પ્રાર્થના કરવી એ આપણી ભક્તિ છે, પ્રાર્થના પૂર્ણ કરવી એ સંતની શક્તિ છે
જો કોઈને એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે ભગવાન મારી પ્રાર્થના સાંભળે છે ખરા? તો તેનો જવાબ છે, ‘હા’. ભગવાન પ્રાર્થના સાંભળે છે. નાના-મોટા દરેકની પ્રાર્થના સાંભળે છે. ખરેખર હૃદયથી, અંતર્મનથી કરવામાં આવેલી સાચી પ્રાર્થના ભગવાન જરૂરથી સાંભળે છે. એટલું જ નહીં, તેનો સ્વીકાર પણ થાય છે. ક્યારેક એવું પણ સંભવી શકે કે કોઈ પ્રાર્થના કરીને તમે ભૂલી ગયા હોવ, પરંતુ તે પ્રાર્થના ભગવાન જરૂરથી સાંભળે છે; એ પણ એટલી જ હકીકત છે. પ્રાર્થના માટે તર્ક કે વિર્તક, દાવા કે દલીલો કર્યા કરતાં સત્ય ઘટનાઓ અને સ્વયંના અનુભવો નિહાળવાની જરૂર છે.
આવી એક સત્યઘટનાના સાક્ષી બનવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. વર્ષ-૨૦૧૦નો પ્રસંગ છે. એ સમયે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અટલાદરા બિરાજમાન હતા. અમે પૂજ્ય ધર્મચરણ સ્વામીજી, જેઓ સ્વામીશ્રીનો પત્રવ્યવહાર સંભાળતા, તેમની સાથે બેઠા હતા. તેમના રૂમમાં સાફસૂફી કરતાં ઉપરનું કબાટ ખોલ્યું તો ખૂણામાં રહી ગયેલું એક જૂનું એન્વેલપ(પરબીડિયું) મારા ખોળામાં પડ્યું. મને આશ્ચર્ય થયું. કારણ કે સામાન્ય રીતે સ્વામીશ્રી પાસે જે પત્રો આવે તે તમામ પત્રો સ્વામીશ્રી વાંચી લે ત્યારબાદ તેનો યોગ્ય નિકાલ કરી દેવામાં આવે છે. આ એન્વેલપ મારા જ ખોળામાં પડ્યું. એટલે તેને હાથમાં લઈને જોયું. વર્ષોના કારણે તે પીળું પડી ગયેલું અને તેના ઉપર સ્વામીશ્રીનું નામ અને એડ્રેસ હતાં. અંદર હસ્તલિખિત એક પાનાનો પત્ર હતો. જે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને ઉદ્દેશીને લખાયો હતો. એન્વેલપની ઉપર પૂજ્ય ધર્મચરણ સ્વામીએ પોતાના અક્ષરમાં નોંધ કરી હતી - ‘પૂજ્ય નારાયણમુનિ સ્વામીને પૂછવું.’
પત્ર વર્ષ-૧૯૯૨નો હતો. અમને મળ્યો, તે સમયે વર્ષ-૨૦૧૦ ચાલી રહ્યું હતું. એટલે ૧૮ વર્ષ જૂનો આ પત્ર હતો. આ પત્ર વાંચીને કોઈપણ વ્યક્તિ ભાવવિભોર થઈ જાય તેવા ભક્તિભાવથી ભરપૂર હતો. તા. ૧૧ નવેમ્બર, ૧૯૯૨ના દિવસે એક બિનસત્સંગી, મુસ્લિમ યુવાન, મોદન મોહંમદે પત્ર લખ્યો હતો. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ યોગી શતાબ્દી મહોત્સવ માટે ગાંધીનગર અક્ષરધામ ખાતે રોકાયા હતા. સ્વામીશ્રીની તબિયત નાદુરસ્ત થઈ તેવા સમાચાર આ યુવાને અખબારમાં વાંચ્યા હતા અને આ સમાચાર વાંચીને લખાયેલો આ પત્ર હતો. આ મુસ્લિમ યુવાન કે જેની વય તે સમયે ૨૫ વર્ષ હશે, તેણે જે પત્ર લખ્યો હતો, તેના કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે:
‘‘પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ,
ગઈકાલે બપોરે મને જાણ થઈ કે આપની તબિયત સારી નથી. ડોક્ટરોએ આપને આરામ કરવાનું કહ્યું છે. મને સખત ફડકો પડ્યો. આ સમાચાર સાચા હોય તોપણ મને જાણ કરજો અને અફવા હોય તોપણ મને જાણ કરશો. મારું હૃદય આ સમાચારથી ધ્રૂજી ગયું છે.
