Essays Archives

વસંતપંચમીએ પ્રગટેલા વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીને ભાવાંજલિ...

પ્રાગટ્ય :
જામનગર જિલ્લાનું જોડિયા તાલુકાનું શેખપાટ નામે ગામ છે. સૌરાષ્ટ્રથી કચ્છ જતા સાધુ-સંતોનું એ વિસામો ગણાતું. આ ગામમાં ગુર્જર સુથાર રામભાઈ અને પત્ની અમૃતબાની કૂખે એક પુત્રરત્ન પ્રકટ્યું - એ જ નિષ્કુળાનંદ સ્વામી. વિ.સં. ૧૮૨૨ (સને ૧૭૬૬) મહા સુદ પંચમી(વસંતપંચમી)ને દિવસે તેમનો જન્મ થયો.
પૂર્વાશ્રમનું નામ લાલજી. સમૃદ્ધ કુટુંબ. આંગણે દસ-બાર ભેંસો દૂઝે. જમીન-જાગીર, બળદ-ગાડી, જાતવાન ઘોડી, હર્યોભર્યો સંસાર. વ્યવસાય સુથારી કામનો હોઈ લાલજી બહુ ભણ્યા નહિ. પૂર્વના સંસ્કારને લીધે લાકડું ઘડતાં ઘડતાં અંતરમાં વૈરાગ્યની સરવાણી ફૂટવા લાગી. જીવન ઘડાવા લાગ્યું. પોતે એકના એક પુત્ર હોવાથી માતા-પિતાએ ખૂબ લાડકોડમાં ઉછેર્યા.
લાલજીની વિરક્ત દશા પિતાએ પારખી લીધી. રખે ઘર છોડીને ચાલ્યા જાય એ બીકે ૨૪ વર્ષની વયે (સં. ૧૮૪૬માં) આધોઈ ગામે કંકુ નામની કન્યા સાથે લાલજીને પરણાવી દીધા.
પરણ્યા પણ હૈયામાં સંસારી જીવનને ભોગવવાનો સંકલ્પ ઊઠવા દીધો નહિ! એમની અંદર ઢબુરાઈ રહેલો જ્ઞાન-વૈરાગ્યનો ઝરો ઝરણું બની કાવ્યરૂપે રેલાવા લાગ્યો હતો. તેઓ વાંસલો લઈ છોડિયાં ઉખેડતા ત્યારે લાગતું કે દેહાભિમાનનાં છોડિયાં ઉખેડી રહ્યા છે!...

ગુરુ કર્યા :
સાચા ગુરુની શોધમાં એમનું મન તલસી રહ્યું હતું. એમાં સં. ૧૮૪૩માં સદ્‌ગુરુ રામાનંદ સ્વામીનો ભેટો થયો. વર્તમાન ધારણ કર્યા. વૈષ્ણવી કંઠી બાંધી. ગુરુ પાસે થોડા દિવસ રહ્યા તેમાં પોતાનું હૈયું હેરાઈ ગયું. એ પછી તો વારંવાર રામાનંદ સ્વામીનો સમાગમ કરવા લાગ્યા. જ્ઞાન-ભક્તિનાં મૂળ ઊંડાં જવા લાગ્યાં. સંસારનું કાર્ય કરે છતાં જલકમલવત્‌ રહેવાની ભાવના જાગી.
લોજમાં મુક્તાનંદ સ્વામી, અગત્રાઈના પર્વતભાઈ તથા માણાવદરના મયારામ ભટ્ટ - આ ત્રણ સંગાથે તેમને હેત ગાઢ થયું. ચારે ભક્તો જ્યારે મળે ત્યારે રામાનંદ સ્વામીના અપરંપાર મહિમાની વાતો કરે. એમ કરતાં એક પળ એવી આવી કે ચારેએ નિશ્ચય કર્યોઃ 'રામાનંદ સ્વામી સિવાય ક્યાંય માથું નમે નહિ. અરે, કોઈ હથેળીમાં રાધાકૃષ્ણ દેખાડે તોય આ નિષ્ઠામાં કદી ફેરફાર થાય નહિ.' ચારેએ એકબીજાના સાક્ષીરૂપે જમણી હથેળીઓ જોડી દીધી.
પરિણીત લાલજી સુથારે મનથી દૃઢ ગાંઠ વાળેલી કે છેડા વર્તમાન પાળવા છે. નવ-નવ વરસ વીતી ગયાં છતાં આંગણે સંતાન ન જોતાં નાતીલાએ તપાસ કરી તો જાણવા મળ્યું કે લાલજી છેડા વર્તમાન પાળે છે, સ્ત્રીનો સ્પર્શ સુધ્ધાં કરતા નથી! આથી સૌએ તેમને ભારપૂર્વક સંસારનું સુકાન સંભાળવા મજબૂર કર્યા. અને ૩૪ વર્ષે (સં. ૧૮૫૬માં) તેમને ત્યાં દીકરાનો જન્મ થયો. તેનું નામ માધવજી રાખ્યું.

