‘અમારે તો શાંતિનો કાયમી પ્રોજેક્ટ છે, વચમાં આવાં અક્ષરધામ બની જાય છે’
કોઈ કહે છે કે પ્રમુખસ્વામી મહારાજે ગાંધીનગરમાં અક્ષરધામ બાંધી સાંસ્કૃતિક વિક્રમ સર્જ્યો છે, કોઈ કહે છે કે પ્રમુખસ્વામી મહારાજે દિલ્હીમાં અક્ષરધામ બાંધી વિશ્વવિક્રમ સર્જ્યો છે, અને હવે ટૂંક સમયમાં એવું પણ કહેશે કે અમેરિકામાં અક્ષરધામ બાંધી પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું ભાવિ ઉજ્જ્વળ બનાવી દીધું છે. આવા અનેક અહોભાવના ઉદ્ગારો સમાજમાં સંભળાય છે, પણ અક્ષરધામ અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હૃદય સામે દૃષ્ટિ કરીએ ત્યારે સમજાય છે કે ધર્મ અને સંસ્કૃતિનાં આવાં બેનમૂન ધામો એ સ્વામીશ્રીના માનવમાત્ર માટે નિઃસ્વાર્થ પ્રેમનાં પ્રતિબિંબો છે. જેમ પ્રેમ કુદરતી અને સાહજિક હોય છે તે રીતે પ્રમુખસ્વામી મહારાજનાં કાર્યો સાહજિક અને કુદરતી છે.
એક પ્રસંગ છે, દિલ્હી અક્ષરધામનો. દિલ્હી અક્ષરધામ બનતું હતું ત્યારે ખ્યાતનામ આર્કિટેક્ટ પદ્મશ્રી બી. વી. દોશી સાહેબ પધાર્યા હતા. ડિઝાઇન ક્ષેત્રમાં ખૂબ વિદ્ધાન અને વિશાળ અનુભવ ધરાવતા એવા શ્રી બી. વી. દોશી સાહેબ અંતરથી ખૂબ પવિત્ર, પ્રામાણિક અને સ્પષ્ટ વક્તા છે.
અમને આનંદ સાથે આશા પણ હતી કે બની રહેલા દિલ્હી અક્ષરધામને નિહાળી સાહેબ અગત્યનું માર્ગદર્શન પણ આપશે. બીજી બાજુ અવઢવ પણ હતું કે સાહેબને કેવું લાગશે? ગમશે કે નહીં? કારણ હકીકતમાં અક્ષરધામ કેવળ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી જ સાત સંતોએ ડિઝાઇન તૈયાર કરી હતી. તેમાં કોઈ આર્કિટેક્ટ, ડિઝાઇનર કે નિષ્ણાત નહોતા. કેવળ સ્વામીશ્રીના પ્રેમ, પુરુષાર્થ અને પ્રેરણાનું પરિણામ હતું.
પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના માર્ગદર્શન નીચે પૂજ્ય શ્રીજીસ્વરૂપ સ્વામીએ પ્રથમવાર ડિઝાઇનનું કાર્ય કર્યું હતું. બીજી બાજુ શ્રી બી. વી. દોશી સાહેબ જેવા મહાન આર્કિટેક્ટ હોય, જેમણે ન કેવળ મકાનો ને સંકુલો પણ આંતરરાષ્ટ્રીય શહેરો ડિઝાઇન કર્યા છે, એવા આર્કિટેક્ટને તો અક્ષરધામની ડિઝાઇનમાં કાંઈક ખોટ કે ઊણપ દેખાશે જ.