તમે યુવાનો માટે ખૂબ જ સારું કાર્ય કર્યું છે. તમે યુવાનોને વ્યસનમુક્ત કરવાનું કામ કરો છો. સમાજનો ઉદ્ધાર કરો છો, તેનાથી હું રાજી છું. એક ગરીબ મુસ્લિમ યુવાન આપને તો શું આપી શકે? હું કંઈ જ આપી શકું એમ નથી. બે હાથ ઊંચા કરીને ખુદા પાસે એવી માગણી કરું છું કે ‘મારી બાકીની ઉંમર આપને ખુદા આપે.’ તમે સમાજને સાચો રસ્તો દેખાડો છો અને પ્રેરણા આપો છો. આપની તબિયતના સમાચાર જાણીને મારી માનસિક સ્થિતિને ઘણી અસર થઈ છે. આ સમાચાર સાચા હોય તો જણાવશો. મારી એક ઇચ્છા છે કે જિંદગીમાં એક વાર મારે આપનાં રૂબરૂ દર્શન કરવાં છે. તેને માટે હું બે-પાંચ કે વીસ વર્ષ પણ રાહ જોવા તૈયાર છું. — મોદન મોહંમદ’’
આ પત્ર ઉપર ધર્મચરણ સ્વામીના અક્ષર હતા એટલે અમે ધર્મચરણ સ્વામીને પૂછ્યું કે આવો કોઈ મુસ્લિમ યુવાન સ્વામીશ્રીનાં દર્શને આવ્યો હતો? તેમણે જણાવ્યું કે ‘ના, મને ખ્યાલ નથી, તમે નારાયણમુનિને પૂછો.’ પછી અમે નારાયણમુનિ સ્વામીને પૂછ્યું કે આવો કોઈ પત્ર મુસ્લિમ યુવાને લખ્યો હતો? તેમણે કહ્યું કે ‘ના, મને તો કંઈ ખબર જ નથી કે આવો કોઈ પત્ર આવ્યો હતો.’
પછી આ પત્ર લઈને હું સ્વામીશ્રી પાસે ગયો અને એ સમયે સ્વામીશ્રી ભોજન લઈ રહ્યા હતા. અમે પૂછ્યું કે, ‘સ્વામીશ્રી! એક મુસ્લિમ યુવાનનો ૧૮ વર્ષ પછી પત્ર મળ્યો છે. તેની ઇચ્છા આપને મળવાની હતી. તો આવો કોઈ યુવાન આપને મળવા આવ્યો હતો?’ ત્યારે સ્વામીશ્રીએ એ જ પળે, તત્ક્ષણ, કોઈ શંકાવગર, સહજતાપૂર્વક કહ્યું કે, ‘ના આવો કોઈ યુવાન મળવા આવ્યો નથી.’ હવે વિચાર કરો કે ૧૮ વર્ષ જૂની ઘટના માટે પણ કોઈપણ દ્વિધા નહીં. સ્વામીશ્રીનો જવાબ સ્પષ્ટ હતો. સામેથી સ્વામીશ્રીએ અમને પ્રશ્ન કર્યો કે, ‘તમે તપાસ કરો કે આ યુવાન દર્શન કરવા કેમ આવ્યો નથી? કોઈ આપણને પત્ર લખે એ એની ભક્તિ છે અને આપણે તે વાંચી એને જવાબ લખવો એ આપણી ભક્તિ અને જવાબદારી છે.’ આને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સેવા કહો, ભક્તિ કહો કે કાર્યનિષ્ઠા કહો - કોઈપણ કાર્ય ઉપરછલ્લું નહીં, ઊંડાણમાં ઊતરીને પાર પાડે તેવી સ્વામીશ્રીની ખાસિયત હતી. ત્યારબાદ આ મુસ્લિમ યુવાનની શોધખોળ શરૂ થઈ.