શ્રીજીમહારાજનો યોગ :
સંવત ૧૮૫૬ના શ્રાવણ વદ ૬ના દિવસે નીલકંઠવણી વેશે ભગવાન સ્વામિનારાયણ લોજ ગામે પધાર્યા. તેમનો પ્રભાવ પ્રથમ મુક્તાનંદ સ્વામીએ અનુભવ્યો. સૌ સંતોએ તેમનામાં જીવ જોડ્યો. હરિભક્તોનાં વૃંદ લોજ આવે, વણીનાં દર્શન કરી ધન્યતા અનુભવે. મુક્તાનંદ સ્વામી, મયારામ ભટ્ટ પણ આ વણીનાં તેજમાં અંજાયા. પર્વતભાઈ ને લાલજી સુથાર હજુ દર્શને ગયા નહોતા. એ વખતે કચ્છમાં વિચરણ કરતા રામાનંદ સ્વામીને પત્ર દ્વારા નીલકંઠવણીના આગમનની જાણ મળી ત્યારે તેમણે સૌ પર એક પત્ર પાઠવ્યો કે સૌ લોજ જજો, ત્યાં નીલકંઠવણી પધાર્યા છે તેમનાં દર્શન સમાગમ કરજો.
મયારામ ભટ્ટ ગુરુ રામાનંદ સ્વામીનો આદેશ ઝીલી આ પત્ર ઠેરઠેર સૌને વંચાવતાં વંચાવતાં શેખપાટ આવ્યા ને લાલજી સુથારના હાથમાં પત્ર આપ્યો. તેમણે વાંચ્યો. મયારામ ભટ્ટ પાસેથી વણીના મહિમાની વિશેષ વાત સાંભળી. મયારામ ભટ્ટ વિદાય થયા ને લાલજી સુથાર કચ્છ જવા નીકળ્યા. રામાનંદ સ્વામીએ તેમને જોયા કે તરત પૂછ્યું: 'અરે, લાલજી! તમે અહીં કેમ આવ્યા? મયારામ ભટ્ટ હજુ મળ્યા નથી!'
'મળ્યા ને!' દંડવત્‌ પાઠવી ગુરુના ચરણોમાં મસ્તક મૂકી લાલજી બોલ્યા.
'તો પછી લોજ જવા અમે લખેલું ને અહીં શીદ આવ્યા!'
'એટલે જ આવ્યો છુ _ કે અમે તો આપને જીવ સોંપ્યો છે. ગુરુ ગણો કે ભગવાન - આપ જ અમારે માટે એકમેવ છો હવે બીજે શીદ ભટકવું!'
રામાનંદ સ્વામી હસતા થકા કહેવા લાગ્યા : 'ભૂલો છો, લાલજી! અમે જ્યારે આજ્ઞા કરીએ ત્યારે તેમાં સંશય ન કરવો. હવે અહીંથી સીધા લોજ જાઓ ને નીલકંઠવણીનાં દર્શન સમાગમ કરો.'
લાલજી વધુ ગૂંચવાયા. તેમણે પૂછ્યું : 'ગુરુદેવ! એ એવા તે કેવા મોટા છે! શું દત્તાત્રેય, ૠષભદેવ કે રામચંદ્ર જેવા છે!'
રામાનંદ સ્વામીએ કહ્યું : 'જ્યારે એમની મોટાઈનું પૂછો છો તો સાંભળો - દત્તાત્રેય વગેરે ૨૪ અવતારો છે તેમાં સૌથી મોટા શ્રીકૃષ્ણ ભગવાન છે, જેમનું આપણે ભજન કરીએ છીએ, એ શ્રીકૃષ્ણથી પણ આ વણી મોટા છે. વધુ તો શું કહીએ પણ આ વણી તો અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પોતે છે. અમે તમને ઘણીવાર કહી ચૂક્યા છીએ કે હું તો ડુગડુગી વગાડવાવાળો છુ _, તે બધાને ભેગા કરું છુ _ - વેશ ભજવનાર ચાલ્યા આવે છે, એ જ આ વણી.'
આ સાંભળી લાલજી સુથારનાં અંતરમાં અજવાળું થયું; ને સીધા લોજ ઊપડ્યા. નીલકંઠવણીનાં ચરણોમાં પ્રણિપાત કર્યા. પ્રથમ દર્શને જ ગાઢ પ્રીતિ બંધાઈ ગઈ. વણીએ આશીર્વાદ આપતાં કહ્યું : 'શુકજી જેવા વૈરાગ્યવાન ત્યાગી થશો.' તેઓ રાજી થયા અને મુક્તાનંદ સ્વામી પાસે જઈ ગુરુનાં કહેલ વચનો શબ્દશઃ સંભળાવ્યાં, ને કહ્યું : 'પર્વતભાઈ આ જાણે છે કે નહિ!'
મુક્તાનંદ સ્વામી કહે : 'લાલજી ભગત! પર્વતભાઈને સંદેશો મળ્યો કે તરત આવી ગયા ને હવે અહીં જ રોકાઈ ગયા છે.'
એ પછી તો પર્વતભાઈ પણ મળ્યા અને ચારે ગુરુ-ભક્તોએ ગુરુવચનને અંતરમાં દૃઢ કરી લીધાં. નીલકંઠવણીમાં આત્માને ઓતપ્રોત કરી દીધો.

અક્ષરબ્રહ્મના યોગમાં :
વિ. સં. ૧૮૪૧માં ભાદરામાં બ્રાહ્મણકુળમાં જન્મેલા ગુણાતીતાનંદ સ્વામી મૂળજી શર્મા તરીકે ઓળખાતા હતા. તેઓ તો ભગવાન સ્વામિનારાયણને રહેવાનું અક્ષરધામ સ્વયં હતા. ત્રણે અવસ્થામાં એમને ભગવાનનું દર્શન હતું. શ્રીજીમહારાજ તેમનાથી અણુમાત્ર છેટા રહેતા નહિ. એમની આવી બ્રાહ્મી સ્થિતિ લાલજી સુથારે પિછાણી હતી. આથી એમની સાથે પ્રીતિ બંધાઈ ગઈ. ભાદરા અને શેખપાટ વચ્ચે ત્રણ ગાઉનું અંતર. મૂળજી ખેતીકામથી પરવારે ને લાલજી સુથારીકામ સમેટે. રાત્રે બન્ને ભેગા થાય, દોઢ-દોઢ ગાઉનું અંતર કાપે. બરાબર વચ્ચે એક જીર્ણ શિવાલય હતું ત્યાં બેસે અને બ્રહ્મ-પરબ્રહ્મની વાતો મૂળજી તેમને કરે. ઘણીવાર તો લાલજી ઠેઠ ભાદરા પહોંચી જતા અને મૂળજી ભક્તનો સમાગમ કરતા. મૂળજી તો તેમના કરતાં ૧૯ વર્ષ નાના હતા. છતાં લાલજીએ અધ્યાત્મ શિખરે બેઠેલા મૂળજીને બરાબર ઓળખી લીધા હતા.
સં. ૧૮૬૦માં મહારાજ ભાદરામાં મૂળજીભક્તના પ્રેમને વશ થઈ છ દિવસ રોકાયા હતા. તે વખતે ઊંડ નદીમાં જળવિહાર કરવા મહારાજે રુચિ દર્શાવી. તત્કાળ નાવ બનાવવું મુશ્કેલ હતું. મહારાજે લાલજી સુથારને કહ્યું : 'તમારો ચોફાળ લાવો, ને જળ ઉપર બિછાવી દો.'
વચનમાં ટુક ટુક લાલજીએ તરત ચોફાળ પાણી પર પાથરી દીધો. મહારાજ ઊંડના કિનારા પરથી ઝપ લઈને ચોફાળ પર બિરાજી ગયા. મૂળજી ભક્ત, વશરામ ભક્ત અને લાલજી સુથારને પણ સાથે બેસાર્યા. મહારાજના સંકલ્પે એ તરાપો જળસપાટી પર તરતો સરવા લાગ્યો. જળવિહાર કરતા મહારાજે સ્વસ્વરૂપની અદ્‌ભુત વાતો કરી. મહારાજે લાલજી સુથારને જાણે નિશાન બનાવ્યા હતા!
ભાદરાથી મહારાજ શેખપાટ પધાર્યા. લાલજી ભક્તે ધૂમધામથી પધરાવ્યા.