બની રહેલા અક્ષરધામ સંકુલને શાંતિથી દેખાડીને મેં સાહેબને પૂછ્યું, કોઈ સૂચન કે માર્ગદર્શન? શ્રી બી. વી. દોશી સાહેબ મને એક છોડ પાસે લઈ ગયા અને સાહજિક કહ્યું, ‘આ છોડ ઊગે છે, શાંતિથી ઊગે છે. કોઈક છોડનાં પાંદડાં નાનાં હોય, કોઈકની ડાળી ટૂંકી હોય, વળી ગઈ હોય. કોઈકની સુકાઈ ગઈ હોય. ગમે તેવો આકાર કે રંગ હોય તે કુદરતી છે. આ છોડ જે રીતે ઊગે છે, એ જ શ્રેષ્ઠ છે. તમે છોડને કહી ન શકો કે તું આમ ઊગ કે આમ ઊગ. એ જે રીતે ઊગે છે તે સાહજિક છે, કુદરતી છે અને જીવંત છે. તેમ આપનું દિલ્હીનું અક્ષરધામ એ ભગવાન અને સંતની કુદરતી ભેટ છે. એ જેમ આકાર લઈ રહ્યું છે તે એક દિવ્ય પ્રેરણાનો પ્રવાહ છે. એટલે મહેરબાની કરીને કોઈનુંય સૂચન લેતા નહીં કે સાંભળતા નહીં. તમે તમારું કામ કરતા જ જજો.
ભગવાન અને સંતની દિવ્ય પ્રેરણા હોય ત્યાં જ આવું નિ:સ્વાર્થ અને સાહજિક સર્જન થઈ શકે.’
હકીકતમાં ભગવાન અને સંતનો પ્રેમ સાહજિક છે. તેમાં દંભ કે દેખાવ નથી અને સર્વે માટે સમાન હોય છે. સ્વામીશ્રીના સાહજિક અને સમાન પ્રેમનો એક પ્રસંગ આપણી સમજણમાં વધુ સ્પષ્ટતા લાવશે.
એક વાર અમે સંતો મુંબઈ હતા. રાત્રે ૧૧.૩૦ વાગે પ્રમુખસ્વામી મહારાજ આરામમાં જતા હતા ત્યારે ખાટલામાં બેઠાં-બેઠાં વિવેકસાગર સ્વામીને બોલાવીને કહ્યું, ‘વિવેકસાગર સ્વામી! તમને આજે હું ખૂબ સારા સમાચાર આપું.’
સૌ આશ્ચર્યમાં ડૂબી ગયા. રોજ અમે સ્વામીશ્રીને સારા સમાચાર આપતા હોઈએ છીએ... જેમ કે, કોઈ મંદિરનું કામ થયું હોય, કોઈ હરિભક્તને શાંતિ થઈ હોય તેવા સમાચાર આપીએ અને આજે મારા જીવનમાં સૌપ્રથમવાર જોયું કે સ્વામીશ્રીએ પહેલીવાર કહ્યું કે હું તમને સારા સમાચાર આપું.
મારું મન તો વિવિધ દિશામાં દોડવા માંડ્યું કે પ્રમુખસ્વામી મહારાજ માટે ખૂબ સારા સમાચાર એટલે શું? શું અમેરિકામાં અક્ષરધામ માટેની જમીન મળી ગઈ? અટકેલાં કાર્યો હતાં તે થઈ ગયાં? સિડનીનું કાર્ય હતું, તે થઈ ગયું? આ બધું વિચારતો હતો, ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે આજે એક મહિલા સત્સંગીનો પત્ર હતો.
પોતે ખૂબ ખાનદાન કુટુંબનાં, ખૂબ સંસ્કારવાન અને સહિષ્ણુ, ઉંમરલાયક અને શ્રદ્ધાવાન. તેમણે સ્વામીશ્રીને પત્ર લખ્યો હતો, ‘બાપા! આજે ૩૫ વર્ષ પછી મને મારા ધણીએ પાછા બોલાવ્યાં એ શુભ સમાચાર હું આપને આપું છું.’
આ સત્સંગી કુટુંબ માટે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ વર્ષોથી પ્રાર્થના કરતા હતા.
સ્વામીશ્રી માટે કોઈક બહેનનો સંસાર-વ્યવહાર શુદ્ધ થાય, શાંત થાય તથા તમારા અને મારા જીવનમાં સુખ આવે તેનાથી મોટા કોઈ શુભ સમાચાર નથી. આ તો મંદિરો થાય, કાર્યો થાય, વિશ્વમાં વાહ-વાહ થાય - એ સર્વે કરતાં, તમારા અને મારા અંતરમાં શાંતિ થાય એ પ્રમુખસ્વામી મહારાજનું કાર્ય છે. તેમના નિ:સ્વાર્થ પ્રેમનું એ પ્રતિબિંબ છે.
