૧૯૭૦માં ભાવનગરમાં વિદેશયાત્રાએથી પધારેલા યોગીજી મહારાજના સન્માનના ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા. ગઢડાથી યોગીજી મહારાજ અને સંતોનો સંઘ મોટરકાર દ્વારા ભાવનગર જવા નીકળતા હતા. તે વખતે સ્વામીશ્રી કોને કઈ ગાડીમાં બેસવાનું તે ગોઠવતા હતા. મારે કઈ ગાડીમાં જવાનું તે મેં તેઓને પૂછ્યું ત્યારે સ્વામીશ્રીએ સંઘના વડીલ સંતો અને મોટેરા હરિભક્તોનું લાબું લિસ્ટ જોઈને કહ્યું: 'બધી ગાડીઓ ભરેલી છે. તમે બસમાં જ ભાવનગર જજો. ત્યાં સાંજે ભેગા થઈ જઈશું.'
મેં હા પાડી. યોગીજી મહારાજ-સ્વામીશ્રી તથા અન્ય વડીલ સંતો નીકળી ગયા. અમારે નીકળવાનું હતું એવામાં ધોધમાર વરસાદ શરૂ થયો. એક જ કલાકમાં તો ઘેલા નદી ગાંડીતૂર બનીને વહેવા લાગી. પૂલ ઉપરથી પણ પાણી પ્રચંડવેગે વહેતું હતું. આમ ને આમ ત્રણ દિવસ વરસાદ મૂશળધાર વરસતો રહ્યો. એટલે ચોથા દિવસે અમે ભાવનગર પહોંચ્યા ત્યારે ત્યાંની જનતાએ યોગીજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી તે ટાઉનહૉલ સુધી પહોંચી ચૂકી હતી.
યોગીજી મહારાજ હૉલમાં પ્રવેશ્યા ને પાછળ જ પ્રમુખસ્વામી અંદર પ્રવેશતા પૂર્વે પોતાની મોજડી ઉતારી રહ્યા હતા. હું એમને ત્યાં
જ ભેગો થઈ ગયો. સ્વામીશ્રી મને જોતાં જ સહજ વિનમ્રતાથી બોલી ઊઠ્યા, 'માફ કરજો, અમારે તમને મોટરગાડીમાં (ઍમ્બેસેડરમાં) સાથે જ લેવાના હતા પણ લેવાયા નહીં, ને મુશ્કેલી પડી. તો માફ કરજો !'
મારી ઉંમર તે સમયે માત્ર ૧૮ વર્ષની! ને તેઓ પોતે સંસ્થાના સૂત્રધાર, મોવડી, વડીલ સંત! વળી માફી માગવાની એમને જરૂર પણ ન હતી. કેમકે સંજોગો જ એવા હતા કે મોટરોમાં અન્ય વ્યવસ્થા શક્ય જ નહોતી.... પણ બસ, વાંક વિના ભૂલ માથે ઓઢી લઈ સ્વામીશ્રીએ મારા જેવા સામાન્ય સેવક સંતની માફી માગી ! અહંશૂન્યતાની આ પરાકાષ્ઠા હતી !
૧૯૭૧માં યોગાનુયોગ યોગીજી મહારાજના અક્ષરવાસ પછી બીજા જ વર્ષે પાળિયાદ ગાદીના ઉન્નડબાપુ પણ ધામમાં સિધાવ્યા. તેમના અસ્થિનું વિસર્જન તેમના પુત્ર અને ગાદીના વારસદાર શ્રી અમરાબાપુએ સ્વામીશ્રીના પુનિત હસ્તે સોમનાથના પવિત્ર પ્રભાસક્ષેત્રમાં ગોઠવ્યું હતું. તેથી સ્વામીશ્રી માંગરોળથી વેરાવળ થઈને પ્રસંગ સ્થળે પધારી ગયા. અહીં અમરાબાપુ પણ ઉપસ્થિત હતા. તા. ૧૬-૬-૭૨ના સવારના લગભગ પોણા દસની આસપાસ બધા ભેગા થયા હતા.