શ્રીહરિના ભોમિયા :
શેખપાટ ગામે ત્રણેક દિવસ રોકાઈ વસંતપંચમીનો ઉત્સવ કર્યો. પછી મહારાજે લાલજીને કહ્યું : 'અમારે કચ્છ જવું છે. પ્રથમવાર જઈએ છીએ તે તમારી જેવો કોઈ ભોમિયો હોય તો ઠીક પડે.' તેમણે કહ્યું:'મહારાજ! હું જ આપની સાથે આવીશ.' મહારાજને એટલું જ જોઈતું હતું.
અલબેલાએ પોતાની સાથેના સંઘને અહીં જ રોકી દીધો. પોતે અને લાલજી એમ બે જ કચ્છની વાટે સંચર્યા.
લાલજીમાં ભક્તિભાવ-ભર્યો હતો. મહારાજની સેવા ભોજન-જળપાન વગેરે માટે તેમણે વાટખર્ચી દસ-બાર કોરી (ક્ચ્છી ચલણ) લઈ લીધી. સુખડી-ઢેબરાં-મરચાંનું ભાથું બાંધી લીધું. જળની ભંભલી ભરી લીધી. રણ પ્રદેશમાં મહારાજને તરસ લાગે તો ક્યાં દોડવું! વળી, વચ્ચે પોતાનું સાસરીનું ગામ આધોઈ આવતું હોઈ પહેરવેશ પણ જમાઈરાજને છાજે એવો પહેર્યો. સફેદ બાસ્તા જેવી ચોરણી ને અંગરખું પહેર્યાં. કાનમાં સોનાના કોકરવા પહેર્યા. કંદોરો તો હતો જ પણ ગળામાં હાંસડી ને સોનાની મગમાળા ધારણ કરી લીધી. આંગળીએ વેઢ ઘાલ્યો. પગમાં જોડા ચરરક ચમ્મ.. થતા આવે! મહારાજે આ જોઈ મર્માળું હસી લીધું.
'હાલો ત્યારે, હરિવર!' કહેતા એ આગળ થયા. મહારાજે મોજડી પહેરી હતી. શ્વેત ધોતિયું અને કેડિયું ધારણ કર્યાં હતાં, માથે ધોળું ફાળિયું બાંધ્યું હતું.
થોડુંક ચાલ્યા ત્યાં રસ્તે એક ભિક્ષુકે ખાવાનું માંગ્યું. મહારાજ તો દયાળુ. તરત લાલજી પાસેથી માગ્યું. તે કહે : 'પણ મહારાજ! આ તો આપના માટે છે. વચ્ચે રણ પ્રદેશમાં કંઈ નહિ મળે.'
મહારાજ કહે : 'અન્નાર્થી ભૂખ્યો હોય ને માગે ત્યારે આપણી પાસે હોય તો આપવું તે આપણો ધર્મ છે.' એમ કહી બધું જ તેને અપાવી દીધું.
લાલજી કહે : 'હવે ભૂખ્યા થશો ત્યારે શું કરશો!'
મહારાજ કહે : 'જેમ પેલાને આપણે મળ્યા તેમઆપણા માટે પણ ભગવાન બીજાને મોકલી આપશે. કર્તા ભગવાન છે. એ ભૂખ્યા નહિ રાખે.' કંઈ બોલ્યા વિના લાલજી આગળ ચાલ્યા.
આગળ લૂંટારુઓ મળ્યા. લાલજીને ડારો દઈ ઊભા રાખીને બધું ફંફોળવા લાગ્યા ને ઘરેણાં ઉતારી લીધાં! એટલામાં મહારાજ પહોંચી ગયા. જોયું કે લાલજી લૂંટાયા છે. તેમણે ચોરોને કહ્યું : 'તમે તમારા કસબમાં પાવરધા નથી, શિખાઉ લાગો છો.'
'એમ કેમ કહો છો!'
મહારાજ કહે : 'આ ભગત પાસે નાણું તો રહી ગયું. તેના પગરખાં તપાસ્યાં!?'
ચોરોએ ફરી લાલજીની જડતી લીધી. જોડા પગમાંથી કઢાવ્યા. તેમાં ૧૨ કોરી નીકળી. એ લઈને ચોર ચાલ્યા ગયા. લાલજી કહેઃ 'પ્રભુ! નાણું તો આપના માટે રાખેલું, જરૂર પડ્યે કામ લાગત!'
મહારાજ કહે : 'ધનમાં ભય રહેલો છે. ભગવાનની ઇચ્છાથી એ ભય ચોરને વળગ્યો, આપણે નિર્ભય થયા.' એમ કહી હસવા લાગ્યા.
આગળ હવે રણ ચાલુ થયું. ઉજ્જ્ડ વેરાન ભૂમિ. વંટોળિયે ગરમ રેતી ઊડે. ક્યાંક મરેલા ઊંટનાં ખોખાં તો માનવીની ખોપરી-કંકાલ જોવા મળે ! મહારાજને પગે કાંટા મોજડી સોંસરા વાગતા હતા ! એવા રણમાં એક ઓઘડ બાવો મળ્યો. તેણે હાથના ઇશારાથી પાણી માગ્યું. ગળુ સૂકાઈ ગયેલું - કાંચકી બાઝી ગયેલી! બોલી શકાતું નહોતું.
મહારાજે કહ્યું : 'લાલજી! આમને પાણી પાઓ.' પેલા બાવાએ ખોબો ધર્યો ને લાલજીએ ભંભલી નમાવી. ગટક ગટક કરતા એ તો બધું પાણી પી ગયા! ને મહારાજને ભાવપૂર્વક માથું નમાવી ચાલતા થયા.
આગળ તો હવે લાલજીને જ ખૂબ તરસ લાગી. માથે સૂરજ તપતો હતો. એ તો તરફડતાં બેસી જ ગયા : 'પ્રભુ ! પાણી વગર નહિ રહેવાય, પ્રાણ ચૂંથાય છે. વળી, પાંચ ગાઉ હવે વીરડી પણ નહિ મળે !'
મહારાજને દયા આવી, કહ્યું : 'અહીં વીરડો ગાળો. પાણી મળશે.'
લાલજી કહે : 'મહારાજ ! આ રણ છે, તળમાં ઊંડે પણ પાણી ન મળે ત્યાં વેંત-હાથના વીરડાથી શું ? વળી, દરિયા કાંઠો નજીક છે તે સેર આવે તોય ખારી આવે.'
'તમે રેતી તો ખસેડો...!'
વચનમાં વિશ્વાસ લાવી લાલજીએ વીરડો ગાળ્યો. ત્યાં મીઠું પાણી નીકળ્યું. રણમાં મીઠી વીરડી! ગાળીને પોશે પોશે બતક ભરી, પ્રથમ મહારાજને બતક આપી. હરિવરે કોઠો ટાઢો કર્યો. ને તે પ્રસાદી જળ લાલજીને પાયું. તેના જીવમાં જીવ આવ્યો. બીજી બતક ભરી લીધી. જતાં જતાં સહેજ કોગળો કરવા ઘૂંટ ભર્યો તો ખારું પાણી !
ચાલતાં મહારાજને બાવળના કાંટા વાગેલા તે એક બાવળ નીચે બેસી ગયા ને કહ્યું : 'લાલજી ! કાંટા ખૂંચે છે, કાઢી શકશો?' એમ કહી લાલજીના ખોળામાં ચરણ ધર્યાં. બન્ને ચરણોમાં કાંટાના નિમિત્તે મહારાજે દિવ્ય ૧૬ ચિહ્ûનોનાં દર્શન કરાવ્યાં! લાલજીનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં! અહોભાવમાં ગરકાવ થઈ ગયા!