તરત જ મોદન મોહંમદ નામના યુવાનને શોધવાનું કાર્ય, ગાંધીનગરના અક્ષરધામમાં સેવા આપનાર બે સત્સંગી યુવાન જાગ્રત પટેલ અને નીતિન છનિયારાને સોંપવામાં આવ્યું. આ બે યુવાનો તપાસ કરતાં-કરતાં એ પત્ર જ્યાંથી આવ્યો હતો ત્યાં પહોંચ્યા અને ખબર પડી કે આ યુવાન સચિવાલયમાં કામ કરતા એક પટાવાળાનો પુત્ર હતો, પરંતુ વર્ષો પહેલાં તેઓ ઘર બદલીને બીજે રહેવા ચાલ્યા ગયા હતા. પછી તે યુવાનના પિતા જ્યાં કામ કરતા હતા, ત્યાં તપાસ શરૂ કરી. જૂના રેકર્ડમાંથી તેઓના ઘરનું સરનામું મળી આવ્યું. ત્યાંથી નવા ઘર સુધી પહોંચ્યા.
આ બંને સત્સંગી યુવાનોએ તે ઘરના દરવાજે પ્રવેશ કર્યો ત્યારે એક ૪૩ વર્ષના પીઢ યુવાને તેમના તિલક-ચાંદલા સામે જોઈને કહ્યું, ‘તમને પ્રમુખસ્વામીએ મોકલ્યા છે?’ યુવાનોએ કહ્યું કે ‘અમે અક્ષરધામ - ગાંધીનગરથી આવીએ છીએ.’ એટલે મોદન મોહંમદે જણાવ્યું કે ‘આજથી ૧૮ વર્ષ પહેલાં મેં એક પત્ર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને લખ્યો હતો અને ત્યારથી દરરોજ હું ખુદાને પ્રાર્થના કરતો હતો કે જો પ્રમુખસ્વામી મહારાજમાં ખુદા હોય તો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ મને એક વાર મળવા બોલાવે.’ એટલે સત્સંગી યુવાનોએ કહ્યું કે ‘પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે જ તમને દર્શન કરવા બોલાવ્યા છે.’
અને પછી બીજે દિવસે મોદન મોહંમદ પરિવાર સહિત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કરવા પધાર્યા. તેઓ ખૂબ ગદ્ગદિત અને ભાવવિભોર બની ગયા, કારણ કે ખુદાએ તેની સાચા દિલથી કરેલી પ્રાર્થના પૂર્ણ કરી. તે દિવસ હતો - તા. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૧૦.
વ્યક્તિગત રીતે આ સત્ય ઘટના નિહાળી પછી પ્રાર્થના માટે કોઈ પુરાવાની મારે જરૂર નથી. જ્યારે વિચાર કરીએ કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સાડા સાત લાખ પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યા હોય ત્યારે એક પત્ર અનુઉત્તર રહી જાય તેની સંભાવના કેટલી? અને એ પત્ર બચે અને ૧૮ વર્ષ પછી તે પરત મળી જાય. એવી સંભાવના કેટલી? વળી, તે પત્ર લખનાર વ્યક્તિ પણ મળે એવી સંભાવના કેટલી? વળી, એ પત્ર લખનાર વ્યક્તિ મળ્યા પછી સામેથી યાદ રાખી કહે કે, ‘હું સતત ૧૮ વર્ષથી દરરોજ પ્રાર્થના કરું છું કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ મને એક વાર મળવા બોલાવે એવી સંભાવના કેટલી? અને એ પત્ર લખનાર વ્યક્તિના ૧૮ વર્ષ પૂર્વેના પત્રમાં એવું લખ્યું હોય કે ‘હું મળવા માટે બે-પાંચ કે વીસ વર્ષ રાહ જોવા હું તૈયાર છું.’ એવી સંભાવના કેટલી? જ્યારે અસંભવ, સંભવ બને એ જ પ્રાર્થનાની તાકાત છે.
જો આપણી પ્રાર્થના સાચી હોય અને સતત હોય તો ભગવાન અને સંત અચૂક સાંભળે જ છે. તેઓ સત્યવાન અને ઐશ્વર્યવાન છે. આપણે જેટલા પ્રામાણિક છીએ એનાથી વધારે પ્રામાણિક પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જેવા સંત છે. પ્રાર્થના કરવી એ આપણી ભક્તિ છે અને પ્રાર્થના પૂરી કરવી એ સાચા સંતની શક્તિ છે.