અસ્થિ વિસર્જન સમુદ્રમાં કરવાનું હોઈ, વસ્ત્ર બદલાવીને અસ્થિની થાળીને બંનેએ સંયુક્ત રીતે પોતાના હાથમાં ઝાલી હતી. સમુદ્રમાં પ્રવેશ કરીને બંને ધીમે ધીમે તે રીતે આગળ વધી રહ્યા હતા. લગભગ સાથળ સુધી પાણી આવ્યું હશે તે વખતે અચાનક સ્વામીશ્રી ચાલતાં ચાલતાં ક્ષણવાર સહેજ હલબલી ગયા; પરંતુ તે વખતે તો તેમણે કશું જ કળાવા દીધું નહીં. ધીમે ધીમે તેમણે અમરાબાપુ સાથે યથાવત્ અસ્થિની થાળી ઝાલી રાખીને આગળ વધવાનું ચાલું રાખ્યું. જળની સપાટી કેડ સુધી આવી ત્યારે વિધિપૂર્વક બંનેએ અસ્થિ વિસર્જન કર્યું. પછી સ્નાન કરીને બહાર આવ્યા.
તૈયાર થઈને તરત જ સ્વ. બાપુની શ્રદ્ધાંજલિ સભામાં પધાર્યા. હકાબાપુએ તેમની લાક્ષણિક શૈલીમાં શ્રદ્ધાંજલિ પ્રવચન વહેવડાવ્યું. ત્યારબાદ સ્વામીશ્રીએ પણ પ્રાસંગિક શ્રદ્ધાંજલિ અર્પી. પહેલેથી જ બધાને ભોજન પણ અહીં જ લેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ અસ્થિ વિસર્જનના કાર્યક્રમ માટે જ સ્વામીશ્રી પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરીને વેરાવળ થઈ ખાસ અહીં પધાર્યા હતા. ભોજન બાદ વેરાવળમાં 'સિંધીવાડી'માં પોતાને ઉતારે પધાર્યા.
સ્વામીશ્રી માટે ઉતારાની કોઈ ખાસ અલગ વ્યવસ્થા નહોતી. સૌ સંતો-ભક્તોની સાથે જ તેમનો ઉતારો રહેતો. રાત્રે જાહેરસભા થઈ. બીજે દિવસે બપોર પછી (એટલે કે લગભગ ૨૮ કલાક બાદ) તેઓએ વિશ્રામ માટે આસન ઉપર લંબાવ્યું, ત્યારે અમે તેમનાં ચરણ ચાંપવા માંડ્યા. ઓરડામાં લગભગ અંધારું જ હતું. તે વખતે હું સ્વામીશ્રીનો જમણો ચરણ દબાવી રહ્યો હતો. કોઈ વાતચીત તે વખતે ચાલુ હતી. પગ દાબતાં તેમના ચરણમાં પાની ઉપર કોઈ ચોક્કસ જગ્યાએ મારો હાથ અડે કે તરત જ સ્વામીશ્રી સહેજ પગ ખેંચે. પણ કશું કહે નહીં. આવું ત્રણ ચાર વખત બન્યું એટલે મને શંકા પડી તેથી સ્વામીશ્રીએ ઓઢેલી રજાઈને સહેજ ઊંચી કરીને ટોર્ચના અજવાળે ચરણમાં જોયું ત્યારે બહુ જ પશ્ચાત્તાપ અને દુઃખ થયું અને સ્વામીશ્રીની આત્મસ્થ સ્થિતિનો મૂર્તિમાન અનુભવ પણ થયો.