કુળ તજી નિષ્કુળ થયા :
એમ કરતાં આધોઈ ગામ આવ્યું. પાદરમાં ઝાડ નીચે વિસામો લેતાં મહારાજે લાલજીને કહ્યું : 'આ ગામમાંથી ભિક્ષા માગી લાવો તો ઠાકોર જમાડીએ. ભૂખ લાગી છે.'
હવે લાલજી મૂંઝાયા, કારણ કે આ ગામમાં તેમનું સાસરું હતું. અને પત્ની પોતાના બે બાળકોને લઈ પિયેર આવી હતી. વળી, બધા લોકો પોતાને ઓળખે છે, અહીં ભિક્ષા શેં મંગાય! આમ, ગડમથલ ચાલુ થઈ ગઈ.
કહ્યું : 'પ્રભુ ! અહીં મારા ઓળખીતા ઝાઝા છે, તે...'
મહારાજ કહે : 'તમને કોઈ ઓળખે નહિ તેવા કરી દઈએ તો?'
'તો વાંધો નહિ.'
તરત મહારાજે પોતાનો ખડિયો ખોલાવ્યો. તેમાંથી કાતર કાઢી ભગતની મૂછો કાતરી નાખી ને ભગવી અલફી લાવેલા તે પહેરાવી દીધી. માથે ચોટીવાળું મુંડન તો હતું જ. મહારાજે તેમનું નામ 'નિષ્કુળાનંદ' પાડ્યું. લાલજી કુળ તજી નિષ્કુળ થયા!
હવે તેમણે સત્ય હકીકત કહી : 'પ્રભુ ! આ તો મારી સાસરીનું ગામ છે.'
'તો તો હવે સાસરીમાં જઈને જ ભિક્ષા માગો.'
મહારાજની આજ્ઞા તેમણે શિરે ચઢાવી. આંગણે જઈને ઊભા, 'નારાયણ હરે...'ની આહ્‌લેક લગાવી. સાસુએ જોયું કે બાવાજી આવ્યા છે પણ ઝીણી નજરે નજીકથી જોતાં જમાઈરાજ પરખાઈ ગયા. તેણે ઘરમાં જઈ દીકરી કંકુને કહ્યું: 'ભાણિયાનો બાપ આવ્યા લાગે છે!'
પત્નીએ જાળિયામાંથી જોઈ પતિને ઓળખી લીધા. એ પતિના વૈરાગ્યથી પરિચિત હતી. તેમ છતાં સાસુના કહેવાથી સારા શણગાર સજી, ચાર વર્ષના માધવજીને તથા એક વર્ષના કાનજીને સાથે લઈ આંગણામાં આવી, પણ નિષ્કુળાનંદજી નીચું મોં કરી ઊભા રહ્યા. સાસુને એમ કે તરત મુંડિયો છે એટલે પત્ની તથા બાળકોને જોઈ વૈરાગ્ય ઊતરી જશે.
પત્ની કહે : 'આ છોકરા હજુ નાના છે તે કંઈ વિચાર આવે છે!'
નિષ્કુળાનંદ સ્વામી આડું જોઈને કહે : 'ભેંસ પારસો મૂકે પણ આ તો પાડો છે. મારે ઝાઝી લપ કરવી નથી, ભગવાન આ ગામને પાદર બેઠા છે, એકલા છે ને ભૂખ્યા થયા છે. એમની આજ્ઞાથી અહીં ભિક્ષા માગું છુ _, એમને રાજી કરી લે તો બેડો પાર થઈ જશે.'
પત્નીને થયું કે પતિ હવે પાછા નહિ જ વળે. તે તરત રસોડામાં ગઈ ને બાજરાના ત્રણ-ચાર રોટલા ટીપી નાખ્યા, રીંગણાંનું શાક કર્યું. ગોળ, દહીં ને મરચાંનું અથાણું લીધું. જાતે મહારાજને જમાડવા આવી. બન્ને છોકરાઓએ મહારાજનો ચરણસ્પર્શ કર્યો. પોતે દૂર રહી ખોળો પાથરી પગે લાગી.
મહારાજે કહ્યું : 'આ જીવ અમારા ખાતાનો હતો. તમારે ત્યાં આટલાં વરસ રહ્યો. તે કેમે કરીને રહ્યો, હવે એને ભગવાન ભજવા-ભજાવવાની મોકળ કરજે. ઘરમાં કંઈ ખોટ નથી. છોકરા તો કાલ સવારે મોટા થઈ જશે. માટે પાછા મેળવવાનો સંકલ્પ કરીશ નહિ.'
કંકુબેનને મહારાજ વિષે ભક્તિભાવ હતો. તેમણે સહર્ષ રજા આપી. મહારાજે આધોઈને પાદર એનો ભક્તિભાવ આરોગ્યો. નિષ્કુળાનંદજીને પણ જમાડ્યા ને હરિવરે પોતાની પ્રસાદી કંકુબેનને આપી.
એવામાં વીજળીવેગે ગામમાં ખબર પડી ગઈ કે શ્રીજીમહારાજ પધાર્યા છે. અહીં રામાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો તે કચરો ઠક્કર વગેરે ભક્તો મહારાજ પાસે આવ્યા, દંડવત કર્યા. અહોભાવમાં સૌ ગરકાવ થઈ ગયા.

