આંખો સામે જે દેખાતું હોય એના મૂળમાં શું હશે એ ખંગાળવાની જીજ્ઞાસા માનવને મોટી વૈજ્ઞાનિક શોધો કરવા ભણી દોરી ગઈ છે. એમાંથી જ ઈ.સ.૧૬૦૦ની આસપાસ સૂક્ષ્મદર્શક યંત્ર-માઈક્રોસ્કોપની શોધ થઈ. ૧૯૩૧માં અર્ન્સ્ટ રુસ્કાએ ઇલેકટ્રોન માઈક્રોસ્કોપ શોધતાં પરમાણુ અને શરીરના કોષોને નિહાળવાનું પણ શક્ય બન્યું. સદીઓ પૂર્વે ભારતના મહાન ઋષિઓએ યોગસાધના દ્વારા આવી જ સૂક્ષ્મ દ્રષ્ટિ મેળવી હતી. દ્રષ્ટિ સૂક્ષ્મ થાય તો એ માનવજાતના શ્રેયાર્થે ઉપયોગમાં આવે છે. પરંતુ નિરીક્ષણ ઊંડું થાય તો? નજર સામેના નજરિયાનું અલગ નિગાહથી અવલોકન કરી શકનાર અલગ પ્રકારની સૂક્ષ્મતા પામે છે, જેનો બીજાના ભલામાં ઉપયોગ કરી જાણનાર મહાપુરુષ કહેવાય છે.
વ્યક્તિત્વ વિકાસનું અને સમાજસેવાનું માર્ગદર્શન આપનારાં તમામ ભારપૂર્વક જણાવે છે કે હંમેશા દરેક બાબતનું સૂક્ષ્મ અવલોકન કરવું. એમાંનું એકપણ પુસ્તક ન વાંચી શકનાર કે એકપણ સેમિનાર ન ભરી શકનાર
માત્ર છ ચોપડી સુધીનો અભ્યાસ કરનાર પ્રમુખસ્વામી મહારાજ અલૌકિક અવલોકન શક્તિ ધરાવતા હતા એવો એમના સમાગમમાં આવનારને અવશ્ય અનુભવ થતો. આ દ્રષ્ટિ એમને ક્યાંથી સાંપડી એ સહુ માટે અચરજનો વિષય હતો. જો કે તેઓ પોતે તો એનું સંપૂર્ણ શ્રેય ગુરુકૃપાને જ આપતા. એકવાર એમણે કહેલું કે ‘ગુરુ શાસ્ત્રીજી મહારાજની કૃપાથી હું ગમે ત્યાં જઈને ઊભો રહું તો મને પાંચ મીનીટમાં ખબર પડી જાય કે અહીંયા શું કરવાની જરૂર છે!‘
પ્રમુખસ્વામીએ પોતાની પારલૌકિક નિરીક્ષણ શક્તિનો બે ક્ષેત્રોમાં ભરપૂર ઉપયોગ કરેલો- લોકસેવા અને પરાભક્તિ. વિશ્વપ્રસિદ્ધ લંડનના મંદિરની મૂર્તિઓ બનતી હતી. તેમાં તેમણે જ્યારે ગુરુ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ જોઈ કે તરત જ મૂર્તિ બનાવનાર ભક્તિનંદન સ્વામીને પૂછ્યું કે ‘આમાં કંઈ સુધારો કરવો જરૂરી લાગે છે?‘ અનુભવી મૂર્તિકારને કંઈ જ લાગ્યું નહીં. ત્યારે સ્વામીશ્રીએ એમને પોતાની આગળ બેસાડી એમનું મોઢું પકડીને પોતે જોતાં હતાં એ એન્ગલથી મૂર્તિ બતાવીને કહ્યું કે ‘બંને કાન એકસરખા નથી.‘ સિદ્ધહસ્ત કલાકારને પણ ત્યારે જ પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો.
અતિવ્યસ્તતાની વચ્ચે પણ પ્રમુખસ્વામી મહારાજનું નિરીક્ષણ અતિ કુશાગ્ર રહેતું. બે મહિના સુધી ચાલનારા ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્વતૈયારીઓના ઝડપી નિરીક્ષણ માટે સમયની કટોકટી વચ્ચે તેઓ નીકળ્યા ત્યારે પ્રદર્શન માટે બની રહેલી મૂર્તિઓમાં એકના ગળામાં કંઠી નહોતી તો એકને માથે શીખા નહોતી એ સુધારી લેવા એમણે કારીગરોને સૂચના આપી હતી. મુંબઈમાં નરનારાયણની મૂર્તિમાં નરને મૂછ હતી પણ નારાયણને નહોતી, એ એમની જ સૂક્ષ્મ નજર પકડી શકેલી અને તેમાં એમણે સુધારો કરાવેલો.