તેમના ચરણમાં પાનીના ભાગમાં લગભગ પોણા ઇંચથી સ્હેજ મોટો અને સારો એવો ઊંડો, ઊભી લીટીના આકારે એક ખુલ્લો જખમ તતડી રહ્યો હતો ! ગઈકાલના પ્રસંગનો તાળો છેક આજે મળ્યો કે સમુદ્રમાં ચાલતાં ચાલતાં સ્વામીશ્રી ક્ષણવાર માટે શાથી હલબલી ગયા હતા. તે વખતે તેમના ચરણમાં સમુદ્રના કોઈ ધારદાર ખડકની ધાર વાગી ગઈ હતી. ઘામાં દરિયાનું ખારું પાણી અડે ત્યારે કેટલી વેદના થાય એ તો જાતે અનુભવ્યા વગર ખબર પણ કેમ પડે ? અને તે પણ સતત ૨૦ થી ૨૫ મિનિટ સુધી! સ્વામીશ્રીએ મનની સમતુલા જાળવી, પ્રસંગની ગરિમા પણ જાળવી અને બધી જ વેદનાને દબાવી રાખી, અરે! બહાર આવ્યા પછી કે સભા પછી કે સાંજે કે રાત્રે કે બીજે દિવસે પણ કોઈને કશું જ જણાવ્યું નહીં. અરે! અત્યારે પગ દબાવનાર સંતને પણ કહ્યું નહીં કે અહીં સાચવીને દબાવજો! અને હજુ કશું જ કહેતા નથી કે સિસ્કારો પણ બોલાવતા નથી! ખરેખર સ્વામીજી, તમે ગજબ છો. રોજિંદા જીવનમાં પણ તમારી સહનશક્તિના પેંગડામાં બીજાનો પગ ભાગ્યે ટકી શકે. अतिशयसहनशक्तिमते नमः।
૧૯૭૭માં લંડનના વેમ્બલી હૉલમાં સભા હતી. હૉલમાં ઠંડી ઘણી હતી. સ્વામીશ્રી ખૂબ ઠર્યા હતા. સભા કરીને ઈશ્વરભાઈ માસ્તરના ઘરે સ્વામીશ્રી જમવા પધાર્યા હતા. નાનકડા રસોડામાં પ્લૅટફોર્મ ઉપર બેસાડેલા સીન્ક આગળ સ્વામીશ્રી જમવા બેઠા હતા. સાંકડી જગ્યામાં અન્ય સંતો પણ સાથે જમવા બેઠા હતા. રસોડામાં પીરસવા માટે પણ ચાલવાની જગ્યા ન હતી. સર્વેને પાણીના ગ્લાસ ભરીને આપવાના હોઈ મેં સ્વામીશ્રી અને મહંત સ્વામીની વચ્ચે સાવધાનીથી ઊભા રહીને પ્રથમ ગ્લાસ ભર્યા અને એકબીજાના ટેકે ગોઠવ્યા. તેમાંથી પ્રથમ બે ગ્લાસ સંતોને આપ્યા ન આપ્યા અને એક ગ્લાસ સીધો જ સ્વામીશ્રીની પીઠ ઉપર નમ્યો, પડ્યો અને ઢોળાયો. સ્વામીશ્રીનું ગાતરિયું (ઉત્તરીય વસ્ત્ર) પીઠના ભાગમાં સંપૂર્ણ પલળી ગયું. એક તો હૉલમાં સભા દરમ્યાન સ્વામીશ્રી ઠર્યા જ હતા. તેમાંય આ રીતે ઠંડા પાણીના અભિષેકથી ફરીથી ઠાર્યા ! છતાં સ્વામીશ્રી રંચમાત્ર પણ ગુસ્સે ન થયા! આ ઘટનાથી મારા તો હોશકોશ ઊડી ગયા. કારણ કે આમાં નિમિત્ત હું બન્યો હતો. સ્વામીશ્રી તો શાંતિથી બેસી રહ્યા હતા. જાણે 'કશું બન્યું જ નથી' એટલી સાહજિકતાથી સ્વામીશ્રીએ તે સ્વીકારી લીધું. ખરેખર ! ક્રોધ થવાનું નિમિત્ત હોવા છતાં પ્રચ્છન્નરૂપે પણ તેમને ગુસ્સો આવ્યો નહીં એ જ એમની મહાનતા છે ને ! विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांसि ते एव घीराः।
વિકાર થવાની શક્યતા હોવા છતાં જેમનાં ચિત્ત વિકારને પામે નહીં તે જ ધીર પુરુષો છે. સ્વામીશ્રીમાં નિહાળેલું આવું નૈસર્ગિક ધીરપણું અન્યત્ર ખરેખર દુર્લભ છે.
