લાગણી. સૃષ્ટિના સર્જનહારે માનવીને આપેલ અનુપમ ભેટ. માણસને જાનવરમાંથી મનુષ્ય બનાવનાર તત્વ. મનોચિકિત્સક રોબર્ટ વોલ્ડીંગરની સંસ્થાએ ૭૫ વર્ષ સુધી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જેવી ૭૨૪ નાની-મોટી વ્યક્તિઓના જીવનનો અભ્યાસ કરીને તારણ કાઢ્યું છે કે વધારે માણસો સાથે સારી રીતે લાગણીથી જોડાયેલાં માણસો વધુ સુખી અને તંદુરસ્ત રહ્યાં છે.
પ્રેરણાત્મક વાતો કરનારાં બધાં જ લેખકો અચૂકપણે અન્ય સાથેના વ્યવહારમાં લાગણીને પ્રાધાન્ય આપવાનો ઉપદેશ આપતાં રહ્યાં છે. એમાંનું એકપણ પુસ્તક જીંદગીમાં ન વાંચી શકનાર અને માત્ર છ ચોપડીનો સાધારણ અભ્યાસ ધરાવનાર પ્રમુખસ્વામી મહારાજે લાખોના હૃદયમાં પ્રેમભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું એ અચરજ જેવું લાગે, પરંતુ ઊંડાણપૂર્વક વિચારતાં ખ્યાલ આવે છે કે તેઓ લોકોની લાગણીઓને સારી રીતે સમજી શકતા હતા, અને એનું સાચી દિશામાં સંવર્ધન કરી શકતા હતા, આથી આ શક્ય બન્યું હતું.
પ્રમુખસ્વામી મહારાજ પાસે લોકો સાથે જોડાયેલા રહેવાનું મુખ્ય સાધન હતું- પત્રવ્યવહાર. (ફોન જેવાં સાધનોનો ઉપયોગ તેઓ થોડા સમય માટે જ કરી શકેલા.) લોકોની લાગણીઓ પત્રોરૂપે અસંખ્ય ઝરણાં બનીને એમના તરફ વહેવા લાગી તો એમણે આષાઢી મેઘ બનીને પ્રતિસાદ આપવા માંડ્યો. દરરોજ સરેરાશ આવતા ૫૦થી વધુ પત્રોનો તેઓ કોઈ કોમ્પ્યુટર કે ટેબલ-ખુરશીનો પણ ઉપયોગ કર્યા વિના હાથે લખીને જવાબ આપતા રહ્યા. દરરોજના ૩ થી ૫ ગામોનું વિચરણ, અપાર શ્રમ, અસીમ અસુવિધાઓ કે મસમોટા કાર્યોનો ભાર એમના પત્રપ્રવાહને સહેજે ય ખાળી શક્યાં નહિ.
લાગણીઓ વિસ્તારમાં કે વજનમાં માપી શકાતી નથી. પરંતુ એમણે વહાવેલી લાગણીઓ પત્રોરૂપી ભૌતિક સ્વરૂપે હયાત છે કે જેને માપી અને જોખી શકાય. કોઈ સિદ્ધહસ્ત લેખક જીવનમાં ૫૦૦ પાનાંની એક એવી ૧૦૦ નવલકથાઓ લખે તો ૫૦,૦૦૦ પાનાં લખાય- તો પ્રમુખસ્વામીએ લખેલા પત્રોનો આંકડો અધધ ૭,૫૦,૦૦૦ને પાર કરી ગયો છે. તેઓ A5 સાઈઝના કાગળ વાપરતા, અને સરેરાશ એક પાનું લખતા- આને ભૂમિતિના ચશ્માથી જોઈએ: એમણે લખેલા કાગળોને જો જમીન ઉપર લગોલગ ગોઠવી દેવામાં આવે તો કેટલા વિસ્તારમાં આ પથારો પથરાય, કલ્પનામાં આવે છે? લગભગ ૫.૮ એકર ! અને એટલા કાગળોનું વજન કેટલું થાય? લગભગ ૧,૭૬૭ કિલોગ્રામ ! એમણે લખેલ શબ્દોને સીધી લીટીના રૂપમાં ખેંચવામાં આવે તો અંદાજે અમદાવાદથી હરિદ્વાર સુધીની કે ન્યૂ યોર્કથી ડેટ્રોઇટ સુધીની લાંબી લીટી થાય. જો કે આ તો કાગળનાં માપ છે, આ કાગળોમાં વહેલા એમના અમાપ અને અગાધ પ્રેમના નહીં.
