મગનભાઈના એ મહિમાસભર વ્યક્તિત્વનું વર્ણન કરતાં શ્રી હરમાનભાઈ પટેલ લખે છે : “શાસ્ત્રીજી મહારાજ તેમજ યોગીજી મહારાજ, નિર્ગુણ સ્વામી આદિના ગુણોનું વર્ણન કરતાં કેટલીયે વાર ગળગળા થઈ જતા. આરતી ઉતારતી વખતે તેઓ દેહભાન ભૂલી જતા, ને તેમને ઝાલી રાખવા પડતા. ભાવાવેશમાં આવીને ક્યારેક ચોધાર આંસુએ રડતા. કેટલીયે વાર ધૂનમાં પણ તેઓ એકચિત્ત બની ઢળી પડતા. વચનામૃત જેવો ગ્રંથ દુનિયામાં કોઈ નથી ને શાસ્ત્રીજી મહારાજ જેવા કોઈ સાધુ નથી, તે માટે તેઓ ચેલેન્જ કરતા : ‘શાસ્ત્રીજી મહારાજના દરેક ગુણો શ્રીજીમહારાજ જેવા છે, તેઓ શ્રીજીસ્વરૂપ છે, તેમને સેવે શ્રીજીમહારાજ સેવાઈ રહ્યા. તેમની પ્રાપ્તિએ શ્રીજીની પ્રગટ પ્રાપ્તિ થઈ રહી, જેને મરીને પામવા હતા તે દેહ છતાં જ શાસ્ત્રીજી મહારાજ દ્વારા મળી ગયા છે.’ આ મહિમા કહેવામાં તેઓ કેટલીક વાર કહેતા કે ‘હું શું વધારે કહું ! જીભ ઝાલીને કહું છું, નહીં તો જગત મારાં ઠાઠાં ભાગી નાખે ! શાસ્ત્રીજી મહારાજને આપણે જોઈએ તેવા ઓળખી શક્યા નહીં. હવે પૂજ્ય યોગીજી મહારાજને ઓળખવામાં કસર ન રહી જાય તે જો જો.’ મગનભાઈને સંતો અને હરિભક્તોમાં એટલું બધું સુહૃદપણું હતું કે હરિભક્તોથી પણ છૂટા પડતાં તેઓ દ્રવી જતા. હરિભક્તોનું એ અપાર માહાત્મ્ય સમજતા ને તેમની ચરણરજ ઇચ્છતા. જીંજાના સમૈયામાં તો તેઓ વ્યાસપીઠ પરથી ઊઠીને હરિભક્તો સમક્ષ આળોટતા કે પ્રત્યક્ષના શ્રીજીના ભક્તોની આ ચરણરજ દુર્લભ છે ! વડતાલમાં પણ જ્યાં શ્રીજીમહારાજ બંને આંબાની ડાળીએ બાગમાં હીંચેલા છે ત્યાં એ રમણરેતીનું સ્મરણ કરતાં આળોટવા મંડેલા. શાસ્ત્રીજી મહારાજ પણ તેમની આવી ભક્તિ જોઈ ચંદન ચર્ચીને મગનભાઈને સારંગપુરમાં ભેટેલા. તે પ્રસાદીના સ્વામીનાં વસ્ત્ર તેમણે રાખેલાં, ને જે આવે તેમને દર્શન કરાવતા.”
મગનભાઈ જ્યાં બિરાજે ત્યાં મંદિરના વાતાવરણનો જ અનુભવ થાય. તેમના ઘેર કથાવાર્તાના અખાડા જામતા. તેઓ કહેતા : ‘શાસ્ત્રીજી મહારાજ કહે ત્યારે એમના વચને વેચાઈ જવું પડે તોય શું ! જ્યારે બળદ, ગાય, ભેંસ, બકરાના અવતાર થયા હશે, ત્યારે ઘણી વાર વેચાયા હોઈશું. તો આ મનુષ્ય દેહે શાસ્ત્રીજી મહારાજનું વચન ‘ગઢપુર મંદિર પૂર્ણ કરો,’ તે પાળતાં વેચાવું પડે તોપણ શું ? ગુરુહરિના વચન પર મરી ફીટવાનું છે. આ દેહ ભગવાનપરાયણ કરી દેવું એ જ આપણા સૌનું જીવનધ્યેય હોય. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું: ‘ફેરો ફાવ્યો આ વાર...’ એ ન્યાયે આ જ અવતારે, આ અલભ્ય લાભ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જેવા પરમ ભાગવત સંતના પ્રસંગથી મળ્યો છે.’
