માણાવદર ચાર ઘડી રોકાઈ ભક્તોને દર્શન આપી, શ્રીહરિ પંચાળા આવ્યા. ઝીણાભાઈએ શ્રીહરિને કહ્યું કે 'રંગ રમવા માટે જે સાધન જોઈએ તે કેસૂડાં વિનાનું બધું માંગરોળથી ગાડાં મોકલી હું મંગાવું. પિચકારી માટે વાંસ જોઈએ તે પણ મંગાવીએ.' શ્રીહરિએ કહ્યું કે 'સંતને ઘસવા માટે રંગ ભેગું ખડી અને ચંદન પણ મંગાવજો.' એમ કહી શ્રીહરિના કોઠારી રૈયા ભગત હતા તેમને રંગ તથા પિચકારી માટે વાંસ લેવા જવા તૈયાર કર્યા. નિષ્કામાનંદ ને બીજા આધારાનંદ, એ બે સંતને પણ તૈયાર કર્યા. ચરોતરમાં પીપળાવ ગામના ત્રણ ભાઈઓ દયારામ, પ્રભાશંકર ને દાજી કરીને વિપ્ર હરિભક્ત હતા. તે સત્સંગને જ મુખ્ય માનતા. પ્રભાશંકરને તો સૌ સંત-હરિભક્તો પ્રમાણભૂત માનતા. સ્ત્રી ધનમાં લેવાય નહિ એવા હરિભક્ત જોઈને જ શ્રીહરિ મોટા મંદિરમાં કોઠારી કરે છે. પ્રભાશંકર શ્રીહરિ અને સંતની મરજીમાં વર્તતા હતા. એમ જાણીને તેમને શ્રીહરિએ હરિમંદિર કરાવવા કોઠારી કર્યા હતા. તેમણે સંતોને વાંસ મેળવી આપ્યા.
ઝીણાભાઈએ તેની પિચકારીઓ કરાવી. શ્રીહરિએ એકેક પિચકારી કરી આપી. હુતાશનીને દિવસે સભામાં વિરાજ્યા. સંતો કીર્તન ગાતા હતા. ગામોગામના હરિભક્તો પૂજા કરવા આવ્યા. પ્રથમ સુરતના હરિભક્તોએ ભાવથી પૂજા કરી. વસ્ત્ર, આભૂષણ, મેવા, મીઠાઈ વગેરે અર્પણ કર્યાં. પછી બુરાનપુર ને ખાનદેશના હરિભક્તોએ પૂજા કરી. બીજા હરિભક્તોએ પણ પૂજા કરી.
ઝીણાભાઈએ શ્રીહરિને કિનખાબનો સુરવાળ ડગલી તથા કસુંબી રેંટો તથા બીજા બે રેંટા કેડ તથા ખભા માટે અર્પણ કર્યા. શ્રીહરિ પુરની બહાર સંતોના મંડળ રહેતા હતા ત્યાં દર્શન દેવા આવ્યા. શ્રીહરિને બેસવા માટે નિષ્કુળાનંદમુનિએ મંચ કરી આપ્યો. તેમાં બેઠા ને સભા થઈ. શ્રીહરિ કહે કે 'અમૃત મળે પણ પીએ નહિ તો અમૃત તેનું શું કરે. પીએ નહિ અને ગુણ ન થાય તેથી અમૃતનો મહિમા ઘટે નહિ. એમ સત્સંગ સાચો છે છતાં કુસંગમાં ગુણ મનાય, ત્યાં સુધી સત્સંગનો લાભ થતો નથી.'
ત્યારપછી દેશદેશના હરિભક્તો ખારેક, ખજૂર ને શ્રીફળના થાળ પણ ભરી ભરી લાવ્યા. ફગવાનો પાર રહ્યો નહિ. પ્રસાદી કરીને શ્રીહરિ હરિભક્તને પાછું આપતા. કેટલાક સાકરના હાર તથા ગુલાલના થાળ ભરીને લાવ્યા. ગુલાલનો ગંજ થયો. સંત હરિભક્ત ઉપર શ્રીહરિ ગુલાલ નાખવા લાગ્યા. આખી સભા કમળના વન જેવી શોભી ઊઠી.
