ઉપર તાળું મારી દેવું? કે ઉત્સવ માણવા ફરજ છોડીને જવું? ક્યાં જવું? આયોજકોએ પ્રમુખસ્વામી મહારાજને આ પ્રશ્નનો નિવેડો લાવવા વિનંતી કરી. પ્રમુખસ્વામી મહારાજે આગલે દિવસે તમામ સ્વયંસેવકોની એક મિટિંગ બોલાવી. તેમાં એમણે જે વાત કરવાની હતી એમાં એમણે પોતાના અનુયાયીઓનો વિશ્વાસ કેટલો જીત્યો છે એની પણ કસોટી થવાની હતી. ત્યાં એમણે લાગણીસભર સ્વરે વિનંતી કરતાં કહ્યું, “આવતીકાલે પ્રસંગ છે. દરેકને ઈચ્છા થાય. એને માટે તૈયારી કરી, મહેનત કરી, તેનો લાભ ન મળે તો મનમાં લાગી આવે. પણ કોઈ રસ્તો ન દેખાયો. ત્યાં (સુવર્ણતુલામાં) આવવાની ઈચ્છા ન રાખવી. કાલે બધાં પોતપોતાના સ્થાન પર રહી સેવા કરે. આ સભા તો તમને નારાજ કરવાની થઈ છે. ના કહેવું તે દુઃખની વાત છે, પણ મોટામાં મોટો લાભ મૂકીએ છીએ તો તેનું ફળ ભગવાન બીજી રીતે આપશે. આ પ્રેમની વાત છે.” તમામે એ જ ક્ષણે સેવામાંથી તસુભાર ન ખસવાની બાંહેધરી બુલંદ અવાજે આપી. અને બીજે દિવસે જ્યારે રંગેચંગે ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો ત્યારે નાના બાળકો સુદ્ધાં કોઈ ત્યાં ઉત્સવમાં ગયાં નહોતાં, પરંતુ નગરમાં પોતાની ફરજ બજાવી રહ્યાં હતાં.
પ્રમુખસ્વામી મહારાજના વચને લોકોએ પાણીમાંથી દોરડાં વણવા જેવી જણાતી સેવાઓ કરી બતાવી છે, કારણકે પ્રમુખસ્વામી મહારાજે પોતે દ્રઢ વફાદારી દાખવીને બધાંના અંતરમાં વફાદારીની ભાવના દ્રઢ કરી હતી.