મગનભાઈ આવી મહિમાની વાતો કરવા બેસે ત્યારે સમય થંભી જતો. તેઓ ખૂબ આનંદ અને બળમાં આવી વાતો કરે ત્યારે સાંજે આરતી કરી સભા ભરાઈ હોય તે ઘણી વખત સવારમાં દાતણ લઈને ઊઠે, ત્યાં સુધી આખી રાત બ્રહ્માનંદ વરસતો જ હોય. એકવાર મોમ્બાસાથી થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ સી. ટી. પટેલ એલ્ડોરેટ સમૈયામાં આવેલા. તેમને એમ કે કથાવાર્તાનો ટાઇમ અમુક જ હોવો જોઈએ. પણ જ્યારે તેઓએ મગનભાઈની વાણી સાંભળી ત્યારે તેઓનું મંતવ્ય બદલાઈ ગયું કે ભગવાનની કથાવાર્તા, કીર્તનનો વખત અમુક હોઈ શકે જ નહીં.
વચનામૃત, સ્વામીની વાતો આદિ ગ્રંથોનો તેમનો અભ્યાસ એટલો વિશાળ હતો કે તેમણે કોઈ વચનામૃત કોઈ દિવસ પૂરું કર્યું નથી. કારણ કે એક વચનામૃતના સંબંધથી બીજું કઢાવે, ને ચાર પાંચ કલાક તે સમજાવવા જતાં વખત પૂરો થઈ જાય ! કથા કરવામાં તેઓ એવા મશગૂલ બની જતા કે વખત કેટલો થયો તેનો પણ ખ્યાલ ન રહેતો ! ઘણીવાર આખી રાત પણ વીતી જાય !
તેઓ જીંજા હતા ત્યારે સાંજે ગામમાં કથાવાર્તા કરી પોતાને ઘેર સ્ટેશને પાછા વળતાં તેમને ઘણું જ મોડું થઈ જતું. આથી સત્સંગ કરાવવા અર્થે તેમણે સાંજના વાળુનો પણ ત્યાગ કરી દીધેલો. તેઓ અપલેન્ડ હતા ત્યારે નૈરોબી સત્સંગ કરાવવા જતા. ત્યાં પણ પાછા વળતાં મોડું થઈ જતું હોવાથી સાંજે જમ્યા વિના ઘેર અપલેન્ડ પાછા જતા. આવું તો ઘણાં વર્ષો સુધી ચાલ્યું હતું. સત્સંગ કરાવવા ખાતર તેમણે પોતાના દેહની પણ પરવા કરી નથી.
મગનભાઈ પ્રેમલક્ષણા ભક્તિ અને દાસત્વભક્તિનું સ્વરૂપ હતા. તેઓ હંમેશાં પોતાની પૂજાની મૂર્તિઓ માટે જાતે બનાવેલા નવા ને મોટા ફૂલના હાર ધરાવતા. આરતી ઉતારતાં તેઓ એવા તન્મય થઈ જતા કે પોતે દેહભાન ભૂલી જતા. શ્રીજીમહારાજ તેમજ શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપમાં તદ્રૂપ થઈ જતા. એ ભક્તિને કારણે જ તેઓ મૂર્તિની આમન્યા માટે ખૂબ કડક હતા.
એકવાર તેઓ અન્ય સંપ્રદાયના એક કીર્તનભક્તિના કાર્યક્રમમાં ગયા હતા. કેટલાક લોકો રામચંદ્રજીની મૂર્તિ આગળ કીર્તન ભક્તિ કરતા હતા અને તેમાંથી કેટલાક તે જ સ્થળે બીડી-ગાંજો ફૂંકવા લાગ્યા. આ દૃશ્ય મગનભાઈ જોઈ શક્યા નહીં. તેમણે તરત જ તે લોકોને કહ્યું : ‘તમે જે કીર્તન-ભક્તિ કરો છો તે ભગવાનને પ્રત્યક્ષ સમજી કરો છો કે કેમ ? અને જો પ્રત્યક્ષ સમજતા હો તો, પોતાના પિતાની આગળ કે કોઈ મુરબ્બીની સમીપમાં આપણે બીડી હુક્કો પી શકતા નથી તો ભગવાન રામચંદ્રજીની મૂર્તિ સમીપમાં કેમ પી શકાય ?’ અને તેની એવી અસર થઈ કે તે લોકો વ્યસનમુક્ત થયા.
શાસ્ત્રીજી મહારાજે મગનભાઈને આજ્ઞા આપી હતી કે આફ્રિકામાં કોઈ નવો સત્સંગી થાય તેને દેશમાં આવતાં ઘણાં વર્ષો થાય. એ દરમ્યાન કંઠી વિના કેમ ચાલે ? એટલે જે કોઈ નવો સત્સંગી થાય તેને તમારે વર્તમાન ધરાવવાં અને કંઠી પહેરાવવી. આથી આફ્રિકામાં નવા બનનાર હરિભક્તને તેઓ વર્તમાન (ગુરુમંત્ર) ધરાવતા, પરંતુ સાથે એવું પણ કહેતા કે ‘દેશમાં જાવ ત્યારે તરત જ શાસ્ત્રીજી મહારાજ કે યોગીજી મહારાજ પાસે ફરી વર્તમાન ધરાવી લેજો. કારણ, એ જ આપણા સૌના ગુરુ છે. અને એ ગુરુ જ તો ગોવિન્દ છે.’
કથાવાર્તા દ્વારા કેટલાય જીવોને મગનભાઈએ દુર્વ્યસનોમાંથી મુક્ત કરી, ભગવાનના સુખનો લહાવો લેતા કરી દીધા હતા. ટરોરો, જીંજા, મ્બાલે, કંપાલા, મસાકા, બ્વીકવે, બુડોપા, બુકેડીઆ, નાઇગોન્ગેરો, નાઇરોબી અને મોમ્બાસા વગેરે સ્થળોમાં મગનભાઈના પ્રસંગમાં આવનારને સત્સંગની લગની લાગી હતી. આફ્રિકામાં જોબન પગી જેવા અનેકને મગનભાઈએ માળા ફેરવતા કર્યા હતા. ટરોરોના જાણીતા ડૉક્ટર પંડિત વગેરે પ્રતિષ્ઠિત આ જોઈને કહેતા કે ભગવાન સ્વામિનારાયણે તો ગધેડાંની ગાયો કરી હતી, પણ એવું તો આજે તેમના શિષ્યોના શિષ્યો પણ કરે છે, એ જ ભગવાનનું સર્વોપરિપણું છે. ‘આ પ્રતાપ મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજનો છે.’ મગનભાઈ છાતી સૌને ઠોકી કહેતા.
સત્સંગીઓ તરફનો તેમનો ભાવ, પ્રેમ, લાગણી અવર્ણનીય હતાં. જો કોઈને દુખિયો જુએ કે મગનભાઈ તરત જ ભગવાન સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તથા શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરે. માળાઓ ફેરવે. તેમની પ્રાર્થનાથી ઘણાંનાં દુઃખ ચમત્કારિક રીતે દૂર થયાં છે. શાસ્ત્રીજી મહારાજ એમના દ્વારા આફ્રિકામાં ઘણાને પોતાના ઐશ્વર્યથી રક્ષણ પૂરું પાડતા.
એવા અનેક પ્રસંગોમાં મંગળભાઈનો દાખલો તો જગજાહેર છે. એ સમયે આફ્રિકામાં કંપાલા રહેતા તારાપુરવાળા મૂળજીભાઈ (જેઓ પાછળથી લંડનમાં વેમ્બલી ખાતે સ્થળાંતરિત થયા હતા) આ પ્રસંગનું વર્ણન કરતાં જણાવે છે : ‘મંગળભાઈને બ્લેક વૉટરનો રોગ થયો હતો. આ રોગ જેને થાય તે માણસ જીવતો બચ્યો હોય એવો કોઈ કેસ હજુ સુધી મારા સાંભળવામાં આવ્યો નથી. કંપાલા હૉસ્પિટલના ડૉ. ચુનીભાઈએ મને અને બીજા મારી સાથેના સત્સંગીને બોલાવીને જણાવ્યું કે, આ ભાઈ હવે વધુ જીવી શકે તેમ નથી તો તાત્કાલિક તેમના જે સગા હોય તેમને બોલાવી લો. રાત્રિનો સમય થવા આવ્યો હતો. એ તુરત જ પ્રભુદાસ લાલાજીને ત્યાં સભા ચાલુ હતી ત્યાં દોડ્યા. સઘળી વાત જણાવી. ત્રિભોવનકાકાએ તરત જ ટરોરો ખાતે મગનભાઈને ફોન ઉપર વાત કરી. તેમણે તમામ હરિભક્તોને 51 માળા ફેરવવા અને મહારાજ તથા શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરવા જણાવ્યું, ત્રિભોવનકાકાને 300 માળા ફેરવવા કહ્યું. મગનભાઈએ આખી રાત્રી જાગીને માળા ફેરવી અને શ્રીજીમહારાજ તથા શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરી.’
મૂળજીભાઈ આગળ જણાવે છે : ‘હું હૉસ્પિટલમાં હાજર હતો. રાત્રે બાર વાગે મંગળકાકાએ કહ્યું, ‘આ જમના દૂતો મને લેવા આવ્યા છે.’ તેમનું વર્ણન પણ કર્યું. અમને કંઈ દેખાતું ન હતું. અમને લવારો હોય એમ લાગ્યું, એટલે શાંત રહેવા અને માળા ફેરવવા જણાવ્યું. થોડીવારમાં તો એ બોલ્યા કે ‘શાસ્ત્રીજી મહારાજ પધાર્યા હતા. મને પૂછ્યું કે મને કેમ બોલાવ્યો ? મેં યમના દૂત બતાવ્યા. શાસ્ત્રીજી મહારાજે હાકોટો કર્યો અને તેમને ભગાડ્યા.’ શાસ્ત્રીજી મહારાજે મંગળભાઈને જણાવ્યું કે, ‘આજે આમ તો તમારું આયુષ્ય પૂરું થાય છે. પરંતુ હવે પચીસ વર્ષનું આયુષ્ય આપું છું. હવે ધર્મ-નિયમ બરાબર પાળજો અને સત્સંગ કરજો.’
શાસ્ત્રીજી મહારાજ તથા શ્રીજીમહારાજે તેમના દ્વારા આવાં અનેક ઐશ્વર્યોનું દર્શન કરાવ્યું છે. ગુરુહરિનો આવો અત્યંત રાજીપો અને ઐશ્વર્યો હોવા છતાં તેઓએ નીચામાં નીચી ટહેલ પણ કરી છે, દાસના દાસ થઈને સત્સંગ કર્યો છે.
મગનભાઈને પોતાનું અંતિમ દિવ્ય સુખ આપવા માટે જ શાસ્ત્રીજી મહારાજે તેમને સન 1951માં આફ્રિકાથી વિશાળ હરિભક્તોના સત્સંગ સમુદાય સાથે દેશમાં બોલાવ્યા હતા. અંતિમ ઘડી સુધી શાસ્ત્રીજી મહારાજે તેમને પોતાના સાંનિધ્યનું અપાર સુખ આપ્યું અને તા. 10-5-1951ના રોજ પોતાના પ્રાણ સંકેલી લીધા. મગનભાઈને આ આઘાત જીરવવો અસહ્ય હતો, પરંતુ શાસ્ત્રીજી મહારાજે આપેલા સુખની સ્મૃતિ કરતાં કરતાં તેઓ માંડ માંડ એ ઘા જીરવી શક્યા. પ્રાણપ્રિય ગુરુહરિની વિરહવેદના સાથે તેમણે શેષ જીવન કથાવાર્તાની કરેલી આજ્ઞામાં વિતાવવા માંડ્યું.
બરાબર એક વર્ષ પછી આફ્રિકામાં શાસ્ત્રીજી મહારાજના પ્રથમ શ્રદ્ધ-સ્મૃતિપર્વ નિમિત્તે યુગાન્ડામાં મ્બાલેમાં સમૈયો રાખેલો. મગનભાઈએ આફ્રિકાના તમામ હરિભક્તોને કાગળ લખાવરાવેલા કે આ સમૈયો કોઈ ચૂકતા નહીં. આ એક અલૌકિક સમૈયો થઈ ગયો. મગનભાઈએ રવિવાર તા. 7-9-’52ના એ દિવસે સાંજના ચાર કલાક ઉપરાંત સતત કથાવાર્તા મ્બાલેમાં કરી, શ્રોતાજનોને ભક્તિભાવમાં તરબોળ કરી દીધા. એવો દિવ્ય આનંદ લૂંટાવ્યો તે વખતે જે જે ભાગ્યશાળી જીવો હાજર હતા, તેઓ કહે છે કે, ‘આવી કથા તો તેમના મુખારવિંદ થકી આજદિન સુધી સાંભળી જ નથી.’ તે જ રાત્રે તેઓ ટરોરો જઈ પોઢ્યા અને સંવત 2008, ભાદરવા વદ 5, સોમવાર, તા. 8-9-1952ની સવારે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ બ્રાહ્મમુહૂર્તે ગુરુહરિની યાદમાં જ દેહ છોડી દીધો.
મગનભાઈ ઘણી વખત કહેતા કે ‘સ્વામિનારાયણના શિષ્યને મૃત્યુ એ અક્ષરધામ-ગમનનો ઉત્સવ છે. દેહ મરે છે પરંતુ આત્મા તો અક્ષરધામમાં જઈ સુખિયો બની શ્રીજીમહારાજની સેવામાં બેસી જાય છે. આ મંગલમય અવસર માટે શોક કરવાનો હોય જ નહીં. માટે મારા અક્ષરધામ-ગમન સમયે કોઈએ શોક કરવો નહીં, પરંતુ બેન્ડવાજાં સહિત અંતિમયાત્રા મનાવજો.’ અને, ખરેખર ! આફ્રિકાના સૌ હરિભક્તોએ તેમના શબ્દોને સંપૂર્ણ માન આપ્યું અને બેન્ડવાજાં સહિત અંતિમ યાત્રા મનાવી !
તેઓએ શાસ્ત્રીજી મહારાજને વચન આપ્યું હતું કે આફ્રિકાના હરિભક્તો ગઢપુરના મંદિરની જવાબદારી ઉપાડી લેશે. મગનભાઈના અક્ષરવાસ બાદ હરમાનભાઈ, ત્રિભોવનદાસ, સી. ટી. પટેલ, એ. પી. પટેલ સહિત તમામ હરિભક્તોએ જવાબદારી નિભાવી મંદિરનું કામ પૂર્ણ કર્યું.
માત્ર 51 વર્ષની જિંદગીમાં મગનભાઈએ અનેક જિંદગીઓનું સાટું વાળી દીધું. મહિમાના દિવ્ય મહાસાગરમાં મહાલતા મગનભાઈ સેવા-સત્સંગ-કથાવાર્તા વગેરેથી શાસ્ત્રીજી મહારાજની માળાના મણકા બની ગયા. આજે વિદેશમાં વ્યાપેલા વિરાટ બી.એ.પી.એસ. સત્સંગનું દર્શન કરતાં મગનભાઈની કૃતજ્ઞભાવે સ્મૃતિ થાય છે, જેઓ વિદેશમાં આ સત્સંગનું બીજ બન્યા હતા. વિદેશમાં સ્વામિનારાયણીય સત્સંગની ધજા લહેરાવનાર અને આદર્શ ભક્તરાજ એ મહાપુરુષને કોટિ કોટિ વંદન !