વાજિંત્ર સહિત કીર્તનગાન થવા લાગ્યું. ગુણાતીતાનંદ, ગોવિંદાનંદ, નિષ્કુળાનંદ વગેરે સંતો ગરબીનાં પદ ગાવા લાગ્યા. બીજા સંતો ઝીલવા લાગ્યા. ભૂમિ છંટાવીને ગાનની સાથે દુંદુભિ, તુરઈ, શરણાઈ વગેરે વાગતાં હતાં. હોળીનાં પદ ગાતા હતા. ત્યારે શ્રીહરિ કહે : 'તમે રાખો, કારણ કે આના જે ભોગી નથી તેઓ અમારાં દર્શન થાય છે છતાં ઊંઘે છે.' ત્યારે સંત નિદ્રાને તજવા માટે ફરતાં ફરતાં ગરબીનાં પદ ગાવા લાગ્યા. જેને બુદ્ધિ થોડી હોય તે પણ ગરબીમાં ખુશી થાય. તેમાં સૌ બોલી શકે અને નિદ્રા આવે નહિ. ભગવાનના કથા-કીર્તનમાં રસ મનાય તો કોઈ દિવસ નિદ્રા આવે નહિ. ભગવાનમાં હેત હોય તે કથા-કીર્તન-વાર્તા વખતે પ્રગટ દેખાય છે. નિદ્રાનો જેને જેટલો ત્યાગ તેટલું તેને હેત સમજવું. ફરતાં ફરતાં ગાવા લાગ્યા. ત્યારે શ્રીહરિએ વાજાં સાથે ગાનારાને બંધ રાખ્યા. જે ઊંઘતા હતા તે સૌ ઊઠીને ફરવા લાગ્યા. તથા વાજાંવાળા સંતો પણ ફરવા લાગ્યા. સૌને ફરતા દેખીને શ્રીહરિ પણ વચમાં આવીને વિરાજ્યા. વસ્ત્રાભૂષણની શોભાનો પાર ન હતો. શ્રીહરિ પણ ભેગા ફરવા ને ગાવા લાગ્યા. શ્રીહરિની ફરવામાં ચતુરતા દેખાતી હતી. મધ્યરાત્રિ સુધી સૌ હરિભક્તોએ અલૌકિક લાભ લીધો. વીસ પદ ગાયાં ત્યાં સુધી સંતો ભેગા શ્રીહરિ ફર્યા. પછી મંચ ઉપર બેઠા.
મધ્યરાત્રિ પછી સંતો કીર્તન ગાતા હતા. તે શ્રીહરિ સાંભળવા લાગ્યા. કીર્તન સાંભળવામાં શ્રીહરિને બહુ શ્રદ્ધા હતી. ત્યારે સચ્ચિદાનંદ મુનિએ પલાશના વનમાં જઈને ચોર ચોર એમ પોકાર કર્યો. શ્રીહરિ કહે કીર્તન રાખો. ચોર ક્યાં છે એ જુઓ. પાર્ષદો ચારે બાજુ દોડીને જોવા લાગ્યા પણ ક્યાંય ચોર દીઠો નહિ. ત્યારે પાછા આવ્યા. શ્રીહરિ કહે, 'રસમાં વિઘ્ન કર્યું, હવે અમે પુરમાં જઈશું.'
શ્રીહરિ પુરમાં આવીને પોઢી ગયા.