ગ્રંથ રચના પ્રારંભ :
મહારાજને થાક લાગ્યો હોઈ આધોઈમાં દિવસ આરામ કરવો હતો તેથી કચરો ઠક્કર પોતાને ઘેર લઈ ગયા. મહારાજે ઠક્કરને કહ્યું : 'આ નિષ્કુળાનંદ સ્વામી અહીં ગામને ચોરે રહીને ગ્રંથો લખશે. તમે ખાન-પાનની સુવિધા કરી દેજો.' એમ કહી સ્વામીને કહ્યું: 'તમારી પાસે અમારે 'યમદંડ' ગ્રંથ લખાવવો છે તે આ સારું સ્થાનક છે. અહીં રહીને આ ગ્રંથ લખો.'
નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું : 'મહારાજ! મેં યમપુરી, ગર્ભવાસ કે લખચોરાશીના ત્રાસ જોયા નથી. મારે કલ્પના કેમ કરવી!'
મહારાજ કહે : 'અમને યાદ કરજો, તમને બધું પ્રત્યક્ષ નજરે ચઢશે.' એમ કહી તે જ વખતે સમાધિમાં તેમને મહારાજે યમપુરી બતાવી. નિષ્કુળાનંદ સ્વામીને તો કેવળ મહારાજની લેખિની બનવાનું હતું. શબ્દો, વર્ણનો, રચના શૈલી વગેરેનો જાણે હૃદયમાં ઉભાર આવવા લાગ્યો.
મહારાજ એમને આધોઈ છોડીને કચ્છમાં એકલા જ વિચરણ કરવા નીકળી ગયા.
અહીં રહી નિષ્કુળાનંદ સ્વામીએ યમદંડ ગ્રંથ ચાર માસમાં પૂરો કર્યો. એ પછી તો એમની કલમે નાના-મોટા ૨૩ ગ્રંથો નીપજ્યા! પુરુષોત્તમ પ્રકાશ, સારસિદ્ધિ, વચનવિધિ, હરિબળ ગીતા, ધીરજાખ્યાન, સ્નેહગીતા, ભક્તિનિધિ, હૃદયપ્રકાશ, કલ્યાણનિર્ણય, મનગંજન, ગુણગ્રાહક, હરિવિચરણ, હરિસ્મૃતિ, અરજીવિનય, અવતાર-ચિંતામણિ, ચિહ્ûનચિંતામણિ, પુષ્પચિંતામણિ, લગ્નશુકનાવલિ, વૃત્તિવિવાહ, શિક્ષાપત્રી પદ્યરૂપા, ચોસઠપદી અને ભક્તચિંતામણિ.
'ભક્તચિંતામણિ' શ્રીજીમહારાજની લીલાનો અદ્‌ભુત ગ્રંથ છે. 'પુરુષોત્તમ પ્રકાશ'માં શ્રીજીમહારાજને પરબ્રહ્મ-અવતારી તરીકે તેમણે સુપેરે નિરૂપ્યા છે. 'ચોસઠપદી'માં તો સંત-અસંતનાં લક્ષણ, ભગવાનની પ્રાપ્તિની મહત્તા, પંચવિષય, દોષો-વિકારોને ટાળવાનો કીમિયો, અક્ષરધામનું સુખ-વર્ણન વગેરે સ્વાનુભૂતિની નીપજ છે.
એવો પણ ઇતિહાસ છે કે તેમણે ચોસઠપદી પાંચવાર રચેલી. પોતે રચીને તૈયાર કરે ને કોઈ દ્વૈષી તેની ઉઠાંતરી કરી ફાડી નાખે. છેવટે એક એક પાનું વાંસની ભૂંગળીમાં સંતાડતા એમ, ચોસઠપદી જળવાઈ, ને ગ્રંથસ્થ થઈ. આ ઉપરાંત તેમણે બે હજાર જેટલાં ઉપદેશપદો અને મૂર્તિનાં પદો રચ્યાં છે.
નિષ્કુળાનંદ સ્વામીએ રચેલાં આ ગ્રંથો તેમજ કાવ્યોનું પરિશીલન કરતાં ખ્યાલ આવે છે કે એમનું શાસ્ત્રજ્ઞાન, સંસ્કૃત શબ્દોનું જ્ઞાન, જનજીવનનો બહોળો અનુભવ, ભૌગોલિક ખ્યાલ, ઇતિહાસ-પુરાણનાં દૃષ્ટાંતો રજૂ કરવાની હાથવગી ફાવટ, કડવો ઉપદેશ પણ મધુરતાનો પુટ ચઢાવીને આપવાની કુશળતા, સંત-અસંતની સદૃષ્ટાંત ઓળખ, અંતર્દૃષ્ટિ-આતમખોજની સૂઝ , ભગવાનના સુખનું અધિકાધિક પરપણું પરખાવવાની શક્તિ, શ્રીજીમહારાજના હૃદગત સિદ્ધાંતને નિરૂપતી સચોટ, નિઃશંક, સ્વાનુભૂત રજૂઆત... કેટકેટલું એમના દ્વારા સત્સંગને પ્રાપ્ત થયું છે !
આજે પણ એમના ધોળ, ગરબી ને લાવણી જેવા મધુર રાગે રાતની કથા પૂર્વે ઠેર-ઠેર ગવાતી ચોસઠપદી સાધકના આંતરમનને નીરવ શાંતિના ઝરામાં ઝબકોળી દે છે. સાધુને સાધુતાની ખુમારી ચઢાવી દે છે. ગૃહસ્થો સંત-અસંતની પરખ પામીને પોતાની જીવન-નૌકાનું સુકાન પ્રગટ ગુરુહરિને સોંપી હાશ અનુભવે છે.