એમના ઉપર આવતા આ જથ્થાબંધ પત્રોમાં શું આવતું અને તેઓ જવાબમાં શું લખતા? તેઓ ધર્મગુરુ હતા એટલે સ્વાભાવિક રીતે આધ્યાત્મિક માર્ગદર્શન માટે લોકો એમને પત્રો લખતાં. પરંતુ સંસારી જીવોને માટે વ્યાવહારિક ગૂંચ શ્વાસ રૂંધનારી હોય છે. આથી ‘બળતો જળતો આત્મા સંત સરોવર જાય‘ -એ ન્યાયે લોકો એમની પાસે વ્યાવહારિક પ્રશ્નોના ઉકેલ અને સારા-માઠા પ્રસંગોએ આશીર્વાદ માગતાં. ત્વરિત પ્રત્યુતર લખવા એ એમની ખાસિયત હતી. મહિલાઓના પત્રોના જવાબો આપવામાં તેઓ હરિભક્તોની સેવા લેતા. તેઓ હંમેશા કોઈપણ પ્રશ્નને સુલઝાવવા માટે આધ્યાત્મિક સમજણનો જ ઈલાજ બતાવતા.
પોતે નિતાંત ધાર્મિક પુરુષ હોવા છતાં લોકોના વ્યાવહારિક જીવનમાં તેઓ શા માટે અને કઈ રીતે સચોટ માર્ગદર્શન આપી શકતા? અમેરિકાના પ્રો. રેમન્ડ વિલિયમ્સના આવા પ્રશ્નનો ઉત્તર એમણે આ રીતે આપ્યો હતો ‘અમે લોકોના વ્યવહારમાં રસ લઈએ તો પ્રેમનો સેતુ બંધાય અને એ ભગવાનની વધારે નજીક આવે. તેમને ધંધા વિગેરેમાં આગળ વધારવાનો મુખ્ય હેતુ નથી, પરંતુ તેમને પ્રેમથી ભગવાનમાં જોડવા, શાશ્વત મુક્તિ તરફ લઈ જવા એ હેતુ છે. અમે લોકોના પ્રશ્નોને ભગવાનના ચરણે ધરી દઈએ છીએ અને ભગવાનની પ્રેરણા થાય છે એ મુજબ જવાબ આપીએ છીએ.‘
પ્રેમના પ્રતિબિંબ સમા એમના એક-એક પત્રમાં વિવિધતાઓ કેટલી હતી? સગાંઓના આગ્રહથી અમેરિકા જઈ રહેલ મિતેશને એમણે કહ્યું હતું કે ‘તારે મને દર મહિને પત્ર લખવો. જો તું નહીં લખે તો હું તો તને લખીશ જ.‘- આ વચન નિભાવતાં એમણે ૩ વર્ષ લગી ભારે વિચરણમાંથી સમય કાઢીને દર મહિને ૧૫-૨૦ પાનાંના આધ્યાત્મિક જ્ઞાનસભર પત્રો લખેલા. તો વળી ‘કૂવો ક્યાં ખોદવો, બીમારી મટતી નથી તો શું કરવું, ધંધો કરવો કે નહીં, અભ્યાસમાં કઈ લાઈન લેવી, નવું મકાન લેવું કે નહિ, સંતાનના લગ્ન અમુક જગ્યાએ કરવા કે નહીં, આંદોલન ફાટી ન નીકળે અને શાંતિ રહે એ માટે શું કરવું‘ -આ પ્રકારના ક્યારેક ગંભીર તો ક્યારેક બાલિશ લાગતાં પ્રશ્નોના ઉત્તરો પણ તેઓ ભગવાનની ભક્તિ કરતાં હોય એવા ભાવથી આપતાં રહેલા. અરે, ઉત્તર મેળવનારને એની કલ્પના પણ આવે એમ નહોતી કે આ પત્ર લખતી વખતે સ્વામીશ્રીની પરિસ્થિતિ કેવી હશે- કે તેમને હ્રદયનો દુ:ખાવો ચાલુ છે, અથવા ટ્રેક્ટર કે ગાડામાં બેસીને હડદોલાં ખાતાં ખાતાં લખી રહ્યા છે, કે રાતે ૧ વાગે ઝાંખા અજવાળે ઉજાગરો વેઠી રહ્યા છે, કે બે મુલાકાતોની વચ્ચેથી અડધી મિનિટ ચોરી લઈને લખી રહ્યા છે, કે પછી હજારોની તાદાતમાં પોતાના સન્માન માટે ઉમટી પડેલાં ભાવિકો સામું તેઓ જોતાં નથી પરંતુ સુશોભિત આસનપર બેસીને તેઓ મને યાદ કરતાં કલમ ચલાવી રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજ જેવા સુહ્રદયી સંતોની લોકો પ્રત્યેની લાગણીઓના ઊંડાણનો તાગ મેળવવા માટે પત્રો જેવા કોઈપણ સાધનોના માપ ટૂંકા પડી જાય એમ છે.