ગગાભાઈએ આખી રાત જાગીને રંગ રમવા માટે હોજ તૈયાર કર્યા. રંગ ભરાવ્યો. દસબાર મોટાં માટલાં રંગનાં ભરાવ્યાં. સવારમાં નિત્ય વિધિ કર્યા પછી શ્રીહરિ શ્વેત વસ્ત્ર પહેરી ભવનના ચોકમાં ચોતરા ઉપર પલંગમાં બેઠા. ઝીણાભાઈએ કેસરિયા રંગની તાંબડી ભરી શ્રીહરિ ઉપર નાખવા માટે આણી. રંગ ગરમ હતો. નિત્યાનંદ મુનિને રંગ આપીને કહ્યું કે 'તમે જઈને શ્રીહરિ ઉપર રેડો. શ્રીહરિની મરજી હું જાણતો નથી. મરજી જાણ્યા વિના રંગ નાખીએ તો રંગમાં ભંગ થાય.'
ત્યારે નિત્યાનંદમુનિ કહે, 'તમારી મરજી હોય તેમ અમે કરીએ.' ત્યારે ઝીણાભાઈ કહે, 'તમે પહેલાં અમારા ભવનમાં શ્રીહરિને રંગમાં રસબસ કરો, જેથી અમારાં ઘર સફળ થાય. મનોરથ પૂરા કરવા એ સંતના હાથમાં છે.' મુનિએ શ્રીહરિ ઉપર ગરમ રંગ નાખ્યો. રંગ વધારે ગરમ લાગવાથી શ્રીહરિ કહે, 'દગો થયો.' મુનિને તેની ગમ ન રહી તેથી પસ્તાવો થયો. શ્રીહરિ ઝીણાભાઈના ભવનમાં રિસાઈ બેઠા. પહોર દિવસ ચઢી ગયો. મયારામ ભટ્ટ, સોમલો ખાચર, ઝીણાભાઈ વગેરે પાસે હતા. સોમલા ખાચરે શ્રીહરિને કહ્યું કે 'આપ રંગ રમવા પધારો. બેય હોજ રંગના ભર્યા છે. દેશદેશના હરિજનો દર્શને આવ્યા છે. ઝીણાભાઈના વતી હું વિનંતી કરું છું.' ત્યારે શ્રીહરિ કહે કે 'સંતો અમારા ઉપર રંગ ન નાખે તેના જામીન તમે થાઓ તો બહાર આવીએ.' પછી સોમલો ખાચર જામીન થયા. પછી શ્રીહરિએ કહ્યું કે 'મુક્તમુનિ ને બ્રહ્મમુનિ સંતના જામીન થાય તો બહાર આવીએ.' ત્યારે ઝીણાભાઈએ બંને સંતોને બોલાવીને વિનંતી કરી. ત્યારે સંત બોલ્યા કે 'શ્રીહરિ કહેશે તેમ કરીશું.' ત્યારે શ્રીહરિ પ્રસન્ન થયા ને રંગ રમવા બહાર આવ્યા. મંચ ઉપર વિરાજ્યા. ઢોલ, ભૂંગળ વગેરે વાગવા લાગ્યાં. શ્રીહરિ સંતોને કહે કે 'તમે પરસ્પર સરખા જૂથ બાંધીને રમો અમે જોઈશું. અમે સત્સંગમાં આવ્યા ત્યારથી સૌ સંતો અમારા ઉપર જાણે વરસાદની હેલી થતી હોય તેમ સૌ રંગ નાખે છે. જ્યાં જ્યાં રંગ ઉત્સવ કરીએ ત્યાં રંગ નાખે છે. પણ વિચાર કરતા નથી. કોઈ ફાવે તેવો જુવાન ને બળવાન હોય ને તેના ઉપર બધા એક એક ઘડો ભરીને જળ નાખો તો કેવું વસમું લાગે તેની ખબર પડે. કોઈ એકને ફૂલના હાર ચઢાવો, ચંદન ચર્ચો કે એકને મેવા મીઠાઈ ઉતારે ઉતારે લઈ જઈને એક દિવસ જમાડો ને શું થાય છે તે જુઓ. તમે કહો તેને મોટેરા કરી દઈએ. અને મોટપમાં કેવું સુખ છે તે પ્રત્યક્ષ જુઓ. જગત ને ભગતની સમજણમાં બહુ ફેર છે. જગત સંબંધી વાતમાં ભક્તો સાર માને નહિ.'