કુશળ કલાકાર :
ધોલેરાનું મંદિર બાંધવામાં નિષ્કુળાનંદ સ્વામીની સેવા મુખ્ય છે. આ મંદિરની તમામ કલાકૃતિઓનાં રેખાંકનો એમણે કર્યાં હતા એટલું જ નહીં તેમણે જાતે ઘડેલ પત્થરનું તોરણ આજે પણ તેમની શિલ્પ તથા સ્થાપત્યની પ્રીતિ કરાવતું ઝૂલી રહ્યું છે.
નિષ્કુળાનંદ સ્વામીની સર્વોત્તમ કલા એમણે વડતાલમાં બનાવેલા બાર દરવાજાવાળા હિંડોળામાં વ્યક્ત થઈ છે. આ હિંડોળામાં બેસીને શ્રીજીમહારાજ ઝૂલ્યા હતા ત્યારે તેના બારેય દરવાજામાંથી તેમણે પોતાના સ્વરૂપનાં દર્શન ભક્તજનોને કરાવી આશ્ચર્યમુગ્ધ કર્યા હતા. સ્વામીએ પોતાની કલા-કારીગીરી ગઢડા તથા જૂનાગઢમાં પણ દર્શાવી છે.
સં. ૧૮૭૪માં નિષ્કુળાનંદ સ્વામીના પુત્ર માધવજી ૧૮ વર્ષના થયા ત્યારે તે તેમનાં દર્શન માટે આવ્યા. એક માસ સુધી તે મંદિરમાં રહ્યા. ગોપાળાનંદ સ્વામીએ એમને પિતાને પ્રણામ કરી પછી ઘેર જવા જણાવ્યું. પિતા પાસે પુત્ર ગયો ત્યારે પિતાએ વૈરાગ્યનો ઉપદેશ આપ્યો અને પુત્ર માધવજીએ સંસારનો ત્યાગ કર્યો, અને ગોપાળાનંદ સ્વામીએ એમને સાધુની દીક્ષા આપી ગોવિંદાનંદ નામ પાડ્યું. તેઓ શ્રીજીમહારાજનાં દર્શન કરવા ગયા ત્યારે મહારાજે પ્રસન્ન થઈને કહ્યું કે 'સિંહનાં સંતાન સિંહ જ હોય!'
ગોવિંદાનંદ સ્વામી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળતા. આથી ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી પધરાવ્યા ત્યારે પ્રતિષ્ઠા-આરતી ગોવિંદાનંદ સ્વામી પાસે ઉતરાવી હતી!

રહસ્યની વાત :
સં. ૧૮૭૭નો દીપોત્સવ અને અન્નકૂટ મહારાજ કારિયાણીમાં કરવાના હતા. સંતોનાં મંડળો કારિયાણી આવવા લાગ્યાં. ગોપાળાનંદ સ્વામી વડોદરાથી આવ્યા. મહારાજને તેમની સાથે કેટલીક એકાંતની વાત કરવી હતી. પરંતુ ઓરડીમાં નિષ્કુળાનંદ સ્વામી હતા. તેમને મહારાજે બહાર જવા કહ્યું. સ્વામી આજ્ઞા પાળી બહાર આવ્યા પણ બારણાની તીરાડમાંથી એ રહસ્ય વાતો સાંભળી તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો.
મહારાજે ગોપાળાનંદ સ્વામીને પોતાના પ્રાગટ્યના છ હેતુઓ જણાવ્યા. એમાં શ્રીહરિનું સર્વોપરિ સ્વરૂપ ઝળકતું હતું.
નિષ્કુળાનંદ સ્વામીએ આ છ હેતુઓ કાનોકાન સાંભળ્યા. એ તો તરત મહારાજ પાસે આવ્યા ને કહેવા લાગ્યાઃ 'મહારાજ! ગુરુ રામાનંદ સ્વામીએ કહેલી વાતની કડી આજે મળી! આપના અવતારીકાર્ય અંગે એમણે મને કહેલું કે તમને જ્યારે સમજાશે ત્યારે મહિમા ગાવામાં ઝાલ્યા નહિ રહો. પ્રભુ! આપ પરબ્રહ્મ પોતે પ્રગટ્યા. આપનું સર્વોપરીપણું જેને નહિ સમજાય તેનાં કરમ ફૂટ્યાં!'
મહારાજ કહે : 'સ્વામી! હજુ અમારું ભગવાનપણું કેટલાકને ગળે ઊતરતું નથી ત્યાં સર્વોપરી વાત તો ક્યાંથી સમજાય! માટે ધીરા રહીને જેને હેત હોય તેને કહેતા જવું.'
આ પ્રસંગ પછી નિષ્કુળાનંદ સ્વામીએ પોતાનાં પદોમાં મહારાજનું પુરુષોત્તમપણું મન ભરીને ગાયું છે જેનું દૃષ્ટાંત પ્રાપ્તિનાં પદો છે. તેમણે મહારાજનો મહિમા વર્ણવતાં કહ્યું:

'ધામી જે અક્ષરધામના રે, તેણે આપ્યો છે આનંદ
આષાઢી મેઘે આવી કર્યા રે, ઝાઝાં બીજાં ઝાકળ..'
'રંક ટાળીને રે કીધા અમને રાજવી રે, દીન ટાળી કીધા છે જો દાતાર,
- સહજાનંદ સિંધુ રે, આજ મારે ઊલટ્યા રે...'