જ્યારે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરનાર અમેરિકાના નિષ્ણાત કાર્ડિયોથોરેસિક સર્જન ડૉ. વી. સુબ્રમણ્યન 2005ની સાલમાં દિલ્હી અક્ષરધામની મુલાકાતે આવ્યા ત્યારે સ્વામીશ્રીનું આવું અકલ્પ્ય કાર્ય જોઈ મંત્રમુગ્ધ બની ગયા. તેમણે સ્વામીશ્રી પાસે આવા કોઈપણ ઔપચારિક શિષ્ટાચાર કે સ્વાસ્થ્યના સમાચાર પૂછ્યા વગર સીધો પ્રશ્ન પૂછ્યો, “What is your next project?” આજુબાજુ બેઠેલા અમે સૌ સંતો સ્તબ્ધ બની ગયા.
સ્વામીશ્રી તેમના દર્દી હતા. સ્વામીશ્રીની ઉંમર ૮૬ વર્ષની હતી. છતાં ડૉ. સુબ્રમણ્યનના મુખારવિંદ ઉપર દયા કે હમદર્દી નહીં, પણ અહોભાવ અને આશ્ચર્ય ઊભરાતાં હતાં. કોઈ તરવરતા યુવાનને પૂછવા યોગ્ય પ્રશ્ન તેમણે ઉંમરવાન સ્વામીશ્રીને પૂછ્યો કે, ‘સ્વામી! આપનો આગામી પ્રોજેક્ટ હવે શું છે?’
કોઈ વૃદ્ધ હોય તેને આગામી પ્રોજેક્ટ માટે પુછાય? ન પુછાય, કેમ કે ઘણા વૃદ્ધો માટે તો ખુરશીમાં બેઠા હોય ત્યારે ઊભા થવું એ પણ એક પ્રોજેક્ટ હોય છે! ઘરના લોકો બારી ખુલ્લી રાખીને કે લાઇટની સ્વિચ ચાલુ રાખીને ગયા હોય તે બંધ કરવાં એ પણ એક પ્રોજેક્ટ હોય છે. પણ ડૉ. સુબ્રમણ્યન અક્ષરધામની મુલાકાતથી એવા પ્રભાવિત થયા હતા કે તેમનું મન કલ્પી નહોતું શકતું કે આવા ભવ્ય પ્રોજેક્ટ પછી હવે પ્રમુખસ્વામી મહારાજનો બીજો નવો પ્રોજેક્ટ શું હશે?
પણ તેથી વધુ અકલ્પ્ય તો સ્વામીશ્રીએ ડૉ. સુબ્રમણ્યનને જે જવાબ આપ્યો તે ખૂબ જ આધ્યાત્મિક ઊંડાણમાંથી ઉદ્ભવેલો જવાબ હતો. ડૉ. સુબ્રમણ્યનને પ્રમુખસ્વામી મહારાજે સાહજિક શાંતિથી કહ્યું, ‘સાહેબ! અમને તો ભગવાન સ્વામિનારાયણે કાયમી એક જ પ્રોજેક્ટ આપ્યો છે, શાંતિનો! વિશ્વમાં, સમાજમાં, કુટુંબમાં, અંતરમાં સૌને શાંતિ થાય એવો પ્રોજેક્ટ આપ્યો છે અને વચમાં આવાં અક્ષરધામ બની જાય છે.’
આપણને આશ્ચર્ય થાય કે ‘અક્ષરધામ’ને સમગ્ર દુનિયા નવાજે છે, તે પ્રમુખસ્વામી મહારાજનું સાહજિક કાર્ય છે. એટલે કે Akshardham is a byproduct of Pramukh Swami’s love for the world at large. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું અજોડ કાર્ય એ મંદિરો કે અક્ષરધામો નથી, પણ તેમનો નિ:સ્વાર્થ પ્રેમ, ભગવાનમાં શ્રદ્ધા અને જીવ-પ્રાણી માત્રને શાંતિ આપવી એ છે.