શ્રીહરિએ એમ વાત કર્યા પછી સંતોનાં બે જૂથ થયાં. એકમાં બ્રહ્માનંદ મુખ્ય હતા. બીજામાં નિત્યાનંદ મુખ્ય હતા. શ્રીહરિ બ્રહ્માનંદ મુનિ પ્રત્યે મર્મ કરી બોલ્યા કે 'જેને રંગ પ્રિય હોય તેના પર ખૂબ રંગ નાખો ને અકળાય તેમ કરો.' બ્રહ્મમુનિનું જૂથ વાત સમજી ગયું. પહેલા શ્રીહરિના મોટાભાઈ રંગ લઈને આવ્યા. મંચ ઉપર ચઢી શ્રીહરિ ઉપર રંગની ધારા કરી. શ્રીહરિ મંદ મંદ હસ્યા. 'હોળી હોળી'નો શબ્દ થવા લાગ્યો. વાજાં વાગવાં લાગ્યાં. પછી શ્રીહરિએ મોટાભાઈ ઉપર રંગ તથા ગુલાલ નાખ્યો. પછી સંતનાં જૂથ સામસામાં રમવા લાગ્યાં. રંગ વિનાનો હરિભક્ત દેખાય તેને ઝીણાભાઈ અને ગગાભાઈ પણ રંગમાં રસબસ કરતા. પછી બ્રહ્મમુનિના જૂથે નિત્યમુનિ ઉપર રંગની ઝડી કરી. ગ્વાલિયર દેશના હરિભક્તો મૃદંગ અને ઝાંઝ વગાડી શ્રીહરિ આગળ નૃત્ય કરવા લાગ્યા. રામપ્રતાપજી ઢોલક બાંધી વગાડવા લાગ્યા ને હોળી ગાવા લાગ્યા. દેશના ધારા પ્રમાણે પ્રેમમાં મગન દેખાતા હતા.
હોજનો બધો રંગ ઉડાવી દીધો. પછી રંગનો કાદવ ઉડાડવા લાગ્યા. નેત્રમાં કાદવ ભરાય તોપણ હાર્યા એમ કોઈ કહેતું નહિ. ત્યારે શ્રીહરિ કહે, 'હવે રાખો. તમે બન્ને જીત્યા.'
પછી હરિભક્તો શ્રીહરિના મંચ ફરતા રંગથી ભીંજાયેલા ઊભા રહ્યા. રંગનું યુદ્ધ સંતો માટે છેલ્લી વારનું હતું. શ્રીહરિ મંચ ઉપર ઊભા રહી ગુલાલની ઝોળી ભરી ભરી સંતહરિભક્તો ઉપર નાખવા લાગ્યા. અવની ને આકાશ બધું લાલ લાલ થઈ ગયું. બધો ગુલાલ શ્રીહરિએ ઉડાડી દીધો. એમ ઝીણાભાઈનો ભાવ પૂરો કર્યો. પછી ગામથી પશ્ચિમ બાજુ નદીની પાસે તલાવડી છે તેમાં સંતહરિભક્ત સાથે નાહ્યા. પછી વાજતે ગાજતે પુરમાં આવ્યા.
સંધ્યા વખતે સભામાં ઝીણાભાઈ ને ગગાભાઈ કંચનના થાળ લઈને પૂજા કરવા આવ્યા. વિધિ પ્રમાણે પૂજા કરી વસ્ત્રાભૂષણ ને ધન અર્પણ કર્યા પછી આરતી કરી પગે લાગ્યા.