લોકસેવામાં કામ લાગનાર કોઈપણ વસ્તુ સારામાં સારી થાય એ માટે સ્વામીશ્રી પોતાની સમગ્ર આવડત કામે લગાડી દેતા. આણંદમાં મંદિરના ગેસ્ટ હાઉસનું ઉદઘાટન કર્યા બાદ તેઓ નિરીક્ષણ માટે નીકળ્યા. બધી રૂમોમાં ફરીને એમણે જાજરૂ-બાથરૂમ તથા પાણીના નળ વિગેરે બધું જ ચેક કર્યું. છેલ્લે વિદાય લેતી વખતે એમણે વ્હીલચેરમાં બેઠાંબેઠાં ૫૦ ફૂટ દૂરથી લગભગ અંધારામાં જ ઝાંખા દેખાતાં સીડીના એક જ પગથિયા તરફ આંગળી ચીંધીને કહ્યું કે ‘આ વધારે ઊંચું થઈ ગયું છે. સુધારજો, નહીં તો કોઈ પડશે.‘ એ જ રીતે કૃભકો સંકુલમાં બની રહેલ મંદિરમાં જરૂર કરતાં વધુ જાડા સળીયા વપરાયેલા- એ જોઈને એમણે ચીફ એન્જિનિયરને કારણ પૂછ્યું હતું. તેઓ સીવીલ એન્જીનીયર તો હતા જ નહિ, પરંતુ એમની નજર ડીગ્રીધારકોને માટે પણ પ્રેરણાદાયી હતી.
પ્રમુખસ્વામી મહારાજે ચીવટ અને સૂક્ષ્મ અવલોકન શક્તિથી નાનામાં નાના માણસોની નાનામાં નાની જરૂરિયાતો પૂરી કરી સેવા કરી હતી. તેઓ અમેરિકામાં વિચરણ કરી રહેલા ત્યારે તેમના ઉપર એક પત્ર ફરતો ફરતો આવી ચડ્યો. લખનારના અક્ષર એટલી હદે ગરબડીયા હતા કે કશું જ ઉકલતું નહોતું. પણ પ્રમુખસ્વામી કોનું નામ? એમણે પોસ્ટના સિક્કા ઉપરથી અંદાજ લગાવ્યો કે આ કાગળ હિંમતનગર પાસેના હિંગટીયા ગામથી આવેલો છે. પણ વિગત સમજાતી ન હોવાથી એમણે હિંમતનગર બાજુ વિચરણ કરતા સંતનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો. એમાં એક દિવસે પત્તો લાગ્યો. એ સંતને એમણે તે ગામે તપાસ કરવા મોકલ્યા કે આ લખનાર કોણ છે અને એની શી જરૂરિયાત છે. ત્યાં પૂછપરછ કરતાં ખબર પડી કે રેશ્મા પારધી નામના ગરીબ આદિવાસીએ આ પત્રમાં જણાવેલું કે એનો હેન્ડપંપ બગડી ગયો છે. સ્વામીશ્રીએ તરત જ નવો હેન્ડપંપ નખાવી આપ્યો. આટલી ચીવટ અને ધગશ હોય ત્યારે ઉત્કૃષ્ટ સમાજસેવા કેમ ના થાય?
સ્વામીશ્રી પોતાના સ્વયંસેવકોને પણ સેવાકાર્યમાં અતિ સૂક્ષ્મ દૃષ્ટિ રાખવાનું શીખવતા. તા.૧૧-૧૧-૦૭ના રોજ તેઓ રાજકોટ નજીકની સંસ્થાની વાડીની મુલાકાતે આવ્યા. ત્યાં એમણે કેવી પૂછપરછ કરી હતી તે જુઓ-‘(બાંધકામના કોન્ક્રીટના બ્લોક બનાવવાનું મશીન જોઈને પૂછ્યું) કેટલા બ્લોક બને છે? તે ક્યાં વપરાય છે? પાણીના રીઝર્વોયરની સાઈઝ કેટલી છે? વાડીમાં કેટલાં ફૂલો થાય છે? ગૌશાળામાં કઈ જાતનાં કેટલાં ઢોર છે? કેટલું દૂધ આવે છે? સવારે કેટલું અને સાંજે કેટલું?‘ જ્યારે નેતા પોતે આટલા સજાગ અને સક્રિય હોય ત્યારે અનુયાયીઓ પણ કેવાં સેવાભાવી તૈયાર થાય?
મહાન પુરુષોના જીવનમાંથી અનેક ઊચ્ચ પ્રકારના સદ્ગુણો શીખવા મળે છે. પરંતુ જો આપણે ફક્ત આવી નિરીક્ષણશક્તિ પણ કેળવી શકીએ તો આપણી આધ્યાત્મિક પ્રગતિની સાથે વ્યાવહારિક ક્ષેત્રે પણ અનેરી સફળતા નિશ્ચિત થઈ જાય.