તા. ૨૬-૯-૭૮ના રોજ સ્વામીશ્રી દક્ષિણ ગુજરાતનાં ગામડાંઓમાં કઠોર વિચરણ કરતાં કરતાં ઉકાઈ પધાર્યા હતા. તે અરસામાં પાયોરિયાની તકલીફના કારણે તેમની દાઢમાં સખત દુખાવો રહેતો હતો. પણ તેઓ કોઈને કળાવા દેતા ન હતા. કરચેલિયામાં જાહેરસભા બાદ ધોમ ધખતા તાપમાં તા. ૨૭-૯-૭૮ના રોજ જીપ દ્વારા સોનગઢ પધાર્યા. અહીં ભરબપોરે પતરાંની છતવાળી એક પુરાણી ધર્મશાળામાં આયોજકે જાહેરસભાનો કાર્યક્રમ રાખ્યો હતો. એક તો ધોમધખતો તાપ, તેમાંય સખત તપેલાં પતરાંની છત નીચે જ બેસવાનું. પંખા કે લાઇટ કશું જ મળે નહીં. પરસેવે રેબઝેબ થવાનું અને ગરમીમાં બફાવાનું. પણ સ્વામીશ્રીએ કશી જ ફરિયાદ કરી નહીં. અધૂરામાં પૂરું આજે એકાદશી હતી. સ્વામીશ્રી હંમેશાં નિર્જળા ઉપવાસ કરતા. ચાલુ દિવસોમાંય સ્વામીશ્રી સવારે ઉતારેથી ઉકાળાપાણી કરીને નીકળ્યા હોય, પછી ગણતરી વગરની પધરામણી કરીને બપોરે બે-અઢી-ત્રણ (અને ક્યારેક ચાર) વાગે જમવા ભેગા થાય, ત્યારે પાણી ભેગા થાય. વચ્ચે ગમે તેટલી તરસ લાગી હોય પણ તેમણે પોતે સામેથી ક્યારેય પણ પાણી માગ્યું નથી! ક્યારેક સહેજે ઠાકોરજીને ધરાવીને કોઈ સંત શુદ્ધ જળ લાવે તો તે પી લેતા. આવી તેમની સહજ પ્રકૃતિ આજે પણ છે.
સોનગઢની કષ્ટમય જાહેરસભા બાદ ઉતારે આવીને સાંજે વીરપુર થઈ વ્યારા પધાર્યા. વ્યારામાં પણ રાત્રે જાહેરસભા થઈ. તા. ૨૮-૯-૭૮ના સવારે પ્રાતઃપૂજાવિધિ તથા કથાવાર્તા બાદ સંતમંડળ સાથે કપુરા પધાર્યા. અહીં ટોરોન્ટો (કેનેડા) નિવાસી સુમન નરસિંહભાઈ ભક્તાને ત્યાં વિશાળ ખંડમાં સત્સંગસભા ચાલી રહી હતી. નારાયણ ભગત ઊભા ઊભા પ્રવચન કરી રહ્યા હતા. તે દરમ્યાન તેમની બાજુમાં બિરાજેલા સ્વામીશ્રીનું શરીર એટલું અસ્વસ્થ થવા માંડ્યું કે તેનો અણસાર સાથેના સંતોને પણ તરત આવવા માંડ્યો. તેમનું શરીર જાણે શ્યામ પડતું જતું હોય તેવું જણાયું, નિર્જળા ઉપવાસમાં કરેલા પરિશ્રમનું આ પરિણામ હતું. પણ તેઓ તો તેમની લાક્ષણિકતા અનુસાર માળા જ ફેરવ્યે જતા હતા. માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ. સાથેના સંતો પરસ્પર સ્વામીશ્રીના કથળી રહેલા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરતા હતા અને ઉપાય શોધતા હતા. જેનો અણસાર ચકોર એવા નારાયણ ભગતને ચાલુ પ્રવચને જ આવી ગયો. તેમણે ખાત્રી માટે સ્વામીશ્રીના હાથનો ત્વરાથી સ્પર્શ કરી લીધો. સ્વામીશ્રીનું શરીર અત્યંત તાવના કારણે સખત તપી રહ્યું હતું, તેથી તેમણે અડધા પ્રવચને જ 'જય' બોલાવી દીધી અને ટૂંકમાં જાહેરાત કરીને સભાનું વિસર્જન કર્યું. સંતો સ્વામીશ્રીને ટેકો આપીને મોટર સુધી લઈ ગયા અને સડસડાટ બધો જ સંઘ વ્યારા સ્વામીશ્રીના ઉતારે જીતુભાઈ શાહને ત્યાં આવી ગયો.