બૃહદ વૈરાગી છતાં પરમ પ્રેમી :
નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્ય બૃહદ્‌ અને એટલો તીવ્ર હતો કે મોટાં નગરોમાં જવાનું થાય ત્યારે ત્યાં તેઓ ગૂંગળામણ અનુભવતા. શ્રીજીમહારાજે એક સમયે તેમને સત્સંગના પ્રચાર માટે ચાર મહિના વડોદરા મોકલ્યા. પણ મોટા શહેરમાં વૈરાગ્ય જાળવવો એમને ખૂબ મુશ્કેલ જણાયો! એટલે તેઓ ચાર મહિનાને બદલે માત્ર એક જ મહિનામાં ત્યાંથી પાછા શ્રીજીમહારાજ પાસે આવ્યા અને ક્ષમા માંગી.
એક સમયે શ્રીજીમહારાજે એમને ગઢડા મંદિરના મહંત બનાવવાનો નિર્ણય કર્યો. આ વાતની ખબર પડતાં જ તેઓ સવારમાં ખૂબ વહેલા ઊઠી ગઢાળી ગામે ચાલ્યા ગયા. શ્રીજીમહારાજે એમને ગઢડાના મહંત બનાવવાનો વિચાર માંડી વાળ્યો અને એમને પાછા બોલાવી લીધા અને ધોલેરા મોકલી આપ્યા. ધોલેરામાં કઠિનાઈ ઘણી હતી તેથી કોઈને રહેવું ગમતું નહિ. નિષ્કુળાનંદ સ્વામીના બૃહદ વૈરાગ્યને જાણે અહીં ઠીક માફક આવ્યું. આ બાબતમાં એમણે ગાયું છે કે :

'નાનો દેશ નિરસ અતિ, દેહાભિમાનીને દુઃખરૂપ,
તિયાં ત્યાગી હોય તે ટકે, બીજાને સંકટરૂપ.'

નિષ્કુળાનંદ સ્વામી ખૂબ વૃદ્ધ થયા ત્યાં સુધી ભિક્ષાવૃત્તિ કરતા. ધીમેધીમે આપનારાઓની સંખ્યા વધવા લાગી એટલે જે ભિક્ષારૂપે અનાજ ઇત્યાદિ આપે તેમાંથી એકાદ ચપટી રાખતા અને બાકીનું પાછુ _ આપતા. તેઓ હંમેશા છાસ ને જુ વાર-બાજરીનો રોટલો જ જમતા. ગળ્યું-ચીકણું જમતા નહિ. ઘી-દૂધ મિષ્ટાનથી દૂર રહેતા. એકવાર મરચું ખાવાનો સંકલ્પ થયો એટલે તરત જ વાડીએ પહોંચ્યા. મરચીના છોડ પાસે બેસીને લાલ-લાલ મરચાં એક પછી એક તોડી તોડીને ખાવા લાગ્યા. આંખ-નાકમાંથી પાણ દદડે. પોતે બોલતા જાય : 'લે ખા.' એમ કરતાં એક શેર મરચાં ખાઈ ગયા. પછી જીવનભર બીજીવાર મરચાં ખાવાનો સંકલ્પ થયો નહિ! એવો મન-ઇન્દ્રિયોને દંડ આપતા.
પરમ વૈરાગ્યવંત છતાં શ્રીજીમહારાજ સાથે પતિવ્રતા સ્ત્રીના જેવું હેત ધરાવતા નિષ્કુળાનંદ સ્વામીનું હૃદય પ્રગટની પ્રેમભક્તિથી તરબોળ રહેતું. જેમકે -

'નજર તારી મારા નાથજી રે, બહુ મારે છે બાણ,
જરા હળવા રૈને હેરજો રે, શામળિયા સુજાણ.'
'આવો અલબેલા એકાંત, વાલા કરીયે વાલી વાત,
લયે અમ-સું આલિંગન, તેણે થાય તાઢું તન.'
'જાણું સેજમાં સૂતો રે, શામળો મુજ સાથે,
ઓછીતાનાં અમને રે કે ભૂધર ભીડી બાથે.'

ગુણાતીત સંતનો મહિમા :
શ્રીહરિના સાક્ષાત્‌ ધામ અક્ષરબ્રહ્મ કે એમના સ્વરૂપ સમાન ગુણાતીત સંતનો મહિમા વર્ણવતાં તેઓ ગાય છે :

'અનુપ સંતને આપું ઉપમા, એવું નથી જો એક,
જેવા સંત એ શિરોમણિ, તેવા હરિ સહુ શિરમોડ,
નિષ્કુળાનંદ નિહાળતાં, ન જડે એ બેની જોડ.'

આમાં સ્વામીએ સંતશિરોમણિ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને પરબ્રહ્મ સહજાનંદ સ્વામી એ બેની જોડ દુષ્પ્રાપ્ય છે તેમ કહી બ્રહ્મ અને પરબ્રહ્મ અથવા અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનો સર્વોપરી સિદ્ધાંત જણાવ્યો છે.
ભગવાન આ પૃથ્વી ઉપર સંત દ્વારા પ્રગટ રહે છે તેવા સંતનાં લક્ષણો બતાવી સ્વામીએ કહ્યું છે કે :

'ધન્ય ધન્ય એ સંત સુજાણને,
જેનું ઊલટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરિ.'
એવા શ્રીહરિના અખંડ ધારક સંતને ઓળખવા ગાયું:
'તમે અંતરની આંખે ઓળખી,
કરો સદ્‌ગુરુ સંતનો સંગ, ઓળખવું અંતરે...'

આમ, ગ્રંથો, કીર્તનો દ્વારા તેમનું બ્રહ્મ અને પરબ્રહ્મના સર્વોપરી સ્વરૂપનું અનુભવજ્ઞાન નીતરે છે.
ગુણાતીતાનંદ સ્વામી એમને પોતાના વડીલ ગણતા. છતાં નિષ્કુળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીનો અક્ષરબ્રહ્મપણે મહિમા સમજતા. એટલે જ એમણે ગાયું:

'છો તો એક ને દીસો છો દોય, તેનો મર્મ જાણે જન કોય...'

