આજના દિન-પ્રતિદિન વિકસતા સ્પર્ધાત્મક વાતાવરણમાં સફળતા માટે કાર્યકુશળતા અનિવાર્ય બની ગઈ છે. આજના વિદ્વાનોએ સ્વીકાર્યું છે કે સદીઓ પૂર્વે અવતારી પુરુષ અને મેનેજમેન્ટના સૌ પ્રથમ ગુરુ એવા શ્રીકૃષ્ણ ભગવાને ‘યોગ: કર્મસુ કૌશલમ્‘- આ ત્રણ જ શબ્દોમાં આની વ્યાખ્યા બાંધતાં ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે ‘કાર્યમાં પ્રમાણિક પુરુષાર્થ એ જ યોગ એટલે કે સાધના છે.‘
મેનેજમેન્ટના ક્ષેત્રમાં શિરમોર ગણાતી હાર્વર્ડ યુનિવર્સિટીના નિરંતર શિક્ષણ વિભાગે આ જ આદિ વ્યાખ્યાને વિસ્તારતાં કાર્યકુશળતાના ૧૦ અંગો પ્રસ્થાપિત કર્યા છે જેમાં તે સૌ પ્રથમ ક્રમે મૂકે છે- Analytical Thinking & Innovation- એટલે કે વિષ્લેષણાત્મક અને નવીનતાસભર વિચારસરણી. ધંધાકીય, રાજકીય કે ધાર્મિક- કોઈપણ ક્ષેત્રમાં જે નેતા આવી વિચારસરણી ધરાવે તે જ્વલંત સિદ્ધિના શિખરો હાંસિલ કરે એમાં કોઈ નવાઈ નથી. ધૂડી નિશાળની ૬ ચોપડીનો મામૂલી અભ્યાસ ધરાવતા પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના અદ્વિતીય ઉદઘોષકો એવા અક્ષરધામો, અનેક તબીબી અને શૈક્ષણિક સંકુલોની સાથે સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામનાર લંડનના મંદિર જેવા ૧૦૦૦ ઉપરાંત મંદિરો, ૧૨૦૦ સંતો અને લાખો હરિભક્તો તૈયાર કર્યા તે તેમની હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત નવીનતાસભર વિચારસરણીને આભારી છે. આ અતિ આશ્ચર્યકારક છે.
વિશ્વવિખ્યાત ગાંધીનગરના અક્ષરધામમાં એમની અનેરી વિચારશક્તિનો પરિચય થયો. અક્ષરધામને ફરતી પ્રદક્ષિણાના બે છેડા જ્યાં મુખ્ય પ્રવેશદ્વાર આગળ ભેગા થાય ત્યાં એનો અંત કેવી રીતે લાવવો એ અંગે મોટા ગજાના આર્કિટેક્ટ્સ અને અન્ય વિચારકો ખૂબ મથામણ કરી રહ્યા હતા. સાત મહિના પછી પણ કોઈ નિર્ણય થઈ શક્યો નહોતો. જો ત્યાં મોટો ગેટ મૂકવામાં આવે તો અક્ષરધામનો દેખાવ દબાઈ જાય અને ન મૂકવાથી પરિક્રમા અધૂરી છોડી દીધેલી લાગે. આ મૂંઝવણ પ્રમુખસ્વામી મહારાજ આગળ રજૂ કરવામાં આવી. તેઓ બીજે દિવસે સ્થળ ઉપર આવીને ઉભા રહ્યા અને સહજ રીતે જ બોલવા લાગ્યા, ‘પરિક્રમાની દિવાલના બે છેડા ભેગા કરવાને બદલે ખુલ્લા જ છોડી દો. પરિક્રમાની જ ઉંચાઇનું એક પોડીયમ વચ્ચોવચ બનાવો અને એને જોડી દઇને પરિક્રમાને સળંગ ચાલુ રાખો. આ પોડીયમને પાર કરવા માટે બંને બાજુ પગથિયાં તથા ઢાળ મૂકો. અક્ષરધામની બરાબર સામે કોઈ ગેટ ન મૂકો પરંતુ માત્ર બે લેમ્પ-પોસ્ટ મૂકો.‘ સ્વામીજીએ આ પહેલી એટલી સરસ રીતે સુલઝાવી દીધી કે બધાના મોઢામાંથી સાશ્ચર્ય ઉદગારો સરી પડ્યા કે ‘મીલીયન ડોલર્સ ડીસીઝન‘ (લાખો ડોલરનો નિર્ણય). આજે પણ ઉચ્ચ કક્ષાના આર્કિટેક્ટ્સ આ નિર્ણયના લીધે સંકુલને મળેલી શોભા નિહાળીને મુગ્ધભાવે વંદન કરે છે.
લંડનમાં મંદિર માટે જુદી જુદી ૨૮ જમીનો જોવામાં આવેલી. છેવટે એક જમીન ઉપર પ્રમુખસ્વામી મહારાજે ખાતમુહૂર્ત પણ કર્યું. એ ખાતવિધિમાંથી પાછા ફરતાં એમની ગાડી હાલ જ્યાં મંદિર છે ત્યાંથી પસાર થઈ. એમણે આ જમીન જોઈને એ જ ક્ષણે નિર્ણય લીધો કે આપણે અહીં જ મંદિર કરવું છે. સવારે ખાતવિધિ કરેલ જમીન પરત કરીને સાંજથી જ એમણે આ નવી જમીનના સંપાદનના ચક્રો ગતિમાન કર્યાં. લોકો તો સાશ્ચર્ય જોઈ જ રહ્યા કે આ શું ચાલે છે! પરંતુ એમના આ નિર્ણયે લંડન મંદિરને વિશ્વકક્ષાએ પહોંચાડી દીધું.
એક વખત સ્વામીજી સંસ્થાના સેક્રેટરી હરીશભાઈ દવે સાથે દોઢ કલાક બેઠા. એમાં ૮૫ ગુંચવણભર્યા પ્રશ્નો રજૂ થયા, જેમાંથી ૩૨ મુદ્દાઓ તો નીતિવિષયક અને ગહન ચર્ચાવિચારણાને યોગ્ય હતા. પણ સ્વામીજીએ અતિ નિષ્ણાત એડવોકેટની અદાથી તમામ મુદ્દાઓના સચોટ નિર્ણયો એ જ વખતે આપી દીધા.
પ્રમુખસ્વામી મહારાજે પરદેશમાં એક મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા કરી, ત્યાર પછીની ટ્રસ્ટી બોર્ડની પહેલી જ મિટિંગમાં એમણે નિર્ણય આપ્યો કે મંદિરનો સભા હોલ અન્ય સંસ્થાઓને મિટિંગો કે શિબિરો કરવા ભાડે ન આપવો. મંદિરને થનાર આવક જતી કરવા માટેનો આ નિર્ણય કોઈને ગમ્યો નહીં પરંતુ બધાએ આજ્ઞા માથે ચડાવી. આના નવ વર્ષ બાદ એવું થયું કે અન્ય કોઈ ધાર્મિક સંસ્થાએ પોતાનો હોલ કોઈને ભાડે આપેલો- એમાં થયેલ સભામાં તે દેશના હિત વિરુદ્ધની વાતો થઈ હતી. આ બાબતને લઈને એ દેશની પાર્લામેન્ટમાં ઘણો ઉહાપોહ થયો. તમામ ધાર્મિક સંસ્થાઓ કે જે પોતાનો હોલ ભાડે આપતી હોય અને એમાં દેશ વિરુદ્ધની વાતો થવાની સંભાવના હોય એ બધાં ઉપર કાયદેસર કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. એમાં BAPS સંસ્થાનું નામ પણ જોડવામાં આવ્યું હતું. પરંતુ એ નામ તરત કાઢી નાખવું પડ્યું, કારણકે BAPS સંસ્થા પોતાનો હોલ ભાડે આપતી નહોતી, જેના પૂરાવાઓ પણ હતા. પ્રમુખ સ્વામીની કુનેહ અને દૂરંદેશીથી કેવું ભારે વિઘ્ન ટળી ગયું એની ત્યારે જ બધાને પ્રતીતિ થઈ.
પ્રમુખસ્વામી મહારાજ સાથે વર્ષો લગી રહીને એમને વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન કરતાં નજરે જોનાર સંતો અને કાર્યકરોને આજે પણ એ વાતનું આશ્ચર્ય રહ્યું છે કે આ એક જ વ્યક્તિમાં મેનેજમેન્ટ, વહીવટ, કાયદાકીય, એકાઉન્ટિંગ, આર્કિટેક્ચર, બાંધકામ, ખેતીવાડી, ગૌશાળા, રસોડું, મૂર્તિકળા, શણગાર, શિલ્પશાસ્ત્ર, વાહનો, સાહિત્ય, સંગીત, ધર્મશાસ્ત્રો, મહોત્સવનાં આયોજનો, સમાજસેવાનાં કાર્યોનાં આયોજનો - આ તમામનું ઊંડું જ્ઞાન અને કાર્ય-કૌશલ એકસાથે કઈ રીતે સમાયાં હશે ?! ખરેખર તેઓ કુશળ કર્મયોગી હતા.