ઉતારો પહેલે માળે હતો. સ્વામીશ્રીને તાવના કારણે અશક્તિ સખત વધી રહી હતી, તેથી સંતો એમને ઝાલી રાખીને, ટેકો આપીને જેમ તેમ કરીને ઉપર લઈ ગયા. બે ગાદલાં ઉપર ચાદર સરખી પથરાય તે પહેલાં તો સ્વામીશ્રી પથારીમાં ઢળી જ પડ્યા.
અમે અમુક સંતો તેમનું શરીર દબાવવા માંડ્યા. જાણકાર સંતે સ્વામીશ્રીને કોઈ ઔષધ પાયું. પણ મિનિટે મિનિટે સ્વામીશ્રીની અસ્વસ્થતા વણસતી જતી હતી. લગભગ અર્ધબેશુદ્ધ એવા તેઓ ક્યારેક કંઈક બોલે અથવા કંઈક સૂચના આપે તે પણ અંધધંધ જેવું લાગે. નજીકથી કાન માંડીને સાંભળનારને પણ સંપૂર્ણ તો ન જ સમજાય. નરસિંહભાઈના ઘરેથી અચાનક નીકળી જવાનું થયું હતું તેથી તાવમાં-ઊંઘમાં બોલતા હતા : 'સુમનના બાપુજીને ખોટું તો નહીં લાગ્યું હોય ને !' વળી કહે, 'મઢીવાળા મહેન્દ્રભાઈએ આપણને તેડાવવા ઘણી તૈયારી કરેલી પણ આપણાથી જવાયું નહીં...' આમ બીમારીમાંયે ભક્તોને સંભારી દુઃખ વ્યક્ત કર્યા કરતા હતા... સ્વતંત્ર રીતે પડખું ફરવા જેટલી તાકાત પણ તેમના શરીરમાં ન હતી તેમની શરીર ઉપરની શુદ્ધિ તેઓ મિનિટે મિનિટે જાણે ગુમાવી રહ્યા હતા.
બપોરે લગભગ ૧૧.૩૦ વાગ્યા હશે. અમારા આશ્ચર્ય વચ્ચે સ્વામીશ્રી પ્રયત્ન પૂર્વક એકદમ ઝડપથી સફાળા બેઠા થઈ ગયા અને સંતોને પૂછ્યુ , 'હરિકૃષ્ણ મહારાજને થાળ ધરાવ્યો?'
પ્રખ્યાત દંતવૈદ્ય શ્રી લાભશંકરભાઈ સાંકરી સ્વામીશ્રીનાં દર્શનાર્થે આવ્યા. સોમાભાઈના બંગલે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રસોડાની બાજુની રૂમમાં સ્વામીશ્રીની દાઢ તપાસવા માટે તેમણે સ્વામીશ્રીના મુખમાં નીચેના જડબામાં ડાબી બાજુના પેઢામાં દાઢ પાસે સહેજ સ્પર્શ કરીને દબાવ્યું તો મોઢામાંથી પરુની એક નાનકડી સેડ ઊડી ! તેઓ તરત જ બોલી ઊઠ્યા, 'આટલી પીડા તો એક સ્વામીશ્રી જ વેઠી શકે !'
સ્વામીશ્રીની સહનશીલતા અનેક સંજોગોમાં અનુભવી છે. આ કંઈ એમના લોખંડી વ્યક્તિત્વની નીપજ નથી, એ તો ફૂલ જેવા કોમળ છે અને નક્કર ગુણાતીત છે. એટલે જ આ સંભવિત બને.