વળી,

'પામ્યા પામ્યા રે ભવજળ પાર, શ્રીહરિ-સંત મળી...'
'જોગી જીવો રે એવા જગતમાં, સગા સહુના સોય જી
શત્રુ શોધતાં સંસારમાં, જેને ન જડે કોય જી...'
'કહ્યું બહુ રીતે કલ્યાણ રે, અગણિત અપ્રમાણ રે,
પણ સૌથી સરસ સંતમાં રે, રાખ્યું વાલમે એની વાતમાં રે...'

'એની વાત' એટલે કે વચનામૃત. તેમાં પાને પાને પરમ એકાંતિક ગુણાતીત સંતનો મહિમા ગાઈને એવા સંતના આશ્રયે માયા ઉલ્લંઘી નિર્વાસનિક, બ્રહ્મરૂપ થવાની વાત શ્રીજીમહારાજે કરી છે. એ રહસ્ય નિષ્કુળાનંદ સ્વામીએ બરાબર ઝીલ્યું છે ને કાવ્યમાં ઠેર-ઠેર પ્રગટ કર્યું છે.
નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યમાં અર્થ-સિદ્ધિ માટેનાં દૃષ્ટાંતો સચોટ ને લોકપ્રસિદ્ધ હોય છે. કાવ્યમાં ઝડઝમક, અર્થગૌરવ, પદલાલિત્ય સભર ભર્યું છે. સંસ્કૃત શબ્દપ્રયોગો ઉપરથી સંસ્કૃતનું જ્ઞાન જણાઈ આવે છે. હિંદી, કચ્છી, વ્રજભાષામાં રચેલાં કાવ્યો તેમના તે તે ભાષાના જ્ઞાનનો ખ્યાલ આપે છે. છંદ, છપ્પય, વૃત્તોની રચનાથી પિંગળશાસ્ત્રનો ઊંડો અભ્યાસ તરી આવે છે. જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી તપાસતાં સ્વામીએ આ સંપ્રદાયને સર્વોપરી સાહિત્યની અમૂલ્ય ભેટ આપી છે.
નિત્યાનંદ સ્વામી કહેતા : 'ગુણાતીતાનંદ સ્વામીએ વાતો કરીને અને નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્ય દ્વારા વિષયનાં મૂળ ઉખેડી નાખ્યાં છે.' શ્રીજીમહારાજે પણ કહ્યું હતું : 'જો આપણે ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીને સંસ્કૃત ભણાવ્યું હોત તો શાસ્ત્રોનાં ભાષ્યોમાં અમારા સર્વોપરી સ્વરૂપની વાત આવત.'
વૃદ્ધાવસ્થામાં નિષ્કુળાનંદ સ્વામીને અસહ્ય દર્દ હતું, પણ મહારાજને કે કોઈ સંતને તેની ગંધ સુધ્ધાં ન આવવા દીધી, નજીક રહેતા હરિભક્તો ધોલેરા મંદિરમાં ઠાકોરજી સમક્ષ ધૂન કરવા લાગ્યા, એમ કે સ્વામીનો રોગ મટી જાય. નિષ્કુળાનંદ સ્વામીને ખબર પડી કે તરત રોક્યા. 'મારી કસર ટાળવા મહારાજે જ આ રોગ મૂક્યો છે, મારી કસર રાખીને મારે બીજો ભવ નથી લેવો.' આવી એમની સમજણ હતી.
શ્રીજીમહારાજ સ્વધામ સિધાવ્યા પછી અઢાર વર્ષ સુધી તેઓ સંપ્રદાયની સેવા કરતા રહ્યા અને ૮૨ વર્ષની વયે વિ.સં. ૧૯૦૪માં ધોલેરામાં અક્ષરવાસી થયા.

અંજલિ :
નિષ્કુળાનંદ સ્વામી વિષે મૂર્ધન્ય વિવેચક સ્વ. અનંતરાય રાવળે લખ્યું છે કે 'નિષ્કુળાનંદજીની સ્મરણીય કવિતા તેમના ત્યાગ અને વૈરાગ્યનો બોધ કરતાં ચોટદાર પદોમાં છે. એવા એ વૈરાગ્યમૂર્તિ કવિનાં પદોમાં

'ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી'
'જનની જીવો રે ગોપીચંદની પુત્રને પ્રેર્યો વૈરાગ્ય જી'

જેવાં પદો બહુ લોકપ્રિય બન્યાં છે. કથનને સચોટ દૃષ્ટાંતોથી પુષ્ટ કરવાની કવિને સારી ફાવટ છે એ આવાં પદો બતાવે છે. વિરહનાં અને સ્વરૂપવર્ણનનાં પદો, બારમાસીનાં પદો, અખંડવરના વિવાહનાં પદો, શિયળની વાડનાં પદો અને લગ્ન પ્રસંગે ગાવા માટે બનાવેલાં ધોળ ને ગરબીઓ પણ નિષ્કુળાનંદજીએ લખેલ છે. સમકાલીન આચારવિચાર પર પ્રકાશ નાખતી માહિતી તેમની કવિતામાં ઠીક પ્રમાણમાં મળે છે. નિષ્કુળાનંદની ભાષા સરળ પણ વેગવંતી છે.

'માત્ર વૈરાગ્યનો વિષય જ નિષ્કુળાનંદના કાવ્યની વસ્તુ નથી; શૃંગાર, વીર અને કરુણ રસની પણ તેમના કાવ્યમાં ઉત્તમ જમાવટ થઈ છે. તેમની વાણી વધારે સંસ્કારી છે. તેમનું વાચન વધારે વિશાળ છે. તેમનું મનુષ્ય-સ્વભાવનું જ્ઞાન વધારે સંગીન છે. તેમની દૃષ્ટાંત આપવાની ચમત્કૃતિ વધારે હૃદયંગમ છે. તેમનું પદબંધન વધારે શાસ્ત્રીય છે અને તેમનું કાવ્યવસ્તુ વધારે વિસ્તૃત છે.' (- ભગવદ્‌ગોમંડલ કોશ)


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS